પુનર્નિયમ 2
1પછી યહોવાહે મૂસા સાથે આ પ્રમાણે વાત કર્યું. યહોવાહે મને કહ્યું હતું તે મુજબ અમે પાછા ફરીને લાલ સમુદ્રને માર્ગે અરણ્યમાં ચાલ્યા. ઘણાં દિવસો સુધી અમે સેઈર પર્વતની આસપાસ ફરતા રહ્યા.
2પછી યહોવાહે મને કહ્યું, કે,
3“આ પર્વતની આસપાસ તમે લાંબો સમય ફર્યા છો, હવે ઉત્તર તરફ પાછા વળો.
4લોકોને આજ્ઞા કરીને કહે, તમે સેઈરમાં રહેનારા તમારા ભાઈઓ, એટલે કે એસાવના વંશજોની હદમાં થઈને પસાર થવાના છો. તેઓ તમારાથી ડરી જશે. માટે તમે કાળજી રાખજો.
5તેઓની સાથે યુદ્ધ કરશો નહિ, કેમ કે તેઓના દેશમાંથી હું તમને કંઈપણ આપીશ નહિ, પગ મૂકવા જેટલું પણ આપીશ નહિ. કેમ કે મેં સેઈર પર્વત એસાવને વતન તરીકે આપ્યો છે.
6નાણાં આપીને તેઓની પાસેથી ખોરાક ખરીદો, જેથી તમે ખાઈ શકો; પાણી પણ નાણાં આપીને ખરીદો, જેથી તમે પી શકો.
7કેમ કે ઈશ્વર તમારા યહોવાહે તમારા હાથનાં બધાં જ કાર્યોમાં તમને આશીર્વાદ આપ્યો છે, આ મોટા અરણ્યમાં તમારું ચાલવું તેમણે જાણ્યું છે. કેમ કે આ ચાળીસ વર્ષ ઈશ્વર તમારા યહોવાહ તમારી સાથે રહ્યા, તમને કશાની ખોટ પડી નથી.’”
8જેથી અમે આપણા સેઈરવાસી ભાઈઓ એટલે કે એસાવના વંશજોના દેશમાંથી પસાર થયા, અરાબાના માર્ગે થઈને એલાથ તથા એસ્યોન-ગેબેરથી ગયા. અને અમે પાછા વળીને મોઆબના અરણ્યના માર્ગે ચાલ્યા.
9યહોવાહે મને કહ્યું કે, “મોઆબને સતાવશો નહિ, તેમની સાથે યુદ્ધમાં લડશો નહિ. કેમ કે, તેઓના દેશમાંથી હું તમને વતન આપીશ નહિ, કેમ કે, આર તો મેં લોતના વંશજોને વતન તરીકે આપ્યું છે.”
10અગાઉ એમીઓ ત્યાં રહેતા હતા. તેઓની વસ્તી ઘણી હતી અને તેઓ અનાકીઓ જેવા ઊંચા તથા કદાવર હતા.
11અનાકીઓની જેમ તેઓ પણ રફાઇમી ઓ ગણાય છે; પણ મોઆબીઓ તેઓને એમીઓ કહે છે.
12અગાઉ હોરીઓ પણ સેઈરમાં રહેતા હતા, પણ એસાવપુત્રો તેઓની જગ્યાએ આવ્યા. તેઓ પોતાની આગળથી તેઓનો નાશ કરીને તેઓની જગ્યાએ વસ્યા. જેમ ઇઝરાયલે જે દેશ યહોવાહે તેઓને વતનને માટે આપ્યો તેને કર્યું હતું તેમ જ.
13“હવે ઊઠો અને ઝેરેદનું નાળું ઊતરો.” તેથી આપણે ઝેરેદનું નાળું ઊતર્યા.
14આપણે કાદેશ બાર્નેઆથી નીકળીને ઝેરેદનું નાળું ઊતર્યા ત્યાં સુધીમાં આડત્રીસ વર્ષ પસાર થયા. તે સમયે લડવૈયા માણસોની આખી પેઢી, યહોવાહે તેઓને પ્રતિજ્ઞાપૂર્વક કહ્યું હતું તે પ્રમાણે નાશ પામી હતી.
15વળી તેઓ બધા નાશ પામે ત્યાં સુધી છાવણી મધ્યેથી તેઓનો નાશ કરવા સારુ યહોવાહનો હાથ તેઓની વિરુદ્ધ હતો.
16હવે લોકોમાંથી સર્વ લડવૈયાઓ નાશ પામ્યા તથા મરી ગયા ત્યાર પછી,
17યહોવાહે મને કહ્યું કે,
18તું આજે આર એટલે કે મોઆબની સરહદ પાર કરવાનો છે;
19અને જયારે તું આમ્મોનપુત્રોની નજીક આવે ત્યારે તેઓને સતાવીશ નહિ કે તેઓની સાથે લડીશ પણ નહિ; કારણ કે, હું તમને આમ્મોનપુત્રોના દેશમાંથી વતન આપવાનો નથી. કેમ કે મેં તે પ્રદેશ વતન તરીકે લોતપુત્રોને આપ્યો છે.”
20તે પણ રફાઈઓનો દેશ ગણાય છે; અગાઉ રફાઈઓ તેમાં રહેતા હતા. જો કે આમ્મોનીઓ તેઓને ઝામઝુમીઓ એવું નામ આપે છે.
21તે લોક પણ અનાકીઓની જેમ બળવાન તથા કદાવર હતા. તેઓની સંખ્યા ઘણી હતી; પરંતુ યહોવાહે આમ્મોનીઓ આગળથી તેઓનો નાશ કર્યો અને તેઓ તેઓના વતનમાં દાખલ થઈને તેઓની જગ્યાએ વસ્યા.
22જેમ હોરીઓનો નાશ કરીને યહોવાહે સેઈરવાસી એસાવપુત્રો માટે કર્યું હતું તેમ જ; અને તેઓએ તેઓનું વતન લઈ લીધું. અને તેઓની જગ્યાએ તેઓ આજ સુધી વસ્યા.
23અને આવ્વીઓ જેઓ ગાઝા સુધીના ગામોમાં રહેતા હતા, તેઓનો કાફતોરીઓએ કાફતોરીમમાંથી ધસી આવીને નાશ કર્યો અને તેઓની જગ્યાએ રહ્યા.
24“હવે તમે ઊઠો, આગળ ચાલો અને આર્નોનની ખીણ ઓળંગો; જુઓ, મેં હેશ્બોનના રાજા અમોરી સીહોનને તેમ જ તેના દેશને તમારા હાથમાં સોંપી દીધો છે. તેનું વતન જીતવાનું શરૂ કરો અને તેની સાથે યુદ્ધ કરો.
25હું આજથી આકાશ નીચેની સર્વ પ્રજાઓ પર તમારો ડર તથા ધાક એવો બેસાડીશ કે તેઓ તમારી ખ્યાતી સાંભળી ધ્રૂજશે અને તીવ્ર વેદનાથી દુઃખી થશે.”
26અને કદેમોથના અરણ્યમાંથી મેં હેશ્બોનના રાજા સીહોન પાસે સંદેશવાહકો મોકલ્યા કે, તેઓ શાંતિનો સંદેશો લઈને કહે કે,
27“અમને તારા દેશમાં થઈને જવા દે; અમે રસ્તે જ ચાલીશું; ડાબે કે જમણે હાથે વળીશું નહિ.
28ખાવાને માટે અન્ન અમને પૈસા લઈને વેચાતું આપજે જેથી અમે ખાઈએ; પીવાને પાણી પણ તું મને પૈસા લઈને આપજે જેથી હું પીવું; ફક્ત તારા દેશમાંથી થઈને અમને પગે ચાલીને જવા દે;
29જ્યાં સુધી અમે યર્દન નદી ઓળંગીને અમારા ઈશ્વર યહોવાહ અમને જે દેશ આપવાના છે ત્યાં પહોંચીએ ત્યાં સુધી જેમ સેઈરમાં વસતા એસાવપુત્રો તથા આરમાં વસતા મોઆબીઓ મારી સાથે વર્ત્યા તેમ તું અમારી સાથે વર્તજે.”
30પરંતુ હેશ્બોનના રાજા સીહોને આપણને પોતાના દેશમાં થઈને જવા દેવાની ના પાડી; કેમ કે ઈશ્વર તમારા યહોવાહ તેનું મન કઠણ અને હૃદય હઠીલું કર્યું હતું કે તે તેને તારા હાથમાં સોંપે, જેમ આજે છે તેમ.
31અને યહોવાહે મને કહ્યું, ‘જો મેં સીહોનને તથા તેના દેશને તને સ્વાધીન કરવાનો આરંભ કર્યો છે. વતન પ્રાપ્ત કરવાનું શરૂ કર કે જેથી તું તે દેશનો વારસો પામે.”
32“ત્યારે સીહોન તથા તેના સર્વ લોક યાહાસ આગળ આપણી સામે લડાઈ કરવાને બહાર નીકળી આવ્યા.
33પરંતુ આપણા ઈશ્વર યહોવાહે તેને આપણને સ્વાધીન કરી દીધો. અને આપણે તેને તથા તેના પુત્રોને તથા તેના સર્વ લોકોને હરાવ્યા.
34આપણે તેનાં સર્વ નગરો જીતી લીધા. અને વસ્તીવાળાં સર્વ નગરોનો, તેઓની સ્ત્રીઓ તથા બાળકો શુદ્ધા તેઓનો પૂરો નાશ કર્યો. કોઈને પણ જીવતા રહેવા દીધા નહિ.
35ફક્ત જે નગરો આપણે જીતી લીધાં હતાં તેમની લૂંટ સાથે આપણે પોતાને સારુ જાનવરો લીધા.
36આર્નોનની ખીણની સરહદ પર આવેલા અરોએર તથા ખીણની અંદરના નગરથી માંડીને ગિલ્યાદ સુધી એક પણ નગર એવું મજબૂત નહોતું કે આપણાથી જિતાય નહિ. ઈશ્વર આપણા યહોવાહે આપણા સર્વ શત્રુઓ પર વિજય આપ્યો.
37ફક્ત આમ્મોનપુત્રોના દેશની નજીક તથા યાબ્બોક નદીના કાંઠા પરનો આખો પ્રદેશ, પર્વતીય પ્રદેશના નગરો તથા જે જગ્યા વિષે આપણા ઈશ્વર યહોવાહે આપણને મના કરી હતી ત્યાં આપણે ગયા જ નહિ.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath