ખ્રિસ્તી ધર્મ
પાછા

પુનર્નિયમ 13

1તમારી મધ્યે કોઈ પ્રબોધક કે સ્વપ્નદ્રષ્ટા ઊભો થાય અને જો તે તમને ચિહ્ન કે ચમત્કાર બતાવે,

2જો કદાચ તેણે તમને કહેલા ચિહ્ન કે ચમત્કાર થાય અને જો તમને તે કહે “ચાલો આપણે અન્ય દેવદેવીઓની પૂજા કરીએ જેને તમે જાણતા નથી અને ચાલો આપણે તેમની સેવા કરીએ,”

3તોપણ તે પ્રબોધકના શબ્દોને કે સ્વપ્નદ્રષ્ટાને સાંભળશો નહિ, કેમ કે યહોવાહ તમારા ઈશ્વર તમારી કસોટી કરે છે કે, તમે તમારા પૂરા અંત:કરણથી તથા પૂરા જીવથી યહોવાહ તમારા ઈશ્વર પર પ્રેમ કરો છો કે નહિ તે જણાય.

4તમે તમારા ઈશ્વર યહોવાહ પાછળ ચાલો અને તેમનો ડર રાખો અને તેમની આજ્ઞાઓ પાળો, તેમનું કહ્યું કરો તથા તમે તેમની સેવા કરો. અને તેમને વળગી રહો.

5અને તે પ્રબોધક તથા તે સ્વપ્નદ્રષ્ટાને મારી નાખવો; કેમ કે તે યહોવાહ તમારા ઈશ્વર જે તમને મિસર દેશમાંથી બહાર લાવ્યા છે, જેમણે તમને ગુલામીમાંથી મુક્ત કર્યા તેમની સામે બળવો કરવાનું કહે છે, એ માટે કે રખેને જે માર્ગમાં ચાલવાની યહોવાહ તમારા ઈશ્વરે તમને આજ્ઞા આપી છે તેમાંથી તે તમને ભમાવી દે. એ રીતે તું તારી મધ્યેથી દુષ્ટતા દૂર કર.

6જો તારો ભાઈ એટલે તારી માનો દીકરો અથવા તારી દીકરી અથવા તારી પ્રિય પત્ની તથા તારો પ્રિય મિત્ર તને લલચાવતાં એમ કહે કે “ચાલો જે અન્ય દેવદેવીઓને તમે જાણતા નથી, તેમ તમારા પિતૃઓ પણ જાણતા નહોતા તેઓની આપણે પૂજા કરીએ.

7તથા જે દેશજાતિઓ તમારી ચોતરફ, તમારી આસપાસમાં કે તમારાથી દૂર પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી છે તેઓનાં દેવદેવીઓની સેવા કરીએ.”

8તો તમારે તેઓની વાત સાંભળવી કે માનવી નહિ, તમારી આંખ તેની પર દયા ન લાવે. તમારે તેને જવા દેવો નહિ અને છુપાવવો પણ નહિ.

9પરંતુ તેને નક્કી મારી નાખવો, તેને મારી નાખવા માટે તમારો હાથ પહેલો તેના પર પડે ત્યાર બાદ બીજા લોકો પણ તેમ કરે.

10તમારે તેને પથ્થર વડે મારી નાખવો, કેમ કે યહોવાહ તમારા ઈશ્વર જે તમને મિસર દેશમાંથી એટલે ગુલામીમાંથી બહાર લાવ્યા, તેમની પાસેથી તમને દૂર લઈ જવાનો પ્રયત્ન તેણે કર્યો છે.

11સર્વ ઇઝરાયલ તે સાંભળીને બીશે. અને પછી ફરીથી એવી કોઈ દુષ્ટતા તમારી મધ્યે થશે નહિ.

12જે નગરો યહોવાહ તમારા ઈશ્વર તમને રહેવા માટે આપે છે તેઓમાંથી એક પણ વિષે તમે એવી વાત સાંભળો કે,

13કેટલાક બલિયાલપુત્રો તમારી મધ્યેથી નીકળી જઈને તેઓના નગરના લોકોને એમ કહીને ખેંચી લીધા છે કે ચાલો આપણે જઈને અન્ય દેવદેવીઓ કે જેઓને તમે જાણતા નથી તેમની સેવા કરીએ.”

14તેથી તારે તેની પૂરેપૂરી તપાસ કરવી, શોધ કરીને ખંતથી પૂછપૂરછ કરવી. જો તે વાત સાચી અને નક્કી હોય કે એ અમંગળ કર્મ તમારી મધ્યે કરવામાં આવેલું છે.

15તો તમારે નગરના બધા રહેવાસીઓનો, તેમાં જે બધા લોકો રહે છે તે સર્વનો તેઓના પશુઓના ટોળાં સાથે તલવારની ધારથી સંપૂર્ણપણે નિશ્ચે હુમલો કરીને નાશ કરવો.

16તેમાંની સર્વ લૂંટ તે નગરના ચોકની વચમાં એકઠી કરીને યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે તે નગરને તથા તેની સર્વ લૂંટને અગ્નિમાં છેક બાળી નાખવાં; તેનો સદાને માટે ઢગલો થઈ જાય; તે ફરીથી બંધાય નહિ.

17લૂંટમાંથી કશું જ તમારે તમારા હાથમાં રાખવું નહિ. તેથી યહોવાહ તમારા પર ગુસ્સો કરવાથી પાછા વળશે અને બદલામાં તેઓ તમારા પ્રત્યે કૃપાળુ બનશે. તેઓ તમારા પ્રત્યે કરુણા દર્શાવશે અને જેમ તમારા પિતૃઓને વચન આપેલું હતું તે પ્રમાણે તમને સંખ્યામાં વધારશે.

18યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞાઓ જે હું આજે તમને ફરમાવું છું તે તમે તેમની વાણી સંભાળીને પાળશો, યહોવાહ તમારા ઈશ્વરની દ્રષ્ટિમાં જે યોગ્ય છે તે કરશો ત્યારે ઈશ્વર તે પ્રમાણે કરશે.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath