પુનર્નિયમ 21
1જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તેનું વતન પામવા માટે તમને આપે છે, તેમાં જો કોઈની લાશ ખેતરમાં પડેલી તમને મળી આવે અને તેને કોણે માર્યો છે તે કોઈ જાણતું ન હોય;
2તો તમારા આગેવાનો અને ન્યાયાધીશો બહાર જઈને લાશની આસપાસનાં નગરોનું અંતર માપી જુએ.
3અને એમ થાય કે જે નગર લાશથી નજીકના અંતરે હોય એટલે તે નગરના વડીલોએ ટોળાંમાંથી એવી વાછરડી લાવવી કે જે કામમાં લીધેલી ન હોય તથા તેના પર કદી ઝૂંસરી ખેંચેલી ન હોય.
4અને તે નગરના વડીલો તે વાછરડીને વહેતા પાણીવાળી એક ખીણ કે જ્યાં કદી વાવણી કે ખેડાણ ના થયું હોય ત્યાં લાવે અને તે ખીણમાં તેની ગરદન ભાંગી નાખે.
5અને યાજકો એટલે લેવીના દીકરાઓ, પાસે આવે; કેમ કે, પોતાની સેવા કરવાને તથા યહોવાહને નામે આશીર્વાદ આપવાને યહોવાહ તમારા ઈશ્વરે તેઓને પસંદ કર્યા છે. અને તેઓના કહ્યા પ્રમાણે દરેક તકરાર તથા દરેક મારનો ચુકાદો થાય.
6ત્યારબાદ તે નગરના વડીલો કે જેઓ પેલી લાશની સૌથી નજીક રહે છે, તેઓ ખીણમાં ગરદન ભાગી નાખેલી વાછરડી પર પોતાના હાથ ધોઈ નાખે.
7અને તેઓ એમ કહે કે, “અમારે હાથોએ આ લોહી વહેવડાવ્યું નથી, તેમ જ અમારી આંખોએ તે જોયું પણ નથી.
8હે યહોવાહ, તમારા ઇઝરાયલી લોકો જેઓનો તમે ઉદ્ધાર કર્યો છે તેઓને તમે માફ કરો. અને તમારા ઇઝરાયલી લોકો મધ્યે નિદોર્ષના ખૂનના દોષમાંથી તેમને મુકત કરો.” અને તેઓને તેઓના ખૂનના દોષની માફી મળશે.
9આ રીતે યહોવાહની દૃષ્ટિમાં જે યથાર્થ છે તે કરીને તમારી મધ્યેથી તમારે નિર્દોષના લોહીથી દૂર રહેવું.
10જયારે તમે તમારા શત્રુઓની સાથે યુદ્ધમાં જાઓ અને યહોવાહ તમારા ઈશ્વર તેઓને તમારા હાથમાં સોંપે.
11અને બંદીવાનોમાં કોઈ સુંદર સ્ત્રી જોઈને તું તેના પર મોહિત થાય, તેની સાથે લગ્ન કરવા માટે ઇચ્છા રાખે,
12તો તેને તારે ઘરે લઈ આવવી અને તે પોતાનું માથું મૂંડાવે અને તે પોતાના નખ કપાવે.
13અને તે પોતાની બંદીવાન અવસ્થાનું વસ્ત્ર બદલી નાખે; અને તે તારા ઘરમાં રહે અને એક માસ સુધી તેના માતાપિતા માટે શોક કરે. પછી તમારે તેની પાસે જવું અને તમે તેના પતિ થાઓ અને તે તમારી પત્ની થાય.
14પછી એમ થાય કે જયારે તે તમને ન ગમે તો તમારે તેને તે ચાહે ત્યાં જવા દેવી. પરંતુ તમારે પૈસા લઈ તેને વેચવી નહિ તેમ જ ગુલામ તરીકે તારે તેની સાથે વર્તવું નહિ, કારણ કે તમે તેની આબરુ લીધી છે.
15જો કોઈ પુરુષને બે પત્નીઓ હોય, એક માનીતી અને બીજી અણમાનીતી અને તે બન્નેને પુત્ર જન્મે અને અણમાનીતીનો પુત્ર જયેષ્ઠ હોય.
16પછી જયારે તે તેના દીકરાઓને મિલકતનો વારસો આપે ત્યારે એમ થવું જોઈએ કે અણમાનીતીનો દીકરો જે એનો ખરો જયેષ્ઠ દીકરો છે તેની અવગણના કરીને માનીતી પત્નીના પુત્રને જયેષ્ઠ દીકરો ગણવો નહિ.
17પણ તેની સર્વ મિલકતનો બમણો ભાગ અણમાનીતીના દીકરાને આપીને તે તેને જયેષ્ઠ તરીકે માન્ય રાખે; કારણ, તે તેનું પ્રથમફળ છે અને જયેષ્ઠ પુત્ર તરીકેનો અધિકાર તેનો છે.
18જો કોઈ પુરુષને જીદ્દી અને બંડખોર દીકરો હોય અને તે તેના માતાપિતાનું કહેવું માનતો ન હોય અને તેઓ શિક્ષા કરવા છતાં પણ તેં તેમને ગણકારતો ન હોય.
19તો તેમનાં માતાપિતા તેને પકડીને તેઓના નગરના વડીલોની આગળ અને નગરના દરવાજા પાસે તેને બહાર લાવે.
20અને તેઓ તે નગરના વડીલોને કહે કે “આ અમારો દીકરો જીદ્દી અને બળવાખોર છે તે અમારું કહ્યું માનતો નથી. તે લાલચું અને મદ્યપાન કરનારો છે.”
21પછી તે નગરના બધા માણસોએ તેને પથ્થરે મારીને મારી નાખવો. અને આ રીતે તારે તારી વચ્ચેથી દુષ્ટતા દૂર કરવી. પછી બધા ઇઝરાયલીઓ તે સાંભળશે અને બીશે.
22જો કોઈ માણસે મરણયોગ્ય પાપ કર્યું હોય, જો તેને મૃત્યુદંડ આપ્યો હોય તો તમે તેને ઝાડ પર લટકાવો.
23તેનો મૃતદેહ આખી રાત ઝાડ પર લટકતો ન રહે, તે જ દિવસે તારે તેને દફનાવી દેવો, કેમ કે લટકાવેલા માણસ ઈશ્વરથી શાપિત છે. આ આજ્ઞા પાળો જેથી જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને વારસા તરીકે આપે છે તેને તમે અશુદ્ધ કરશો નહિ.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath