ખ્રિસ્તી ધર્મ
પાછા

2 રાજાઓ 2

1ઈશ્વર વંટોળિયા દ્વારા એલિયાને આકાશમાં લઈ લેવાના હતા ત્યારે એમ થયું કે, એલિયા એલિશાને લઈને ગિલ્ગાલથી ચાલી નીકળ્યો.

2એલિયાએ એલિશાને કહ્યું, “તું અહીં રહે, કેમ કે ઈશ્વર મને બેથેલમાં મોકલે છે.” એલિશાએ કહ્યું, “જીવતા ઈશ્વરના અને તારા સમ કે, હું તને છોડીશ નહિ.” તેથી તેઓ બેથેલમાં ગયા.

3બેથેલમાં રહેતા પ્રબોધકોના દીકરાઓએ એલિશા પાસે આવીને તેને કહ્યું, “શું તું જાણે છે કે, ઈશ્વર આજે તારા ગુરુને તારા શિરેથી દૂર લઈ લેશે?” એલિશાએ કહ્યું, “હા, હું તે જાણું છું, પણ તમે તે વિષે કશી વાત કરશો નહિ.”

4એલિયાએ એલિશાને કહ્યું, “એલિશા, કૃપા કરી તું અહીં રહે, કેમ કે ઈશ્વર મને યરીખો મોકલે છે.” એલિશાએ ફરીથી કહ્યું, “જીવતા ઈશ્વરના અને તારા સમ કે, હું તને છોડીશ નહિ.” માટે તેઓ યરીખો ગયા.

5પછી યરીખોમાં રહેતા પ્રબોધકોના દીકરાઓએ એલિશા પાસે આવીને તેને કહ્યું, “શું તું જાણે છે કે, ઈશ્વર આજે તારા ગુરુને તારા શિરેથી દૂર લઈ લેશે?” એલિશાએ કહ્યું, “હા, હું તે જાણું છું, પણ તમે તે વિષે કશી વાત કરશો નહિ.”

6અને એલિયાએ એલિશાને કહ્યું, “એલિશા, કૃપા કરી તું અહીં રહે, કેમ કે, ઈશ્વર મને યર્દન મોકલે છે.” એલિશાએ હહ્યું, “જીવતા ઈશ્વરના અને તારા સમ કે, હું તને છોડીશ નહિ.” પછી તેઓ બંન્ને આગળ ચાલ્યા.

7પ્રબોધકોના પચાસ દીકરાઓ તેઓની સામે દૂર ઊભા રહ્યા અને તેઓ બન્ને યર્દન નદીને કિનારે ઊભા રહ્યા.

8એલિયાએ પોતાનો ઝભ્ભો લઈને તેને વીંટાળીને તેને પાણી પર માર્યો અને નદીના બે ભાગ થઈ ગયા, તેથી તેઓ બન્ને કોરી જમીન ચાલીને પેલે પાર ગયા.

9તેઓ નદી પાર ઊતર્યા પછી એમ થયું કે, એલિયાએ એલિશાને કહ્યું, “મને તારી પાસેથી લઈ લેવામાં આવે તે અગાઉ તું માગ કે હું તારે માટે શું કરું?” એલિશાએ કહ્યું, “કૃપા કરી તારા આત્માનો બમણો હિસ્સો મારા પર આવે.”

10એલિયાએ કહ્યું, “તેં જે માગ્યું છે તે ભારે છે. તોપણ, જો તું મને તારી પાસેથી લઈ લેવાતો જોશે, તો તારે માટે એ શકય થશે, પણ જો નહિ જુએ, તો એવું નહિ થાય.”

11તેઓ વાતો કરતા કરતા આગળ ચાલ્યા જતા હતા એટલામાં એમ થયું કે, જુઓ, અગ્નિરથ અને અગ્નિમય ઘોડા દેખાયા. એ બધાએ બન્ને માણસોને એકબીજાથી જુદા પાડી દીધા. એલિયા વંટોળિયામાં થઈને આકાશમાં ચઢી ગયો.

12એલિશાએ તે જોયું, તેણે બૂમ પાડી, “ઓ મારા બાપ રે, ઓ મારા બાપ રે! ઇઝરાયલના રથો અને તેમના ઘોડેસવારો!” પછી એલિશાએ એલિયાને જોયો નહિ. અને એલિશાએ પોતાનો ઝભ્ભો ફાડીને તેના બે ટુકડાં કરી નાખ્યા.

13પછી એલિશાએ એલિયાનો ઝભ્ભો જે તેની પાસેથી પડ્યો હતો તે તેણે ઉપાડી લીધો અને પાછો તે યર્દન કિનારે જઈને ઊભો રહ્યો.

14એલિયાનો ઝભ્ભો જે તેની પાસેથી પડ્યો તે લઈને એલિશાએ પાણી પર મારીને કહ્યું, “એલિયાના ઈશ્વર યહોવાહ કયાં છે?” જયારે તેણે પાણી પર માર્યું ત્યારે તે પાણી બે ભાગમાં વહેંચાય ગયાં અને એલિશા નદીની પાર ગયો.

15જયારે યરીખોના પ્રબોધકોના દીકરાઓ તેની સામે ઊભેલા હતા તેઓએ તેને જોયો અને કહ્યું, “એલિયાનો આત્મા એલિશા પર ઊતરેલો છે!” માટે તેઓ તેને મળવા આવ્યા અને તેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.

16તેઓએ એલિશાને કહ્યું, “હવે જો, તારા દાસોની સાથે પચાસ મજબૂત માણસો છે. અમને જવા દે, કે અમે જઈને તારા ગુરુની શોધ કરીને જોઈએ, કદાચ ઈશ્વરના આત્માએ એલિયાને ઉઠાવીને કોઈ પર્વત પર કે ખીણમાં રાખ્યો હોય.” એલિશાએ કહ્યું, “ના, તેઓને મોકલશો નહિ.”

17પણ જયાં સુધી એલિશા શરમાઈ ગયો ત્યાં સુધી તેઓએ તેને આગ્રહ કર્યો, તેણે કહ્યું, તેઓને મોકલો.” પછી તેઓએ પચાસ માણસો મોકલ્યા, તેઓએ ત્રણ દિવસ સુધી શોધ કરી પણ તે મળ્યો નહિ.

18તે યરીખોમાં હતો, તે દરમિયાન તેઓ તેની પાસે પાછા આવ્યા. તેણે તેઓને કહ્યું, “શું મેં તમને નહોતું કહ્યું કે, જશો નહિ?”

19તે નગરના માણસોએ એલિશાને કહ્યું, “કૃપા કરીને જો, જેમ મારા માલિક જુએ છે કે આ શહેર કેવું રમણીય છે, પણ અહીંનું પાણી સારું નથી અને દેશ ફળદ્રુપ નથી.”

20એલિશાએ કહ્યું, “મને એક નવો વાટકો લાવી આપો અને તેમાં થોડું મીઠું નાખો.” એટલે તેઓ તેની પાસે લાવ્યા.

21એલિશાએ ઝરા પાસે જઈને તેમાં મીઠું નાખીને કહ્યું, “ઈશ્વર એમ કહે છે, ‘મેં આ પાણીને નીરોગી કર્યા છે. હવે પછી તેમાં કોઈ મરણ થશે નહિ કે ફળ ખરી પડશે નહિ.’

22માટે એલિશા જે વચન બોલ્યો તે પ્રમાણે આજ સુધી તે પાણી શુદ્વ છે.

23પછી એલિશા ત્યાંથી બેથેલ જવા નીકળ્યો. અને તે રસ્તે ચાલતો હતો તેવામાં નાનાં બાળકો નગરમાંથી બહાર આવીને તેની મશ્કરી કરીને કહેવા લાગ્યા, “હે, ટાલવાળા આગળ જા! ટાલવાળા આગળ જા!”

24એલિશાએ પાછળ ફરી તેઓને જોયાં અને ઈશ્વરના નામે તેમને શાપ આપ્યો. પછી બે રીંછડીઓએ જંગલમાંથી આવીને તેઓમાંના બેતાળીસ બાળકોને ફાડી નાખ્યાં.

25પછી એલિશા ત્યાંથી કાર્મેલ પર્વત પર ગયો અને ત્યાંથી તે સમરુન પાછો આવ્યો.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath