નિર્ગમન 16
1ઇઝરાયલીઓએ એલીમથી પોતાની મુસાફરી શરૂ કરી. તેઓ મિસરમાંથી બહાર આવ્યા પછી બીજા માસને પંદરમે દિવસે એલીમ અને સિનાઈની વચ્ચે આવેલા સીનના અરણ્યમાં આવી પહોંચ્યા.
2અહીં બધા ઇઝરાયલી લોકોએ આખા અરણ્યમાં મૂસા અને હારુનની વિરુદ્ધ બબડાટ કર્યે રાખ્યો.
3ઇઝરાયલીઓએ મૂસા અને હારુનને કહ્યું, “જ્યારે અમે માંસથી ભરેલાં વાસણ પાસે બેસીને ધરાતાં સુધી ખાતા હતા, ત્યારે જ જો યહોવાહે પોતાને હાથે અમને મિસરમાં મારી નાખ્યા હોત તો સારું થાત. એવું થયું હોત તો આ અરણ્યમાં અમને બધાને ભૂખે મરવાનો વારો આવ્યો હોત નહિ.”
4ત્યારે યહોવાહે મૂસાને કહ્યું, “હું તમારે માટે રોટલીનો વરસાદ વરસાવીશ. આ બધા લોકોએ દરરોજ બહાર આવીને તેમાંથી તે દિવસ પૂરતી રોટલી પોતાને માટે ભેગી કરી લે; જેથી તેઓ મારા કાનૂન અનુસાર ચાલશે કે નહિ તે વિષે હું તેઓની પરીક્ષા કરું.
5લોકો દરરોજ તે દિવસ પૂરતી જ રોટલીનો સંગ્રહ કરે, પરંતુ છઠ્ઠા દિવસે રોજ કરતાં બમણી રોટલી ભેગી કરે અને પોતાના સ્થળે રાંધે.”
6અને મૂસા અને હારુને ઇઝરાયલી લોકોને કહ્યું, “આજે રાત્રે તમે યહોવાહની શક્તિ જોશો, અને તમને ખબર પડશે કે મિસર દેશમાંથી તમને બચાવીને બહાર લાવનાર તે ઈશ્વર તો યહોવાહ છે.
7કાલે સવારે તમે લોકો યહોવાહનું ગૌરવ જોશો કારણ કે તેમણે તેઓની વિરુદ્ધની તમારી ફરિયાદ કાને ધરી છે, તમે હમેશાં અમને ફરિયાદ કરો છો, પણ અમે એમાં શું કરી શકીએ?”
8પછી મૂસાએ કહ્યું, “યહોવાહ, સાંજે તમને ખાવા માટે માંસ આપશે અને સવારે ઘરાઈને ખાઓ એટલી રોટલી આપશે. કારણ કે તમે તેમની વિરુદ્ધ જે ફરિયાદો કરો છો તે તેમણે સાંભળી છે. તમારી ફરિયાદ અમારી વિરુદ્ધ નથી, પણ યહોવાહની વિરુદ્ધ છે. અમે તે વળી કોણ?”
9પછી મૂસાએ હારુનને કહ્યું, તું ઇઝરાયલી લોકોને કહે કે, ‘તમે યહોવાહની સમક્ષ આવો. કારણ કે તેમણે તમારી ફરિયાદો સાંભળી છે.’”
10ઇઝરાયલનો સમગ્ર સમુદાય એક જ સ્થાને ભેગો થયો હતો. ત્યારે હારુન તેઓની સાથે વાત કરતો હતો. તે દરમિયાન તેઓએ અરણ્ય તરફ જોયું, તો વાદળમાં યહોવાહના ગૌરવનું દર્શન થયું.
11યહોવાહે મૂસાને કહ્યું,
12“મેં ઇઝરાયલના લોકોની ફરિયાદ સાંભળી છે; તેઓને કહે કે, ‘સાંજે તમે માંસ ખાશો અને સવારે તમે ઘરાઈને રોટલી ખાશો;’ અને તમને ખાતરી થશે કે હું તમારો ઈશ્વર યહોવાહ છું.”
13તે રાત્રે એવું બન્યું કે લાવરીઓએ ઊડી આવીને છાવણીને ભરી દીધી; સવારમાં છાવણીની આસપાસ ઝાકળ પડ્યું.
14સૂરજ ઊગતાં ઝાકળ ઊડી ગયું અને હિમના જેવો બારીક નાનો પદાર્થ અરણ્યની સપાટી પર પડેલો હતો.
15ઇઝરાયલી લોકો એ જોઈને પરસ્પર પૂછવા લાગ્યા, “એ શું છે?” કેમ કે તેઓ આ પદાર્થ વિષે જાણતા નહોતા. ત્યારે મૂસાએ તેઓને કહ્યું, “એ તો યહોવાહે તમને ખાવા માટે આપેલો ખોરાક છે.”
16યહોવાહની એવી આજ્ઞા છે કે, ‘તમે પ્રત્યેક જણ પોતાના આહાર જેટલું ભેગું કરી લો. તમારે તમારા કુટુંબના માણસોની સંખ્યા પ્રમાણે તમારા તંબુમાં રહેનારા માટે વ્યક્તિ દીઠ એક ઓમેર જેટલું તે લેવું.’
17અને ઇઝરાયલી લોકોએ એ પ્રમાણે કર્યું. પણ તેમાંના કેટલાકે વધારે તો કેટલાકે ઓછું ભેગું કરી લીધું.
18અને પછી તેઓએ ઓમેરના માપિયાથી માપ્યું ત્યારે જેણે વધુ લીધું હતું તેને વધી પડ્યું નહિ અને જેણે ઓછું ભેગું કર્યુ હતું તેને ખૂટ્યું નહિ. પ્રત્યેક માણસથી પોતાના આહાર પૂરતું જ એકઠું કરાયું હતું.
19મૂસાએ તેઓને કહ્યું, “તમારામાંથી કોઈએ તેમાંથી સવારને માટે રાખી મૂકવું નહિ.”
20પરંતુ કેટલાકે મૂસાનું કહ્યું માન્યું નહિ. તેઓએ તેમાંથી થોડુંઘણું સવારને માટે રાખ્યું તો સવારે તેમાં કીડા પડેલા હતા. અને તે ગંધાઈ ઊઠયું. તેથી મૂસા તેમના પર ગુસ્સે થયો.
21રોજ સવારે પ્રત્યેક જણ પોતાના આહાર જેટલો ખોરાક ભેગો કરતો હતો અને સૂર્ય તપતો ત્યારે જે વધ્યું હોય તે બધું ઓગળી જતું હતું.
22અઠવાડિયાનાં છઠ્ઠે દિવસે તેઓએ બમણો એટલે વ્યક્તિ પ્રમાણે બે ઓમેર જેટલો ખોરાક ભેગો કર્યો. પછી સમુદાયના બધા આગેવાનોએ આવીને મૂસાને તે વિષે જણાવ્યું.
23મૂસાએ તેઓને કહ્યું, યહોવાહની એ આજ્ઞા છે કે, “આવતી કાલે વિશ્રામ એટલે યહોવાહનો પવિત્ર વિશ્રામવારનો દિવસ છે; તેથી તમારે જે રાંધવું હોય તે રાંધી લો, અને જે વધે તે તમારા માટે સવાર સુધી રાખી મૂકો.”
24આથી મૂસાની આજ્ઞા પ્રમાણે તેઓએ તેમાંથી સવારને માટે રાખી મૂકયું, પણ તેમાં કીડા પડયા નહિ અને તે ગંધાઈ ઊઠ્યું પણ નહિ.
25અને મૂસાએ કહ્યું, “આજે તે ખાઓ, કારણ કે આજે વિશ્રામવાર છે, યહોવાહનો દિવસ છે; આજે તે તમને ખેતરમાં મળશે નહિ.
26સપ્તાહના છે દિવસ તમે એ ભેગું કરો; પણ સાતમો દિવસ વિશ્રામવારનો છે, તેમાં તમને કંઈ મળશે નહિ.”
27સાતમા દિવસે કેટલાક લોકો તે ભેગું કરવા માટે બહાર ગયા, પણ તેમને કંઈ મળ્યું નહિ.
28ત્યારે યહોવાહે મૂસાને કહ્યું, “કયાં સુધી તમે મારી આજ્ઞાઓ અને નિયમોનું પાલન કરવાનો ઇનકાર કરશો?”
29જુઓ, યહોવાહે તમને વિશ્રામવાર આપ્યો છે, તેથી છઠ્ઠે દિવસે તે તમને બે દિવસ ચાલે તેટલો ખોરાક આપશે, એટલે સાતમે દિવસે તેઓએ દરેકે પોતપોતાના નિવાસમાં જ રહેવું અને બહાર નીકળવું નહિ.”
30તેથી તે લોકોએ સાતમે દિવસે વિશ્રામ કર્યો.
31ઇઝરાયલી લોકોએ તે વિશિષ્ટ ખોરાકનું નામ “માન્ના” પાડ્યું. માન્ના ધાણાના દાણા જેવું સફેદ હતું. તેનો સ્વાદ મધ ચોપડેલી પાતળી પૂરીના જેવો હતો.
32ત્યારે મૂસાએ કહ્યું, “યહોવાહે તમને આદેશ આપ્યો છે કે, ‘તમારા વંશજોને માટે તેમાંથી એક ઓમેર જેટલું માન્ના રાખી મૂકો; જેથી હું તમને મિસરમાંથી બહાર લઈ આવ્યો ત્યારે મેં તમને લોકોને જે ભોજન ખવડાવ્યું હતું તે તેઓ જોઈ શકે.’”
33પછી મૂસાએ હારુનને કહ્યું કે, “એક વાસણ લઈને તેમાં એક ઓમેર માન્ના ભરીને તમારા વંશજોને માટે સાચવી રાખવા સારુ તેને યહોવાહની સમક્ષ મૂકો.”
34યહોવાહે મૂસાને આજ્ઞા આપ્યા મુજબ હારુને તેને સાચવી રાખવા માટે કરારકોશ આગળ તેને મૂક્યું.
35પછી ત્યાંથી ઇઝરાયલી લોકો વસવાટ કરવા યોગ્ય પ્રદેશમાં આવ્યા, એ દરમિયાન તેઓએ તે માન્ના ખાધું. તેઓ કનાન દેશની સરહદમાં પહોંચ્યા ત્યાં સુધી તેઓએ માન્ના ખાધું.
36માન્નાના માપ માટે વપરાતા પાત્રમાં એક ઓમેર માન્ના સમાતું હતું. એક ઓમેર એટલે એફાહનો દસમો ભાગ.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath