ખ્રિસ્તી ધર્મ
પાછા

પ્રેરિતોનાં કૃત્યો 25

1ફેસ્તસ પોતાના પ્રાંતમાં આવીને ત્રણ દિવસ પછી કાઈસારિયાથી યરુશાલેમ ગયો.

2ત્યારે મુખ્ય યાજકોએ તથા યહૂદીઓમાંના મુખ્ય માણસોએ પાઉલની વિરુદ્ધ ફરિયાદ કરી.

3તેઓએ પાઉલની વિરુદ્ધમાં તેને એવી વિનંતિ કરી કે, ‘તેને યરુશાલેમ તેડાવી મંગાવ,’ (એવા હેતુથી) કે તેઓ માણસોને સંતાડી રાખી માર્ગમાં તેને મારી નંખાવે.

4પણ ફેસ્તસે ઉત્તર આપ્યો કે, ‘પાઉલને કાઈસારિયામાં જ પહેરામાં રાખેલો છે, અને હું પોતે ત્યાં થોડા દિવસોમાં જવાનો છું.

5માટે તમારામાંના જેની પાસે દોષ મૂકવાનું કારણ હોય તેઓ મારી સાથે આવીને એ માણસનો જો કંઈ દોષ હોય તો તેના પર આરોપ મૂકે એમ તેણે કહ્યું.

6તેઓ સાથે આઠ દસ દિવસથી વધારે ન રહેતાં તે કાઈસારિયા ગયો, બીજે દિવસે ન્યાયાસન પર બેસીને તેણે પાઉલને પોતાની સમક્ષ લાવવાની આજ્ઞા કરી.

7તે હાજર થયો ત્યારે યરુશાલેમથી આવેલા યહૂદીઓ તેની આસપાસ ઊભા રહીને તેના પર ઘણા ભારે આરોપ મૂકવા લાગ્યા, પણ તેઓ તે સાબિત કરી શક્યા નહિ.

8ત્યારે પાઉલે પોતાના બચાવમાં કહ્યું કે, ‘યહૂદીઓના નિયમશાસ્ત્ર અથવા ભક્તિસ્થાનમાં અથવા કાઈસારની વિરુદ્ધ મેં કંઈ ખોટું કર્યું નથી.

9પણ ફેસ્તસે યહૂદીઓને ખુશ કરવાની ઇચ્છાથી પાઉલને ઉત્તર આપ્યો કે, ‘શું તું યરુશાલેમમાં જઈને ત્યાં એ બાબતો વિષે મારી આગળ પોતાનો ન્યાય કરાવવાને રાજી છે?’

10પણ પાઉલે કહ્યું કે, કાઈસારિયાનાં ન્યાયાસન આગળ હું ઊભો છું, ત્યાં મારો ન્યાય થવો જોઈએ; મેં યહૂદીઓનું કંઈ ખરાબ કર્યું નથી, તે આપ પણ સારી રીતે જાણો છો.

11જો હું ગુનેગાર હોઉં, અને મરણદંડને યોગ્ય મેં કંઈ કર્યું હોય, તો હું મરવાને ના નથી પાડતો, પણ જે વિષે તેઓ મારા પર આરોપ મૂકે છે તેમાંની જો એકે વાત સાચી ન હોય તો તેઓના હાથમાં કોઈ મને સોંપી શકતો નથી. હું કાઈસારની પાસે દાદ માંગુ છું.’”

12ત્યારે ફેસ્તસે ન્યાયસભાની સલાહ લઈને ઉત્તર આપ્યો કે, ‘તેં કાઈસાર પાસે દાદ માગી છે; તો તારે કાઈસારની પાસે જવું પડશે.

13કેટલાક દિવસ પસાર થયા પછી આગ્રીપા રાજા તથા બેરનીકે કાઈસારિયા આવ્યાં. અને ફેસ્તસની મુલાકાત લીધી.

14તેઓ ઘણા દિવસ ત્યાં રહ્યા પછી ફેસ્તસે પાઉલ સંબંધીની વાત રાજાને જાહેર કરતાં કહ્યું કે, ફેલીક્સ એક બંદીવાન માણસને મૂકી ગયો છે;

15જયારે હું યરુશાલેમમાં હતો ત્યારે મુખ્ય યાજકોએ તથા યહૂદીઓના વડીલોએ તેના પર ફરિયાદ કરીને તેની વિરુદ્ધ તેને ગુનેગાર ઠરાવવાંની માગણી કરી.

16મેં તેઓને ઉત્તર આપ્યો કે, કોઈ પણ તહોમતદારને ફરિયાદીઓની રૂબરૂ તહોમત વિષે પોતાના બચાવમાં પ્રત્યુત્તર આપવાની તક ન મળે ત્યાં સુધી તેને (મારી નાખવાને) સોંપી દેવો એ રોમનોની રીત નથી.

17તે માટે તેઓ અહીં એકઠા થયા, ત્યારે વિલંબ કર્યા વિના બીજે દિવસે ન્યાયાસન પર બેસીને તે માણસને મારી રૂબરૂ લાવવાનો હુકમ મેં આપ્યો.

18ફરિયાદીઓએ ઊભા થઈને, હું ધારતો હતો તેવા કોઈ પણ દુષ્કૃત્યો વિષે તેના પર આરોપ મૂક્યા નહિ.

19પણ તેઓના પોતાના ધર્મ વિષે, તથા ઈસુ નામે કોઈ માણસ જે મરણ પામ્યા છે પણ જેના વિષે પાઉલ કહે છે કે તે જીવતા છે, તે વિષે તેની વિરુદ્ધ તેઓએ કેટલાક સવાલ ઉઠાવ્યાં.

20એ બાબત વિષે કેવી રીતે તપાસ કરવી તેની સૂઝ મને ન પડવાથી મેં પૂછ્યું કે, શું તું યરુશાલેમમાં જઈને ત્યાં આ બાબતો સંબંધી પોતાનો ન્યાય કરાવવા ઇચ્છે છે?

21પણ પાઉલે તેના મુકાદમા અંગે કાઈસાર પાસે દાદ માગી છે. તેથી મેં હુકમ કર્યો કે ‘કાઈસારની પાસે હું તેને મોકલું ત્યાં સુધી તેને જેલમાં રાખવો.’”

22ત્યારે આગ્રીપાએ ફેસ્તસને કહ્યું કે, ‘એ માણસનું સાંભળવાની મારી પણ ઇચ્છા છે. ત્યારે તેણે કહ્યું કે, કાલે આપ તેને સાંભળી શકશો.’”

23માટે બીજે દિવસે આગ્રીપા તથા બેરનીકે મોટા દબદબા સાથે દરબારમાં આવ્યાં, સરદારો તથા શહેરના મુખ્ય માણસો પણ દરબારમાં હાજર થયા, ફેસ્તસની આજ્ઞાથી તેઓએ પાઉલને ત્યાં રજૂ કર્યો.

24ત્યારે ફેસ્તસે કહ્યું કે, ‘ઓ આગ્રીપા રાજા તથા હાજર થયેલા સર્વ ગૃહસ્થો, જે માણસ વિષે યહૂદીઓના આખા સમુદાયે યરુશાલેમમાં તથા અહીં પણ મને વિનંતી કરી, અને બૂમ પાડી કે, તેને જીવતો રહેવા દેવો (યોગ્ય) નથી, તેને તમે જુઓ છો.

25પણ મને એવું માલૂમ પડ્યું કે તેણે મરણની શિક્ષાને યોગ્ય કંઈ નથી કર્યું, તેણે પોતે કાઈસાર પાસે દાદ માગી, તેથી મેં તેને (રોમ) મોકલી આપવાનો નિશ્ચય કર્યો છે.

26તેના વિષે એવી કંઈ ચોક્કસ વાત મારી પાસે નથી કે જે હું મારા અધિકારી પર લખું, માટે મેં તમારી આગળ, અને, ઓ આગ્રીપા રાજા, વિશેષે કરીને આપની આગળ, તેને રજૂ કર્યો છે, એ માટે કે તપાસ થયા પછી મને કંઈ લખી જણાવવાંનું મળી આવે.

27કેમ કે કેદીને મોકલવો, અને તેના પરના આરોપ ન દર્શાવવાં એ મને અયોગ્ય લાગે છે.’”

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath