ખ્રિસ્તી ધર્મ
પાછા

2 શમુએલ 22

1દાઉદને ઈશ્વરે તેના સર્વ શત્રુઓના તથા શાઉલના હાથથી છોડાવ્યો, તે દિવસે દાઉદે ઈશ્વરની આગળ આ ગીત ગાયું:

2તેણે કહ્યું, “ઈશ્વર મારો ખડક, મારો કિલ્લો તે મને બચાવનાર છે.

3ઈશ્વર મારા ખડક છે. હું તેમના પર ભરોસો રાખીશ. તેઓ મારી ઢાલ તથા મારા તારણનું શિંગ, મારા ઊંચા બુરજ તથા મારું આશ્રયસ્થાન છે, તે મારા ઉદ્ધારક ત્રાતા છે, તેઓ મને જુલમથી બચાવે છે.

4ઈશ્વર જે સ્તુતિને યોગ્ય છે તેમને હું હાંક મારીશ, તેથી હું મારા શત્રુઓથી બચી જઈશ.

5કેમ કે મૃત્યુનાં મોજાંઓએ મને ઘેરી લીધો, દુર્જનોના ધસારાએ મને બીવડાવ્યો.

6શેઓલ નાં બંધનોએ મને ઘેરી લીધો, મરણની જાળમાં હું સપડાઈ ગયો.

7એવી કટોકટીમાં મારા સંકટમાં મેં ઈશ્વરને વિનંતી કરી; મારા પ્રભુને પોકાર કર્યો; તેમણે તેમના સભાસ્થાનમાંથી મારો અવાજ સાંભળ્યો, મારી અરજ તેમને કાને પહોંચી.

8ત્યારે પૃથ્વી હાલી તથા કાંપી. આકાશના પાયા હાલ્યા તથા કાંપ્યા, કારણ કે પ્રભુ ક્રોધિત થયા હતા.

9તેમના નસકારોમાંથી ધુમાડો ચઢયો, અને તેમના મુખમાંથી ભસ્મ કરી નાખનારો અગ્નિ બહાર આવ્યો. તેનાથી અંગારા સળગી ઊઠ્યા.

10અને ઈશ્વર આકાશોને નમાવીને નીચે ઊતર્યા, તેમના પગ નીચે ગાઢ અંધકાર વ્યાપેલો હતો.

11પછી તેઓ કરુબ પર સવારી કરીને ઊડ્યા. વાયુની પાંખો પર દેખાયા.

12અને તેમણે અંધકારને, પાણીના ઢગલાને, આકાશના ગાઢ વરસાદી વાદળોને પોતાની આસપાસ આચ્છાદન બનાવ્યાં.

13તેમની સામેના પ્રકાશથી અગ્નિના અંગારા સળગી ઊઠ્યા.

14આકાશમાંથી ઈશ્વરે ગર્જના કરી. પરાત્પરે અવાજ કર્યો.

15તેમણે તીર મારીને તેમના શત્રુઓને વિખેરી નાખ્યા વીજળી મોકલીને તેઓને થથરાવી નાખ્યા.

16ત્યારે ઈશ્વરની ધાકધમકીથી, તેમના નસકોરાના શ્વાસના ઝપાટાથી, સમુદ્રનાં તળિયાં દેખાયાં, જગતના પાયા ઉઘાડા થયા.

17તેમણે ઉપરથી હાથ લંબાવીને મને પકડી લીધો! પાણીમાં ઊઠનારાં મોજાંઓમાંથી તેઓ મને બહાર લાવ્યા.

18તેમણે મારા બળવાન શત્રુથી, જેઓ મારો દ્રેષ કરે છે તેઓથી મને બચાવ્યો, તેઓ મારા કરતા વધારે શક્તિશાળી હતા.

19મારી વિપત્તિને દિવસે તેઓ મારી વિરુદ્ધ ઊઠ્યા, પણ મારો આધાર ઈશ્વર હતા.

20વળી તેઓ મને ખુલ્લી જગ્યામાં લઈ આવ્યા . તેમણે મને છોડાવ્યો, કેમ કે તેઓ મારા પર પ્રસન્ન હતા.

21ઈશ્વરે મારા ન્યાયીપણા પ્રમાણે મને પ્રતિફળ આપ્યું; તેમણે મારા હાથની શુદ્ધતા પ્રમાણે મને બદલો આપ્યો છે.

22કેમ કે મેં ઈશ્વરના માર્ગોનું પાલન કર્યું છે અને દુરાચાર કરીને હું મારા પ્રભુથી ફરી ગયો નથી.

23કેમ કે તેમનાં સર્વ ન્યાયકૃત્યો મારી આગળ હતાં; તેમના વિધિઓથી હું દૂર ગયો નથી.

24વળી હું તેમની આગળ નિર્દોષ હતો, મેં પાપમાં પડવાથી પોતાને સંભાળ્યો છે.

25તે માટે ઈશ્વરે મારા ન્યાયીપણા પ્રમાણે તથા તેમની દ્રષ્ટિમાં મારી શુદ્ધતા પ્રમાણે મને પ્રતિફળ આપ્યું છે.

26કૃપાળુની સાથે તમે કૃપાળુ દેખાશો, નિર્દોષ માણસની સાથે તમે નિર્દોષ દેખાશો.

27શુદ્ધની સાથે તમે શુદ્ધ દેખાશો, હઠીલાની સાથે તમે હઠીલા દેખાશો.

28દુઃખી લોકોને તમે બચાવશો, પણ ઘમંડીઓને નીચા નમાવવા સારુ તમે તેઓના પર કરડી દ્રષ્ટિ કરો છો. એ સારુ કે તમે તેઓને નીચા નમાવો.

29કેમ કે, હે ઈશ્વર, તમે મારો દીવો છો. ઈશ્વર મારા અંધકારને પ્રકાશિત કરશે.

30કેમ કે તમારી સહાયથી હું સૈન્ય પર આક્રમણ કરું છું . મારા ઈશ્વર થકી હું દીવાલ કૂદી જાઉં છું.

31કેમ કે ઈશ્વરનો માર્ગ તો સંપૂર્ણ છે. ઈશ્વરનું વચન શુદ્ધ છે. જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વની તેઓ ઢાલ છે.

32કેમ કે પ્રભુ સિવાય ઈશ્વર કોણ છે? અને આપણા પ્રભુ સિવાય ગઢ કોણ છે?

33ઈશ્વર મારા ગઢ અને આશ્રય છે તેઓ નિર્દોષ માણસને તેમના માર્ગમાં ચલાવે છે.

34તેઓ મારા પગને હરણીના પગ જેવા કરે છે અને મને ઉચ્ચસ્થાનો પર બિરાજમાન છે.

35તેઓ મારા હાથોને યુદ્ધ કરતા શીખવે છે, તેથી મારા હાથ પિત્તળનું ધનુષ્ય તાણે છે.

36વળી તમે તમારા ઉદ્ધારની ઢાલ મને આપી છે, તમારી કૃપાએ મને મોટો કર્યો છે.

37તમે મારા પગ નીચેની જગ્યા વિશાળ કરી છે, જેથી મારા પગ લપસી ગયા નથી.

38મેં મારા શત્રુઓની પાછળ પડીને તેઓનો નાશ કર્યો છે. તેઓનો નાશ થયો ત્યાં સુધી હું પાછો ફર્યો નહિ.

39મેં તેઓનો સંહાર કર્યો છે તથા તેઓને એવા વીંધી નાખ્યા છે કે તેઓ પાછા ઊઠી શકે એવા રહ્યા નથી. તેઓ મારા પગ આગળ પડ્યા છે.

40કેમ કે તમે યુદ્ધને માટે મારી કમરે સામર્થ્યરૂપી પટ્ટો બાંધ્યો છે; મારી સામે ઊઠનારાઓને તમે મારે આધીન કર્યા છે.

41વળી તમે મારા શત્રુને મારી આગળ અવળા ફેરવ્યા છે. કે જેઓ મને ધિક્કારે તેઓનો હું નાશ કરું.

42તેઓએ મદદને માટે પોકાર કર્યો પણ તેમને બચાવનાર કોઈ ન હતું; તેઓએ ઈશ્વરને વિનંતી કરી પણ તેમણે તેઓને જવાબ આપ્યો નહિ.

43ત્યારે મેં તેઓ પર પ્રહાર કરીને તેમને ધરતીની ધૂળ જેવા કરી દીધા. મેં તેઓને રસ્તાના કાદવની જેમ મસળી નાખ્યાં. તેઓને ચોગમ વિખેરી નાખ્યા.

44તમે મારા લોકના વિવાદોથી પણ મને છોડાવ્યો છે. વિદેશીઓનો અધિપતિ થવા માટે તમે મને સંભાળી રાખ્યો છે. જે લોકોને હું ઓળખતો નથી તેઓ મારી તાબેદારી કરશે.

45વિદેશીઓ લાચારીથી મારે શરણ આવશે. મારા વિષે સાંભળતાં જ તેઓ મારો પડ્યો બોલ ઝીલશે.

46વિદેશીઓ ક્ષય પામશે અને તેઓ પોતાના કિલ્લાઓમાંથી ધ્રૂજતા બહાર આવશે.

47ઈશ્વર જીવંત છે! મારા ખડકની પ્રશંસા હો! મારા ઉદ્ધારરૂપી ખડક સમાન ઈશ્વર ઊંચા મનાઓ.

48એટલે જે ઈશ્વર મારા વૈરીઓનો બદલો લે છે, જે લોકોને મારી સત્તા નીચે લાવે છે.

49તેઓ મારા શત્રુઓની પાસેથી મને છોડાવે છે. મારી સામે ઊઠનારા પર તમે મને ઊંચો કરો છો. તમે બળાત્કારી માણસથી મને બચાવો છો.

50એ માટે લોકો મધ્યે, હે ઈશ્વર, હું તમારી આભારસ્તુતિ કરીશ; હું તમારા નામનાં સ્ત્તોત્ર ગાઈશ.

51ઈશ્વર પોતાના રાજાને વિજય અપાવે છે, પોતાના અભિષિક્ત પર, એટલે દાઉદ તથા તેના સંતાન પર, સદા સર્વકાળ સુધી મહેરબાની રાખે છે.”

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath