નિર્ગમન 21
1પછી યહોવાહે મૂસાને કહ્યું, હવે તારે જે કાનૂનો લોકોની આગળ રજૂ કરવાના છે તે આ છે.
2“જો તમે કોઈ હિબ્રૂ ગુલામ ખરીદો, તો તે છ વરસ પર્યંત તમારી સેવા કરે અને સાતમે વર્ષે તે છૂટો થઈ જાય અને કશું ચૂકવ્યા વિના છૂટો થઈ શકે.
3ગુલામ થતાં અગાઉ જો તે કુંવારો હોય, તો તે એવી જ અવસ્થામાં એકલો છૂટો થઈ જાય. પરંતુ જો ગુલામ થતાં અગાઉ જો તેનાં લગ્ન થયેલાં હોય, તો છૂટો થતી વખતે તેની સાથે તેની પત્ની પણ મુક્ત થશે.
4જો કદાચ અગાઉ તેનાં લગ્ન થયેલાં ના હોય અને ગુલામી અવસ્થા દરમિયાન જો તેનો માલિક તેનાં લગ્ન કરાવી આપે અને તેની સાથે પત્ની, પુત્ર અને પુત્રીઓનો વધારો થાય તો પણ તે એકલો જ છૂટો થાય. પરંતુ સ્ત્રી તથા બાળકો તો માલિકનાં થાય.”
5“પરંતુ જો તે ગુલામ સ્પષ્ટ રીતે એવું કહે કે; ‘હું તો મારા માલિકને તથા મારી પત્નીને તથા મારાં બાળકોને પ્રેમ કરું છું; મારે છૂટવું નથી.’
6જો આવું બને તો ગુલામના માલિકે તેને ઈશ્વરના સમક્ષ લાવવો અને બારસાખ આગળ ઊભો રાખીને સોયથી તેનો કાન વીંધવો; એટલે તે કાયમને માટે તેના માલિકનો ગુલામ બની રહેશે.
7“અને જો કોઈ માણસ પોતાની દીકરીને દાસી થવા માટે વેચે, તો ગુલામ પુરુષોની માફક તે છૂટે નહિ.
8જેણે તેને ખરીદી હોય તેને જો તે ન ગમે, તો તે તેના પિતાને પાછી વેચી શકે, જો માલિકે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હોય, તો પારકા લોકોને તેને વેચવાની તેની સત્તા રહેતી નથી, કેમ કે તેણે તેની પ્રત્યે ઠગાઈ કરી છે.
9પરંતુ જો તેણે તેના પોતાના પુત્ર માટે તેને રાખવી હોય તો તેની સાથે તેણે પુત્રી જેવો વ્યવહાર રાખવો.
10“જો તે બીજી પત્ની સાથે લગ્ન કરે, તો તેણે તેની પ્રથમ પત્નીના અન્ન, વસ્ત્ર અને તેના પત્ની તરીકેના હક્કમાં કશો ઘટાડો કરવો નહિ.
11અને જો તે તેની પત્ની પ્રત્યે આ ત્રણ ફરજો અદા કરે નહિ તો તે વિના મૂલ્યે છૂટી થાય.
12“જે કોઈ અન્ય માણસને મારીને તેની હત્યા કરે તો તેને મોતની સજા થાય.
13પરંતુ જો કોઈ માણસ ખૂન કરવાના ઇરાદાથી છુપાઈ રહ્યો ના હોય પણ ઈશ્વર તેના હાથમાં કોઈને સોંપે અને હત્યા કરાય તો તેને નાસી જવા માટે હું આશ્રયસ્થાન નિયત કરીશ, ત્યાં તે નાસી જશે.”
14“પરંતુ જો કોઈ ક્રોધે ભરાઈને જાણી જોઈને બીજાની હત્યા કરે, પોતાના પડોશી પર ઘસી જઈને તેને દગાથી મારી નાખે; તો તેને મારી વેદી આગળથી લઈ જઈને પણ શિક્ષારૂપે તેને મારી નાખવો.”
15અને જો કોઈ પોતાના પિતાને કે માતાને મારે, તો તેને નક્કી મૃત્યુની સજા થાય.
16જો કોઈ ચોરીછૂપીથી માનવહરણ કરે અને તેને વેચે, અથવા તો તેને પોતાના તાબામાં રાખે, તો તેને નક્કી મૃત્યુની સજા થાય.
17અને જો કોઈ પોતાના પિતાને કે માતાને શાપ આપે તો પણ તેને મૃત્યુની સજા થાય.
18અને જો કોઈ બે માણસો એક બીજા સાથે ઝઘડો કરતા હોય, અને તેમાંનો એક જણ બીજાને પથ્થરથી કે મુઠ્ઠીથી એવો મારે કે તે મરી ન જાય પરંતુ પથારીવશ થાય.
19પછી જ્યારે તે સાજો થઈને લાકડી લઈને હરતો-ફરતો થઈ જાય, તો જે માણસે તેને માર્યો હોય તે છૂટી જાય ખરો, પરંતુ તેણે પેલા માણસને સમય અને કામની નુકસાની ભરપાઈ કરવી અને સંપૂર્ણ સાજો થાય ત્યાં સુધીની સારવારની તથા અન્ય જવાબદારી મારનારની રહે.
20અને જો કોઈ માણસ પોતાના ગુલામ કે દાસીને લાકડી વડે મારે અને તેનું મૃત્યુ થાય, તો મારનાર ગુનેગાર ગણાય અને સજાપાત્ર બને.
21પરંતુ જો તે ગુલામ કે દાસી એક કે બે દિવસ જીવતું રહે, તો તેના માલિકને સજા થાય નહિ. કારણ એ ગુલામ કે દાસી તેની પોતાની સંપત છે.
22જો કોઈ માણસો લડતા-ઝઘડતા હોય ત્યારે તેમાંનો કોઈ ગર્ભવતી સ્ત્રીને ઈજા પહોંચાડે અને તે સ્ત્રી તેના બાળકને પૂરા સમય પહેલાં જન્મ આપે પણ ગંભીર ઈજા ના થાય તો તે સ્ત્રીનો પતિ માગે તેટલો દંડ ન્યાયાધીશના ચુકાદા પ્રમાણે ઈજા પહોંચાડનારે આપવો.
23પણ જો ઈજા પછી બીજું કંઈ નુકસાન થાય, તો તેની શિક્ષા જીવને બદલે જીવ.
24આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલે હાથ, પગને બદલે પગ.
25દઝાડવાને બદલે દઝાડવું, ઘાને બદલે ઘા, ચીરાના બદલે ચીરો એ પ્રમાણે બદલો લેવો.
26અને જો કોઈ માણસ પોતાના ગુલામ કે દાસીને આંખ પર મારીને તેને ફોડી નાખે, તો તેણે આંખની નુકસાનીના બદલામાં તેઓને છૂટાં કરી દેવાં.
27અને જો તે પોતાના ગુલામનો કે દાસીનો દાંત તોડી નાખે, તો તેના દાંતની નુકસાનીના બદલામાં તેઓને મુક્ત કરી દેવા.
28વળી જો કોઈ બળદ સ્ત્રી કે પુરુષને શિંગડું મારે, તેથી તેનું મૃત્યુ થાય, તો તે બળદને પથ્થરા મારીને મારી નાખવો. અને તેનું માંસ ખાવું નહિ, બળદનો માલિક ગુનેગાર ગણાય નહિ.
29પણ જો તે બળદને પહેલેથી જ શિંગડું મારવાની ટેવ હોય અને તે વિષે તેનો માલિક જાણતો હોય, તેમ છતાં તેણે તેને કાબૂમાં રાખ્યો ના હોય અને તે બળદ કોઈ પુરુષ કે સ્ત્રીને મારી નાખે, તો તે બળદને પથ્થરો મારીને મારી નાખવો અને તેના માલિકને પણ મોતની સજા કરવી.
30પરંતુ મૃત્યુની સજાને બદલે જો તેનો દંડ કરવામાં આવ્યો હોય, તો બળદના જીવના બદલામાં જે કાંઈ મૂલ્ય ઠરાવવામાં આવે તે તેણે ચૂકવવું.
31અને જો બળદે કોઈના પુત્ર કે પુત્રીને શિંગડું માર્યું હોય, તો પણ આ જ કાનૂન લાગુ પડે.
32જો એ બળદ કોઈ ગુલામ કે દાસીને શિંગડું મારે તો તેના માલિકે ગુલામ કે દાસીને ત્રીસ તોલા ચાંદી આપવી અને બળદને પથ્થરો મારીને મારી નાખવો.
33જો કોઈ માણસ ખાડો ખોદે અને તેને ઢાંકે નહિ અને જો તેમાં કોઈનો બળદ કે કોઈનું ગધેડું પડે,
34તો ખાડાના ખોદનારે નુકસાન ભરપાઈ કરવું. તેણે એ પશુના માલિકને તેની કિંમત જેટલાં નાણાં ભરપાઈ કરવાં. અને મરેલું પશુ પોતે લઈ જવું.
35અને જો કોઈ માણસનો બળદ બીજાના બળદને શિંગડું મારે અને તે મરી જાય, તો તે બન્ને જીવતા બળદને વેચી નાખે અને તેની કિંમત વહેંચી લે તથા મરેલું પશુ પણ વહેંચી લે.
36અથવા બળદના માલિકને જો પહેલેથી જ ખબર હોય કે એ બળદને કેટલાક સમયથી મારવાની ટેવ છે અને એના માલિકે એને કાબૂમાં રાખ્યો ન હોય, તો તેનું નુકસાન ભરપાઈ કરી આપવું. બળદને બદલે બળદ આપવો, અને એ મૃત પશુ પણ તેનું થાય.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath