પુનર્નિયમ 7
1જે દેશનું વતન પામવા માટે તું જાય છે ત્યાં યહોવાહ તારા ઈશ્વર તને લઈ જશે, તારી આગળથી અનેક પ્રજાઓને કાઢી મૂકશે, એટલે હિત્તીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓ, જે તારા કરતાં મોટી તથા જોરાવર સાત પ્રજાઓ છે; તેઓને ત્યાંથી નસાડી મૂકશે.
2જયારે યહોવાહ તારા ઈશ્વર તને યુદ્ધમાં તેઓની સામે વિજય અપાવે, ત્યારે તું તેઓ પર હુમલો કર અને તેઓનો તદ્દન નાશ કર. તારે તેઓની સાથે કંઈ કરાર કરવો નહિ કે દયા દર્શાવવી નહિ.
3તારે તેઓની સાથે લગ્ન વ્યવહાર રાખવો નહિ; તેમ જ તારે તારી દીકરીઓનાં લગ્ન તેઓના દીકરાઓ સાથે અને તારા દીકરાઓના લગ્ન તેઓની દીકરીઓ સાથે કરાવવાં નહિ.
4કેમ કે તેઓ તારા દીકરાઓને મારી આરાધના કરતાં અટકાવશે જેથી તેઓ બીજા દેવોની સેવા કરે. કે જેથી યહોવાહનો ગુસ્સો તમારી વિરુદ્ધ ઊઠે અને તેઓ જલ્દી તમારો નાશ કરે.
5તમારે તેઓ સાથે આ પ્રમાણે વર્તવું; તેઓની વેદીઓને તોડી પાડવી, તેઓના સ્તંભોને ભાગીને ટુકડા કરી નાખવા, તેઓની અશેરા મૂર્તિઓને કાપી નાખવી અને તેઓની કોતરેલી મૂર્તિઓને બાળી નાખવી.
6કેમ કે તમે યહોવાહ તમારા ઈશ્વરના પવિત્ર લોકો છો. યહોવાહ તમારા ઈશ્વરે પૃથ્વીની સપાટી પરની બધી પ્રજાઓમાંથી તમને જ પોતાની પ્રજા થવા માટે પસંદ કર્યા છે.
7તમે બીજા લોકો કરતા સંખ્યામાં વધારે હતા તેને કારણે યહોવાહે તમારા પર પ્રેમ રાખ્યો અને તમને પસંદ કર્યા છે એવું નથી; કેમ કે તમે તો બધા લોકો કરતાં સૌથી ઓછા હતા.
8પણ યહોવાહ તમને પ્રેમ કરે છે, તમારા પિતૃઓને આપેલી પ્રતિજ્ઞા પાળવા તેઓ ઇચ્છે છે. તે માટે યહોવાહ તમને પરાક્રમી હાથ વડે બહાર લાવ્યા અને ગુલામીના ઘરમાંથી એટલે મિસરના રાજા ફારુનના હાથમાંથી સ્વતંત્ર કર્યા છે.
9તે માટે તારે જાણવું કે યહોવાહ તમારા ઈશ્વર છે, તે ઈશ્વર છે, તે વિશ્વાસુ ઈશ્વર છે, જે તેમના પર પ્રેમ રાખે છે અને તેમની આજ્ઞાઓ પાળે છે તેમની હજારો પેઢીઓ સુધી કરાર પાળવા માટે તે વિશ્વાસુ છે.
10પણ જેઓ તેમનો તિરસ્કાર કરે છે તેમનો સામી છાતીએ બદલો લઈને તે નષ્ટ કરે છે; જે કોઈ તેમનો તિરસ્કાર કરે છે તેમનો બદલો લેવામાં તે વિલંબ નહિ કરે; તે બદલો વાળશે.
11માટે જે આજ્ઞાઓ, કાનૂનો તથા વિધિઓ આજે હું તને ફરમાવું છું, તે પાળીને તું તેનો અમલ કર.
12જો તમે આ હુકમો સાંભળીને તેનું પાલન કરશો અને અમલમાં મૂકશો, તો એવું થશે કે જે કરાર તથા દયા વિષે યહોવાહ તમારા ઈશ્વરે તમારા પિતૃઓ સાથે પ્રતિજ્ઞા લીધી છે, તે તમારી પ્રત્યે તે અદા કરશે.
13તે તારા પર પ્રેમ રાખશે, તને આશીર્વાદ આપશે તથા તને વધારશે; જે દેશ તને તારા પિતૃઓને આપવાની પ્રતિજ્ઞા લીધી છે, તેમાં તે તારા પેટના ફળને તથા તારી ભૂમિના ફળને આશીર્વાદ આપશે, તારા અનાજને, તારા દ્રાક્ષારસને, તારા તેલને, તારા પશુઓના વિસ્તારને તથા તારા જુવાન ટોળાને આશીર્વાદ આપશે.
14બીજા લોકો કરતાં તું વધારે આશીર્વાદિત થશે. તમારી વચ્ચે કે તમારા પશુઓ મધ્યે કોઈ નર કે નારી વાંઝણું રહેશે નહિ.
15યહોવાહ તારી બધી બીમારી દૂર કરશે; મિસરના ખરાબ રોગો જેની તને ખબર છે તેઓમાંનો કોઈ પણ તેઓ તારા પર લાવશે નહિ. પણ જેઓ તારો તિરસ્કાર કરે છે તેના પર લાવશે.
16જે બધી પ્રજાઓ પર યહોવાહ તારા ઈશ્વર તને જય અપાવશે તેઓનો તારે ઉપભોગ કરવો, તારી આંખ તેઓ પર દયા લાવે નહિ. તારે તેઓનાં દેવોની પૂજા કરવી નહિ, કેમ કે તે તારા માટે ફાંદારૂપ થશે.
17જો તું તારા મનમાં એમ કહેશે કે, “આ જાતિઓ મારા કરતાં સંખ્યામાં વધારે છે; હું કેવી રીતે તેઓને પરાજિત કરી શકું?”
18તું તેઓથી બીશ નહિ; યહોવાહ તારા ઈશ્વરે ફારુન તથા આખા મિસરને જે કર્યું તે તારે યાદ રાખવું;
19એટલે જે ભારે દુઃખો તેં તારી આંખોથી જોયાં તે, ચિહ્નો, ચમત્કારો, પરાક્રમી હાથ તથા સામર્થ્ય દેખાડીને યહોવાહ તારા ઈશ્વર તને મિસરમાંથી બહાર લાવ્યા. જે લોકોથી તું ડરે છે તેઓને યહોવાહ તારા ઈશ્વર તેવું જ કરશે.
20વળી, યહોવાહ તારા ઈશ્વર તેઓની મધ્યે ભમરીઓ મોકલશે, જેઓ તારાથી બચી રહ્યા હશે અને તારાથી સંતાઈ રહ્યા હશે તેઓનો તારી હજૂરમાંથી નાશ કરશે.
21તું તેઓથી ભયભીત થઈશ નહિ, કેમ કે, યહોવાહ તારા ઈશ્વર તારી મધ્યે છે, મહાન અને ભયાવહ ઈશ્વર છે.
22યહોવાહ તારા ઈશ્વર ધીમે ધીમે તારી આગળથી તે પ્રજાઓને હાંકી કાઢશે. તું એકદમ તેઓનો પરાજય કરીશ નહિ, રખેને જંગલી પશુઓ વધી જાય અને તને હેરાન કરે.
23જ્યારે તું તેઓ સાથે યુદ્ધ કરીશ, ત્યારે યહોવાહ તારા ઈશ્વર તને તેઓ પર વિજય આપશે; જ્યાં સુધી તેઓનો નાશ ન થાય ત્યાં સુધી તે તેઓને ગૂંચવશે.
24યહોવાહ તેઓના રાજાઓને તમારા હાથમાં સોંપી દેશે અને તમે તેઓનું નામ આકાશ તળેથી નાબૂદ કરી દેશો. અને તેમનો નાશ થશે નહિ ત્યાં સુધી કોઈ માણસ તમારી આગળ ટકી શકશે નહિ.
25તેઓના દેવદેવીઓની કોતરેલી મૂર્તિઓ તમારે આગથી બાળી નાખવી. તેઓના શરીર પરના રૂપા પર કે સોના પર તમે લોભ કરશો નહિ. રખેને તમે તેમાં ફસાઈ પડો; કેમ કે યહોવાહ તમારા ઈશ્વરની નજરમાં તે શ્રાપિત છે.
26માટે તમે કોઈ ધિક્કારપાત્ર વસ્તુ તમારા ઘરમાં લાવી તેની સેવા કરવી નહિ, તમારે તેને ધિક્કારવું અને તમારે તેનાથી કંટાળવું; કેમ કે તે શાપિત વસ્તુ છે.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath