ખ્રિસ્તી ધર્મ
પાછા

કરિંથીઓને બીજો પત્ર 11

1હું ઇચ્છું છું કે તમે મારી થોડીઘણી મૂર્ખતાને સહન કરો; પણ તમે સહન તો કરો છો જ.

2કેમ કે ઈશ્વરમય આસ્થાથી, હું તમારા વિષે કાળજી રાખું છું. કેમ કે એક પતિની સાથે મેં તમારી સગાઈ કરી છે કે, જેથી એક પવિત્ર કુમારિકા જેવા હું તમને ખ્રિસ્તને સોંપું.

3પણ મને ડર લાગે છે કે, જેમ સર્પે પોતાના કપટથી હવાને છેતરી, તેમ ખ્રિસ્ત પ્રત્યેના નિખાલસ તથા પવિત્ર ભક્તિભાવમાંથી તમારાં મન ફેરવી દેવાય.

4કેમ કે જો કોઈ આવીને જે ઈસુને અમે પ્રગટ કર્યા તેમનાંથી જુદાજ ઈસુને પ્રગટ કરે, અથવા તમે જે આત્મા પામ્યા તેમનાંથી જુદોજ આત્મા પામો, અથવા જે સુવાર્તા તમે સ્વીકારી, તેનાથી જુદીજ સુવાર્તા સ્વીકારો; તો તમે તેને ખૂબ જ સારી રીતે સહન કરો છો.

5મને નથી લાગતું કે તે બીજા ઉત્તમ પ્રેરિતો કરતાં હું કોઈ પણ પ્રકારે ઊતરતો છું.

6પણ જોકે બોલવામાં પ્રવીણ ન હોઉં, તોપણ જ્ઞાનમાં હું અપૂર્ણ નથી; આ બાબત અમે સર્વ પ્રકારે અને જેમ અન્યની સમક્ષ તેમ તમને જણાવી છે.

7તમને ઊંચા કરવા માટે મેં પોતાને નીચો કર્યો, એટલે મેં તમને ઈશ્વરની મફત સુવાર્તા પ્રગટ કરી, એમાં શું મેં પાપ કર્યું?

8તમારી સેવા બજાવવા માટે મેં બીજા વિશ્વાસી સમુદાયોને લૂંટીને તેઓની પાસેથી નાણાં લીધાં.

9વળી હું તમારી સાથે હતો ત્યારે મને તંગી પડતી હતી તે છતાં પણ હું કોઈને ભારરૂપ થયો ન હતો; કેમ કે મકદોનિયામાંથી જે ભાઈઓ આવ્યા હતા, તેઓએ મારી જરૂરિયાતો પૂરી પાડી હતી; અને હું સર્વ પ્રકારે તમને બોજારૂપ થતાં દૂર રહ્યો હતો અને દૂર રહીશ.

10જેમ ખ્રિસ્તનું સત્ય મારામાં છે તેમ, અખાયાના કોઈ પણ પ્રાંતમાં આ પ્રમાણે અભિમાન કરતાં કોઈ મને રોકી શકશે નહિ.

11શા માટે? શું એ માટે કે હું તમારા ઉપર પ્રેમ રાખતો નથી? ઈશ્વર જાણે છે હું પ્રેમ રાખું છું.

12પણ હું જે કરું છું, તે કરતો રહીશ, કે જેથી જેઓ, જેમાં અભિમાન કરીને અમારા સમાન દેખાવા માગે છે તેઓને લાગ મળતો હું અટકાવું.

13કેમ કે એવા માણસો જૂઠા પ્રેરિતો, કપટી કાર્યકર્તાઓ અને ખ્રિસ્તનાં પ્રેરિતોનો વેશ ધરનારા છે.

14આમાં કંઈ આશ્ચર્ય નથી, કેમ કે શેતાન પોતે પ્રકાશના સ્વર્ગદૂતનો વેશ ધરે છે;

15તેથી જો તેના સેવકો પણ ન્યાયીપણાના સેવકોનો વેશ ધરે, તો તે મોટા આશ્ચર્યની બાબત નથી; તેઓના કામ પ્રમાણે તેઓનું પરિણામ આવશે.

16હું ફરીથી કહું છું કે, કોઈ માણસે મને મૂર્ખ ન ધારવો, પણ જો તમે એમ ધારતા હો, તો તમારે મૂર્ખ તરીકે મારો અંગીકાર કરવો, જેથી હું પણ થોડું અભિમાન કરું.

17જે હું કહું છું, પ્રભુના કહેવા પ્રમાણે નથી કહેતો; પણ અભિમાનના આવેશમાં જાણે કે મૂર્ખાઈથી બોલું છું.

18સાંસારિક બાબતે ઘણાં અભિમાન કરે છે, માટે હું પણ કરીશ.

19કેમ કે તમે પોતે બુદ્ધિમાન છો, તમે મૂર્ખોનું સહન કરો છો!

20કેમ કે જો કોઈ તમને ગુલામ બનાવે, જો કોઈ તમારું ખાઈ જાય, જો કોઈ તમને સપડાવે, જો કોઈ પોતાને મોટો કરે, જો કોઈ તમને તમાચો મારે, તો તમે તેનું સહન કરો છો.

21જાણે કે અમે અબળ હતા, એવું હું પોતાને હલકો ગણતાં કહું છું; પણ જેમાં કોઈ હિંમતવાન છે તેમાં હું પણ હિંમતવાન છું; આ હું મૂર્ખાઈથી બોલું છું.

22શું તેઓ હિબ્રૂ છે? હું પણ છું. શું તેઓ ઇઝરાયલી છે? હું પણ છું. શું ઇબ્રાહિમનાં સંતાન છે? હું પણ છું.

23શું તેઓ ખ્રિસ્તનાં સેવકો છે? હું મૂર્ખની માફક બોલું છું હું તેઓના કરતાં વિશેષ છું. કેમ કે મેં વધારે સેવા કરી છે; વધુ પ્રમાણમાં જેલવાસ કર્યો છે; વધારે વખત ગણતરી વિનાનાં ફટકાનો માર ખાધો છે; વારંવાર મૃત્યુના મુખમાં ધકેલાયો છું.

24પાંચ વાર મેં યહૂદીઓથી ઓગણ ઓગણ ચાળીસ ફટકા ખાધા,

25ત્રણ વાર મેં ડંડાનો માર ખાધો, એક વાર પથ્થરનો માર ખાધો, ત્રણ વાર મારું વહાણ ભાંગી ગયું, એક રાતદિવસ હું દરિયામાં પડી રહ્યો હતો.

26ઘણી સફરો કરી, નદીઓનાં સંકટોમાં, લૂંટારાઓમાં, સ્વદેશીઓમાં, વિદેશીઓમાં તથા પાખંડી ભાઈઓએ મને ભયગ્રસ્ત કર્યો. મેં નગરમાં, જંગલમાં, સમુદ્રમાં જોખમો વેઠ્યાં.

27શ્રમ તથા કષ્ટ, વારંવારના ઉજાગરાઓ, ભૂખ તથા તરસ, વારંવારના ઉપવાસો, ઠંડી તથા વસ્ત્રોની અછત એ બધું મેં સહન કર્યું.

28આ બીજી વાતો ઉપરાંત, રોજ મારા પર બોજ, એટલે સર્વ વિશ્વાસી સમુદાયની ચિંતા, રહે છે.

29કોણ અબળને જોઈને, હું અબળ થતો નથી? કોણ ઠોકર ખાય છે અને મારું હૃદય બળતું નથી?

30જો અભિમાન કરવું પડશે, તો હું મારી નિર્બળતાનું અભિમાન કરીશ.

31આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર તથા પિતા જે સર્વકાળ સુધી સ્તુત્ય છે, તે જાણે છે કે હું જૂઠું કહેતો નથી.

32દમસ્કસમાં અરિતાસ રાજાના રાજ્યપાલે મને પકડવા ચાહીને, દમસ્કીઓનાં નગર પર ચોકી પહેરો ગોઠવ્યો.

33પણ ટોપલીમાં બેસાડીને બારીમાં થઈને કોટ પરથી મને નગરની બહાર ઉતારી મૂકવામાં આવ્યો. એ રીતે હું તેના સકંજામાંથી બચી ગયો.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath