ખ્રિસ્તી ધર્મ
પાછા

સભાશિક્ષક 9

1એ બાબતમાં મેં જ્યારે કાળજીપૂર્વક તપાસ કરી તો મને જાણવા મળ્યું કે સદાચારીઓ અને જ્ઞાનીઓ તથા તેઓનાં કામ ઈશ્વરના હાથમાં છે. મેં જોયું કે તે પ્રેમ હશે કે ધિક્કાર તે કોઈ પણ જાણતું નથી. બધું તેઓનાં ભાવીમાં છે.

2બધી બાબતો સઘળાને સરખી રીતે મળે છે. નેકની તથા દુષ્ટની, સારાંની તથા ખરાબની શુદ્ધની તથા અશુદ્ધની, યજ્ઞ કરનારની તથા યજ્ઞ નહિ કરનારની પરિસ્થિતિ સમાન જ થાય છે. જેવી સજ્જનની સ્થિતિ થાય છે તેવી જ દુર્જનની સ્થિતિ થાય છે. જેવી સમ ખાનારની સ્થિતિ થાય છે તેવી જ સમ ન ખાનારની પણ થાય છે.

3સર્વ મનુષ્યોની ગતિ એક જ થવાની છે, એ તો જે બધાં કામ પૃથ્વી પર થાય છે તેઓમાંનો એક અનર્થ છે, વળી માણસોનું અંત:કરણ દુષ્ટતાથી ભરપૂર છે, જ્યાં સુધી તેઓ જીવે છે ત્યાં સુધી તેઓના હૃદયમાં મૂર્ખામી હોય છે, અને તે પછી તેઓ મૃતજનોમાં ભળી જાય છે.

4જેનો સંબંધ સર્વ જીવતાઓની સાથે છે તેને આશા છે; કારણ કે જીવતો કૂતરો મૂએલા સિંહ કરતાં સારો છે.

5જીવતાઓ જાણે છે કે તેઓ મરવાના છે. પરંતુ મૃત્યુ પામેલાઓ કશું જાણતા નથી. તેઓને હવે પછી કોઈ બદલો મળવાનો નથી. તેઓની સ્મૃતિ પણ નાશ પામે છે.

6તેઓનો પ્રેમ, ઈર્ષ્યા, ધિક્કાર, હવે નષ્ટ થયા છે. અને જે કાંઈ હવે દુનિયામાં થાય છે તેમાં તેઓને કોઈ હિસ્સો મળવાનો નથી.

7તારે રસ્તે ચાલ્યો જા, આનંદથી તારી રોટલી ખા અને આનંદિત હૃદયથી તારો દ્રાક્ષારસ પી. કેમ કે ઈશ્વર સારાં કામોનો સ્વીકાર કરે છે.

8તારાં વસ્ત્રો સદા શ્વેત રાખ. અને તારા માથાને અત્તરની ખોટ કદી પડવા દઈશ નહિ.

9દુનિયા પર જે ક્ષણિક જીવન ઈશ્વરે તને આપ્યું છે, તેમાં તારી પત્ની, જેના પર તું પ્રેમ કરે છે, તેની સાથે વ્યર્થતાના સર્વ દિવસો આનંદથી વિતાવ, કારણ કે આ તારી જિંદગીમાં તથા પૃથ્વી પર જે ભારે પરિશ્રમ તું કરે છે તેમાં એ તારો હિસ્સો છે.

10જે કંઈ કામ તારે હાથ લાગે તે સામર્થ્યથી કર, કારણ કે જે તરફ તું જાય છે તે શેઓલમાં કંઈ પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.

11હું પાછો ફર્યો તો પૃથ્વી પર મેં એવું જોયું કે; શરતમાં વેગવાનની જીત થતી નથી. અને યુદ્ધોમાં બળવાનની જીત થતી નથી. વળી, બુદ્ધિમાનને રોટલી મળતી નથી. અને સમજણાને ધન મળતું નથી. તેમ જ ચતુર પુરુષો પર રહેમનજર હોતી નથી. પણ સમય તથા પ્રસંગની અસર સર્વને લાગુ પડે છે.

12કોઈ પણ મનુષ્ય પોતાનો સમય જાણતો નથી; કેમ કે જેમ માછલાં ક્રૂર જાળમાં સપડાઈ જાય છે, અને જેમ પક્ષીઓ ફાંદામાં ફસાય છે, તેમ જ ખરાબ સમય માણસો ઉપર એકાએક આવી પડે છે, અને તેમને ફસાવે છે.

13વળી મેં પૃથ્વી પર એક બીજી જ્ઞાનની બાબત જોઈ અને તે મને મોટી લાગી.

14એક નાનું નગર હતું. તેમાં થોડાં જ માણસો હતાં. એક બળવાન રાજા પોતાના સૈન્ય સાથે નગર પર ચડી આવ્યો. અને તેને ઘેરો ઘાલ્યો. તેની સામે મોટા મોરચા બાંધ્યા.

15હવે આ નગરમાં એક ખૂબ ગરીબ પણ બુદ્ધિમાન માણસ રહેતો હતો. તે જાણતો હતો કે નગરને કેવી રીતે બચાવવું, પોતાની બુદ્ધિ અને સલાહથી તેણે નગરને બચાવ્યું પણ થોડા સમય પછી સર્વ તેને ભૂલી ગયા.

16ત્યારે મેં કહ્યું કે, બળ કરતાં બુદ્ધિ ઉત્તમ છે, તેમ છતાં ગરીબ માણસની બુદ્ધિને તુચ્છ ગણવામાં આવે છે, અને તેનું કહેવું કોઈ સાંભળતું નથી.

17મૂર્ખ સરદારના પોકાર કરતાં, બુદ્ધિમાન માણસનાં છૂપા બોલ વધારે સારા છે.

18યુદ્ધશસ્ત્રો કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ છે; પણ એક પાપી માણસ ઘણી ઉત્તમતાનો નાશ કરે છે.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath