ખ્રિસ્તી ધર્મ
પાછા

પ્રેરિતોનાં કૃત્યો 16

1પછી પાઉલ દેર્બે તથા લુસ્ત્રામાં આવ્યો, તિમોથી નામે એક શિષ્ય હતો; તે એક વિશ્વાસી યહૂદી સ્ત્રીનો દીકરો હતો, પણ તેનો પિતા ગ્રીક હતો.

2લુસ્ત્રા તથા ઈકોનિયામાંના ભાઈઓમાં તિમોથીની સાક્ષી સારી હતી.

3તેને પાઉલ પોતાની સાથે લઈ જવાની ઇચ્છા રાખતો હતો, તેને લઈને તે પ્રાંતોમાંના યહૂદીઓને લીધે તેણે તેની સુન્નત કરાવી; કેમ કે સર્વ જાણતા હતા કે તેનો પિતા ગ્રીક હતો.

4જે જે શહેરમાં થઈને પાઉલ અને તિમોથી ગયા ત્યાંના લોકોને તેઓએ યરુશાલેમમાંના પ્રેરિતોએ તથા વડીલોએ કરેલા ઠરાવો પાળવા સારુ સોંપ્યાં.

5એ રીતે વિશ્વાસી સમુદાય વિશ્વાસમાં બળવાન બનતો ગયો, અને રોજેરોજ તેઓની સંખ્યા વધતી ગઈ.

6તેઓને આસિયામાં સુવાર્તા પ્રગટ કરવાની પવિત્ર આત્માએ મના કરી તેથી તેઓ ફ્રૂગિયા તથા ગલાતિયાના પ્રદેશમાં ફર્યા.

7મુસિયાની સરહદ સુધી આવીને તેઓએ બિથુનિયામાં જવાનો પ્રયત્ન કર્યો; પણ ઈસુના આત્માએ તેઓને જવા દીધાં નહિ;

8માટે તેઓ મુસિયાને બાજુએ મૂકીને ત્રોઆસ આવ્યા.

9રાત્રે પાઉલને એવું દર્શન થયું કે મકદોનિયાના એક માણસે ઊભા રહીને તેને વિનંતી કરીને કહ્યું કે મકદોનિયામાં આવીને અમને સહાય કર.

10પાઉલને દર્શન થયા પછી તેઓને સુવાર્તા પ્રગટ કરવા સારુ ઈશ્વરે અમને બોલાવ્યા છે, એવું અનુમાન કરીને અમે તરત મકદોનિયામાં જવાની તૈયારી કરી.

11એ માટે અમે વહાણમાં બેસીને ત્રોઆસથી સીધા સામોથ્રાકી આવ્યા, બીજે દિવસે નિઆપોલીસ પહોંચ્યા;

12ત્યાંથી ફિલિપ્પી ગયા, જે મકદોનિયા પ્રાંતમાંનું મુખ્ય શહેર છે, અને તે રોમનોએ વસાવેલું છે; તે શહેરમાં અમે કેટલાક દિવસ રહ્યા.

13શહેરની બહાર નદીના કિનારે પ્રાર્થનાસ્થાન હોવું જોઈએ એવું ધારીને વિશ્રામવારે અમે ત્યાં ગયા; ત્યાં જે સ્ત્રીઓ એકઠી થઈ હતી તેઓને અમે બેસીને બોધ કર્યો.

14અને થૂઆતૈરા શહેરની, જાંબુડિયાં વસ્ત્ર વેચનારી લુદિયા નામની એક સ્ત્રી હતી જે ઈશ્વરને ભજનારી હતી, તેણે અમારું સાંભળ્યું, તેનું અંતઃકરણ પ્રભુએ એવું ઉઘાડ્યું કે, તેણે પાઉલના કહેલા વચનો મનમાં રાખ્યા.

15તેનું તથા તેના ઘરનાનું બાપ્તિસ્મા થયા પછી તેણે વિનંતી કરીને કહ્યું કે, જો તમે મને પ્રભુ પ્રત્યે વિશ્વાસુ ગણતા હો, તો મારા ઘરમાં આવીને રહો; તેણે અમને ઘણો આગ્રહ કર્યો.

16અમે પ્રાર્થનાસ્થાને જતા હતા ત્યારે એમ થયું કે, એક જુવાન દાસી અમને મળી, કે જેને અગમસૂચક દુષ્ટાત્મા વળગ્યો હતો, તે ભવિષ્યકથન કરીને પોતાના માલિકોને ખૂબ કમાણી કરી આપતી હતી.

17તેણે પાઉલની તથા અમારી પાછળ આવીને બૂમ પાડીને કહ્યું કે, આ માણસો પરાત્પર ઈશ્વરના સેવકો છે, જેઓ તમને ઉદ્ધારનો માર્ગ પ્રગટ કરે છે.

18તેણે ઘણાં દિવસો સુધી એમ કર્યા કર્યું, ત્યારે પાઉલે બહુ નારાજ થઈને પાછા ફરીને તે દુષ્ટાત્માને કહ્યું કે, ઈસુ ખ્રિસ્તને નામે હું તને આજ્ઞા કરું છું કે એનામાંથી નીકળ; અને તે જ ઘડીએ તે તેનામાંથી નીકળી ગયો.

19પણ તેના માલિકોએ પોતાના લાભની આશા નષ્ટ થઈ છે, એ જોઈને પાઉલ તથા સિલાસને પકડ્યા, અને તેઓને ચૌટાનાં અધિકારીઓની પાસે ઘસડી લાવ્યા.

20તેઓને અધિકારીઓની આગળ લાવીને કહ્યું કે, આ માણસો યહૂદી છતાં આપણા શહેરમાં બહુ ધમાલ મચાવે છે.

21અને આપણ રોમનોને જે રીતરિવાજો માનવા અથવા પાળવા ઉચિત નથી, તે તેઓ શીખવે છે.

22ત્યારે સર્વ લોકો તેમની સામે ઊઠ્યાં, અને અધિકારીઓએ તેઓનાં વસ્ત્રો ફાડી નાખીને તેઓને ફટકા મારવાની આજ્ઞા આપી.

23અને અધિકારીઓએ ઘણાં ફટકા મારીને તેઓને પાઉલ અને સિલાસને જેલમાં પૂર્યા તથા જેલરને તેઓની ચોકસાઈ રાખવાની આજ્ઞા આપી.

24અને અમલદારને એવી આજ્ઞા મળવાથી તેઓને અંદરનાં જેલખાનામાં પૂરવામાં આવ્યા, અને તેઓના પગ હેડમાં બાંધી દીધાં.

25ત્યાં મધરાતને સુમારે પાઉલ તથા સિલાસ પ્રાર્થના કરતા તથા ઈશ્વરનાં સ્ત્રોત્ર ગાતા હતા, બીજા કેદીઓ તે સાંભળતાં હતા;

26ત્યારે એકાએક એવો મોટો ધરતીકંપ થયો કે, જેલના પાયા હાલ્યા; અને બધા દરવાજા તરત ઊઘડી ગયા; અને સર્વના બંધનો છૂટી ગયા.

27જેલર ઊંઘમાંથી જાગી ઊઠ્યો, અને જેલના દરવાજા ખુલ્લાં જોઈને કેદીઓ નાસી ગયા હશે, એમ વિચારીને તે તરવાર ઉગામીને આત્મહત્યા કરવા જતો હતો.

28પણ પાઉલે મોટેથી બૂમ પાડીને કહ્યું કે, અમે સહુ અહીં છીએ, માટે તું પોતાને કંઈ પણ ઈજા કરીશ નહિ.

29ત્યારે તે દીવો મંગાવીને અંદર કૂદી આવ્યો, અને ધ્રૂજતો ધ્રૂજતો પાઉલ તથા સિલાસને પગે પડ્યો.

30તેઓને બહાર લાવીને તેણે કહ્યું કે, હે સાહેબો, ઉદ્ધાર પામવા સારુ મારે શું કરવું જોઈએ?

31ત્યારે તેઓએ કહ્યું કે, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર, એટલે તું તથા તારા ઘરના સર્વ ઉદ્ધાર પામશો.

32ત્યારે તેઓએ જેલરને તથા જે તેનાં ઘરમાં હતાં તે સર્વને પ્રભુનાં વચનો કહી સંભળાવ્યાં.

33પછી રાતના તે જ સમયે તે જેલરે તેઓના સોળ ધોયા અને તરત તે તથા તેનાં ઘરનાં બધા માણસો બાપ્તિસ્મા પામ્યા.

34જેલરે તેઓને પોતાને ઘરે લાવીને તેઓની આગળ ભોજન પીરસ્યું, અને તેના ઘરનાં સર્વએ ઈશ્વર પર વિશ્વાસ કરીને ઘણો આનંદ કર્યો.

35દિવસ ઊગતાં અધિકારીઓએ સુરક્ષા કર્મચારીઓને મોકલીને કહેવડાવ્યું કે, તે માણસોને છોડી દો.

36પછી જેલરે પાઉલને એ વાતની ખબર આપી કે, અધિકારીઓએ તમને છોડી દેવાનું કહેવડાવ્યું છે, માટે હવે તમે નીકળીને શાંતિએ ચાલ્યા જાઓ.

37પણ પાઉલે તેઓને કહ્યું કે, અમને ગુનેગાર ઠરાવ્યાં વગર તેઓએ અમો રોમનોને જાહેર રીતે માર મારીને જેલમાં નાખ્યા છે, અને હવે શું તેઓ અમને છાની રીતે બહાર કાઢી મૂકે છે? ના, એમ તો નહિ, પણ તેઓ પોતે આવીને અમને બહાર કાઢે.

38ત્યારે સુરક્ષા કર્મચારીઓએ અધિકારીઓને એ વાતની ખબર આપી. ત્યારે તેઓ રોમન છે, એ સાંભળીને તેઓ ગભરાઈ ગયા.

39પછી અધિકારીઓએ આવીને તેઓને કાલાવાલા કર્યા, અને તેઓને બહાર લાવીને શહેરમાંથી નીકળી જવાને વિનંતી કરી.

40પછી તેઓ જેલમાંથી નીકળીને લુદિયાને ત્યાં આવ્યા; અને ભાઈઓને મળીને તેઓને દિલાસો આપ્યો, પછી ત્યાંથી વિદાય થયા.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath