ખ્રિસ્તી ધર્મ
પાછા

નિર્ગમન 20

1પછી યહોવાહે આ સર્વ વચનો ઉચ્ચારતાં કહ્યું:

2“હું તમારો ઈશ્વર યહોવાહ છું. હું તમને મિસર દેશમાં જ્યાં તમે ગુલામ હતા ત્યાંથી બહાર લઈ આવ્યો છું. તેથી તમારે આ આદેશો માનવા પડશે.

3“તમારે કોઈ દેવોની પૂજા કરવી નહિ, માત્ર મારી જ ભક્તિ કરવી.”

4“તમારે આકાશમાંની કે પૃથ્વી પરની કે પૃથ્વી નીચેના પાણીમાંની કોઈ પણ વસ્તુની મૂર્તિ કે પ્રતિમા બનાવવી નહિ.

5તમારે તેઓને સાષ્ટાંગ પ્રણામ કરવા નહિ કે તેઓની પૂજા કરવી નહિ. કારણ કે હું જ તમારો ઈશ્વર યહોવાહ છું અને આવેશ રાખનાર છું. મારા લોકો જગતના દેવોની પૂજા કરે એ મને પસંદ નથી. જે મારી વિરુદ્ધ પાપ કરે છે, તેઓ મારા દુશ્મન બને છે અને હું તેઓને અને તેઓના સંતાનોને ત્રીજી તથા ચોથી પેઢી સુધી સજા કરીશ.

6પરંતુ મારા પર પ્રેમ રાખનાર અને મારી આજ્ઞાનું પાલન કરનારની હજારો પેઢી પર હું દયાભાવ દર્શાવીશ.

7“તમારે તમારા ઈશ્વર યહોવાહનું નામ વ્યર્થપણે ન લેવું. કારણ કે તે માણસોને હું નિર્દોષ ગણીશ નહિ. જેઓ મારું નામ વ્યર્થપણે લેશે તેને સજા કર્યા વિના હું રહેવાનો નથી.”

8“વિશ્રામવારની પવિત્રતા જાળવવાનું યાદ રાખજો.”

9છ દિવસ તમારે તમારાં બધાં કામકાજ કરવાં, પરંતુ સાતમો દિવસ વિશ્રામવાર તો તમારા ઈશ્વર યહોવાહનો છે.

10તેથી વિશ્રામવારના દિવસે તમારે કે તમારા પુત્રોએ કે તમારી પુત્રીઓએ, તમારા દાસ-દાસીઓએ કે તમારાં જાનવરોએ કે તમારા ગામમાં રહેતા વિદેશીએ કોઈ કામ કરવું નહિ, કારણ કે,

11છ દિવસમાં મેં યહોવાહે આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા તેમાંની તમામ વસ્તુઓ ઉત્પન્ન કરી હતી અને સાતમે દિવસે મેં વિશ્રામ કર્યો હતો, તેથી મેં યહોવાહે વિશ્રામવારને આશીર્વાદ આપીને તેને પવિત્ર ઠરાવ્યો છે.

12“તમારાં માતાપિતાનું સન્માન કરો, જેથી હું યહોવાહ તમારો ઈશ્વર તમને જે દેશ આપનાર છું તેમાં તમે લાંબુ આયુષ્ય પામો.

13તમારે ખૂન કરવું નહિ.

14તમારે વ્યભિચાર કરવો નહિ.

15તમારે ચોરી કરવી નહિ.

16તમારે પડોશી કે માનવબંધુ વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરવી નહિ.

17તમારા પડોશીના ઘરની લાલસા રાખવી નહિ; તમારા પડોશીની પત્ની કે તેના દાસ કે તેની દાસી કે તેનો બળદ કે તેનું ગધેડું કે તમારા પડોશીની કોઈ પણ વસ્તુની લાલસા-લોભ, લાલચ, ઉત્કટ ઇચ્છા રાખવી નહિ.”

18બધા લોકો ગર્જના, અને રણશિંગડાનો નાદ સાંભળીને તથા વીજળીના ચમકારા અને પર્વતમાંથી નીકળતો ધુમાડો જોઈને ભયભીત થઈને થરથર ધ્રૂજતા દૂર જ ઊભા રહ્યા.

19પછી તેઓએ મૂસાને કહ્યું, “અમારી સાથે તું જ બોલ, તો અમે સાંભળીશું, પણ યહોવાહ અમારી સાથે બોલે નહિ. જો તે બોલશે તો અમે બધા મરી જઈશું.”

20એટલે મૂસાએ તે લોકોને કહ્યું, “ગભરાશો નહિ, કારણ કે યહોવાહ તો તમારી કસોટી કરવા આવ્યા છે કે, જેથી તમે બધા તેમનો ડર રાખો અને પાપ ન કરો.”

21“પરંતુ તેમ છતાં લોકો તો દૂર જ ઊભા રહ્યા અને મૂસા ઘનઘોર વાદળ નજીક જ્યાં યહોવાહ હતા ત્યાં ગયો.”

22પછી યહોવાહે મૂસાને કહ્યું, “તું ઇઝરાયલના લોકોને એમ કહે કે, મેં તમારી સાથે આકાશમાંથી વાત કરી છે એ તમે જાતે જોયું છે.

23તેથી મારી આગળ તમારે કોઈ સોનાચાંદીની મૂર્તિઓ ન બનાવવી. તમારે આવા ખોટા દેવો બનાવવા નહિ.”

24“મારા માટે તમે લોકો એક માટીની વેદી બનાવજો, અને તેના પર તમારાં ઘેટાંબકરાં અને અન્ય જાનવરોમાંથી મને દહનીયાર્પણ અને શાંત્યર્પણ ચઢાવજો. જે સર્વ જગાએ હું મારું નામ સ્થાપીશ, ત્યાં હું તમારી પાસે આવીશ અને તમને આશીર્વાદ આપીશ.

25જો તમે મારા માટે પથ્થરની વેદી બાંધો, તો ઘડેલા પથ્થરની નહિ પણ અસલ પથ્થરની બાંધશો. કારણ કે તમે જો તેના પર કોઈ પણ ઓજાર વાપરો તો તે અશુદ્ધ બની જાય.

26તેમ જ તમારે પગથિયાં પર થઈને મારી વેદી ઉપર ચઢવું નહિ, રખેને તમે ઉઘાડા દેખાઓ.”

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath