ખ્રિસ્તી ધર્મ
પાછા

પ્રેરિતોનાં કૃત્યો 15

1કેટલાકે યહૂદિયાથી આવીને ભાઈઓને એવું શીખવ્યું કે, જો મૂસાની રીત પ્રમાણે તમારી સુન્નત ન કરાય તો તમે ઉદ્ધાર પામી શકતા નથી.

2અને પાઉલ તથા બાર્નાબાસને તેઓની સાથે બહુ તકરાર ને વાદવિવાદ થયા પછી ભાઈઓએ ઠરાવ્યું કે પાઉલ તથા બાર્નાબાસ અને તેમના બીજા કેટલાક આ વિવાદ સંબંધી સલાહ માટે યરુશાલેમના પ્રેરિતો તથા વડીલો પાસે જાય.

3એ માટે વિશ્વાસી સમુદાયે તેઓને વળાવ્યા પછી તેઓએ ફિનીકિયા તથા સમરુનમાં થઈને જતા વિદેશીઓના પ્રભુ તરફ ફર્યાના સમાચાર પ્રગટ કર્યા, અને સઘળાં ભાઈઓને ઘણો આનંદ થયો.

4તેઓ યરુશાલેમ પહોંચ્યા ત્યારે વિશ્વાસી સમુદાયે, પ્રેરિતોએ તથા વડીલોએ તેઓનો આવકાર કર્યો, ઈશ્વરે જે અદભુત કર્યા તેઓની મારફતે કરાવ્યું હતું તે સર્વ તેઓએ તેઓને કહી સંભળાવ્યું.

5પણ ફરોશીપંથના કેટલાક વિશ્વાસીઓએ ઊઠીને કહ્યું કે, ‘તેઓની સુન્નત કરાવવી, તથા મૂસાનું નિયમશાસ્ત્ર પાળવાનું તેઓને ફરમાવવું જોઈએ.’

6ત્યારે પ્રેરિતો તથા વડીલો એ વાત વિષે વિચાર કરવાને એકઠા થયા.

7અને ઘણો વાદવિવાદ થયા પછી પિતરે ઊભા થઈને તેઓને કહ્યું કે. ભાઈઓ તમે જાણો છો કે શરૂઆતથી જ ઈશ્વરે તમારામાંથી મને પસંદ કરીને ઠરાવ્યું કે, મારા મુખથી બિનયહૂદીઓ સુવાર્તા સાંભળે અને વિશ્વાસ કરે.

8અંતઃકરણના જાણનાર ઈશ્વરે જેમ આપણને તેમ તેઓને પણ પવિત્ર આત્મા આપ્યાથી તેઓના વિષે સાક્ષી પૂરી,

9અને વિશ્વાસથી તેઓનાં હૃદય પવિત્ર કરીને આપણામાં તથા તેઓમાં કંઈ ભેદ રાખ્યો નહિ.

10તો હવે જે ઝૂંસરી આપણા પૂર્વજો તેમ જ આપણે પણ સહી શક્યા નહિ તે શિષ્યોની ગરદન પર મૂકીને ઈશ્વરનું પરીક્ષણ કેમ કરો છો?

11પણ જેમ તેઓ પ્રભુ ઈસુની કૃપાથી ઉદ્ધાર પામશે, તેમ આપણે પણ પામીશું, એવો વિશ્વાસ આપણે કરીએ છીએ.

12ત્યારે સઘળાં લોકો ચૂપ રહ્યા; અને બાર્નાબાસ તથા પાઉલની મારફતે ઈશ્વરે જે ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો બિનયહૂદીઓમાં કરાવ્યાં હતાં તેઓની હકીકત તેઓએ તેમના મુખથી સાંભળી.

13તેઓ બોલી રહ્યા પછી યાકૂબે ઉત્તર આપતા કહ્યું કે. ભાઈઓ, મારું સાંભળો;

14પહેલાં ઈશ્વરે બિનયહૂદીઓમાંથી પોતાના નામને સારુ એક પ્રજાને પસંદ કરી લેવાને કઈ રીતે તેઓની મુલાકાત લીધી, એ તો સિમોને કહી બતાવ્યું છે.

15પ્રબોધકોની વાતો એની સાથે મળતી આવે છે, જેમ લખેલું છે કે,

16“એ પછી હું પાછો આવીશ, અને દાઉદનો પડેલો મંડપ હું પાછો બાંધીશ; તેનાં ખંડિયેર હું સમારીશ, અને તેને પાછો ઊભો કરીશ;

17એ માટે કે બાકી રહેલા લોક તથા સઘળાં બિનયહૂદીઓ જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ પ્રભુને શોધે;

18પ્રભુ જે દુનિયાના આરંભથી એ વાતો પ્રગટ કરે છે તે એમ કહે છે.”

19માટે મારો અભિપ્રાય એવો છે કે બિનયહૂદીઓમાંથી ઈશ્વર તરફ જે ફરે છે તેઓને આપણે હેરાન ન કરીએ;

20પણ તેઓને લખી મોકલીએ કે તમારે મૂર્તિઓની ભ્રષ્ટતાથી, વ્યભિચારથી, ગૂંગળાવીને મારેલાથી, તથા લોહીથી દૂર રહેવું.

21કેમ કે મૂસાના નિયમશાસ્ત્રની વાત પ્રગટ કરવામાં આવે છે અને તેના વચનો દર વિશ્રામવારે સભાસ્થાનોમાં વાંચવામાં આવે છે. તેને પ્રગટ કરનારા પ્રાચીનકાળથી દરેક શહેરમાં છે.

22ત્યારે વિશ્વાસી સમુદાય સહિત પ્રેરિતોને તથા વડીલોને એ સારુ લાગ્યું કે પોતાનામાંથી પસંદ કરેલા માણસોને, એટલે યહૂદા જે બર્સબા કહેવાય છે તે, તથા સિલાસ, જેઓ ભાઈઓમાં આગેવાન હતા, તેઓને પાઉલની તથા બાર્નાબાસની સાથે અંત્યોખ મોકલવા.

23તેઓની મારફતે તેઓને લખી મોકલ્યું કે, અંત્યોખમાં, સિરિયામાં, કિલીકિયામાં તથા વિદેશીઓમાંના જે ભાઈઓ છે, તેઓને પ્રેરિતો, વડીલો તથા ભાઈઓની કુશળતા.

24અમે એવું સાંભળ્યું છે કે અમારામાંથી કેટલાક જેઓને અમે કંઈ આજ્ઞા આપી ન હતી તેઓએ તમારી પાસે આવીને પોતાની વાતોથી તમારા મન ભમાવીને તમને ગૂંચવણમાં મૂક્યા છે.

25માટે અમોએ સર્વાનુમતે ઠરાવ કર્યો કે, માણસોને પસંદ કરીને તેઓને આપણા વહાલા બાર્નાબાસ તથા પાઉલ.

26કે જેઓએ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં નામને સારુ પોતાના જીવ જોખમમાં નાખ્યા છે, તેઓની સાથે તમારી પાસે મોકલવા.

27માટે અમે યહૂદાને તથા સિલાસને મોકલ્યા છે, ને તેઓ પોતે પણ તમને રૂબરૂ એ જ વાતો કહેશે.

28કેમ કે પવિત્ર આત્માને તથા અમને એ સારુ લાગ્યું કે આ અગત્યની વાતો કરતાં ભારે બોજો તમારા પર મૂકવો નહિ.

29એટલે કે, મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, ગૂંગળાવીને મારેલાંથી, તથા વ્યભિચારથી તમારે દૂર રહેવું; જો તમે એ વાતોથી દૂર રહેશો, તો તમારું ભલું થશે; તમે કુશળ રહો.

30પછી તેઓ વિદાયગીરી પામીને અંત્યોખમાં આવ્યા; લોકોને એકઠા કરીને તેઓએ પત્ર આપ્યો.

31તેઓ તે વાંચીને તેમના દિલાસાથી આનંદ પામ્યા.

32યહૂદા તથા સિલાસ કે જેઓ પોતે પણ પ્રબોધક હતા, તેઓએ ઈશ્વરના વચનોથી ભાઈઓને શિક્ષણ આપ્યું, અને તેઓનાં મન સ્થિર કર્યાં.

33તેઓ કેટલાક દિવસો સુધી ત્યાં રહ્યાં પછી, જેઓએ તેમને મોકલ્યા હતા તેઓની પાસે પાછા જવા સારુ ભાઈઓ પાસેથી તેઓ શાંતિથી વિદાય થયા.

34પણ સિલાસને તો ત્યાં જ રહેવું સારું લાગ્યું

35પણ પાઉલ તથા બાર્નાબાસ અંત્યોખમાં રહ્યા, અને બીજા ઘણાંઓની સાથે પ્રભુના વચનોનું શિક્ષણ તથા ઉપદેશ આપતા રહ્યા.

36કેટલાક દિવસ પછી પાઉલે બાર્નાબાસને કહ્યું કે, ‘ચાલો, હવે આપણે પાછા વળીએ, અને જે જે શહેરમાં આપણે પ્રભુનું વચન પ્રગટ કર્યું હતું, ત્યાંના આપણા ભાઈઓની મુલાકાત લઈને જોઈએ કે તેઓ કેમ છે.’

37યોહાન જે માર્ક કહેવાય છે, તેને પણ સાથે લેવાનું બાર્નાબાસનું મન હતું.

38પણ પાઉલે એવું વિચાર્યું કે જે આપણને પામ્ફૂલિયામાં મૂકીને જતો રહ્યો, આપણી સાથે કામ કરવા આવ્યો નહિ, તેને સાથે લઈ જવો તે યોગ્ય નથી.

39ત્યારે એવો વાદવિવાદ થયો કે તેઓ એકબીજાથી અલગ થયા, બાર્નાબાસ માર્કને સાથે લઈને વહાણમાં બેસીને સાયપ્રસ ગયો.

40પણ પાઉલે સિલાસને પસંદ કર્યો, અને ભાઈઓએ તેને ઈશ્વરની કૃપાને સોંપ્યો. પછી તેઓ ચાલી નીકળ્યા.

41સિરિયામાં તથા કિલીકિયામાં ફરીને તેઓએ વિશ્વાસી સમુદાયને દૃઢ કર્યો.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath