નિર્ગમન 25
1યહોવાહે મૂસાને કહ્યું,
2“ઇઝરાયલી લોકોને કહે કે, તેઓ મારા માટે જે અર્પણ આપવા ઇચ્છે છે તે રાજીખુશીથી આપે. તે તમારે મારે માટે અર્પણ તરીકે સ્વીકારવું.
3તમારે તેઓની પાસેથી આટલી વસ્તુઓ અર્પણ તરીકે સ્વીકારવી; સોનું, ચાંદી, તાંબું
4અને ભૂરા, જાંબુડિયા તથા કિરમજી રંગનું કિંમતી ઊન; શણનું ઝીણું કાપડ તથા બકરાંના વાળ,
5ઘેટાંનાં ચામડાં જે પકવેલાં અને લાલ રંગમાં રંગેલાં હોય તથા ચામડાં અને બાવળનાં લાકડાં.
6વળી દીવા માટે તેલ, અભિષેકના તેલને માટે તથા સુવાસિત ધૂપને માટે સુગંધીઓ,
7ઉરપત્રક અને એફોદમાં જડવા માટે ગોમેદ પાષાણો અને અન્ય પાષાણો.
8અને તેઓ મારા માટે એક પવિત્રસ્થાન બનાવે, જેથી હું તેઓની વચ્ચે રહી શકું.
9હું મંડપનો નમૂનો તથા તેના સર્વ સામાનનો નમૂનો બતાવું તે પ્રમાણે તમારે તે બનાવવું.
10બાવળના લાકડાનો અઢી હાથ લાંબો, દોઢ હાથ પહોળો અને દોઢ હાથ ઊંચો એક પવિત્રકરારકોશ બનાવવો.
11તેને અંદરથી તથા બહારથી ચોખ્ખા સોનાથી મઢવો અને તેની ફરતે સોનાની પટ્ટી જડવી.
12પછી તેને ઊંચકવા માટે સોનાનાં ચાર કડાં બનાવવાં અને તેમને તેના ચાર ખૂણે જડી દેવાં; એક બાજુએ બે કડાં અને બીજી બાજુએ બે કડાં.
13બાવળના દાંડા બનાવીને પછી તું તેમને સોનાથી મઢજે.
14અને કરારકોશને ઉપાડવા માટે એ દાંડા દરેક બાજુના કડામાં ભરવી દેવા.
15દાંડા કરારકોશનાં કડામાં રહેવા દેવા, બહાર કાઢવા નહિ.
16અને હું તને કરારકોશના ચિહ્ન તરીકે જે બે પાટીઓ આપું તે તું તેમાં મૂકજે.
17વળી ચોખ્ખા સોનાનું અઢી હાથ લાંબું અને દોઢ હાથ પહોળું દયાસન તમારે બનાવવું.
18અને તમારે સોનાના બે કરુબો ટીપેલા સોનામાંથી ઘડીને દયાસનના બે છેડા માટે બનાવવા.
19અને એક કરુબ એક છેડા પર અને બીજો દયાસનના બીજા છેડા પર બેસાડવો, એ કરુબ દયાસનની સાથે એવી રીતે જોડી દેવા કે દયાસન અને કરુબો એક થઈ જાય.
20એ કરુબોની પાંખો ઊંચે આકાશ તરફ ફેલાયેલી રાખવી. તેઓનાં મુખ એકબીજાની સામે હોય અને દયાસન તરફ વળેલાં હોય.
21એ દયાસન ઉપર મૂકવું અને કરારકોશમાં હું તને આપું તે કરારની બે પાટીઓ મૂકવી.
22અને ત્યાં હું તને મળીશ. ઇઝરાયલી લોકો માટે જે આજ્ઞાઓ હું તને આપીશ તે સર્વ વિષે, કરારલેખના કરારકોશ પરના દયાસન ઉપરથી તથા બે કરુબોની વચમાંથી, હું તારી સાથે વાત કરીશ.
23વળી તું બાવળના લાકડાંનું બે હાથ લાંબું, એક હાથ પહોળું અને દોઢ હાથ ઊંચું એવું એક મેજ બનાવજે.
24તું તેને શુદ્ધ સોનાથી મઢજે અને તેને ફરતી સોનાની કિનારી લગાડજે.
25તું તેને ફરતી ચાર આંગળની કોર બનાવજે અને કોરની આસપાસ સોનાની કિનારી બનાવજે.
26તેને માટે સોનાનાં ચાર કડાં બનાવીને તું તેમને તેના ચાર પાયાના ચાર ખૂણામાં જડી દેજે.
27મેજ ઊંચકવાના દાંડાની જગ્યા થાય માટે કડાં કિનારની પાસે મૂકવાં.
28મેજ ઊંચકવા માટે બાવળના દાંડા બનાવજે અને તેને સોનાથી મઢજે.
29મેજ માટે વાસણો બનાવજે; એટલે થાળીઓ, ચમચીઓ, કડછીઓ અને પેયાર્પણને માટે વાટકા બનાવ. તું તેમને ચોખ્ખા સોનાનાં બનાવજે.
30તું સદા મારી આગળ મેજ પર અર્પેલી રોટલી રાખજે.
31વળી શુદ્ધ સોનાનું એક દીપવૃક્ષ બનાવ. તે ઘડતર કામનું હોય અને તેની બેઠક, તેનો દાંડો, તેનાં ચાડાં, તેની કળીઓ તથા તેનાં ફૂલો, તે સર્વ એક જ ટુકડામાંથી ઘડી કાઢેલાં હોય.
32તેની બાજુઓમાંથી છ શાખાઓ નીકળે; એક બાજુમાંથી દીપવૃક્ષની ત્રણ શાખાઓ અને બીજી બાજુમાંથી દીપવૃક્ષની ત્રણ શાખાઓ.
33એક શાખામાં બદામફૂલના આકારના ત્રણ પ્યાલા, એક કળી તથા એક ફૂલ અને બીજી શાખામાં બદામફૂલના આકારના ત્રણ પ્યાલા, એક કળી તથા એક ફૂલ; તે પ્રમાણે દીપવૃક્ષમાંથી નીકળતી છ શાખાઓ હોય.
34દીપવૃક્ષમાં બદામફૂલના આકારના ચાર પ્યાલા, તેઓની કળીઓ તથા તેઓનાં ફૂલો સહિત હોય.
35દીવીને છ ડાળી હોવી જોઈએ, દાંડીની બન્ને બાજુથી ત્રણ શાખા નીકળવી જોઈએ. શાખાની દરેક જોડીની નીચે એક એક કળી હોય. એ કળીઓ અને ડાળીઓ દીવીની સાથે જડી દીધેલી હોય.
36અને બધું જ શુદ્ધ સોનાની એક જ પાટલીમાંથી ઘડીને બનાવેલું હોય.
37દીવી માટે સાત કોડિયાં બનાવવાં અને તે એવી રીતે ગોઠવવાં કે તેઓનો પ્રકાશ સામેની બાજુએ પડે.
38એના ચીપિયા અને તાસક શુદ્ધ સોનાનાં હોવાં જોઈએ.
39આ બધાં સાધનો બનાવવા માટે એક તાલંત શુદ્ધ સોનું વાપરજે.
40તેં પર્વત પર જોયેલા નમૂના પ્રમાણે આ બધું બનાવવાની કાળજી રાખજે.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath