2 કાળવૃતાંત 9
1જયારે શેબાની રાણીએ સુલેમાનની કીર્તિ વિષે સાંભળ્યું ત્યારે તે તેની કસોટી કરવા માટે અટકટા પ્રશ્નો લઈને યરુશાલેમ આવી. તે મોટા રસાલા સહિત પોતાની સાથે સુગંધીઓથી લાદેલાં ઊંટો, પુષ્કળ સોનું, મૂલ્યવાન રત્નો લઈને યરુશાલેમમાં આવી. જયારે તે સુલેમાન પાસે આવી, ત્યારે તેણે પોતાના અંત:કરણમાં જે કંઈ હતું તે સર્વ તેને કહ્યું.
2સુલેમાને તેના સર્વ પ્રશ્નોના જવાબ તેને આપ્યાં; સુલેમાન માટે કંઈ જ અઘરું હતું નહિ; જેનો જવાબ તેણે આપ્યો ના હોય એવો કોઈ જ પ્રશ્ન ન હતો.
3જયારે શેબાની રાણીએ સુલેમાનનું જ્ઞાન અને તેણે બાંધેલો મહેલ,
4તેના મેજ પરની વાનગીઓ, તેના ચાકરોનું બેસવું, તેના ચાકરોનું કામ, તેઓના વસ્ત્રો, તેના પાત્રવાહકો અને તેઓના વસ્ત્રો અને ઈશ્વરના ઘરમાં જે રીતથી તે દહનીયાર્પણ કરતો હતો તે સર્વ જોઈને તે સ્તબ્ધ થઈ ગઈ.
5તેણે રાજાને કહ્યું, “મેં મારા દેશમાં તારા વિષે તથા તારા જ્ઞાન વિષે જે સાંભળ્યું હતું તે બધું સાચું છે.
6અહીં આવીને મેં મારી આંખોએ આ જોયું નહોતું ત્યાં સુધી હું તે માનતી નહોતી. તારા જ્ઞાન અને સંપત્તિ વિષે મને અડધું પણ કહેવામાં આવ્યું નહોતું! મેં જે સાંભળ્યું હતું તેના કરતાં તારું જ્ઞાન અતિ વિશાળ છે.
7તારા લોકો કેટલા બધા આશીર્વાદિત છે અને સદા તારી આગળ ઊભા રહેનારા તારા ચાકરો પણ કેટલા આશીર્વાદિત છે કેમ કે તેઓ તારું જ્ઞાન સાંભળે છે!
8ઈશ્વર તારા પ્રભુની સ્તુતિ થાઓ કે જેમણે તારા પર પ્રસન્ન થઈને તારા પ્રભુ ઈશ્વરને માટે રાજા થવા સારુ તને સિંહાસન પર બેસાડ્યો છે. તેઓ ઇઝરાયલને પ્રેમ કરતા હોવાથી તેને કાયમ માટે સ્થાપિત કર્યું છે. તેથી તેમણે તને રાજા બનાવ્યો કે જેથી તું તેઓનો ન્યાય કરે.”
9રાણીએ એકસો વીસ તાલંત સોનું, પુષ્કળ માત્રામાં સુગંધીઓ અને કિંમતી રત્નો આપ્યાં. જે ભારે માત્રામાં શેબાની રાણીએ રાજા સુલેમાનને અત્તરો આપ્યાં હતા તેવાં અત્તર ફરી કદી કોઈએ તેને આપ્યાં નહોતાં.
10હીરામ રાજાના ચાકરો અને સુલેમાન રાજાના ચાકરો ઓફીરથી સોનું લાવ્યા, વળી સાથે ચંદનના લાકડાં અને મૂલ્યવાન રત્નો પણ લાવ્યા.
11તે ચંદનના લાકડામાંથી રાજાએ ઈશ્વરના સભાસ્થાનના અને તેના મહેલના પગથિયાં અને સંગીતકારો માટે સિતાર તથા વીણા બનાવ્યાં. યહૂદિયાના દેશમાં અગાઉ આવાં લાકડાં કદી પણ જોવામાં આવ્યાં નહોતાં.
12રાજા સુલેમાને શેબાની રાણીને તેણે જે જે માગ્યું હતું તે બધું આપ્યું. ઉપરાંત, રાણી સુલેમાન રાજાને માટે જે ભેટસોગાદ તે લઈ આવી હતી તેટલી જ કિંમતની સમી ભેટ સુલેમાને પણ તેને આપી. વળી તેણે તેની સર્વ ઇચ્છા તૃપ્ત કરી. તે પોતાના રસાલા સાથે પોતાને દેશ પાછી ગઈ.
13હવે દર વર્ષે સુલેમાન રાજાની પાસે છસો છાસઠ તાલંત સોનું આવતું હતું.
14આ સોના ઉપરાંત વેપારીઓ પાસેથી કરવેરા તરીકે મળતું. અરબસ્તાનના સર્વ રાજાઓ તથા દેશના રાજ્યપાલ તરફથી સુલેમાન રાજાને જે સોનું અને ચાંદી મળતાં હતાં તે તો વધારાના હતાં.
15રાજા સુલેમાને સોનાની બસો ઢાલો બનાવી. દરેક ઢાલમાં છ હજાર શેકેલ સોનું વપરાયું હતું.
16વળી તેણે ઘડેલા સોનાની ત્રણસો નાની ઢાલો બનાવી. દરેક ઢાલ દસ તોલાના સોનાની બનેલી હતી; રાજાએ તેઓને લબાનોનના વનગૃહના મહેલમાં મૂકી.
17પછી સુલેમાન રાજાએ હાથીદાંતનું એક મોટું સિંહાસન બનાવ્યું, તેને ચોખ્ખા સોનાથી મઢ્યું.
18સિંહાસનને છ પગથિયાં તથા સોનાનું એક પાયાસન હતું. તેઓ સિંહાસનની સાથે જડેલાં હતાં તથા બેઠકની જગ્યા પાસે બન્ને બાજુએ હાથા હતા અને હાથાઓની બન્ને બાજુએ બે ઊભેલા સિંહોની પ્રતિકૃતિ હતી.
19છ પગથિયાં પર દરેક બાજુએ બાર સિંહ ઊભા હતા. બીજા કોઈપણ રાજ્યમાં આવું સિંહાસન કદી બનાવવામાં આવ્યું ન હતું.
20સુલેમાન રાજાનાં પીવાનાં સર્વ પાત્રો અને લબાનોન વનગૃહનાં સર્વ પાત્રો શુદ્ધ સોનાનાં હતાં. સુલેમાનના દિવસોમાં ચાંદીની કશી વિસાત ગણાતી ન હતી.
21રાજાનાં વહાણો હીરામના નાવિકોની સાથે તાર્શીશ જતાં. દર ત્રણ વર્ષે વહાણો એકવાર તાર્શીશથી સોનું, ચાંદી, હાથીદાંત, વાનરો તથા મોર લઈને આવતાં હતાં.
22તેથી દ્રવ્ય તથા ડહાપણમાં પૃથ્વી પરના સર્વ રાજાઓ કરતાં સુલેમાન સૌથી શ્રેષ્ઠ રાજા હતો.
23સમગ્ર દુનિયાના સર્વ રાજાઓ ઈશ્વરે સુલેમાનના હૃદયમાં જે જ્ઞાન મૂક્યું હતું તે સાંભળવા તેની પાસે આવતા.
24દર વર્ષે તેઓ પોતપોતાની ભેટ, એટલે સોનાચાંદીનાં પાત્રો, વસ્ત્રો, શસ્ત્રો, સુગંધીદ્રવ્યો, ઘોડાઓ અને ખચ્ચરો ખંડણી તરીકે લાવતા હતા.
25સુલેમાનની પાસે ઘોડા અને રથોને માટે ચાર હજાર તબેલા હતા અને બાર હજાર ઘોડેસવારો હતા, તેણે તેઓને રથોનાં નગરોમાં તેમ જ યરુશાલેમમાં પોતાની પાસે રાખ્યા હતા.
26નદીથી તે પલિસ્તીઓના દેશ સુધી તથા મિસરની સરહદ સુધી સર્વ રાજાઓ ઉપર તેની હકૂમત વિસ્તરેલી હતી.
27સુલેમાને યરુશાલેમમાં ચાંદી એટલી બધી વધારી દીધી કે તેનું મૂલ્ય જમીન પરના પથ્થરના જેવું થઈ પડ્યું. તેણે દેવદારનાં લાકડાંનું પ્રમાણ એટલું બધું વધારી દીધું કે તે નીચાણના પ્રદેશના ગુલ્લર વૃક્ષના લાકડાને તોલે થઈ પડ્યું.
28લોકો સુલેમાનને માટે મિસરમાંથી તથા બીજા સર્વ દેશોમાંથી ઘોડા લાવતા હતા.
29સુલેમાનનાં અન્ય કૃત્યો તથા બીજી બાબતો વિષે પહેલેથી તે છેલ્લે સુધી નાથાન પ્રબોધકનાં ઇતિહાસમાં, શીલોની અહિયાના ભવિષ્યના પુસ્તકમાં અને નબાટના દીકરા યરોબામ સંબંધીના ઇદ્દો પ્રેરકને થયેલાં દર્શનનોના પુસ્તકમાં લખવામાં આવેલું છે.
30સુલેમાને યરુશાલેમમાં સમગ્ર ઇઝરાયલ ઉપર ચાળીસ વર્ષ રાજ કર્યુ.
31તે પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો અને તેને તેના પિતા દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો; તેના પછી તેનો દીકરો રહાબામ રાજા થયો.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath