નિર્ગમન 39
1પવિત્રસ્થાનમાં સેવા કરતી વખતે લોકોએ ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના ઝીણાં વસ્ત્રો બનાવ્યાં. યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તે મુજબ તેમણે હારુનને માટે પવિત્ર વસ્ત્રો બનાવ્યાં.
2તેણે સોનાનો, ભૂરા, જાંબુડા, કિરમજી અને લાલ ઊન તથા ઝીણા કાંતેલા શણનો એફોદ બનાવ્યો.
3સોનાને ટીપીને બસાલેલે સોનાના પાતળાં પટ્ટીઓ બનાવ્યાં અને તેને કાપીને તેના તાર બનાવ્યાં. આ તાર ભૂરા, જાંબુડા, કિરમજી રંગના ઊન, અને બારીક શણથી બનાવવામાં આવ્યા. આ કાર્ય એક બહુ જ કુશળ કારીગરનું હતું.
4તેઓએ એફોદને ખભે બાંધવાના પટા બનાવીને તેની બે બાજુએ જોડી દીધા, જેથી તે બાંધી શકાય.
5એફોદનો ચતુરાઈથી વણેલો જે પટકો તેને બાંધવા સારુ તેના પર હતો, તે તેની સાથે સળંગ હતો તથા તેવી જ બનાવટનો હતો; એટલે સોનાનો ભૂરા, જાંબુડા, કિરમજી રંગનું ઊન તથા ઝીણા કાંતેલા શણ સાથે ગૂંથીને બનાવેલો હતો અને તેની સાથે જોડી દીધેલો હતો; જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
6તેઓએ ગોમેદ પાષાણો તૈયાર કરીને તેમના પર ઇઝરાયલના બાર પુત્રોનાં નામ મુદ્રાની કોતરણીથી કોતરીને, તેમને સોનાના ચોકઠામાં બેસાડ્યા.
7યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે તેઓને ઇઝરાયલના બાર પુત્રોને સારુ સ્મરણ પાષાણો થવા માટે એફોદના ખભાના પટ્ટા પર લગાડ્યા.
8તેણે ન્યાયકરણ ઉરપત્રક એફોદની જેમ સુંદર કારીગરીથી બનાવ્યું હતું. તેને બનાવવા માટે તેણે સોનાનું, ભૂરા, જાંબુડા, કિરમજીનું ઉન તથા ઝીણા કાંતેલા શણનું બનાવ્યું.
9તે ચોરસ હતું. તેણે ઉરપત્રને બેવડું બનાવ્યું. બેવડાની લંબાઈ એક વેંત અને પહોળાઈ એક વેંત હતી.
10તેઓએ તેમાં પાષાણની ચાર હારો બેસાડેલી હતી. પ્રથમ હારમાં માણેક, પોખરાજ તથા લાલ રત્ન હતા.
11બીજી હાર લીલમ, નીલમ અને હીરાની હતી.
12ત્રીજી હાર શનિ, અકીક તથા યાકૂતની હતી.
13ચોથી હાર ગોમેદ, પીરોજ તથા યાસપિસની હતી. એ બધાં સોનાનાં નકશીકામવાળા ચોકઠામાં જડેલા હતા.
14આ રીતે પાષાણો તેઓના નામ પ્રમાણે એટલે ઇઝરાયલનાપુત્રોના નામ પ્રમાણે બાર નંગો હતા. તેના પર ઇઝરાયલના પુત્રોનાં નામ કોતરેલાં હતાં. બારે કુળોમાંના દરેકનું નામ એકેક પાષાણ પર મુદ્રાના જેવી કોતરણીથી કોતરેલું હતું.
15તેણે ન્યાયકરણ ઉરપત્રક માટે શુદ્ધ સોનાની ગૂંથેલી દોરી જેવી સાંકળીઓ બનાવી.
16તેણે સોનાની બે કળીઓ બનાવી અને ન્યાયકરણ ઉરપત્રના બે ખૂણાઓમાં બેસાડી દીધી. તેઓએ ખભાના ટુકડાઓ માટે બે સોનાની નકશી બનાવી.
17તેઓએ ઉરપત્રના છેડા પર મૂકેલી કડીઓમાં સોનાની સાંકળીઓ જોડી દીધી.
18એ સાંકળીના બીજા બે છેડા બે ચોકઠાં સાથે જોડી દીધાં અને તેઓએ તેમને એફોદના આગલા ભાગમાં તેની સ્કંધપટીઓ પર લગાડ્યા.
19તેઓએ સોનાની બીજી બે કડીઓ બનાવી અને તેઓને એફોદની નજીકના ઉરપત્રની અંદરની બાજુના નીચલા ખૂણાએ મૂકી.
20તેઓએ બીજી બે સોનાની કડીઓ બનાવીને એફોદના ખભાના બે પટાના સામેના નીચેના છેડે સાંધા નજીક અને સુંદર ગૂંથેલા કમરપટાની ઉપરના ભાગમાં લગાવી દીધી.
21ઉરપત્રના નીચલા છેડાને ભૂરી દોરી વડે એફોદની કડીઓ સાથે બાંધી દીધો, જેથી યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તે મુજબ ન્યાયકરણ ઉરપત્રક કરમપટા ઉપર રહે અને છુટ્ટું ન પડી જાય.
22બસાલેલે એફોદ પરનો જામો આખો ભૂરા રંગના કાપડનો બનાવ્યો હતો.
23તેણે જામાની વચ્ચે એક કાણું પાડ્યું અને તેની કિનાર સીવી લીધી. કિનાર ફાટી ન જાય તે માટે સીવવામાં આવી હતી.
24જામાની નીચેની બાજુએ દાડમ ભરેલાં હતાં. તે કાંતેલા શણના, ભૂરા, જાંબુડા તથા કિરમજી રંગના ભરતકામથી બનાવેલાં હતાં.
25તેમ જ તેઓએ શુદ્ધ સોનાની ઘૂઘરીઓ બનાવીને તેને દાડમો વચ્ચે નીચલી બાજુએ મૂકી હતી.
26એ જ રીતે ઝભ્ભાની નીચેની બાજુએ વારાફરતી દાડમ અને ઘૂઘરી આવતાં હતાં. યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તે પ્રમાણે હારુન યહોવાહની સેવા કરતી વખતે આ ઝભ્ભો પહેરતો હતો.
27તેઓએ હારુન અને તેના પુત્રો માટે ઝીણા કાંતેલા શણના અંગરખાં બનાવ્યાં.
28વળી તેઓએ ઝીણા કાંતેલા શણમાંથી પાઘડીઓ, ફાળિયાં તથા ઝીણા કાંતેલા શણની ઈજારો બનાવ્યાં.
29યહોવાહની આજ્ઞા મુજબ મૂસાએ ભૂરા, કિરમજી, લાલ ઊનનો ભરત ભરેલો તથા ઝીણા કાંતેલા શણનો કમરપટો બનાવ્યો.
30તેઓએ શુદ્ધ સોનાનું પવિત્ર મુગટનું પતરું બનાવ્યું; તેઓએ તેના પર પવિત્ર શબ્દો કોતરેલા હતા, યહોવાહને સારુ પવિત્ર.
31તેને પાઘડીની ટોચે બાંધવા સારુ તેઓએ તેને ભૂરા રંગની પટ્ટી સાથે બાંધેલી હતી. જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
32આ રીતે યહોવાહે મૂસાને આપેલી આજ્ઞા અનુસાર મુલાકાતમંડપનું કામ પૂર્ણ થયું. આ બધું જ ઇઝરાયલીઓએ આજ્ઞા મુજબ કર્યું.
33તેઓએ પવિત્રમંડપ, તેનો તંબુ અને તેનું બધું રાચરચીલું, તેની કડીઓ, પાટિયાં, વળીઓ, સ્તંભો અને કૂંભીઓ મૂસા પાસે લાવ્યા;
34તેઓએ તેને ઘેટાંના સૂકવેલા રાતા રંગેલા ચામડાંમાંથી બનાવેલા મંડપના આચ્છાદન અને ઝીણા ચામડામાંથી બનાવેલા આચ્છાદન તથા અંતરપટ,
35કરારકોશ, તેના દાંડા તથા તેનું આચ્છાદન બનાવ્યાં.
36તેઓ મેજ અને તેનાં બધાં સાધનો તથા સમક્ષતાની રોટલી;
37શુદ્ધ સોનાનું દીપવૃક્ષ તથા તેનાં કોડિયા, જે હારબંધ ગોઠવવાનાં હતાં, તેનાં બધાં સાધનો અને પૂરવાનું તેલ;
38સોનાની વેદી, અભિષેક માટેનું તેલ, સુગંધીદાર ધૂપ, મુલાકાતમંડપના પ્રવેશદ્વારનો પડદો;
39પિત્તળની વેદી, તેની પિત્તળની બનાવેલી જાળી, તેના દાંડા અને તેનાં બધાં સાધનો, હોજ તથા તેનું તળિયું બનાવ્યાં.
40આંગણાની ભીંતો માટેના પડદાઓ અને તેને લટકાવવા માટેનાં સ્તંભો તથા કૂંભીઓ, તેમ જ આંગણાના પ્રવેશદ્વાર માટેના પડદાઓ અને તેના સ્તંભો, દોરી અને ખીલાઓ, મુલાકાતમંડપમાં સેવા માટે વાપરવાનાં બધાં સાધનો લાવ્યાં.
41પવિત્રસ્થાનમાં સેવા કરવાના સમયે પહેરવાનાં સુંદર વસ્ત્રો તથા યાજક તરીકે ફરજ બજાવતી વખતે હારુન અને તેના પુત્રોએ પહેરવાનાં પવિત્ર વસ્ત્રો મૂસાને બતાવ્યાં.
42યહોવાહે મૂસાને જણાવ્યા મુજબ બધું જ કામ ઇઝરાયલીઓએ પૂર્ણ કર્યું હતું.
43મૂસાએ બધું જ તપાસી લીધું અને યહોવાહના જણાવ્યા મુજબ બનાવ્યું છે એની ખાતરી કરી લીધી અને પછી મૂસાએ તેઓને આશીર્વાદ આપ્યો.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath