ખ્રિસ્તી ધર્મ
પાછા

2 રાજાઓ 19

1હિઝકિયા રાજાએ જ્યારે તે સાંભળ્યું ત્યારે એમ થયું કે, તેણે પોતાના વસ્ત્ર ફાડ્યાં, પોતાના શરીર પર ટાટ પહેરીને તે યહોવાહના ઘરમાં ગયો.

2તેણે રાજ્યના અધિકારી એલિયાકીમને, નાણાંમંત્રી શેબ્નાને તથા યાજકોના વડીલોને ટાટ પહેરાવીને આમોસના દીકરા યશાયા પ્રબોધક પાસે મોકલ્યા.

3તેઓએ તેને કહ્યું, હિઝકિયા આ પ્રમાણે કહે છે કે, “આ દિવસ દુ:ખનો, ઠપકાનો તથા બદનામીનો દિવસ છે, કેમ કે બાળકને જનમવાનો સમય આવ્યો છે, પણ તેને જન્મ આપવાની શક્તિ નથી.

4કદાચ એવું બને કે, રાબશાકેહ જેને તેના માલિક આશ્શૂરના રાજાએ જીવતા ઈશ્વરની નિંદા કરવા મોકલ્યો છે, તેનાં બધાં વચનો તમારા ઈશ્વર યહોવાહ સાંભળે, તમારા ઈશ્વર યહોવાહે જે વચનો સાંભળ્યાં તેને તેઓ વખોડે. તેથી હવે જે હજુ સુધી અહીં બાકી રહેલા છે તેઓને માટે પ્રાર્થના કરો.”

5હિઝકિયા રાજાના ચાકરો યશાયા પાસે આવ્યા,

6યશાયાએ તેઓને કહ્યું કે, “તમારા માલિકને કહો કે, ‘યહોવાહ કહે છે કે, “જે વચનો તેં સાંભળ્યાં છે, જેનાથી આશ્શૂરના રાજાના સેવકોએ મારું અપમાન કર્યું છે તેનાથી તમે ગભરાશો નહિ.”

7જુઓ, હું તેનામાં એક આત્મા મૂકીશ, તે એક અફવા સાંભળીને પોતાના દેશમાં પાછો જશે. પછી હું તેને તેના પોતાના દેશમાં તલવારથી મારી નંખાવીશ.”

8પછી રાબશાકેહ પાછો ગયો, ત્યારે તેને સમાચાર મળ્યા કે, “આશ્શૂરનો રાજા લિબ્નાહ સામે લડી રહ્યો છે, કેમ કે તેણે સાંભળ્યું હતું કે, રાજા લાખીશ પાસેથી ગયો છે.

9કૂશના રાજા તિર્હાકા વિષે સાંભળ્યું, જુઓ, તે તારી સામે યુદ્ધ કરવા ચઢી આવ્યો છે, ત્યારે તેણે ફરી યહૂદિયાના રાજા હિઝકિયા પાસે સંદેશાવાહકો મોકલીને કહેવડાવ્યું કે.

10“તું, યહૂદિયાના રાજા હિઝકિયાને કહેજે કે, ‘તારા ઈશ્વર જેના પર તું ભરોસો રાખે છે તે તને એમ કહીને છેતરે નહિ કે, “યરુશાલેમ આશ્શૂરના રાજાના હાથમાં આપવામાં આવશે નહિ.”

11જો, તેં સાંભળ્યું છે કે, આશ્શૂરના રાજાએ બધા દેશોનો સંપૂર્ણપણે નાશ કર્યો છે. તો શું તારો બચાવ થશે?

12જે પ્રજાઓના, એટલે ગોઝાન, હારાન, રેસેફ અને તલાસ્સારમાં રહેતા એદેનના લોકોનો મારા પિતૃઓએ નાશ કર્યો છે તેઓના દેવોએ તેઓને બચાવ્યા છે?

13હમાથનો રાજા, આર્પાદનો રાજા, સફાર્વાઈમ નગરનો રાજા તથા હેનાનો અને ઇવ્વાનો રાજા ક્યાં છે? હતા ના હતા થઈ ગયા છે.

14હિઝકિયાએ સંદેશાવાહકો પાસેથી પત્ર લઈને વાંચ્યો. પછી તે યહોવાહના ઘરમાં ગયો અને યહોવાહની આગળ પત્ર ખુલ્લો કરીને વાંચ્યો.

15પછી હિઝકિયાએ યહોવાહ આગળ પ્રાર્થના કરીને કહ્યું કે, “હે ઇઝરાયલના ઈશ્વર, સૈન્યોના યહોવાહ, તમે જે કરુબો પર બિરાજમાન છો, પૃથ્વીનાં બધાં રાજયોના તમે એકલા જ ઈશ્વર છો. તમે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે.

16હે યહોવાહ, તમે કાન દઈને સાંભળો. યહોવાહ તમારી આંખો ઉઘાડો અને જુઓ, સાન્હેરીબનાં વચનો જે વડે તેણે જીવતા ઈશ્વરની નિંદા કરવા મોકલ્યા છે તેને તમે સાંભળો.

17હવે યહોવાહ, ખરેખર આશ્શૂરના રાજાઓએ પ્રજાઓનો તથા તેમના દેશોનો નાશ કર્યો છે.

18અને તેઓના દેવોને અગ્નિમાં નાખી દીધા છે, કેમ કે તેઓ દેવો નહોતા, તે તો માણસોના હાથે કરેલું કામ હતું, ફક્ત પથ્થર અને લાકડાં હતાં. તેથી જ આશ્શૂરીઓએ તેઓનો નાશ કર્યો હતો.

19તો હવે, હે અમારા ઈશ્વર યહોવાહ, હું તમને પ્રાર્થના કરું છું કે, અમને તેઓના હાથમાંથી બચાવો કે, પૃથ્વીનાં બધાં રાજ્યો જાણે કે, તમે યહોવાહ, એકલા જ ઈશ્વર છો.”

20પછી આમોસના દીકરા યશાયાએ હિઝકિયાને સંદેશો મોકલીને કહાવ્યું કે, “ઇઝરાયલના ઈશ્વર યહોવાહ એમ કહે છે કે, “તેઁ આશ્શૂરના રાજા સાન્હેરીબ વિરુદ્ધ મને પ્રાર્થના કરી હતી. તારી એ પ્રાર્થના મેં સાંભળી છે.

21તેના વિષે યહોવાહ જે વચન બોલ્યા છે તે આ છે: “સિયોનની કુંવારી દીકરીએ તને તુચ્છ ગણે છે, તિરસ્કાર સહિત તારી હાંસી ઉડાવે છે. યરુશાલેમની દીકરીએ તારા તરફ પોતાનું માથું ધુણાવ્યું છે.

22તેં કોની નિંદા કરી છે તથા કોના વિષે દુર્ભાષણ કર્યા છે? તેં કોની સામે તારો અવાજ ઉઠાવ્યો છે? તેં કોની વિરુદ્ધ ઇઝરાયલના પવિત્રનો વિરુદ્ધ જ તારી ઘમંડભરી આંખો ઊંચી કરી છે?

23તારા સંદેશાવાહકો દ્વારા તેં પ્રભુનો તિરસ્કાર કર્યો છે. તેઁ કહ્યું છે કે, ‘મારા રથોના જૂથ વડે હું પર્વતોનાં શિખર પર, લબાનોનના ઊંચા સ્થળોએ ચઢયો છું. તેનાં સૌથી ઊંચા એરેજવૃક્ષોને, તથા તેનાં ઉત્તમ દેવદારનાં વૃક્ષોને હું કાપી નાખીશ. હું તેના સૌથી ફળદ્રુપ જંગલના તથા તેના સૌથી દૂરના પ્રદેશોમાં પ્રવેશ કરીશ.

24મેં કૂવા ખોદીને પરદેશીનાં પાણી પીધાં છે. મારા પગનાં તળિયાંથી મેં મિસરની બધી નદીઓ સૂકવી નાખી છે.’

25મેં પુરાતન કાળથી તેની યોજના કરી હતી, પ્રાચીન કાળથી કામ કર્યું, એ શું તેં સાંભળ્યું નથી? મેં કોટવાળા નગરોને વેરાન કરીને, ખંડેરના ઢગલા કરવા માટે મેં તને ઊભો કર્યો છે.

26તેથી ત્યાંના રહેવાસીઓ શક્તિહીન થઈ ગયા, ગભરાઈને શરમિંદા થઈ ગયા: તેઓ ખેતરના છોડ જેવા, લીલા ઘાસ જેવા, ધાબા પર અને ખેતરમાં ઊગી નીકળેલા, વૃદ્ધિ પામ્યા પહેલાં બળી ગયેલા ઘાસ જેવા બની ગયા હતા.

27તારું નીચે બેસવું, તારું બહાર જવું અને અંદર આવવું તથા મારા પર તારું કોપાયમાન થવું એ બધું હું જાણું છું.

28મારા પર કોપ કરવાને લીધે, તારો ઘમંડ મારા કાને પહોંચ્યાને લીધે, હું તારા નાકમાં કડી પહેરાવવાનો છું તારા મોંમાં લગામ નાખવાનો છું; પછી જે રસ્તે તું આવ્યો છે, તે જ રસ્તે હું તને પાછો ફેરવીશ.”

29આ તારા માટે ચિહ્નરુપ થશે: આ વર્ષે તમે જંગલી ઊગી નીકળેલા દાણા ખાશો, બીજે વર્ષે તે દાણામાંથી પાકેલું અનાજ ખાશો, ત્રીજે વર્ષે તમે વાવશો અને લણશો, દ્રાક્ષવાડીઓ રોપશો અને તેનાં ફળ ખાશો.

30યહૂદિયાના ઘરના બચેલા માણસો, ફરીથી જડ પકડશે અને ફળ આપશે.

31કેમ કે, યરુશાલેમમાંથી અને સિયોન પર્વત પરથી બચેલા માણસો બહાર આવશે. સૈન્યોના યહોવાહની આવેશના લીધે આ બધું થશે.

32“એટલે આશ્શૂરના રાજા વિષે યહોવાહ એવું કહે છે: “તે આ નગરમાં આવશે નહિ તેમ તે તીર પણ મારશે નહિ. ઢાલ લઈને તેની આગળ નહિ આવે તેમ તેની સામે ઢોળાવવાળી જગ્યા બાંધશે નહિ.

33જે માર્ગે તે આવ્યો છે તે માર્ગે તે પાછો જશે; આ શહેરમાં તે પ્રવેશ કરશે નહિ. આ યહોવાહનું નિવેદન છે.”

34મારે પોતાને માટે તેમ જ મારા સેવક દાઉદને માટે હું આ નગરનું રક્ષણ કરીશ અને તેને બચાવીશ.’”

35તે જ રાત્રે એમ થયું કે, યહોવાહના દૂતે આવીને આશ્શૂરીઓની છાવણીમાં એક લાખ પંચાશી હજાર સૈનિકોને મારી નાખ્યા. વહેલી સવારે માણસોએ ઊઠીને જોયું, તો બધી જગ્યાએ મૃતદેહ પડ્યા હતા.

36તેથી આશ્શૂરનો રાજા સાન્હેરીબ ઇઝરાયલ છોડીને પોતાના પ્રદેશમાં પાછો નિનવેમાં જતો રહ્યો.

37તે પોતાના દેવ નિસ્રોખના મંદિરમાં પૂજા કરતો હતો, ત્યારે તેના દીકરાઓ આદ્રામ્મેલેખે અને શારએસેરે તેને તલવારથી મારી નાખ્યો. પછી તેઓ અરારાટ દેશમાં નાસી ગયા. તેનો દીકરો એસાર-હાદ્દોન તેના પછી રાજા બન્યો.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath