પિતરનો બીજો પત્ર 2
1જેમ ઇઝરાયલી લોકોમાં જૂઠાં પ્રબોધકો ઊભા થયા હતા, તેમ તમારામાં પણ ખોટા ઉપદેશકો થશે. તેઓ ગુપ્ત રીતે નાશકારક પાખંડી મતો ફેલાવશે અને જે પ્રભુએ તેઓનો ઉદ્ધાર કર્યો તેનો પણ નકાર કરીને જલદીથી પોતાનો જ વિનાશ કરશે.
2ઘણાં માણસો તેઓના અનિષ્ટ કામોમાં ચાલશે; અને તેઓને લીધે સત્યનાં માર્ગનો તિરસ્કાર થશે.
3તેઓ દ્રવ્યલોભથી કપટી વાતો બોલીને તમારું શોષણ કરશે; તેઓને માટે અગાઉથી ઠરાવેલી સજામાં વિલંબ કે તેઓના નાશમાં ઢીલ થશે નહિ.
4કેમ કે જે દૂતોએ પાપ કર્યું તેઓને ઈશ્વરે છોડ્યાં નહિ, પણ તેઓને નર્કમાં નાખીને ન્યાયચુકાદા સુધી અંધકારનાં ખાડાઓમાં રાખ્યા;
5તેમ જ ઈશ્વરે પુરાતન માનવજગતને છોડ્યું નહિ, પણ અધર્મી જગત પર જળપ્રલય લાવીને ન્યાયીપણાના ઉપદેશક નૂહને તથા તેની સાથેનાં સાત લોકોને બચાવ્યાં;
6અને અધર્મીઓને જે થનાર છે ઉદાહરણ આપવા સારુ સદોમ તથા ગમોરા શહેરોને બાળીને ભસ્મ કર્યાં, અને તેઓને પાયમાલ કરીને તેઓને શિક્ષા કરી.
7અને ન્યાયી લોત જે અધર્મીઓના દુરાચારથી ત્રાસ પામતો હતો તેને છોડાવ્યો,
8કેમ કે તે પ્રામાણિક માણસ જયારે તેઓની સાથે પ્રતિદિન રહેતો હતો ત્યારે તેઓનાં ખરાબ કામ જોઈને તથા સાંભળીને તે પોતાના ન્યાયી આત્મામાં નિત્ય દુઃખ પામતો હતો.
9પ્રભુ ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે, અને અન્યાયીઓને તથા વિશેષે કરીને જેઓ દુર્વાસનાઓથી દૈહિક વિકારો પ્રમાણે ચાલે છે.
10અને પ્રભુના અધિકારને તુચ્છ ગણે છે તેઓને ન્યાયકાળ સુધી શિક્ષાને માટે રાખી મૂકવાનું તે જાણે છે. તેઓ ઉદ્ધત તથા સ્વછંદી થઈને આકાશી જીવોની નિંદા કરતાં પણ ડરતા નથી.
11પરંતુ સ્વર્ગદૂતો વિશેષ બળવાન તથા પરાક્રમી હોવા છતાં પ્રભુની આગળ તેઓની નિંદા કરીને તેઓ પર દોષ મૂકતા નથી.
12પણ આ માણસો, સ્વભાવે અબુધ પશુ કે જેઓ પકડાવા તથા નાશ પામવાને સૃજાયેલાં છે, તેઓની માફક તેઓ જે વિષે જાણતા નથી, તે વિષે નિંદા કરીને પોતાના દુરાચારમાં નાશ પામશે, અન્યાય કર્યાને લીધે અન્યાયનું ફળ ભોગવશે.
13ઉઘાડે છોગ સુખભોગ કરવાને આનંદ માને છે; તેઓ ડાઘ તથા કલંક છે; અને પોતાના પ્રેમભોજનમાં દુષ્કાર્યો કરવામાં આનંદ માણે છે.
14તેઓની આંખો વ્યભિચારિણીઓની વાસનાથી ભરેલી છે અને પાપ કરતાં બંધ થતી નથી; તેઓ અસ્થિર માણસોને લલચાવે છે; તેઓનાં હૃદયો દ્રવ્યલોભમાં કેળવાયેલાં છે, તેઓ શાપિત છે.
15ખરો માર્ગ મૂકીને તેઓ અવળે માર્ગે ભટકેલા છે, અને બયોરનો દીકરો બલામ, જેણે અન્યાયનું ફળ ચાહ્યું તેને માર્ગે ચાલનારાં થયા.
16પણ તેને પોતાના અધર્મને લીધે ઠપકો આપવામાં આવ્યો; મૂંગા ગધેડાએ માણસની વાણીથી પ્રબોધકની ઘેલછાને અટકાવી.
17તેઓ પાણી વગરના ઝરા જેવા તથા તોફાનથી ઘસડાતી વાદળી જેવા છે, તેઓને સારુ ઘોર અંધકાર રાખેલો છે.
18તેઓ વ્યર્થતાની બડાઈની વાતો કહે છે. તેઓમાંથી જેઓ બચી જવાની તૈયારીમાં છે તેઓને દૈહિક વિષયોથી તથા ભ્રષ્ટાચારથી લલચાવે છે.
19તેઓને તેઓ સ્વતંત્રતાનું વચન આપે છે, પણ પોતે ભ્રષ્ટાચારના દાસ છે; કેમ કે માણસને જ કોઈ જીતે છે, તે જ તેને પોતાનો દાસ બનાવે છે.
20કેમ કે આપણા પ્રભુ તથા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તને ઓળખવાથી જો તેઓ, જગતની ભ્રષ્ટતાથી છૂટીને, પાછા તેમાં ફસાઈને હારી ગયા, તો તેઓની છેલ્લી દશા પહેલી કરતાં ખરાબ થઈ છે;
21કારણ કે ન્યાયીપણાનો માર્ગ જાણ્યાં પછી તેઓને જે પવિત્ર આજ્ઞા આપવામાં આવી હતી તેમાંથી પાછા ફરવું, એ કરતાં તેઓ તે માર્ગ વિષે અજાણ્યા રહ્યા હોત તો સારું હોત.
22પણ તેઓને માટે આ કહેવત સાચી ઠરી છે, ‘કૂતરું પોતે ઊલટી કરી હોય ત્યાં પાછું આવે છે અને નવડાવેલું ભૂંડ કાદવમાં આળોટવા માટે પાછું આવે છે.’”
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath