2 રાજાઓ 14
1ઇઝરાયલના રાજા યોઆહાઝના દીકરા યોઆશના શાસનકાળના બીજા વર્ષે યહૂદિયાના રાજા યોઆશનો દીકરો અમાસ્યા રાજ કરવા લાગ્યો.
2તે રાજ કરવા લાગ્યો ત્યારે તે પચીસ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં ઓગણત્રીસ વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ યહોઆદ્દીન હતું. તે યરુશાલેમની હતી.
3અમાસ્યાએ યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, તો પણ તેનાં કૃત્યો તેના પૂર્વ દાઉદની જેવા ન હતાં. તેણે તેના પિતા યોઆશે જે કર્યું હતું તેવું જ બધું જ કર્યું.
4તો પણ ઉચ્ચસ્થાનો દૂર કરાયા ન હતાં. લોકો હજુ પણ ઉચ્ચસ્થાનોમાં યજ્ઞો કરતા અને ધૂપ બાળતા હતા.
5એવું બન્યું કે, જેવું તેનું રાજય સ્થાપ્યું કે, તરત જ તેણે પોતાના પિતાનું ખૂન કરનારા ચાકરોને મારી નાખ્યા.
6પણ મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, મારી નાખનારાઓના દીકરાઓને તેણે મારી નાખ્યા નહિ. યહોવાહે આજ્ઞા કરી હતી, “સંતાનોને લીધે પિતાઓ માર્યાં જાય નહિ, તેમ જ પિતાઓને લીધે સંતાનો માર્યાં જાય નહિ. પણ દરેક વ્યક્તિ પોતાના પાપને લીધે જ માર્યો જાય.
7તેણે દસ હજાર અદોમીઓને મીઠાની ખીણમાં મારી નાખ્યા; વળી તેણે સેલા નગરને પણ યુદ્ધ કરીને કબજે કરી લીધું અને તેનું નામ યોક્તએલ પાડયું, જે આજે પણ તે જ નામથી ઓળખાય છે.”
8પછી અમાસ્યાએ ઇઝરાયલના રાજા યેહૂના દીકરા યહોઆહાઝના દીકરા યોઆશ પાસે સંદેશાવાહક મોકલીને કહાવ્યું, “આવો, આપણે યુદ્ધમાં સામ સામે લડીએ.”
9પણ ઇઝરાયલના રાજા યોઆશે યહૂદિયાના રાજા અમાસ્યા પાસે વળતો સંદેશાવાહક મોકલીને કહાવ્યું, “લબાનોનના એક કાંટાળા છોડવાએ લબાનોનના દેવદાર વૃક્ષને પાસે સંદેશો મોકલીને કહાવ્યું કે, “મારા દીકરા સાથે તારી દીકરીને પરણાવ,’ પણ એટલામાં લબાનોનનું એક જંગલી પશુ ત્યાં થઈને પ્રસાર હતું તેણે તે કાંટાળા છોડવાને કચડી નાખ્યો.
10સાચે જ તેં અદોમનો નાશ કર્યો છે માટે તને તેનો ખૂબ જ ગર્વ છે. તારી જીતનો ઘમંડ તારી પાસે રાખ અને તારા ઘરમાં જ બેસી રહે, કેમ કે, શા માટે તું તારા કારણે પોતાના અને યહૂદિયા એમ બંન્ને પર મુસીબત લાવીને બન્ને નાશ પામો?”
11પણ અમાસ્યાએ સાંભળ્યું નહિ. તેથી ઇઝરાયલના રાજા યોઆશે યુદ્ધ કર્યું, તે અને યહૂદિયાનો રાજા અમાસ્યા યહૂદિયામાં આવેલા બેથ-શેમેશ આગળ એકબીજાને સામ સામે મળ્યા.
12યહૂદિયાના લોકો ઇઝરાયલથી હારી ગયા અને દરેક માણસ પોત પોતાના ઘરે નાસી ગયા.
13ઇઝરાયલના રાજા યોઆશે, અહાઝયાહના દીકરા યોઆશના દીકરા યહૂદિયાના રાજા અમાસ્યાને બેથ-શેમેશમાં પકડ્યો. તે યરુશાલેમ આવ્યો અને એફ્રાઇમના દરવાજાથી ખૂણાના દરવાજા સુધી ચારસો હાથ જેટલો લાંબો યરુશાલેમનો કોટ તોડી નાખ્યો.
14તે બધું સોનું, ચાંદી, યહોવાહના સભાસ્થાનમાંથી મળેલી બધી વસ્તુઓ, રાજાના મહેલમાંથી મળેલી કિંમતી વસ્તુઓ ને તથા જામીનોને પણ લઈને સમરુન પાછો ગયો.
15યોઆશના બાકીનાં કાર્યો, જે બધું તેણે કર્યું તે, તેનું પરાક્રમ, યહૂદિયાના રાજા અમાસ્યા સાથે તેણે જે યુદ્ધ કર્યું તે બધું ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
16પછી યોઆશ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો અને તેને ઇઝરાયલના રાજાઓ સાથે સમરુનમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો દીકરો યરોબામ તેની જગ્યાએ રાજા બન્યો.
17ઇઝરાયલના રાજા યહોઆહાઝના દીકરા યોઆશના મરણ પછી યહૂદિયાના રાજા યોઆશનો દીકરો અમાસ્યા પંદર વર્ષ સુધી જીવ્યો.
18અમાસ્યાના બાકીનાં કાર્યો, યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
19તેઓએ યરુશાલેમમાં અમાસ્યાની વિરુદ્ધ ષડયંત્ર રચ્યું તેથી તે લાખીશ ભાગી ગયો. પણ તેઓએ લાખીશમાં તેની પાછળ માણસો મોકલીને તેને ત્યાં મારી નાખ્યો.
20તેઓ તેને ઘોડા પર નાખીને લાવ્યા અને દાઉદનગરમાં તેના પિતૃઓની સાથે દફ્નાવ્યો.
21યહૂદિયાના બધા લોકોએ અઝાર્યા જે સોળ વર્ષનો હતો તેને લઈને તેના પિતા અમાસ્યાની જગ્યાએ રાજા બનાવ્યો.
22અમાસ્યા રાજા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો પછી, અઝાર્યાએ એલાથનો જીર્ણોધ્ધાર કરીને યહૂદિયાને પાછું સોંપ્યું.
23યહૂદિયાના રાજા યોઆશના દીકરા અમાસ્યાના પંદરમા વર્ષે ઇઝરાયલના રાજા યોઆશના દીકરા યરોબામે સમરુનમાં રાજ કર્યું. તેણે એકતાળીસ વર્ષ સુધી રાજ કર્યું.
24તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું. નબાટના દીકરા યરોબામનાં સર્વ પાપો કે જે વડે તેણે ઇઝરાયલ પાસે દુરાચાર કરાવ્યા તે તેણે છોડ્યા નહિ.
25ઇઝરાયલના ઈશ્વર યહોવાહ પોતાના સેવક ગાથ-હેફેરના અમિત્તાયના દીકરા પ્રબોધક યૂના મારફતે જે વચનો બોલ્યા હતા, તે પ્રમાણે યરોબામે હમાથના ઘાટથી તે અરાબાના સમુદ્ર સુધી ઇઝરાયલની સરહદ પાછી મેળવી લીધી.
26કેમ કે, યહોવાહે ઇઝરાયલનું દુઃખ જોયું હતું, એ દુઃખ દરેકને માટે એટલે બંદીવાન અને સ્વતંત્ર વ્યક્તિને માટે ઘણું ભારે હતું.ત્યાં ઇઝરાયલને છોડાવનાર કોઈ ન હતું.
27માટે યહોવાહે કહ્યું કે તે ઇઝરાયલનું નામ આકાશ નીચેથી ભૂંસી નાખશે નહિ; પણ તેમણે યોઆશના દીકરા યરોબામના દ્વારા તેઓને બચાવ્યા.
28હવે યરોબામનાં બાકીનાં કાર્યો, જે સર્વ તેણે કર્યું તે, તેનું પરાક્રમ અને કેવી રીતે તેણે દમસ્કસ તથા હમાથ જે યહૂદિયાના હતાં તેની સામે યુદ્ધ કરીને ઇઝરાયલને માટે પાછા મેળવ્યાં તે સર્વ ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
29પછી યરોબામ પોતાના પિતૃઓ એટલે ઇઝરાયલના રાજાઓ સાથે ઊંઘી ગયો.તેનો દીકરો ઝખાર્યા તેની જગ્યાએ રાજા બન્યો.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath