નિર્ગમન 4
1ત્યારે મૂસાએ ઈશ્વરને જણાવ્યું, “પ્રભુ હું ઇઝરાયલના લોકોને કહીશ કે યહોવાહે મને મોકલ્યો છે, ત્યારે તેઓ મારા કહેવા પર વિશ્વાસ નહિ કરે અને કહેશે કે, “યહોવાહે તને દર્શન દીધું નથી.”
2પરંતુ યહોવાહે મૂસાને કહ્યું, “તારા હાથમાં શું છે?” મૂસાએ જવાબ આપ્યો, “લાકડી.”
3ત્યારે યહોવાહે કહ્યું, “તારી લાકડીને જમીન પર નાખ.” એટલે મૂસાએ લાકડી જમીન પર નાખી, ત્યારે તે બદલાઈને સાપ બની ગઈ. તે જોઈને મૂસા બી ગયો અને ત્યાંથી ખસી ગયો.”
4પરંતુ યહોવાહે મૂસાને કહ્યું, “તું સાપની આગળ જા અને તારા હાથથી તેને પૂંછડીથી પકડી લે.” એટલે મૂસાએ સાપને પકડ્યો ત્યારે તેના હાથમાં સાપની લાકડી બની ગઈ.
5તેથી યહોવાહે કહ્યું, “તારી લાકડીનો આ પ્રમાણે ઉપયોગ કરજે, એટલે લોકોને વિશ્વાસ બેસશે કે તેઓના પિતૃઓના ઈશ્વર પ્રભુએ એટલે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના ઈશ્વરે તને દર્શન દીધું છે.”
6વિશેષમાં યહોવાહે તેને કહ્યું, “હું તને બીજો ચમત્કાર બતાવું છું. તારો હાથ તેં પહેરેલા ઝભ્ભા નીચે છાતી પાસે મૂક.” તેમ કર્યા પછી મૂસાએ જ્યારે હાથ પાછો બહાર કાઢયો ત્યારે તેનો હાથ કુષ્ટરોગથી બરફ જેવો સફેદ થઈ ગયો હતો.
7પછી યહોવાહે મૂસાને કહ્યું, “તારો હાથ પાછો ઝભ્ભા નીચે છાતી પર મૂક.” એટલે તેણે તે પ્રમાણે કર્યું, પછી જયારે તેણે હાથ બહાર કાઢયો ત્યારે તે હાથ અગાઉના જેવો દુરસ્ત થઈ ગયો હતો.
8પછી યહોવાહે કહ્યું, “જો લોકો લાકડીના ચમત્કારની નિશાની પછી પણ તારું કહેવું નહિ માને તો આ બીજા ચમત્કારની નિશાનીથી તેઓ તારા પર ભરોસો કરશે.
9વળી જો આ બે ચમત્કારો બતાવ્યા પછી પણ તેઓ તારી વાત ના સાંભળે, તો તું નીલ નદીમાંથી થોડું પાણી લઈને જમીન પર ઢોળજે, ત્યાં તે પાણી રક્ત થઈ જશે.”
10પરંતુ મૂસાએ યહોવાહને કહ્યું, “હે પ્રભુ યહોવાહ, હું સાચું કહું છું કે, હું કોઈ સારો વક્તા નથી. હું લોકો સાથે કુશળતાપૂર્વક વાત કરવાની ક્ષમતા ધરાવતો નથી. તમારી સાથે વાતચીત થઈ તે પછી પણ હું બોલવામાં મંદ છું. મારી જીભ બરાબર ચાલતી નથી.”
11ત્યારે યહોવાહે તેને કહ્યું, “માણસનું મુખ કોણે બનાવ્યું છે? તેને મૂક કે બધિર અને તેને અંધ કે નિહાળી શકતો કોણ બનાવે છે? અને માણસને દેખતો કે અંધ કોણ બનાવે છે? આ બધું હું જ કરી શકું છું. હું યહોવાહ છું.
12માટે હવે જા, તારા મુખમાં હું શબ્દો મૂકીશ અને તારે શું કહેવું તે હું તને શીખવીશ.”
13છતાં મૂસાએ કહ્યું, “હે પ્રભુ યહોવાહ, કૃપા કરીને મારા સિવાય બીજા કોઈને મોકલો, મને નહિ.”
14આવા અનાદરને લીધે યહોવાહ મૂસા પર ખૂબ ગુસ્સે થયા અને કહ્યું, “તારી સાથે હું તારા ભાઈ હારુન લેવીને મોકલીશ. તે કુશળ વક્તા છે. વળી જો, તે તને મળવા આવી રહ્યો છે, તને જોઈને તેનું હૃદય આનંદ પામશે.
15તું તેની સાથે વાત કરજે અને શું કહેવાનું છે તે તેને શીખવજે. હું તમારા બન્નેના મુખમાં વાણી મૂકીશ અને તમો બન્નેએ શું કરવાનું છે તે તમને શીખવીશ.
16તે તારા વતી લોકોની સાથે વાત કરશે. તે તારું મુખ બનશે અને તું તેને માટે ઈશ્વરને ઠેકાણે થશે.
17માટે હવે આ તારી લાકડી સાથે લઈ જા. એના વડે તું ચમત્કારો કરી બતાવજે.”
18પછી ત્યાંથી મૂસા પોતાના સસરા યિથ્રો પાસે પાછો આવ્યો અને તેને કહ્યું, “કૃપા કરીને મને મારા લોકો પાસે મિસરમાં પાછો જવા દે.” હું જોવા માગું છું કે તેઓ હજી હયાત છે કે નહિ! યિથ્રોએ તેને કહ્યું, “શાંતિથી જા.”
19મૂસા મિદ્યાનમાં હતો, ત્યારે ઈશ્વરે તેને કહ્યું, “તું મિસરમાં જા. હવે ત્યાં તારે માટે કશું જોખમ નથી. કેમ કે જે લોકો તને મારી નાખવા માટે શોધતા હતા તેઓ બધા મૃત્યુ પામ્યા છે.”
20આથી મૂસા પોતાની પત્ની અને પુત્રોને ગધેડા પર બેસાડીને પાછો મિસર જવા રવાના થયો. તેણે ઈશ્વરની લાકડી પોતાની સાથે રાખી.
21રસ્તામાં યહોવાહે મૂસાને કહ્યું, “મિસરમાં પહોંચ્યા પછી મેં જે ચમત્કારો તને નિશાની તરીકે બતાવ્યા છે તે તું ફારુન સમક્ષ કરી બતાવજે. પણ હું તેને હઠાગ્રહી બનાવી દઈશ એટલે તે તારા લોકોને જવા દેશે નહિ.
22તે વખતે તું ફારુનને કહેજે: ‘યહોવાહ કહે છે કે: ઇઝરાયલ મારો જયેષ્ઠ પુત્ર છે
23અને મેં તને કહ્યું છે કે, “મારા પુત્રને મારી ભક્તિ કરવા માટે જવા દે.” અને જો તું તેને જવા દેવાની ના પાડશે, તો હું તારા જયેષ્ઠ પુત્રને મારી નાખીશ.’”
24મૂસા મિસર તરફ મુસાફરી કરી રહ્યો હતો ત્યારે એક સ્થળે તેણે મુકામ કર્યો, ત્યાં યહોવાહ તેને મળ્યા અને તેને મારી નાખવાનું ઇચ્છા કરી.
25પણ સિપ્પોરાહએ ચકમકનો એક ધારદાર પથ્થર લઈને તેના વડે પોતાના પુત્રની સુન્નત કરી. તેની ચામડી મૂસાના પગે અડકાડીને તેણે કહ્યું, “ખરેખર તું તો મારા લોહીનો વર છે.”
26તેથી યહોવાહે મૂસાને જતો કર્યો. ત્યારે સિપ્પોરાહએ કહ્યું, “સુન્નતના કારણથી તું મારે માટે લોહીનો વર છે.”
27યહોવાહે હારુન સાથે વાત કરી હતી અને તેને કહ્યું હતું, “અરણ્યમાં જા અને તારા ભાઈ મૂસાને મળ.” તેથી હારુન ઈશ્વરના પર્વત પર જઈને તેને મળ્યો અને ભેટ્યો.
28મૂસાએ પોતાને યહોવાહે જે બાબત કહી હતી અને જે ચમત્કારો બતાવવાનું જણાવ્યું હતું તેની માહિતી તેને આપી.
29મૂસા અને હારુન મિસરમાં ગયા અને ત્યાં ઇઝરાયલીઓના લોકોના બધા વડીલોને એકત્રિત કર્યાં.
30અને યહોવાહે મૂસાને કહેલી સર્વ વાતો હારુને તેઓને કહી સંભળાવી તથા મૂસાએ તેઓની સમક્ષ ચમત્કાર કરી બતાવ્યા.
31લોકોએ વિશ્વાસ કર્યો કે યહોવાહે જ તેઓને મોકલ્યા છે. વડીલોએ સાંભળ્યું અને તેઓ સમજ્યા કે ઈશ્વરે પોતાના લોક ઇઝરાયલની ખબર લીધી છે અને તેઓનાં દુઃખ જોયાં છે, ત્યારે તેઓએ શિર ઝુકાવીને યહોવાહની સ્તુતિ કરી.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath