નિર્ગમન 22
1જો કોઈ માણસ બળદ કે ઘેટું ચોરે અને તેને કાપે અથવા વેચી નાખે, તો તેણે એક બળદને બદલે પાંચ બળદ અને એક ઘેટાંને બદલે ચાર ઘેટાં આપવાં.
2જો કોઈ ચોરી કરતાં પકડાયા અને તેની હત્યા થાય તો એ ખૂન ન ગણાય, પણ
3જો તે સૂર્યોદય પછી ચોરી કરવાના ઇરાદાથી ઘરમાં ઘૂસે અને પકડાઈ જતાં તેને મારી નાખવામાં આવે તો એ ખૂન ગણાય. ચોરેલા માલની નુકસાની ચોરી કરનાર ભરી આપે; અને જો તે કંગાલ હોય તો તેની ચોરીનો દંડ ભરવા માટે તે પોતે વેચાઈ જાય.
4પરંતુ જો ચોરેલું જાનવર તેની પાસે જીવતું મળી આવે, પછી તે બળદ હોય, ગધેડું હોય કે ઘેટું હોય; તો તે બમણું ભરપાઈ કરી આપે.
5જો કોઈ માણસ પોતાનાં જાનવર ખેતરમાં કે દ્રાક્ષવાડીમાં છૂટાં મૂકે અને તેઓ બીજાના ખેતરોમાં ભેલાણ કરે, તો તેણે પોતાના ખેતરની અથવા દ્રાક્ષની વાડીની સર્વોત્તમ ઊપજમાંથી નુકસાની ભરપાઈ કરી આપવી.
6જો કોઈ માણસ પોતાના ખેતરમાં કાંટા-ઝાંખરાં સળગાવવા આગ પેટાવે અને આગ પડોશીના ખેતરમાં ફેલાઈ જાય અને તેનો પાક અથવા અનાજ બળી જાય; તો જેણે આગ લગાડી હોય તેણે પૂરેપૂરું નુકસાન ભરપાઈ કરી આપવું.
7જો કોઈ માણસ પોતાના પડોશીને નાણાં કે મિલકત સાચવવા માટે સોંપે અને તે પેલા માણસના ઘરમાંથી ચોરાઈ જાય; અને જો ચોર પકડાય, તો તેણે બમણું ભરપાઈ કરી આપવું.
8પરંતુ જો ચોર પકડાઈ ના જાય તો તે ઘરધણીએ પોતાને ન્યાયધીશો આગળ રજૂ કરવો અને ન્યાયધીશ તેની ચોરી સંબંધી યોગ્ય નિર્ણય કરશે.
9જો કોઈ બે માણસો બળદ વિષે, ગધેડા વિષે, ઘેટાં વિષે, વસ્ત્ર વિષે કે કોઈ ખોવાયેલી વસ્તુ વિષે અસહમત હોય અને તેમાંનો એક કહે: ‘આ મારું છે.’ પણ બીજો કહે: ‘ના, આ મારું છે.’ તો બન્નેએ તકરાર માટે ન્યાયાધીશ પાસે જવું અને ન્યાયાધીશ સાચો ન્યાય આપશે. ન્યાયાધીશ જેને ગુનેગાર ગણાવે તેણે બીજા માણસને બમણું ભરપાઈ કરી આપવું.
10જો કોઈ માણસ પોતાના પડોશીને ગધેડું, બળદ, ઘેટું કે બીજું કોઈ પશુ સાચવવા સોંપે; અને તે મરી જાય, અથવા તેને કોઈ ઈજા થાય, અથવા કોઈ ઉપાડી જાય, અને કોઈ સાક્ષી હોય નહિ,
11તો પછી તે માણસે સમજાવવું કે તેણે ચોરી નથી કરી અથવા પ્રાણીને ઈજા પહોંચાડી નથી. તેણે યહોવાહના સમ સાથે કહેવાનું કે તેણે ચોરી નથી કરી; અને તેના માલિકે એ કબૂલ રાખવું; અને પછી પડોશીએ નુકસાન ભરપાઈ કરવાનું રહેતું નથી.
12પરંતુ જો પડોશીએ તે પશુની ચોરી કરી હોય, તો તેણે માલિકને નુકસાન ભરપાઈ કરી આપવું.
13જો કોઈ વનચર પશુએ તેને ફાડી ખાધું હોય, તો તેનો વધેલો ભાગ પુરાવા તરીકે રજૂ કરવો. પછી ફાડી ખાધેલા પશુનું નુકસાન ભરપાઈ કરવાનું રહેતું નથી.
14અને જો કોઈ માણસ પોતાના પડોશી પાસેથી કોઈ પશુ ઉછીનું માગી લે અને તેનો માલિક તેની સાથે ના હોય એવા સંજોગોમાં તેને કશી ઈજા થાય અથવા તે મરી જાય, તો ઉછીનું લેનારે તેનો પૂરેપૂરો બદલો ભરપાઈ કરી આપવો.
15માલિક તેની સાથે હોય, તો ઉછીનું લેનારે નુકસાન ભરપાઈ કરવાનું રહેતું નથી. અને જો ભાડે લીધું હોય તો ફક્ત ભાડું ચૂકવવાનું રહે.
16જો કોઈ માણસ અપરિણીત કુમારિકાને લલચાવીને તેની સાથે સંબંધ બાંધે, તો તેનું પારંપારિક મૂલ્ય ચૂકવીને તે તેની સાથે લગ્ન કરે.
17જો તેનો બાપ તેની સાથે લગ્ન કરાવવાની ના પાડે, તો કુમારિકાના પારંપારિક મૂલ્ય જેટલું નાણું આપવાનું રહે.
18મંત્રતંત્રનો ઉપયોગ કરનાર સ્ત્રીને જીવતી રહેવા દેવી નહિ.
19જાનવરની સાથે કુકર્મ કરનારને મૃત્યુદંડની સજા કરવી.
20મારા સિવાય એટલે કે યહોવાહ સિવાય બીજા કોઈ પણ દેવને યજ્ઞ કરનાર અને આહુતિ આપનાર માણસનું નામનિશાન રહેવા દેવું નહિ.
21તમારે વિદેશીઓને હેરાન કરવા નહિ, તેઓના પર ત્રાસ ગુજારવો નહિ, કારણ કે, તમે પોતે મિસર દેશમાં વિદેશી હતા.
22કોઈ વિધવા કે અનાથ બાળકને રંજાડશો નહિ.
23જો તમે કોઈ પણ પ્રકારે તેઓને ત્રાસ આપશો અથવા દુઃખી કરશો તો તેઓ મને પોકારશે અને હું તેઓનો પોકાર સાંભળીશ.
24પછી મારો કોપ ભભૂકી ઊઠશે. અને હું તમને તલવારથી મારી નાખીશ; તો તમારી પત્ની વિધવા થશે અને તમારાં પોતાનાં બાળકો અનાથ થશે.
25તમે મારા લોકોમાંના કોઈ ગરીબ માણસને નાણાં ધીરો, તો તેના પ્રત્યે લેણદાર જેવો વ્યવહાર ન રાખશો અને તેની પાસે વ્યાજ લેશો નહિ.
26જો તમે તમારા પડોશીનું વસ્ત્ર ગીરે રાખો, તો સૂર્યાસ્ત થતાં અગાઉ તમારે તે તેને પાછું આપવું.
27કારણ કે એ એનું એકમાત્ર ઓઢવા-પાથરવાનું છે. તે બીજું શું ઓઢીને સૂએ? જો તે મને પોકારશે, તો હું તેને સાંભળીશ, કારણ કે હું કૃપાળુ છું.
28તમારા ઈશ્વરની નિંદા ન કરો તથા તમારા પોતાના લોકોના કોઈ આગેવાનને શાપ આપવો નહિ.
29તમારે તમારા ખેતરની ઊપજ તથા તમારા દ્રાક્ષારસના ભરપૂરીપણામાંથી અર્પણ કરવામાં ઢીલ કરવી નહિ અને તમારો જયેષ્ઠ પુત્ર મને અર્પિત કરવો.
30તમારાં બળદો અને ઘેટાંના પ્રથમજનિત મને આપવાં. સાત દિવસ સુધી તે ભલે પોતાની માતાની સાથે રહે. આઠમે દિવસે તમારે તે મને આપી દેવાં.
31અને તમે લોકો મારા પવિત્ર લોક થાઓ; તમારે જંગલી પશુએ મારેલા કોઈ પશુનું માંસ ન ખાવું, તે કૂતરાંને સારુ નાખી દેવું.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath