ખ્રિસ્તી ધર્મ
પાછા

પ્રેરિતોનાં કૃત્યો 9

1શાઉલ હજુ સુધી પ્રભુના શિષ્યોને મારી નાખવાની ધમકીઓ આપતો હતો. પ્રમુખ યાજકની પાસે જઈને

2તેણે તેની પાસેથી દમસ્કસમાંનાં સભાસ્થાનો પર પત્રો માગ્યા કે જો તેને એ માર્ગનો કોઈ પુરુષ કે સ્ત્રી મળે, તો તે તેઓને બાંધીને યરુશાલેમ લઈ આવે.

3મુસાફરી કરતાં તે દમસ્કસ નજીક પહોંચ્યો; ત્યારે એવું બન્યું કે એકાએક તેની આસપાસ સ્વર્ગમાંથી અજવાળું પ્રગટ્યું.

4તે જમીન પર પડી ગયો, અને તેની સાથે વાત કરતી એક વાણી તેણે સાંભળી કે, શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે?

5ત્યારે તેણે કહ્યું કે પ્રભુ, તમે કોણ છો? તેમણે કહ્યું કે, હું ઈસુ છું, જેને તું સતાવે છે;

6પણ તું ઊઠ, ને શહેરમાં જા, અને તારે શું કરવું તે તને કહેવામાં આવશે.

7તેની સાથે ચાલનારાં માણસો સ્તબ્ધ થઈ ગયા, કેમ કે તેઓએ વાણી સાંભળી ખરી, પણ કોઈને જોયા નહિ.

8પછી શાઉલ જમીન પરથી ઊઠયો; અને તેની આંખો ખૂલી ત્યારે તે કંઈ જોઈ શકયો નહિ. એટલે તેઓ તેનો હાથ પકડીને તેને દમસ્કસમાં દોરી ગયા.

9ત્રણ દિવસ સુધી તે જોઈ શક્યો નહિ; અને તેણે કશું ખાધું કે પીધું નહિ.

10હવે દમસ્કસમાં અનાન્યા નામે એક શિષ્ય હતો, તેને પ્રભુએ દર્શન દઈને કહ્યું કે, અનાન્યા; ત્યારે તેણે કહ્યું કે, પ્રભુ, હું આ રહ્યો.

11પ્રભુએ તેને કહ્યું કે, ઊઠીને પાધરા નામના રસ્તામાં જા. અને શાઉલ નામે તાર્સસનાં એક માણસ વિષે યહૂદિયાના ઘરમાં ખબર કાઢ; કેમ કે જો, તે પ્રાર્થના કરે છે;

12તેણે દર્શનમાં જોયું છે કે, અનાન્યા નામે એક માણસ અંદર આવીને, તે દેખતો થાય માટે તેના પર હાથ મૂકે છે.

13પણ અનાન્યાએ ઉત્તર આપ્યો કે, પ્રભુ યરુશાલેમમાંના તમારા સંતોને એ માણસે કેટલું બધું દુઃખ દીધું છે એ મેં ઘણાંનાં મોંથી સાંભળ્યું છે;

14અને જેઓ તમારા નામે પ્રાર્થના કરે છે તેઓ સર્વને બાંધીને લઈ જવા સારુ મુખ્ય યાજકો પાસેથી અહીં પણ તેને અધિકાર મળ્યો છે.

15પણ પ્રભુએ તેને કહ્યું કે, તું ચાલ્યો જા; કેમ કે વિદેશીઓ, રાજાઓ તથા ઇઝરાયલપુત્રોની આગળ મારું નામ પ્રગટ કરવા સારુ એ મારું પસંદ કરેલું પાત્ર છે.

16કેમ કે મારા નામને લીધે તેને કેટલું બધું દુઃખ સહન કરવું પડશે, એ હું તેને બતાવીશ.

17ત્યારે અનાન્યા ચાલ્યો ગયો, અને તેણે ઘરમાં પ્રવેશીને શાઉલ પર હાથ મૂકીને કહ્યું કે, ભાઈ શાઉલ, પ્રભુ, એટલે ઈસુ જે તને માર્ગમાં આવતા દેખાયા, તેમણે તું દેખતો થાય, અને પવિત્ર આત્માથી ભરપૂર થાય માટે મને મોકલ્યો છે.

18ત્યારે શાઉલની આંખો પરથી તત્કાળ છાલાં જેવું કશું ખરી પડ્યું, અને તે દેખતો થયો, અને ઊઠીને તે બાપ્તિસ્મા પામ્યો;

19તેણે ભોજન કર્યું એટલે તેને શક્તિ આવી. દમસ્કસમાં શાઉલનો પ્રચાર પછી તે દમસ્કસમાંનાં શિષ્યોની સાથે કેટલાક દિવસ સુધી રહ્યો.

20તેણે તરત જ સભાસ્થાનોમાં ઈસુને પ્રગટ કર્યા કે, તે ઈશ્વરના દીકરા છે.

21જેઓએ તેનું સાંભળ્યું તેઓ સર્વ વિસ્મય પામીને બોલ્યા કે, જેણે આ નામની પ્રાર્થના કરનારાઓની યરુશાલેમમાં સતાવણી કરી, અને તેઓને બાંધીને મુખ્ય યાજકોની પાસે લઈ જવા માટે જે અહીં આવ્યો છે, તે શું એ નથી?

22પણ શાઉલમાં વિશેષ શક્તિ આવતી ગઈ. ઈસુ તે જ ખ્રિસ્ત છે એ ઘણી સાબિતીઓ આપીને દમસ્કસમાં રહેનારા યહૂદીઓને તેણે આશ્ચર્ય પમાડ્યું.

23ઘણાં દિવસો પસાર થયા પછી યહૂદીઓએ તેમને મારી નાખવાની યોજના ઘડી.

24પણ તેઓનું કાવતરું શાઉલને માલૂમ પડ્યું. તેઓએ તેને મારી નાખવા સારુ રાતદિવસ દરવાજાઓની ચોકી પણ કરી;

25પણ તેના શિષ્યોએ રાત્રે તેને ટોપલામાં બેસાડીને કોટ ઉપરથી ઉતારી મૂક્યો.

26શાઉલે યરુશાલેમમાં આવ્યા પછી શિષ્યોની સાથે ભળી જવાની કોશિશ કરી, પણ તેઓ બધા તેનાથી બીતા હતા, કેમ કે તે શિષ્ય છે એવું તેઓ માનતા નહોતા.

27પણ બાર્નાબાસ તેને પ્રેરિતોની પાસે લઈ ગયો, અને કેવી રીતે તેણે માર્ગમાં પ્રભુને જોયા, અને કેવી રીતે પ્રભુ તેની સાથે બોલ્યા, અને તેણે કેવી રીતે દમસ્કસમાં ઈસુને નામે હિંમતથી ઉપદેશ કર્યો, એ તેઓને કહી સંભળાવ્યું.

28અને ત્યાર પછી યરુશાલેમમાં તેઓની સાથે તે અવરજવર કરતો રહ્યો;

29તે હિંમતથી પ્રભુને નામે ઉપદેશ કરતો હતો, અને ગ્રીક યહૂદીઓ સાથે વાદવિવાદ કરતો હતો, પણ તેઓ તેને મારી નાખવાની તક શોધતાં હતા.

30જ્યારે ભાઈઓના જાણવામાં તે આવ્યું ત્યારે તેઓ તેને કાઈસારિયા લઈ ગયા, અને ત્યાંથી તેઓએ તેને તાર્સસ મોકલી દીધો.

31ત્યારે આખા યહૂદિયા, ગાલીલ, તથા સમરુનમાંનો વિશ્વાસી સમુદાય દ્રઢ થઈને શાંતિ પામ્યો; અને પ્રભુના ભયમાં તથા પવિત્ર આત્માનાં દિલાસામાં વૃદ્ધિ પામતો ગયો.

32પિતર એક સ્થળેથી બીજે સ્થળે ફરતો ફરતો લુદામાં રહેનારા સંતોની પાસે પણ આવ્યો.

33ત્યાં તેને એનિયસ નામે એક માણસ મળ્યો. તે પક્ષઘાતી હતો, અને આઠ વર્ષથી પથારીવશ હતો.

34પિતરે તેને કહ્યું કે, એનિયસ, ઈસુ ખ્રિસ્ત તને સાજો કરે છે; ઊઠ, અને તારું બિછાનું ઉઠાવી લે. એટલે તે તરત જ ઊઠ્યો.

35ત્યારે લુદા તથા શારોનના બધા લોકો તેને જોઈને પ્રભુ તરફ વળ્યા.

36હવે જોપ્પામાં એક શિષ્યા હતી, તેનું નામ તાબીથા, એટલે દરકાસ, હતું; તે સ્ત્રી ભલાઈ કરવામાં તથા દાનધર્મ કરવામાં આગળ પડતી હતી.

37તે દિવસોમાં એમ થયું કે તે બીમાર પડીને મરણ પામી. અને તેઓએ તેને સ્નાન કરાવીને મેડી પર સુવાડી.

38હવે લુદા જોપ્પાથી નજીક હતું અને પિતર ત્યાં છે એવું સાંભળીને શિષ્યોએ બે વ્યક્તિઓને તેની પાસે મોકલીને એવી આજીજી કરી કે, અમારી પાસે આવવાને તું વિલંબ કરીશ નહિ.

39ત્યારે પિતર ઊઠીને તેઓની સાથે ગયો, જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યારે તેઓ તેને મેડી પર લઈ ગયા; સર્વ વિધવા બહેનો તેની પાસે ઊભી રહીને રુદન કરતી જ્યારે દરકાસ તેઓની સાથે હતી ત્યારે જે અંગરખા તથા વસ્ત્રો તેણે બનાવ્યાં હતા તે તેઓ પિતરને બતાવવા લાગી.

40પણ પિતરે તે સર્વને બહાર જવાનું કહી, ઘૂંટણ ટેકવીને પ્રાર્થના કરી, પછી મૃતદેહ તરફ ફરીને તેણે કહ્યું કે, તાબીથા, ઊઠ; ત્યારે તાબીથાએ પોતાની આંખો ખોલી, અને પિતરને જોઈને તે બેઠી થઈ.

41પછી પિતરે તેને હાથ આપીને ઊભી કરી. અને સંતોને તથા વિધવાઓને બોલાવીને તેને જીવતી થયેલી બતાવી.

42અને આખા જોપ્પામાં દરકાસના ચમત્કારની વાત ફેલાઈ, અને ઘણાંએ પ્રભુ પર વિશ્વાસ કર્યો.

43પછી જોપ્પામાં સિમોન નામે એક ચમારને ત્યાં તે ઘણાં દિવસ સુધી રહ્યો.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath