નિર્ગમન 26
1વળી તું દશ પડદાનો મંડપ બનાવજે. આ પડદા ઝીણા કાંતેલા શણના અને નિપુણ વણકરોના વણેલા વસ્ત્રના અને ભૂરા, કિરમજી તથા જાંબલી પડદા તૈયાર કરજે. એ પડદાઓ ઉપર જરીથી કળામય રીતે કરુબો ભરાવજે.
2પ્રત્યેક પડદો અઠ્ઠાવીસ હાથ લાંબો અને ચાર હાથ પહોળો હોય; બધા જ પડદા એક સરખા માપના હોય.
3પાંચ પડદા એકબીજા સાથે જોડાય અને બીજા પાંચ પડદા પણ એકબીજા સાથે જોડાય.
4પહેલા સમૂહના પડદા પર જાંબુડિયા રંગના વસ્ત્રનાં નાકાં મૂકાવજે. બીજા સમૂહના છેલ્લા પડદા પર પણ એવું જ કરજે.
5પહેલા સમૂહના પડદામાં તું પચાસ નાકાં બનાવજે અને બીજા સમૂહના પડદામાં પચાસ નાકાં બનાવજે તે નાકાં એકબીજાની સામસામાં આવવાં જોઈએ.
6પછી સોનાની પચાસ કડીઓ બનાવજે અને તેઓ વડે તું પડદાને એકબીજા સાથે જોડી દેજે. એટલે એક આખો મંડપ બનશે.
7આ પવિત્ર મંડપ ઉપર તંબુ બનાવવા માટે તું બકરાંના વાળના વસ્ત્રના અગિયાર પડદા તૈયાર કરજે.
8એ અગિયાર પડદા એક સરખા માપના હોવા જોઈએ. દરેક પડદો ત્રીસ હાથ લાંબો અને ચાર હાથ પહોળો હોય.
9એમાંના પાંચ પડદાને એક સાથે સીવીને સળંગ એક પડદો બનાવજે. બાકીના છ પડદાને ભેગા સીવીને બીજો પડદો બનાવજે. એમાંનો છઠ્ઠો પડદો તંબુના પ્રવેશદ્વાર ઉપર બેવડો વાળજે.
10અને સમૂહનો જે છેલ્લો પડદો છે તેની બાજુએ પચાસ નાકાં અને બીજા પડદાની બાજુએ પચાસ નાકાં બનાવજે.
11અને પિત્તળની પચાસ કડીઓ બનાવજે અને તેને પેલા નાકાંમાં પરોવી બન્ને પડદાને જોડી દઈને એક સળંગ તંબુ બનાવજે.
12અને તંબુ પરથી વધારાનો લટકતો રહેતો ભાગ મંડપના પાછલા ભાગ પર લટકતો રાખજે.
13તંબુની બન્ને બાજુએ પડદાઓ તંબુના છેડેથી એક હાથ નીચા રહેશે. આથી આ તંબુ પવિત્ર મંડપને સંપૂર્ણ રીતે આચ્છાદન કરશે.
14તંબુ માટે ઘેટાંના લાલ રંગેલાં ચામડાંનું બીજું આચ્છાદન બનાવજે અને તેના પર ઢાંકવા માટે મુલાયમ ચામડાનું આચ્છાદન બનાવજે.
15પવિત્રમંડપના ટેકા માટે તું બાવળનાં પાટિયાં બનાવીને ઊભા મૂકજે.
16પ્રત્યેક પાટિયું દસ હાથ લાંબું અને દોઢ હાથ પહોળું હોય.
17પ્રત્યેક પાટિયામાં એકબીજાની સાથે જોડાયેલાં બે સાલ હોય; પવિત્ર મંડપની બધી જ બારસાખો સરખી હોવી જોઈએ.
18પવિત્ર મંડપની દક્ષિણની બાજુ માટે વીસ પાટિયાં બનાવજે.
19અને પ્રત્યેક પાટિયાનાં બે સાલને બેસાડવા માટે તેની નીચે બે કૂંભી એમ ચાંદીની કુલ ચાલીસ કૂંભીઓ બનાવજે.
20એ જ પ્રમાણે મંડપની ઉત્તરની બાજુ માટે પણ વીસ પાટિયાં,
21ચાંદીની ચાળીસ કૂંભીઓ બનાવજે, જેથી દરેક પાટિયાં નીચે બબ્બે કૂંભી આવે.
22મુલાકાતમંડપની પશ્ચિમ તરફના પાછળના ભાગ માટે છ પાટિયાં બનાવજે.
23અને મંડપના પાછળના ભાગના બે ખૂણાને માટે તું બે પાટિયાં બનાવજે.
24આ ખૂણા પરનાં પાટિયાં નીચેથી એકબીજા સાથે બંધ બેસતાં હોય અને છેક ઉપર એક કડી બધાં પાટિયાંને સાથે રાખે. બન્ને ખૂણાઓમાં એમ કરવું. બે ખૂણા માટેનાં બે પાટિયાં આ રીતે બનાવજે એટલે બે ખૂણા બની જશે.
25આમ, આઠ પાટિયાં અને ચાંદીની સોળ કૂંભી થશે. પ્રત્યેક પાટિયાં નીચે બબ્બે કૂંભીઓ રાખજે.
26વળી તું બાવળના લાકડાની આડી વળીઓ બનાવજે. પવિત્ર મંડપની એક બાજુનાં પાટિયાને માટે પાંચ ભૂંગળો બનાવજે.
27પવિત્ર મંડપની બીજી બાજુનાં પાટિયાં માટે પાંચ ભૂંગળો, તેમ જ પશ્ચિમ તરફથી પાછલી બાજુ માટે પાંચ ભૂંગળો.
28વચલી વળી પાટિયાની વચ્ચે તંબુના એક છેડાથી બીજા છેડા સુધી આવે.
29વળી પાટિયાંને સોનાથી મઢાવજે અને રીંગને ભેરવવા માટે તેમાં સોનાનાં કડાં બેસાડવાં અને રીંગને પણ તું સોનાથી મઢાવજે.
30તને પવિત્ર મંડપનો જે નમૂનો મેં પર્વત પર બતાવ્યો છે તે પ્રમાણે તું પવિત્ર મંડપ ઊભો કરજે.
31તું ભૂરા, કિરમજી અને લાલ ઊનનો અને ઝીણા કાંતેલા શણનો એક ખાસ પડદો તંબુમાં ભાગ પાડવા માટે બનાવજે. એના ઉપર જરી વડે કલામય રીતે કરુબોની આકૃતિઓ ભરાવજે.
32અને તું તેને સોનાથી મઢેલા બાવળના ચાર સ્તંભ પર લટકાવજે, તેઓને સોનાની આંકડીઓ અને તેઓની કૂંભીઓ ચાંદીની હોઈ.
33એ આંકડીઓ નીચે તું પડદો લટકાવજે. અને કરારનો તકતીઓવાળો કરારકોશ એ પડદા પાછળ મૂકજે. એ પડદો પવિત્રસ્થાનને પરમ પવિત્રસ્થાનથી જુદું પાડશે.
34પરમ પવિત્રસ્થાનમાં કરારકોશ પર આચ્છાદન કરજે.
35પવિત્ર જગ્યાની અંદર પડદાની પેલી બાજુએ જે ખાસ મેજ બનાવ્યું છે તે મૂકજે અને તેને તંબુની ઉત્તર બાજુએ ગોઠવજે. પછી દીવીને દક્ષિણ તરફ બાજઠની સામે મૂકજે.
36વળી, તું પવિત્ર મંડપના પ્રવેશદ્વાર માટે ભૂરા, કિરમજી અને લાલ ઊનનો અને ઝીણા કાંતેલા શણનો જરી વડે સુંદર ભરતકામ કરેલો પડદો બનાવજે.
37અને એ પડદા માટે બાવળના લાકડાની સોનાથી મઢેલી અને સોનાની કડીવાળી પાંચ થાંભલી બનાવજે અને એ થાંભલીઓ માટે પિત્તળની ઢાળેલી પાંચ કૂંભીઓ બનાવજે.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath