ખ્રિસ્તી ધર્મ
પાછા

પ્રેરિતોનાં કૃત્યો 7

1ત્યારે પ્રમુખ યાજકે પૂછ્યું કે, “શું હકીકત આ પ્રમાણે છે?”

2સ્તેફને કહ્યું કે, “ભાઈઓ તથા વડીલો, સાંભળો. આપણો પૂર્વજ ઇબ્રાહિમ હારાનમાં રહેવા આવ્યો તે અગાઉ તે મેસોપોટેમિયામાં રહેતો હતો, ત્યારે મહિમાવાન ઈશ્વરે તેને દર્શન આપીને

3કહ્યું કે, ‘તું તારા દેશમાંથી તથા તારા સગામાંથી નીકળ, અને જે દેશ હું તને બતાવું તેમાં જઈને રહે’.

4ત્યારે ખાલ્દી દેશમાંથી નીકળીને તે હારાનમાં જઈને વસ્યો, અને ત્યાં તેના પિતા અવસાન પામ્યા ત્યાર પછી આ દેશ જેમાં તમે હમણાં રહો છો, તેમાં ઈશ્વરે તેને લાવીને વસાવ્યો.

5તેમણે એ દેશમાં તેને કંઈ વતન આપ્યું નહિ; ના, એક પગલાભર પણ નહિ; અને જોકે હજી સુધી તેને સંતાન થયું નહોતું તોપણ તેમણે તેને તથા તેના પછી તેના વંશજોને વતન તરીકે આ દેશ આપવાનું વચન આપ્યું.

6ઈશ્વરે તેને કહ્યું કે, તારા વંશજો પરદેશમાં રહેશે, અને ત્યાંના લોકો ચારસો વર્ષ સુધી તેઓને ગુલામગીરીમાં રાખીને દુઃખ આપશે.

7વળી ઈશ્વરે કહ્યું કે, ‘તેઓ જે લોકોના ગુલામ થશે તેઓનો ન્યાય હું કરીશ, અને ત્યાર પછી તેઓ ત્યાંથી આવીને આ સ્થળે મારી સેવા કરશે.’

8પરમેશ્વરે તેને સુન્નતનો કરાર ઠરાવી આપ્યો; ત્યાર પછી ઇબ્રાહિમથી ઇસહાક થયો, તેણે આઠમે દિવસે તેની સુન્નત કરી; પછી ઇસહાકથી યાકૂબ થયો, અને યાકૂબથી બાર પૂર્વજો થયા.

9પછી પૂર્વજોએ યૂસફ પર અદેખાઈ રાખીને તેને મિસરમાં લઈ જવા સારુ વેચી દીધો; પણ ઈશ્વર તેની સાથે હતા,

10તેમણે તેનાં સર્વ સંકટોમાંથી તેને છોડાવ્યો અને મિસરના રાજા ફારુનની સમક્ષ તેને વિદ્વતા તથા કૃપા આપી. પછી ફારુને તેને મિસર પર તથા પોતાના સમગ્ર પરિવાર પર અધિકારી ઠરાવ્યો.

11પછી આખા મિસરમાં તથા કનાનમાં દુકાળ પડ્યો, જેથી ભારે સંકટ આવ્યું, અને આપણા પૂર્વજોને ખાવાનું મળ્યું નહિ.

12પણ યાકૂબે જાણ્યું કે મિસરમાં અનાજ છે, ત્યારે તેણે આપણા પૂર્વજોને પ્રથમ વાર મિસરમાં મોકલ્યા.

13પછી બીજી વાર યૂસફે પોતાના ભાઈઓની આગળ પોતાની ઓળખાણ આપી; એટલે યુસફનું કુળ ફારુનના જાણવામાં આવ્યું.

14ત્યારે યૂસફે સંદેશો મોકલીને પોતાના પિતા યાકૂબને તથા પોતાનાં સર્વ સગાંને, એટલે પંચોતેર માણસને પોતાની પાસે તેડાવ્યાં.

15યાકૂબ મિસરમાં ગયો, અને ત્યાં તે તથા આપણા પૂર્વજો અવસાન પામ્યા.

16તેઓને શખેમ લઈ જવામાં આવ્યા, ને જે કબરસ્તાન ઇબ્રાહિમે રૂપાનાણું આપીને હમોરના દીકરાઓ પાસેથી વેચાતું લીધું હતું તેમાં દફનાવ્યાં.

17પણ જે વચન ઈશ્વરે ઇબ્રાહિમને આપ્યું હતું, તેનો સમય જેમ જેમ પાસે આવતો ગયો તેમ તેમ મિસરમાં આપણાં લોકોની વૃદ્ધિ થઈ અને તેઓની સંખ્યા પુષ્કળ થઈ.

18એવામાં મિસરમાં એક બીજો રાજા થયો, જે યૂસફને ઓળખતો નહોતો.

19તેણે આપણા લોકોની સાથે કપટ કરીને આપણા પૂર્વજોને દુઃખ દીધું, એટલે તેઓનાં બાળકો જીવે નહિ માટે, તેઓને તેમની પાસે નાખી દેવડાવ્યાં.

20તે અરસામાં મૂસાનો જન્મ થયો, તે ઈશ્વર સમક્ષ ઘણો સુંદર હતો; પોતાના પિતાના ઘરમાં ત્રણ મહિના સુધી તેનું પાલન થયું;

21પછી તેને નદીમાં તજી દેવાયો. ત્યારે ફારુનની દીકરીએ તેને અપનાવી લીધો અને પોતાના દીકરા તરીકે તેનો ઉછેર કર્યો.

22મૂસાને મિસરીઓની સર્વ વિદ્યા શીખવવામાં આવી હતી; તે બોલવામાં બાહોશ તથા કાર્ય કરવામાં પરાક્રમી હતો.

23પણ તે લગભગ ચાળીસ વર્ષનો થયો ત્યારે તેને પોતાના ઇઝરાયલી ભાઈઓને મળવાનું મન થયું.

24તેઓમાંના એક પર અન્યાય થતો જોઈને મૂસાએ તેની સહાય કરી, અને મિસરીને મારી નાખીને પોતાના જે ભાઈ પર જુલમ થતો હતો તેનું વૈર વાળ્યું.

25ઈશ્વર મારી હસ્તક તેઓનો છુટકારો કરશે, એમ મારા ભાઈઓ સમજતા હશે, એવું તેણે ધાર્યું; પણ તેઓ સમજ્યા નહિ.

26તેને બીજે દિવસે તેઓમાં ઝઘડો ચાલતો હતો તે સમયે મૂસા તેઓની પાસે આવ્યો તેણે તેઓની વચ્ચે સલાહ કરાવવાની ઇચ્છાથી કહ્યું કે, ‘ભલા માણસો, તમે ભાઈઓ છો તો શા માટે એકબીજા પર અન્યાય ગુજારો છો?’

27પણ જે પોતાના પડોશી પર અન્યાય ગુજારતો હતો તેણે તેને ધક્કો મારીને કહ્યું કે, ‘અમારા પર તને કોણે અધિકારી તથા ન્યાયાધીશ નીમ્યો છે?

28પેલા મિસરીને તેં ગઈકાલે મારી નાખ્યો તેમ શું તું મને પણ મારી નાખવા ઇચ્છે છે?’

29મૂસા આ વાત સાંભળીને નાસી ગયો, અને મિદ્યાન દેશમાં જઈને વસ્યો, ત્યાં તેને બે દીકરા થયા.

30ચાળીસ વર્ષ પૂરાં થયાં ત્યારે સ્વર્ગદૂતે સિનાઈ પહાડના અરણ્યમાં ઝાડવાં મધ્યે અગ્નિની જ્વાળામાં તેને દર્શન દીધું.

31મૂસા તે દ્રશ્ય જોઈને આશ્ચર્ય પામ્યો; અને તે એ દ્રશ્યને જોવા સારુ પાસે જતો હતો તેવામાં પ્રભુની વાણી થઈ કે,

32‘હું તારા પૂર્વજોનો ઈશ્વર, એટલે ઇબ્રાહિમનો, ઇસહાકનો તથા યાકૂબનો ઈશ્વર છું.’ ત્યારે મૂસા ધ્રૂજી ઊઠ્યો અને તેને જોવાની તેની જીગર ચાલી નહિ.

33પ્રભુએ તેને કહ્યું કે, ‘તું તારા પગમાંથી ચંપલ ઉતાર; કેમ કે જે જગ્યાએ તું ઊભો છે તે પવિત્ર ભૂમિ છે.

34મિસરમાં જે મારા લોક છે તેઓનું દુઃખ મેં નિશ્ચે જોયું છે, તેઓના નિસાસા મેં સાંભળ્યાં છે, અને તેઓને છોડાવવાં હું ઊતર્યો છું; હવે ચાલ, હું તને મિસરમાં મોકલીશ.’

35જે મૂસાનો નકાર કરીને તેઓએ કહ્યું હતું કે, ‘તને કોણે અધિકારી તથા ન્યાયાધીશ નીમ્યો છે?’ તેને જે સ્વર્ગદૂત તેને ઝાડવાં મધ્યે દેખાયો હતો તેની હસ્તક ઈશ્વરે અધિકારી તથા ઉદ્ધારક થવા સારુ મોકલ્યો.

36મૂસાએ તેઓને બહાર લાવતાં મિસર દેશમાં, સૂફ લાલ સમુદ્રમાં તથા ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં આશ્ચર્યકર્મો તથા ચમત્કારિક ચિહ્નો કર્યા.

37જે મૂસાએ ઇઝરાયલીઓને કહ્યું હતું કે, ‘ઈશ્વર તમારા ભાઈઓમાંથી મારા જેવા એક પ્રબોધકને તમારે સારુ ઊભા કરશે,’ તે એ જ છે.

38જે મૂસા અરણ્યમાંના સમુદાયમાં હતો, જેની સાથે સિનાઈ પર્વત પર ઈશ્વરનો સ્વર્ગદૂત વાત કરતો હતો, અને આપણા પૂર્વજોની સાથે હતો તે એ જ છે; અને આપણને આપવા સારું તેને જીવનનાં વચનો આપવામાં આવ્યાં;

39આપણા પૂર્વજોએ તેને આધીન થવાને ઇચ્છ્યું નહિ, પણ પોતાની પાસેથી તેને હડસેલી મૂક્યો, અને તેઓ પાછા મિસર જવાને મનમાં આતુર થયા;

40તેઓએ હારુનને કહ્યું કે, ‘અમારી આગળ ચાલવા સારુ અમારે માટે દેવો બનાવ; કેમ કે એ મૂસા જે અમને મિસરમાંથી દોરી લાવ્યો તેનું શું થયું એ અમે જાણતા નથી.’

41તે દિવસોમાં તેઓએ સોનાનું વાછરડું બનાવ્યું, અને મૂર્તિને તેનું બલિદાન ચઢાવ્યું, અને પોતાના હાથની કૃતિમાં તેઓ હર્ષ પામ્યા.

42પણ ઈશ્વરે તેઓથી વિમુખ થઈને તેઓને તજી દીધાં, કે તેઓ આકાશના સૈન્યની પૂજા કરે; પ્રબોધકોના પુસ્તકમાં લખ્યું છે તે પ્રમાણે, ‘ઓ ઇઝરાયલના વંશજો, અરણ્યમાં ચાળીસ વર્ષ સુધી શું તમે યજ્ઞ તથા બલિદાનો મને ચઢાવ્યાં હતાં?

43તમે મોલોખનો માંડવો તથા રમ્ફા દેવનો તારો, એટલે કે પૂજા કરવાને તમે જે મૂર્તિઓ બનાવી તેઓને ઊંચકીને ચાલ્યા. હવે હું તમને બાબિલથી આગળ લઈ જઈશ.’

44જેમણે મૂસાને કહ્યું કે, જે નમૂનો તેં નિહાળ્યો છે તે પ્રમાણે તારે સાક્ષ્યમંડપ બનાવવો, તેમના ઠરાવ મુજબ અરણ્યમાં આપણા પૂર્વજોની પાસે તે સાક્ષ્યમંડપ હતો.

45આપણા પૂર્વજો, યહોશુઆ સહિત આ સાક્ષ્યમંડપને પોતાના ક્રમાનુસાર ઊંચકીને અન્ય દેશજાતિઓનું જેઓને ઈશ્વરે આપણા પૂર્વજોની આગળથી હાંકી કાઢી તેઓનું વતન પ્રાપ્ત કરીને તેમાં લાવ્યા તે સાક્ષ્યમંડપ દાઉદના સમય સુધી રહ્યો.

46દાઉદ પર ઈશ્વરની કૃપાદ્રષ્ટિ થઈ; તેમણે યાકૂબના ઈશ્વરને સારુ ઘર બનાવવાની રજા માગી.

47પણ સુલેમાને તેમને સારુ ભક્તિસ્થાન નિર્માણ કર્યું.

48તોપણ હાથે બાંધેલા ઘરમાં પરાત્પર ઈશ્વર રહેતા નથી; જેમ પ્રબોધક કહે છે તેમ,

49‘સ્વર્ગ મારું રાજ્યાસન, તથા પૃથ્વી મારું પાયાસન છે; તો તમે મારે સારુ કેવું નિવાસસ્થાન બાંધશો? એમ ઈશ્વર કહે છે અથવા મારું નિવાસસ્થાન કયું હોય?

50શું, મેં મારે હાથે એ બધાં નથી બનાવ્યાં?’

51ઓ સખત હઠીલાઓ, અને બેસુન્નત મન તથા કાનવાળાઓ, તમે સદા પવિત્ર આત્માની સામા થાઓ છો. જેમ તમારા પૂર્વજોએ કર્યું તેમ જ તમે પણ કરો છો.

52પ્રબોધકોમાંના કોને તમારા પૂર્વજોએ સતાવ્યા નહોતા? જેઓએ તે ન્યાયીના આવવા વિષે અગાઉથી ખબર આપી હતી તેઓને તેઓએ મારી નાખ્યા; અને હવે તમે, જેઓને સ્વર્ગદૂતો દ્વારા નિયમ મળ્યો, પણ તમે તે પાળ્યો નહિ.

53તે તમે, તે ન્યાયીને પરસ્વાધીન કરનારા તથા તેમની હત્યા કરનારા થયા છો.”

54આ વાતો સાંભળીને તેઓનાં મન વીંધાઈ ગયા, અને તેઓ તેની સામે દાંત પીસવા લાગ્યા.

55પણ પવિત્ર આત્માથી ભરપૂર થઈને સ્તેફને સ્વર્ગ તરફ એક નજરે જોઈ રહેતાં, ઈશ્વરનું ગૌરવ તથા ઈશ્વરને જમણે હાથે ઈસુને ઊભેલા જોયા.

56તેણે કહ્યું કે, “જુઓ, સ્વર્ગ ઊઘડેલું તથા ઈશ્વરને જમણે હાથે માણસના દીકરાને ઊભેલા હું જોઉં છું.”

57પણ તેઓએ બૂમ પાડીને પોતાના કાન બંધ કર્યા, અને તેઓ એકસાથે તેના પર ધસી આવ્યા.

58તેઓએ તેને શહેરની બહાર લઈ જઈને માર્યો; સાક્ષીઓએ શાઉલ નામે એક જુવાનનાં પગ આગળ પોતાનાં વસ્ત્રો મૂક્યાં હતાં.

59તેઓ સ્તેફનને પથ્થરે મારતા હતા ત્યારે તેણે પ્રભુની પ્રાર્થના કરતા કહ્યું કે, “ઓ પ્રભુ ઈસુ, મારા આત્માનો અંગીકાર કરો.”

60તેણે ઘૂંટણિયે પડીને મોટા અવાજે કહ્યું કે, “ઓ પ્રભુ, આ પાપ તેઓને લેખે ન ગણો. એમ કહીને તે ઊંઘી ગયો.”

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath