નિર્ગમન 9
1ત્યારે યહોવાહે મૂસાને કહ્યું, “ફારુનની પાસે જા અને તેને કહે કે, હિબ્રૂઓના ઈશ્વર યહોવાહ એમ કહે છે કે, ‘મારા લોકોને મારું ભજન કરવા જવા દે.’
2હજુ પણ જો તું ના પાડશે અને તેઓને રોકી રાખશે તો ધ્યાનથી સાંભળી લે,
3હું યહોવાહ, ખેતરનાં તારાં જાનવરો એટલે ઘોડાઓમાં, ગધેડાંઓમાં, ઊંટોમાં, ગાયબળદોમાં અને ઘેટાંબકરાંઓમાં ભારે રોગચાળો ફેલાવીશ અને તને સજા કરીશ.
4પરંતુ હું યહોવાહ ઇઝરાયલીઓના અને મિસરનાં જાનવરો વચ્ચે ભેદભાવ રાખીશ. જેથી ઇઝરાયલીઓનું એક પણ જાનવર મરશે નહિ.”
5“હું યહોવાહ આવતી કાલે આ દેશમાં એનો અમલ કરીશ.”
6અને બીજે દિવસે સવારે મિસરમાં ઈશ્વરે પોતાના કહ્યા પ્રમાણે કર્યું, મિસરીઓનાં બધાં જાનવર મરી ગયાં પરંતુ ઇઝરાયલીઓનું એક પણ જાનવર મર્યું નહિ.
7ફારુને પોતાના માણસોને તપાસ કરવા મોકલ્યા કે ઇઝરાયલના લોકોનું એકે જાનવર મર્યું છે કે નહિ. તપાસ દ્વારા તેને જણાવવામાં આવ્યું કે ઇઝરાયલીઓનું એક પણ જાનવર મર્યું નથી. આટલું થયા છતાં ફારુને હઠાગ્રહ ચાલુ રાખ્યો. તેણે લોકોને જવા દીધા નહિ.
8યહોવાહે મૂસા અને હારુનને કહ્યું, “તમારા હાથમાં ભઠ્ઠીમાંથી મુઠ્ઠીઓ ભરીને રાખ લો અને મૂસા ફારુનના દેખતાં તેને હવામાં ઊંચે ઉડાડે.
9એ રાખની ઝીણી રજકણો આખા મિસર દેશમાં ફેલાઈ જશે. તેની અસરથી સમગ્ર મિસરના માણસો અને જાનવરોને શરીરે ગૂમડાં ફૂટી નીકળશે.”
10એટલે મૂસા અને હારુને ભઠ્ઠીમાંથી રાખ લીધી. પછી ફારુનની આગળ ઊભા રહીને મૂસાએ આકાશ તરફ રાખ ઉડાડી. તેના ફેલાવાથી માણસોને અને જાનવરોને ગૂમડાં થયાં.
11મિસરના જાદુગરો મૂસાને આવું કરતાં રોકી શક્યા નહિ, કારણ કે જાદુગરોને તથા બધા જ મિસરના લોકોને ગૂમડાં ફૂટી નીકળ્યાં હતાં.
12પરંતુ યહોવાહે ફારુનનું હૃદય હઠીલું બનાવ્યું. અને તેમણે કહ્યું હતું તે પ્રમાણે ફારુને મૂસાની અને હારુનની વાત સાંભળી નહિ.
13પછી યહોવાહે મૂસાને કહ્યું, “સવારમાં વહેલો ઊઠીને ફારુન પાસે જજે. અને તેને કહેજે કે, હિબ્રૂઓના ઈશ્વર યહોવાહ એવું કહે છે કે, ‘મારા લોકોને મારું ભજન કરવા જવા દે.’
14જો તું નહિ જવા દે તો હું મારી બધી મરકીઓ તારા પર, તારા સરદારો પર અને તારા લોકો પર મોકલીશ. ત્યારે તને ખબર પડશે કે જગતમાં મારા જેવો અન્ય કોઈ ઈશ્વર નથી.”
15જો અત્યાર સુધીમાં મેં, તારા પર અને તારી પ્રજા પર મરકી મોકલીને તને સજા કરી હોત તો તું ભૂમિ ઉપરથી નષ્ટ થઈ ગયો હોત.
16પણ મેં તને એટલા માટે જીવતો રાખ્યો છે કે હું તને મારું પરાક્રમ બતાવું. અને સમગ્ર પૃથ્વી પર મારું નામ પ્રગટ થાય.
17શું તું હજુ પણ મારા લોકોની વિરુદ્ધ છે? તું મારા લોકો સાથે પોતાને ઊંચો રાખીને તેઓને જવા દેતો નથી?
18યાદ રાખજે, આવતી કાલે આ જ સમયે હું ભારે કરાનો એવો વરસાદ વરસાવીશ કે મિસરની સ્થાપનાથી આજ સુધી એવા કરા મિસરમાં કદીય વરસ્યા નથી.
19એટલે અત્યારે જ માણસો મોકલીને તારાં જાનવરોને તથા ખેતરમાં જે કોઈ હોય તે બધાંને સુરક્ષિત જગ્યાએ મંગાવી લેજે. કારણ જે કોઈ માણસ કે જાનવર ખેતરમાં હશે અને તેઓને ઘરમાં લાવવામાં આવ્યાં નહિ હોય, તેઓના પર કરા વરસશે અને તેઓ મરણ પામશે.
20ફારુનના કેટલાક અમલદારો યહોવાહની આ વાણી સાંભળીને ગભરાઈ ગયા. તેઓએ જલ્દીથી પોતાના ચાકરોને અને જાનવરોને ઘરમાં લાવી દીધાં.
21પણ જેઓએ યહોવાહની વાણીને ધ્યાનમાં લીધી નહિ તેઓએ પોતાના ગુલામોને અને જાનવરોને ખેતરમાં જ રહેવા દીઘાં.
22યહોવાહે મૂસાને કહ્યું, “તારા હાથ આકાશ તરફ લંબાવ, જેથી આખા મિસર દેશમાં માણસો, જાનવરો અને ખેતરની બધી વનસ્પતિ પર કરા પડે.”
23પછી મૂસાએ પોતાની લાકડી આકાશ ભણી ઊંચી કરી એટલે યહોવાહે ભારે ગર્જના સાથે જમીન પર કરા વરસાવ્યા. તે સાથે પૃથ્વી પર અગ્નિ ધસી આવ્યો અને આખા મિસર દેશ પર કર તૂટી પડયા.
24વરસતા કરાની સાથે વીજળી ઝબકારા મારતી હતી. મિસર દેશ સ્થપાયો ત્યારથી આજસુધી કદી ન પડયો હોય એવો ભારે કરાનો વરસાદ આખા દેશમાં પડયો.
25તેને લીધે મિસરના ખેતરોમાંની તમામ વનસ્પતિ અને પાકનો નાશ થઈ ગયો. અને કરાના કારણે આખા મિસર દેશમાં જે માણસો, જાનવરો, તથા ખેતરોમાં જે કાંઈ હતું તે બધાનો નાશ થયો. કરાએ ખેતરોમાંના દરેક છોડને તેમ જ ઝાડને નષ્ટ કર્યા.
26ફક્ત ગોશેન પ્રાંતમાં કે જ્યાં ઇઝરાયલીઓ રહેતા હતા ત્યાં કરા પડયા નહિ.
27પછી ફારુને મૂસા અને હારુનને બોલાવીને તેઓને કહ્યું, “આ વખતે મેં પાપ કર્યુ છે, યહોવાહ ન્યાયી છે. હું તથા મારી પ્રજા અપરાધી છીએ.
28તમે યહોવાહને અરજ કરો, કારણ કે આ કરા અને ભયંકર ગર્જનાથી અમે ત્રાસી ગયા છીએ. હું તમને જવા દઈશ, હવે તમારે અહીં રોકાવું નહિ પડે.”
29મૂસાએ ફારુનને કહ્યું, “હું નગરમાંથી બહાર જઈશ. ત્યારે હું પ્રાર્થના માટે યહોવાહની આગળ મારા હાથ લંબાવીશ. એટલે તરત વીજળીના કડાકા બંધ થઈ જશે. અને કરા પડવાનું પણ અટકી જશે. આ પરથી તને ખબર પડશે કે આખી પૃથ્વી પ્રભુની છે.
30પણ હું જાણું છું કે તું અને તારા અમલદારો તથા લોકો હજુ પણ યહોવાહથી ડરવાના નથી. અને તેમનું સન્માન પણ કરવાના નથી.”
31શણ અને જવનો ઘાણ વળી ગયો. કારણ કે જવ ઊગી નીકળ્યા હતા અને શણને ફૂલ બેઠાં હતાં.
32પરંતુ ઘઉં અને કઠોળ નષ્ટ થયા નહિ કારણ કે તેને પાકવાની વાર હતી.
33મૂસા ફારુનને છોડીને નગર બહાર આવ્યો. અને તેણે યહોવાહ સમક્ષ પોતાના હાથ લંબાવીને પ્રાર્થના કરી. એટલે કડાકા અને કરા બંધ થઈ ગયા.
34પછી જ્યારે ફારુને જોયું કે વર્ષા, કરા અને કડાકા બંધ થઈ ગયા એટલે ફરીથી તેણે અને તેના સરદારોએ પોતાના હૃદય હઠીલાં કર્યા.
35ફારુને ઇઝરાયલ લોકોને મુક્ત રીતે જવા દેવાની ના પાડી દીધી. યહોવાહે મૂસાને કહ્યું હતું તે પ્રમાણે જ થયું. ફારુન પાછો હઠે ભરાયો.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath