પુનર્નિયમ 29
1હોરેબમાં જે કરાર યહોવાહે ઇઝરાયલી લોકો સાથે કર્યો, તે ઉપરાંત મોઆબ દેશમાં તેઓની સાથે જે કરાર કરવા ને મૂસાએ આજ્ઞા આપી હતી તે આ મુજબ છે.
2અને મૂસાએ સર્વ ઇઝરાયલી લોકોને બોલાવીને તેઓને કહ્યું, “તમારી નજર આગળ મિસર દેશમાં ફારુનને તથા તેના સેવકોને તથા સમગ્ર દેશને યહોવાહે જે કર્યુ તે બધું તમે નિહાળ્યું છે;
3એટલે તમારી આંખોએ જોયેલ ભયંકર મરકી, ચિહ્નો, તથા અદ્દભુત ચમત્કારો તમે જોયા.
4પણ યહોવાહે તમને સમજણવાળું હૃદય કે નિહાળતી આંખ કે સાંભળવાને કાન આજ દિન સુધી આપ્યાં નથી.
5મેં તમને ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં ચલાવ્યાં, તેમ છતાં તમારાં શરીર પરનાં વસ્ત્રો ફાટી ગયાં નહિ કે તમારાં પગરખાં ઘસાઈ ગયાં નહિ.
6તમે રોટલી ખાધી નથી તેમ જ દ્રાક્ષાસવ કે મદ્ય પીધાં નથી; એ સારુ કે હું તમારો ઈશ્વર છું એ તમે જાણો.
7જયારે તમે આ જગ્યાએ આવ્યા ત્યારે હેશ્બોનનો રાજા સીહોન તથા બાશાનનો રાજા ઓગ આપણી સામે લડવા આવ્યા અને આપણે તેઓનો પરાજય કર્યો.
8અને આપણે તેઓનો દેશ લઈને રુબેનીઓને, ગાદીઓને તથા મનાશ્શાના અડધા કુળને વતન તરીકે આપ્યો.
9તેથી તમે જે કરો છો તે સર્વમાં સફળ થાઓ માટે આ કરારના શબ્દો પાળો અને અમલમાં લાવો.
10આજે યહોવાહ તમારા ઈશ્વરની આગળ તમે બધા ઉપસ્થિત છો; તમારા નેતા, તમારાં કુળો, તમારા વડીલો તથા તમારા સરદારો એટલે સર્વ ઇઝરાયલી માણસો,
11વળી તમારી સાથે તમારાં સંતાનો, પત્નીઓ, તમારી સાથે છાવણીમાં રહેનાર પરદેશી, કઠિયારાથી માંડીને પાણી ભરનાર સુધી તમે સર્વ ઈશ્વરની સમક્ષ છો.
12માટે યહોવાહ તમારા ઈશ્વરનો કરાર તથા તેમની જે પ્રતિજ્ઞા યહોવાહ તમારા ઈશ્વર આજે તમારી આગળ કરે છે, તે પ્રમાણે કરવાને તમે તૈયાર થાઓ.
13કે તેઓ આજે તમને પોતાની પ્રજા બનાવે અને જેમ તેમણે તમને કહ્યું હતું, તથા જેમ તેમણે તમારા પિતૃઓ આગળ, એટલે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ આગળ સમ ખાધા હતા, તેમ તે તમારા ઈશ્વર થાય.
14અને હું આ કરાર માત્ર તમારી જ સાથે કરતો નથી તથા આ સમ ખાતો નથી.
15પરંતુ આજે આપણી સાથે યહોવાહ આપણા ઈશ્વરની સમક્ષ જે ઊભો રહેલો હશે તેની સાથે, તેમ જ આજે આપણી સાથે જે નહિ હોય તેની સાથે પણ.
16આપણે મિસર દેશમાં કેવી રીતે રહેતા હતા અને જે દેશજાતિઓમાં થઈને આપણે પસાર થયા તેઓની મધ્યે થઈને આપણે કેવી રીતે બહાર આવ્યા એ તમે જાણો છો.
17તમે તેઓનાં ધિક્કારપાત્ર કૃત્યો તેઓની લાકડાની, પથ્થરની, ચાંદીની તેમ જ સોનાની મૂર્તિઓ જે તેમની પાસે હતી તે જોઈ છે.
18રખેને તમારામાંથી કોઈ પુરુષ, સ્ત્રી, કુટુંબ કે ઇઝરાયલનું કોઈ કુળ એવું હોય કે જેનું હૃદય યહોવાહ તમારા ઈશ્વર તરફથી ભટકી જઈને બીજી પ્રજાઓના દેવોની પૂજા કરવા લલચાય. રખેને પિત તથા કડવાશરૂપી મૂળ તમારામાં હોય,
19રખેને તે આ શાપની વાતો સાંભળે ત્યારે તે પોતાના હૃદયમાં આશીર્વાદ આપીને કહે કે, હું મારા હૃદયની હઠીલાઈ પ્રમાણે ચાલું અને સૂકાની સાથે લીલાનો નાશ કરું તો પણ મને શાંતિ મળશે.
20યહોવાહ તેને માફ નહિ કરે પણ તે માણસની સામે યહોવાહનો રોષ તથા જુસ્સો તપી ઊઠશે અને આ પુસ્તકમાં જે સર્વ શાપ લખેલા છે તે તેના પર આવી પડશે. અને યહોવાહ આકાશ નીચેથી તેનું નામોનિશાન નષ્ટ કરી નાખશે.
21અને નિયમના આ પુસ્તકમાં લખેલા કરારમાંના બધા શાપો પ્રમાણે યહોવાહ તેને ઇઝરાયલના સર્વ કુળોમાંથી અલગ કરીને તેને નુકસાન કરશે.
22અને તમારી પાછળ થનાર તમારાં સંતાનોની આગામી પેઢી તથા દૂર દેશથી આવનાર પરદેશી પણ યહોવાહે આ દેશને આપેલા રોગો અને આફતો જોશે.
23વળી સદોમ, ગમોરા, આદમા અને સબોઈમ જેઓનો સંહાર યહોવાહે પોતાના કોપથી તથા રોષથી કર્યો તેઓના નાશની પેઠે આખો દેશ ગંધક, ખારરૂપ તથા બળતો થયો છે કે, જેમાં કંઈ વવાતું નથી, વળી કંઈ નીપજતું નથી, તેમ જ તેમાં કંઈ ઘાસ ઊગતું નથી તે જયારે જોશે.
24ત્યારે સર્વ પ્રજાઓ પૂછશે કે, ‘યહોવાહે આ દેશને આવું શા માટે કર્યું? એના ઉપર આવા ભારે કોપની ઉગ્રતાનું શું કારણ હશે?’”
25ત્યારે લોકો કહેશે કે, એનું કારણ એ છે કે તેઓના પિતૃઓના ઈશ્વર યહોવાહ તેઓને મિસરમાંથી બહાર લાવ્યા પછી તેઓની સાથે તેમણે જે કરાર કર્યો હતો તે કરારનો તેઓએ ત્યાગ કર્યો.
26બીજા જે દેવોને તેઓ જાણતા નહોતા તથા જેઓને તેણે તેઓને આપ્યા નહોતા. તેઓની સેવા તથા તેઓનું ભજન તેઓએ કર્યું.
27તેથી આ પુસ્તકમાં લખેલા શાપો આ દેશ પર લાવવાને યહોવાહનો કોપ તેઓ પર સળગ્યો હતો.
28યહોવાહે કોપમાં તથા ક્રોધમાં તથા તેના ઘણાં રોષમાં તેઓને તેઓના દેશમાંથી ઉખેડીને બીજા દેશમાં કાઢી મૂક્યા. જેમ આજે છે તે પ્રમાણે.
29મર્મો યહોવાહ આપણા ઈશ્વરના છે, પણ પ્રગટ કરેલી વાતો સદા આપણી તથા આપણાં સંતાનોની છે, તેથી આપણે આ નિયમનાં સર્વ વચનો પાળીએ.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath