પુનર્નિયમ 30
1અને એમ થશે કે જયારે આ બાબતો એટલે કે આશીર્વાદો તથા શાપો જે મેં તમારી આગળ મૂક્યા છે તે તમારા પર આવશે અને જે સર્વ દેશોમાં યહોવાહ તમારા ઈશ્વરે તમને વિખેરી મૂક્યા હશે ત્યારે તે બાબતોને યાદ રાખીને,
2તમે યહોવાહ તમારા ઈશ્વરની પાસે પાછા આવશો અને જે સર્વ આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું, તે તમે તથા તમારા સંતાન પૂરા હૃદયથી તથા પૂરા અંત:કરણથી પાળશો તથા તેમનો અવાજ સાંભળશો,
3તો યહોવાહ તમારા ઈશ્વર તમારી ગુલામી ફેરવી નાખશે, તમારા પર દયા કરશે; અને પાછા આવીને જે બધા લોકોમાં યહોવાહ તમારા ઈશ્વરે તમને વિખેરી નાખ્યો હશે તેઓમાંથી તમને એકત્ર કરશે.
4જો તમારામાંના દેશનિકાલ કરાયેલામાંના કોઈ આકાશ નીચેના દૂરના દેશોમાં વસ્યા હશે, ત્યાંથી યહોવાહ તમારા ઈશ્વર તમને એકત્ર કરશે, ત્યાંથી તે તમને લાવશે.
5જે દેશ તમારા પિતૃઓના કબજામાં હતો, તેમાં યહોવાહ તમારા ઈશ્વર તમને લાવશે, તમે ફરીથી તેનો કબજો કરશો, તે તમારું ભલું કરશે અને તમારા પિતૃઓ કરતાં તમને વધારશે.
6યહોવાહ તમારા ઈશ્વર તમારાં તથા તમારાં સંતાનોનાં હૃદયની સુન્નત કરશે, જેથી તમે યહોવાહ તમારા ઈશ્વરને તમારા પૂરા હૃદયથી તથા પૂરા અંત:કરણથી પ્રેમ કરો, અને જીવતા રહો.
7યહોવાહ તમારા ઈશ્વર આ બધા શાપો તમારા શત્રુઓ પર તથા તમને ધિક્કારનાર પર મોકલી આપશે.
8તમે પાછા ફરીને યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ સાંભળશો, આજે હું તને જે આજ્ઞાઓ ફરમાવું છું તેનું તમે પાલન કરશો.
9યહોવાહ તમારા ઈશ્વર તમારા હાથનાં સર્વ કામમાં, તમારાં સંતાનોમાં, તમારાં પશુઓનાં બચ્ચામાં, તમારી ભૂમિના ફળમાં પુષ્કળ વૃદ્ધિ કરશે. જેમ યહોવાહ તમારા પિતૃઓ પર પ્રસન્ન હતા તેમ તેઓ ફરી તમારા હિતને માટે પ્રસન્ન થશે.
10યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ સાંભળીને તેઓની જે આજ્ઞાઓ તથા કાનૂનો લખેલાં છે તે તમે પાળશો અને તમે તમારા પૂરા અંત:કરણથી યહોવાહ તમારા ઈશ્વરની તરફ ફરશો તો એ પ્રમાણે થશે.
11કેમ કે આજે હું તમને જે આજ્ઞાઓ ફરમાવું છું તે તમારી શક્તિ ઉપરાંતની નથી, તેમ તમારાથી એટલી દૂર પણ નથી કે તમે પહોંચી ન શકો.
12તે આકાશમાં નથી કે તમે કહો કે, ‘કોણ આપણે માટે ઉપર જઈને લાવીને આપણને સંભળાવે કે આપણે તે પાળીએ?’”
13વળી તે સમુદ્રને પેલે પાર પણ નથી કે તમે કહો કે, ‘કોણ સમુદ્રને પેલે પર જઈને લાવીને અમને સંભળાવે જેથી અમે તેનું પાલન કરીએ?’
14પરંતુ તે વચન તો તમારી નજીક છે, તમારા મુખમાં અને તારા હૃદયમાં છે, કે જેથી તમે તેને પાળી શકો.
15જુઓ, આજે મેં તમારી આગળ જીવન તથા સારું, મરણ તથા ખોટું મૂક્યાં છે.
16આજે હું તમને યહોવાહ તમારા ઈશ્વરની જે આજ્ઞાઓ ફરમાવું છું એટલે કે યહોવાહ તમારા ઈશ્વરને પ્રેમ કરવો, તેમના માર્ગોમાં ચાલવું, તેમની આજ્ઞાઓ, નિયમો અને કાનૂનો પાળવા, કે જેથી તમે જીવતા રહેશો. અને તમારી વૃદ્ધિ થશે, જે દેશનું વતન પામવા તમે જાઓ છો તેમાં યહોવાહ તમારા ઈશ્વર તમને આશીર્વાદ આપશે.
17પરંતુ જુઓ તમારું હૃદય તેમનાંથી દૂર થઈ જાય અને તમે તેમનું સાંભળો નહિ, પણ તેમનાંથી દૂર થઈને બીજા દેવોનું ભજન તથા પૂજા કરો,
18તો આજે હું તમને જણાવું છું કે તમે નિશ્ચે નાશ પામશો, યર્દન ઓળંગીને તમે જે દેશમાં વતન પામવા જઈ રહ્યા છો, ત્યાં તમે તમારું આયુષ્ય ભોગવી નહિ શકો.
19હું આજે આકાશ તથા પૃથ્વીને તમારી આગળ સાક્ષી રાખું છું કે મેં તમારી આગળ જીવન તથા મરણ, આશીર્વાદ તથા શાપ મૂક્યાં છે. માટે જીવન પસંદ કરો કે જેથી તમે અને તમારા વંશજો જીવતા રહો.
20યહોવાહ તમારા ઈશ્વર પર પ્રેમ રાખવાનું, તેમની વાણી સાંભળવાનું અને તેમને વળગી રહેવાનું પસંદ કરો, કેમ કે તે તમારા જીવન તથા તમારા આયુષ્યની વૃદ્ધિ કરે છે; તે માટે જે દેશ તમારા પિતૃઓને, એટલે ઇબ્રાહિમ, ઇસહાક, તથા યાકૂબને આપવાને યહોવાહે સમ ખાધા તેમાં તમે રહો.”
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath