ખ્રિસ્તી ધર્મ
પાછા

પ્રેરિતોનાં કૃત્યો 19

1એમ થયું કે જયારે આપોલસ કરિંથમાં હતો, ત્યારે પાઉલ ઉપલા પ્રદેશમાં ફરીને એફેસસમાં આવ્યો, અને કેટલાક શિષ્યો તેને મળ્યા.

2તેણે તેઓને પૂછ્યું કે, ‘તમે વિશ્વાસ કર્યો ત્યારે શું પવિત્ર આત્મા પામ્યા? તેઓએ તેને કહ્યું કે, ના, પવિત્ર આત્મા છે એ અમે સાંભળ્યું પણ નથી.’”

3પાઉલે પૂછ્યું કે, ‘ત્યારે તમે કોનું બાપ્તિસ્મા પામ્યા?’ અને તેઓએ કહ્યું કે, ‘યોહાનનું બાપ્તિસ્મા.’”

4ત્યારે પાઉલે કહ્યું કે, યોહાને પશ્ચાતાપનું બાપ્તિસ્મા કર્યું ખરું, અને લોકોને કહ્યું કે, ‘મારી પાછળ જે આવે છે તેના પર એટલે ઈસુ પર તમારે વિશ્વાસ કરવો.’”

5તેઓએ એ સાંભળીને પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા લીધું.

6જયારે પાઉલે તેઓ પર હાથ મૂક્યા ત્યારે પવિત્ર આત્મા તેઓ પર આવ્યો; તેઓ (અન્ય) ભાષાઓ બોલવા તથા પ્રબોધ કરવા લાગ્યા.

7તેઓ બધા મળીને બાર પુરુષ હતા.

8પછી ભક્તિસ્થાનમાં જઈને તેણે ત્રણ મહિના સુધી હિંમતથી ઈસુના વચનો કહ્યા, અને વાદવિવાદ કરીને ઈશ્વરના રાજ્ય વિષેની બાબતો સમજાવી.

9પણ કેટલાકે મનમાં કઠણ થઈને, તથા પ્રભુની વાતનો અનાદર કરીને, લોકોની આગળ એ માર્ગની નિંદા કરી, ત્યારે તેણે તેઓની પાસેથી જઈને શિષ્યોને જુદા પાડ્યા અને તે તુરાનસના સભાગૃહમાં રોજ ઉપદેશ આપતો રહ્યો.

10બે વર્ષ સુધી એવું ચાલતું રહ્યું; તેથી આસિયામાં રહેનાર સર્વ યહૂદીઓએ, તથા ગ્રીકોએ પણ પ્રભુની વાત સાંભળી.

11ઈશ્વરે પાઉલના હાથથી એવા અદ્દભુત ચમત્કારો કર્યા કે,

12તેના વપરાયેલા રૂમાલો તથા વસ્ત્રો તેઓ માંદાઓની પાસે લાવીને સ્પર્શ કરાવતાં, એટલે તેઓના રોગ દૂર થતા, અને તેઓમાંથી અશુદ્ધ આત્માઓ નીકળી જતા હતા.

13પણ કેટલાક ભટકતા યહૂદી ભૂવા પણ અશુદ્ધ આત્મા વળગેલાઓ પર ઈસુનું નામ ઉચ્ચારીને કહેવા લાગ્યા કે, જે ઈસુને પાઉલ પ્રગટ કરે છે, તેમને નામે અમે હુકમ કરીએ છીએ કે ‘નીકળી જાઓ.’”

14સ્કેવા નામે એક યહૂદી મુખ્ય યાજકના સાત દીકરા એ પ્રમાણે કરતા હતા.

15પણ અશુદ્ધ આત્માએ ઉત્તર દેતાં કહ્યું કે, ‘ઈસુ વિષે હું જાણું છું, પાઉલને પણ હું ઓળખું છું, પણ તમે કોણ છો?’

16જે માણસમાં અશુદ્ધ આત્મા હતો તે તેઓમાંના બે જન પર કૂદી પડ્યો, બન્નેને હરાવીને તેઓ પર એવો જય પામ્યો કે તેઓ વસ્ત્રો વગરના ઉઘાડા તથા ઘાયલ થઈને તે ઘરમાંથી જતા રહ્યા.

17એફેસસમાં જે યહૂદીઓ તથા ગ્રીકો રહેતા હતા તેઓ સર્વને એ વાત માલૂમ પડી, તે સર્વ ભય પામ્યા, અને પ્રભુ ઈસુનું નામ મહિમાવંત મનાયું.

18વિશ્વાસી થયેલાઓમાંના ઘણાં આવ્યાં, અને પોતાનાં કૃત્યો કબૂલ કરીને કહી બતાવ્યાં.

19ઘણા જાદુગરોએ પોતાના પુસ્તકો ભેગાં કરીને સર્વના દેખતાં બાળી નાખ્યાં; તેઓની કિંમત ગણી જોતાં તે પચીસ હજાર રૂપિયા જેટલી થઈ.

20એ રીતે પ્રભુની વાત પરાક્રમથી ફેલાઈ અને પ્રબળ થઈ.

21એ બનાવ પછી પાઉલે મકદોનિયા તથા અખાયામાં થઈને મનમાં યરુશાલેમ જવાનો નિશ્ચય કરીને કહ્યું કે, ‘ત્યાં ગયા પછી રોમમાં પણ મારે જવું જોઈએ.’”

22તેણે પોતાને સહાય કરનારાઓમાંનાં બેને એટલે તિમોથી તથા એરાસ્તસને મકદોનિયામાં મોકલ્યા, અને પોતે કેટલાક દિવસ આસિયામાં રહ્યો.

23તે અરસામાં એ માર્ગ વિષે ઘણી ચળવળ ઊભી થઈ.

24દેમેત્રિયસ નામે એક સોની હતો, જે આર્તેમિસના રૂપાના દેવસ્થાનો બનાવીને કારીગરોને ઘણું કામ અપાવતો હતો,

25તેણે તેઓને તથા એના જેવા બીજા કારીગરોને એકઠા કરીને કહ્યું કે, ‘ભાઈઓ, તમે જાણો છો કે આ ધંધાથી આપણને ઘણી કમાણી થાય છે.

26અને તમે જુઓ છો અને સાંભળો છો તેમ, એકલા એફેસસમાં નહિ, પણ લગભગ આખા આસિયામાં, કે જે હાથથી બનાવેલા છે તે દેવો નથી, એવું સમજાવીને પાઉલે બહુ લોકોના મન ફેરવી નાખ્યા છે;

27તેથી આપણો આ વ્યવસાય વખોડવામાં આવે એવો ભય છે, એટલું જ નહિ, પણ આર્તેમિસ મહાદેવી જેને આખો આસિયા તથા જગત પૂજે છે, તેનું મંદિર તુચ્છ ગણાવાનો અને તેનો મહિમા નષ્ટ થવાનો સંભવ છે.

28એ સાંભળીને તેઓ ક્રોધે ભરાયા, અને બૂમ પાડીને કહેવા લાગ્યા કે, ‘એફેસીઓની આર્તેમિસની જય!’

29આખા શહેરમાં એ ગડબડાટ પ્રસરી ગયો. ત્યારે તેઓ મકદોનિયાના ગાયસ તથા આરિસ્તાર્ખસ, જેઓ મુસાફરીમાં પાઉલના સાથીઓ હતા, તેઓને પકડીને બધા ભેગા મળીને શલ્યખંડમાં દોડી ગયા.

30જયારે પાઉલે લોકોની ભીડની અંદર જવા ઇચ્છા કરી, ત્યારે શિષ્યોએ તેને જવા દીધો નહિ.

31આસિયાના મુખ્ય અધિકારીઓમાંના કેટલાક તેના મિત્ર હતા, તેઓએ પણ તેને કહેવડાવ્યું ‘તારે શલ્યખંડમાં જવાનું સાહસ કરવું નહિ.

32તે વેળાએ કેટલાક આમ બૂમ પાડતા, અને બીજા કેટલાક તેમ બૂમ પાડતા હતા, કેમ કે સભામાં ગડબડ થઈ રહી હતી, અને પોતે શા માટે ભેગા થયા છે, એ તેઓમાંના કેટલાક જાણતા પણ ન હતા.

33તેઓ (યહૂદીઓ) આલેકસાંદરને ભીડમાંથી બહાર ખેંચી કાઢીને તેને આગળ ધકેલતા હતા ત્યારે આલેકસાંદર હાથે ઇશારો કરીને લોકોને પ્રત્યુત્તર આપવા ચાહતો હતો.

34પણ તે યહૂદી છે, એ તેઓએ જાણ્યું, ત્યારે તેઓ સર્વએ આશરે બે કલાક સુધી એકસામટા અવાજે બૂમ પાડી કે, ‘એફેસીઓની આર્તેમિસની જય!’

35ત્યારે શહેરના નગરશેઠે લોકોને શાંત કરીને કહ્યું કે, ‘ઓ એફેસસના લોકો, કોણ નથી જાણતું કે એફેસીઓનું શહેર આર્તેમિસ મહાદેવીને તથા ઝૂસ પાસેથી પડેલી મૂર્તિને પૂજનારું છે?

36એ વાતોની વિરુદ્ધ કોઈથી બોલી શકાય એમ નથી, માટે તમારે શાંત રહેવું જોઈએ, અને કંઈ અયોગ્ય કૃત્ય કરવું નહિ.

37કેમ કે તમે આ માણસોને અહીં લાવ્યા છો, તેઓ મંદિરોને લૂંટનારા નથી, આપણા દેવીની નિંદા કરનારા પણ નથી.

38માટે જો દેમેત્રિયસને તથા તેના સાથેના સાથી કારીગરોને કોઈના પર કશી ફરિયાદ કરવી હોય તો અદાલત ખુલ્લી છે, અને અધિકારીઓ પણ છે, માટે તેઓ એકબીજાની સામે ફરિયાદ કરી શકે.

39પણ જો કોઈ બીજી બાબતો વિષે તમે ન્યાય માંગતા હો, તો કાયદેસર નીમેલી સભામાં તેનો નિર્ણય કરવામાં આવશે.

40કેમ કે આજે કારણ વિના હંગામો થયો તે વિષે આપણી સામે ફરિયાદ થવાનો ખરેખર સંભવ છે; અને તેના સંબંધમાં આ ભીડ થયાનો ખુલાસો આપણે આપી શકવાના નથી.

41તેણે એ વાતો કહીને સભાને સમાપ્ત કરી.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath