ખ્રિસ્તી ધર્મ
પાછા

નિર્ગમન 28

1ઇઝરાયલીઓમાંથી તું તારા ભાઈ હારુનને અને તેના પુત્રો નાદાબ, અબીહૂ, એલાઝાર, અને ઈથામારને અલગ કરીને મારી સેવા માટે યાજકો તરીકે સમર્પિત કરજે.

2તારા ભાઈ હારુનને માટે પવિત્ર પોષાક તૈયાર કરાવજે, જેથી તેનો મોભો અને ગૌરવ જળવાય.

3મેં જે વસ્ત્ર કલાકારોને કૌશલ્ય બક્ષ્યું છે, તેઓને સૂચના આપ કે હારુન માટે પોષાક તૈયાર કરે કે જે પરિધાન કરીને યાજક તરીકે તે મારી સમક્ષ સેવા કરે.

4તેઓ આ પોષાક બનાવે: ઉરપત્રક, એફોદ, ઝભ્ભો, સફેદ ગૂંથેલો લાંબો જામો, પાઘડી તથા કમરબંધ; તેઓએ તારા ભાઈ હારુન તથા તેના પુત્રો માટે મારા યાજકો તરીકે સેવા બજાવે ત્યારે ગણવેશ તરીકે પહેરવાના અલગ પવિત્ર વસ્ત્રો બનાવવાં.

5એ વસ્ત્રો સોનેરી દોરા તથા ભૂરા, જાંબુડા અને કિરમજી રંગનાં ઊનનાં અને ઝીણા કાંતેલા શણના કાપડમાંથી જ બનાવવાં.

6તેઓ સોનેરી દોરા તથા ભૂરા, જાંબુડિયા અને કિરમજી રંગનાં ઝીણાં કાંતેલા શણનાં કાપડનો એફોદ બનાવે; આ એફોદ સૌથી વધુ નિષ્ણાત કલાકારો જ તૈયાર કરે.

7એના બે છેડા જોડવા માટે એને ખભા પાસે બે સ્કંધપટી હોય.

8કમરબંધ પણ એવી જ બનાવટનો હોય; સોનેરી દોરો, ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના ઊન અને ઝીણા કાંતેલા શણના દોરાઓમાંથી ગૂંથીને બનાવેલો હોય.

9વળી ગોમેદના બે પાષાણો લેવા અને પછી તેના પર ઇઝરાયલ પુત્રોનાં નામ કોતરવાં.

10પ્રત્યેક પાષાણ પર ઉંમરના ઊતરતા ક્રમે છ નામ કોતરવામાં આવે. આમ, તેઓના જન્મ દિવસના ક્રમમાં બારે કુળનાં નામો કોતરવામાં આવે.

11આ મુદ્રા બનાવનાર કલાકાર પાસે તારે બે પાષાણ પર ઇઝરાયલ પુત્રોનાં નામ કોતરાવવાં અને તેમને સોનાના ચોકઠામાં જડવાં. અને ઇઝરાયલ પુત્રોના સ્મારક તરીકે ઉરાવરણની સ્કંધપટી સાથે જડી દેવા.

12હારુને આ નામો પોતાના બે ખભા પર કિંમતી પથ્થર ધારણ કરીને યહોવાહ પાસે જવું જેથી તેને ઇઝરાયલીઓનું સ્મરણ રહે.

13એફોદ પર પાષાણને બેસાડવા માટે શુદ્ધ સોનાનો ઉપયોગ કરવો. ઉપર તારે સોનાનાં ચોકઠાં લગાડવાં.

14અને દોરીની જેમ વણેલી શુદ્ધ સોનાની બે સાંકળી બનાવવી અને તે ચોકઠાં સાથે જોડી દેવી.

15પછી ખૂબ કાળજીપૂર્વક એફોદ બનાવવામાં ઉપયોગી એવી કલાકૃતિવાળું ન્યાયકરણનું ઉરપત્રક બનાવવું, એ સોનેરી દોરો તથા ભૂરા, જાંબુડિયા અને લાલ રંગના ઊનનું તેમ જ ઝીણા કાંતેલા શણનું હોય.

16તે સમચોરસ તથા બેવડું વાળેલું હોય, તે એક વેંત લાંબુ અને એક વેંત પહોળું હોય.

17વળી તેમાં ચાર હારમાં નંગ જડવાં. પહેલી હારમાં માણેક, પોખરાજ અને લાલ,

18બીજી હારમાં લીલમ, નીલમ તથા હીરો,

19ત્રીજી હારમાં શનિ, અકીક અને યાકૂત,

20ચોથી હારમાં પીરોજ, ગોમેદ તથા યાસપિસ હોય. આ બધાને સોનામાં જ જડવાં.

21પ્રત્યેક પાષાણ પર ઇઝરાયલના બાર પુત્રોમાંના એક પુત્રનું નામ કોતરાવવું. પ્રત્યેક પાષાણ ઇઝરાયલના એક કુળસમૂહનું પ્રતીક બનશે.

22ઉરપત્રક માટે દોરીની જેમ વણેલી શુદ્ધ સોનાની સાંકળીઓ કરાવવી, તે સાંકળીઓ વડે ઉરપત્રકનો ઉપરનો છેડો એફોદ સાથે જોડવાનો છે.

23વળી સોનાની બે કડીઓ બનાવવી અને તે ઉરપત્રકને ઉપરને છેડે જોડી દેવી.

24અને એ બે કડીઓ સાથે પેલી સોનાની બે સાંકળી જોડી દેવી.

25સાંકળીના બીજા બે છેડા બે ચોકઠાં સાથે જોડી દેવાં અને એ રીતે એફોદની સ્કંધપટીઓના આગલા ભાગ ઉપર તેમને જોડી દેવી.

26પછી સોનાની બીજી બે કડીઓ બનાવવી અને ઉરપત્રકમાં અંદરની બાજુએ નીચેના છેડે લગાવવી.

27કમરબંધ પર આવતા એફોદના આગળના ભાગના નીચેના છેડા ઉપર સોનાની બીજી બે કડીઓ લગાવવી.

28ઉરપત્રકનો નીચેનો ભાગ ભૂરા રંગની પટ્ટીઓ વડે એફોદના નીચેના છેડા પર આવેલી કડીઓ સાથે જોડવો. આમ કરવાથી ઉરપત્રક એફોદથી છૂટું પડી જશે નહિ.

29જ્યારે હારુન પવિત્ર સ્થાનમાં પ્રવેશે, ત્યારે તેની પાસે ન્યાયકરણના ઉરાવરણ પર ઇઝરાયલના બાર પુત્રોનાં નામ ધારણ કરેલાં હોવાં જોઈએ. હંમેશા તેઓ યહોવાહના સ્મરણ અર્થે રહેશે.

30ઉરીમ અને તુમ્મીમને ન્યાયકરણના ઉરપત્રકમાં મૂકવાં. હારુન જ્યારે યહોવાહ સમક્ષ જાય, ત્યારે તે તેની છાતી પર રહે. જ્યારે હારુન યહોવાહ સમક્ષ ઉપસ્થિત હોય ત્યારે અને ઇઝરાયલીઓનો ન્યાય કરતી વખતે હંમેશા આ ઉરપત્રક તેના અંગ પર રાખશે.

31એફોદનો જામો આખો ભૂરા રંગના કાપડનો બનાવવો અને તેની વચમાં માથા માટે ચીરો રાખવો.

32એ ચીરાની કિનાર ચામડાના જામાના ગળાની જેમ ફરતેથી ગૂંથીને સીવી લેવી, જેથી તે ફાટી જાય નહિ.

33અને જામાની નીચેની કિનારીએ ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના દાડમનું ભરતકામ કરાવવું. અને બે દાડમોની વચમાં સોનાની ઘૂઘરીઓ મૂકવી,

34જેને લીધે નીચલી કિનાર પર ફરતે પહેલાં સોનાની ઘૂઘરી, પછી દાડમ, ફરી ઘૂઘરી, પછી દાડમ એ રીતે હાર થઈ જાય. હારુન જ્યારે યાજક તરીકે સેવા કરે ત્યારે એ પહેરે.

35જ્યારે તે પવિત્રસ્થાનમાં યહોવાહના સાન્નિધ્યમાં જાય અથવા ત્યાંથી બહાર આવે, ત્યારે એ ઘૂઘરીઓનો અવાજ સંભળાશે, જેથી તે મૃત્યુ પામશે નહિ.

36પછી શુદ્ધ સોનાનું એક પાત્ર બનાવજે અને તેના પર ‘યહોવાહને પવિત્ર’ એમ કોતરાવવું.

37એ પાત્ર પાઘડીના આગળના ભાગમાં ભૂરી દોરી વડે બાંધવું.

38હારુને એ પોતાના કપાળ પર ધારણ કરવું જેથી ઇઝરાયલીઓ જે પવિત્ર અર્પણો આપે તેમાં કોઈ દોષ હોય તો તે દોષ હારુન પોતાને માથે લઈ લે અને હારુને તે કાયમ પોતાના કપાળ પર પહેરી રાખવું જેથી યહોવાહ પવિત્ર અર્પણથી પ્રસન્ન રહે.

39હારુનનો ઝભ્ભો ઝીણા કાંતેલા શણનો બનાવવો અને પાઘડી પણ ઝીણા કાંતેલા શણની જ બનાવવી અને તેના કમરપટા પર સુંદર જરીકામ કરાવવું.

40હારુનના પ્રત્યેક પુત્રને માટે તેને માન અને આદર આપવા સારુ જામો, કમરબંધ અને પાઘડી બનાવવાં જેથી તેનો આદર અને ગૌરવ જળવાય.

41હારુન અને તેના પુત્રોને આ પોષાક પહેરાવ અને તેઓને સેવા માટે અર્પણ કર અને તેઓને માથા ઉપર જૈત તેલનો અભિષેક કરીને યાજકપદ માટે પવિત્ર કર. તેઓ યાજકો તરીકે મારી સેવા કરશે.

42તેઓને માટે કમરથી તે સાથળ સુધી પહોંચે એવા અંતઃવસ્ત્ર બનાવવાં, જેથી તેઓની નિર્વસ્ત્રવસ્થા નગ્નપણું કોઈની નજરે ન પડે.

43હારુન અને તેના પુત્રો જ્યારે પણ મુલાકાતમંડપમાં અથવા પવિત્રસ્થાનમાંની વેદી પાસે જાય, ત્યારે તેઓ હંમેશા અંતઃવસ્ત્ર પહેરે, જેથી તેઓ દોષમાં ન પડે અને તેઓ મૃત્યુ ન પામે. હારુન અને તેના વંશજો માટે આ કાયમી કાનૂન સદાને માટે છે.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath