ખ્રિસ્તી ધર્મ
પાછા

નિર્ગમન 32

1જ્યારે લોકોએ જોયું કે મૂસાને પર્વત પરથી ઊતરતાં વિલંબ થાય છે, ત્યારે તેઓ હારુનની પાસે એકઠા થયા અને તેને કહ્યું, “ચાલ, અમને દોરવણી આપવા માટે અમારે માટે દેવ બનાવ. કારણ કે જે માણસ અમને મિસર દેશમાંથી કાઢી લાવ્યો તે મૂસાનું શું થયું, તે અમે જાણતા નથી.”

2એટલે હારુને તેમને કહ્યું, “તમારી પત્નીઓના, તમારા દીકરાઓના તથા તમારી દીકરીઓના કાનોમાં જે સોનાની કડીઓ છે, તે કાઢીને મારી પાસે લાવો.”

3તેથી સર્વ લોકો પોતાના કાનોમાં સોનાની જે કડીઓ હતી તે કાઢીને હારુન પાસે લાવ્યા.

4હારુને કડીઓ લઈને તે ઓગાળી અને ધાતુના બીબામાં ઢાળીને વાછરડાની એક મૂર્તિ બનાવી એટલે લોકો બોલી ઊઠ્યા, “હે ઇઝરાયલ, મિસર દેશમાંથી તને કાઢી લાવનાર ઈશ્વર તે આ છે.”

5હારુને જોયું કે લોકો બહુ આનંદમાં આવી ગયા છે, તેથી તેની આગળ હારુને વેદી બાંધી અને એવી જાહેરાત કરી કે, “આવતી કાલે યહોવાહના માનમાં ઉત્સવ પાળવામાં આવશે.”

6બીજે દિવસે સવારમાં વહેલા ઊઠીને લોકોએ દહનીયાર્પણ અને શાંત્યર્પણો ચઢાવ્યાં અને ત્યાર પછી તેઓએ ખાધું પીધું અને મોજમજા કરવા લાગ્યા.

7પછી યહોવાહે મૂસાને કહ્યું, “જા જલ્દીથી નીચે જા, કારણ કે તારા જે લોકોને તું મિસરમાંથી બહાર લઈ આવ્યો છે, તેઓ ભ્રષ્ટ થઈ ગયા છે.

8મેં તેઓને જે માર્ગે ચાલવાની આજ્ઞા કરી હતી તેનાથી આટલા વહેલા તેઓ ફરી ગયા છે. તેઓએ પોતાના માટે વાછરડાની એક મૂર્તિ બનાવી છે, તેની પૂજા કરી છે અને તેને અર્પણ ચઢાવ્યા. તેઓએ કહ્યું, ‘હે ઇઝરાયલ, તને મિસરમાંથી બહાર લઈ આવનાર દેવ તે આ છે.’”

9પછી યહોવાહે મૂસાને કહ્યું, “મેં આ લોકોને જોયા છે અને જો, તે તો હઠીલા લોકો છે.

10હવે પછી તું મને અટકાવીશ નહિ. મારો ક્રોધ તેઓ પર તપી ઊઠે અને હું તેઓનો નાશ કરીશ. પછી હું તારાથી એક મોટી દેશજાતિ ઉત્પન્ન કરીશ.”

11પરંતુ મૂસાએ ઈશ્વર યહોવાહને વિનંતી કરીને કહ્યું કે, “હે યહોવાહ, તમારા જે લોકોને તમે મોટા પરાક્રમ વડે તથા બળવાન હાથે મિસર દેશમાંથી કાઢી લાવ્યા છો, તેઓની વિરુદ્ધ તમારો કોપ કેમ તપી ઊઠે છે?

12મિસરીઓ શા માટે આ પ્રમાણે બોલે કે, ‘તમે તેઓનું નુકસાન કરવાને માટે, એટલે પર્વતોમાં મારી નાખવા તથા પૃથ્વીની પીઠ પરથી તેઓનો સંહાર કરવા કાઢી લાવ્યા?’ તમારા બળતા કોપથી ફરો અને તમારા લોકો પર આફત લાવવાનો ઇરાદો ફેરવો.

13તમારા સેવકો, ઇબ્રાહિમ, ઇસહાક તથા ઇઝરાયલને આપેલું તમારું વચન યાદ કરો. તમે જે વચન કહ્યું હતું, ‘આકાશના તારાઓના જેટલા હું તારા સંતાન વધારીશ. અને તારા વંશજોને જે દેશ આપવાનું મેં વચન આપ્યું છે તે સમગ્ર દેશ હું તેઓને આપીશ. તેઓ સદાસર્વદા તેના વારસદાર બનશે.’

14પછી જે આફત યહોવાહે પોતાના લોકો પર લાવવાનું કહ્યું હતું તે વિષે તેમણે પોતાનું મન ફેરવ્યું.

15પછી મૂસા પાછો ફરીને પર્વત પરથી નીચે ઊતર્યો અને કરારના બે શિલાપાટી તેના હાથમાં હતી. તે પાટીઓની બન્ને બાજુએ, એટલે આગળ પાછળ એમ બન્ને બાજુએ દશ આજ્ઞાઓ લખેલી હતી.

16તે શિલાપાટીઓ ઈશ્વરની કૃતિ હતી અને પાટી પર કોતરેલો લેખ, તે ઈશ્વરનો લેખ હતો.

17જયારે યહોશુઆએ લોકોની બૂમાબૂમનો અવાજ સાંભળ્યો, ત્યારે તેણે મૂસાને કહ્યું, “છાવણીમાં લડાઈનો ઘોંઘાટ થાય છે.”

18પણ મૂસાએ કહ્યું, “આ કોઈ વિજયનો નાદ નથી, તેમ પરાજયનો પોકાર પણ નથી, પણ આ તો ગાવાનો અવાજ સંભળાય છે.”

19જ્યારે મૂસા છાવણી પાસે પહોંચ્યો, ત્યારે વાછરડું અને નાચગાન જોયાં. મૂસાનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. તેણે પોતાના હાથમાંથી શિલાપાટીઓ ફેંકી દીધી તેથી તે પર્વતની નીચે ભાંગી ગઈ.

20તે લોકોએ જે વાછરડું બનાવ્યું હતું તે લઈને તેણે અગ્નિમાં ઓગળી નંખાવ્યું અને તેને વાટીને ભૂકો કર્યો અને પાણીમાં ભભરાવીને ઇઝરાયલી લોકોને તે પાણી પીવડાવ્યું.

21પછી મૂસાએ હારુનને કહ્યું, “આ લોકોએ તારું શું બગાડ્યું છે કે તું તેઓના પર આવું મોટું પાપ લાવ્યો છે?”

22હારુને કહ્યું, “મારા માલિકનો ક્રોધ ન સળગે; તું લોકોને જાણે છે કે તેઓનું વલણ તો દુષ્ટતા તરફ છે.

23એ લોકોએ મને કહ્યું, ‘અમને દોરવણી આપવા માટે દેવ બનાવી આપ. કારણ કે અમને મિસર દેશમાંથી બહાર લાવનાર મૂસાનું શું થયું તે અમે જાણતા નથી.’

24એટલે મેં તેઓને કહ્યું, ‘તમારામાંથી જેમની પાસે સોનાનાં ઘરેણાં હોય તે ઉતારી નાખો. તેઓએ મને સોનાનાં ઘરેણાં આપ્યા અને મેં તે અગ્નિમાં નાખ્યાં એટલે તેમાંથી આ વાછરડું નીકળી આવ્યું.’”

25મૂસાએ જોયું કે હારુને લોકો પરનો પોતાનો કાબૂ જવા દીધો અને પરિણામે તેઓને હાસ્યપાત્ર થવા દીધા હતા.

26પછી મૂસાએ છાવણીના પ્રવેશદ્વાર આગળ ઊભા રહીને મોટા અવાજે પોકાર કર્યો. “યહોવાહના પક્ષમાં હોય તે મારી પાસે આવે.” એટલે સર્વ લેવીઓ તેની પાસે ભેગા થઈ ગયા.

27તેણે તેઓને કહ્યું, “ઇઝરાયલનો ઈશ્વર યહોવાહ એમ કહે છે: ‘તમે બધા પોતપોતાની તલવાર લઈને સજ્જ થઈ જાઓ, છાવણીમાં બધે ફરી વળો અને તમારા ભાઈઓ, મિત્રો અને પડોશીઓને મારી નાખો.’”

28લેવીઓએ મૂસાના કહ્યા પ્રમાણે કર્યું. તે દિવસે લોકોમાંથી લગભગ ત્રણ હજાર પુરુષો માર્યા ગયા.

29મૂસાએ લેવીઓને કહ્યું, “આજે પ્રત્યેક માણસ પોતાના દીકરાની વિરુદ્ધ તથા પોતાના ભાઈની વિરુદ્ધ યહોવાહને અર્પિત થઈ જાઓ, જેથી યહોવાહ આજે તમને આશીર્વાદ આપે.”

30બીજે દિવસે મૂસાએ લોકોને કહ્યું, “તમે મહાપાપ કર્યું છે. હવે હું યહોવાહ પાસે જાઉં છું. કદાચ હું તમારા પાપની માફી મેળવી શકું.”

31આમ કહીને મૂસાએ ફરી યહોવાહ પાસે જઈને કહ્યું, “અરે આ લોકોએ મોટું પાપ કર્યું છે અને પોતાને માટે સોનાનો દેવ બનાવ્યો છે.

32પણ તમે તેઓના પાપને માફ કરો તો સારું; પણ જો નહિ તો તમારા લખેલા પુસ્તકમાંથી મારું નામ ભૂંસી નાખો.”

33યહોવાહે મૂસાને કહ્યું, “જેણે મારી વિરુદ્ધ પાપ કર્યું હશે, તેનું નામ હું મારા પુસ્તકમાંથી ભૂંસી નાખીશ.

34હવે ચાલ જે જગ્યા વિષે મેં તને કહ્યું છે, ત્યાં આ લોકોને દોરી જા. જો, મારો દૂત તારી આગળ ચાલશે. પણ જે દિવસે હું તેઓને જોઈ લઈશ, તે દિવસે હું તેઓના પાપને લીધે તેઓને શિક્ષા કરીશ.”

35પછી હારુને બનાવેલા વાછરડાની પૂજા કરવા બદલ યહોવાહે લોકોને આકરી સજા કરી.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath