2 કાળવૃતાંત 6
1પછી સુલેમાને કહ્યું, “ઈશ્વરે કહ્યું છે, ‘હું તો ગાઢ અંધકારમાં રહીશ.’
2પણ મેં તમારા માટે રહેવાનું સભાસ્થાન બાંધ્યું છે કે જેમાં તમે સદાકાળ રહી શકો.”
3પછી જયારે ઇઝરાયલની સમગ્ર પ્રજા સુલેમાનની સમક્ષ ઊભી હતી ત્યારે તેણે લોકો તરફ દ્રષ્ટિ કરીને તેઓને આશીર્વાદ આપ્યો.
4તેણે કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવાહની સ્તુતિ હો. તેમણે મારા પિતા દાઉદને જે કહ્યું હતું તે પોતાના પરાક્રમી હાથે પૂરું કર્યું છે કે,
5‘હું મારા લોકોને મિસર દેશમાંથી બહાર લાવ્યો, તે દિવસથી, મારું નામ ત્યાં રહે તે માટે સભાસ્થાન બાંધવા માટે, મેં ઇઝરાયલના સર્વ કુળોમાંથી કોઈ નગરને પસંદ કર્યું નથી. તેમ જ મારા ઇઝરાયલ લોકો પર મેં કોઈ પુરુષને રાજા તરીકે પસંદ કર્યો નથી.
6તો પણ, મેં યરુશાલેમને પસંદ કર્યું કે, મારું નામ ત્યાં રહે અને મારા ઇઝરાયલી લોકોનો અધિકારી થવા મેં દાઉદને પસંદ કર્યો છે.’”
7હવે મારા પિતા દાઉદના હૃદયમાં હતું કે, પ્રભુ, ઇઝરાયલના ઈશ્વરને નામે સભાસ્થાન બાંધવું.
8પણ ઈશ્વરે મારા પિતા દાઉદને કહ્યું, ‘તારા હૃદયમાં મારા નામે સભાસ્થાન બનાવવાનો વિચાર છે તે સારો છે.
9તેમ છતાં, તારે સભાસ્થાન બાંધવું નહિ; પણ તને જે દીકરો થશે, તે મારા નામને માટે સભાસ્થાન બાંધશે.’”
10યહોવાહ પોતે જે વચન બોલ્યા હતા તે તેમણે પૂરું કર્યું, કેમ કે હું મારા પિતા દાઉદને સ્થાને ઊભો છું અને ઈશ્વરનાં વચનો પ્રમાણે ઇઝરાયલના રાજ્યાસન પર બેઠો છું. મેં ઇઝરાયલના પ્રભુ ઈશ્વરના નામને માટે સભાસ્થાન બાંધ્યું છે.
11મેં ત્યાં કોશ મૂક્યો છે, તે કોશમાં ઈશ્વરે ઇઝરાયલી લોકોની સાથે જે કરાર કર્યો હતો તે છે.”
12સુલેમાને ઈશ્વરની વેદીની સમક્ષ ઇઝરાયલની સમગ્ર પ્રજા આગળ ઊભા રહીને પોતાના હાથ પ્રસાર્યા.
13તેણે પિત્તળનો પાંચ હાથ લાંબો, પાંચ હાથ પહોળો અને ત્રણ હાથ ઊંચો બાજઠ બનાવ્યો હતો. તેને આંગણાની વચ્ચે મૂક્યો હતો. સુલેમાન તેના પર ઊભો રહ્યો. અને સર્વ ઇઝરાયલી લોકોની આગળ ઘૂંટણે પડીને તેણે આકાશ તરફ પોતાના હાથ ઊંચા કર્યા.
14તેણે કહ્યું, “પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર, આકાશમાં તથા પૃથ્વી પર તમારા જેવા બીજા કોઈ ઈશ્વર નથી, તમારા જે સર્વ સેવકો પોતાના ખરા અંતઃકરણથી તમારી આગળ ચાલે છે તેઓની સાથે તમે કરાર પાળો છો તથા તેઓ પર કૃપા રાખો છો;
15તમારા સેવક મારા પિતા દાઉદને આપેલું વચન તમે પાળ્યું છે. હા, તમે તમારા મુખથી જે બોલ્યા અને તમારા હાથોથી તે પૂરું કર્યું છે, જેમ અગાઉ કર્યું હતું તેવું આજે પણ કરો છો.
16હવે પછી, પ્રભુ ઇઝરાયલના ઈશ્વર, તમે તમારા સેવક મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું તે પૂરું કરો, તમે તેને કહ્યું હતું, ‘જો તારા વંશજો મારા વચનો સાંભળીને ચાલશે અને તારી જેમ મારા નિયમોનું સદા પાલન કરશે તો મારી નજર આગળ ઇઝરાયલના રાજ્યાસન પર બેસનાર પુરુષની ખોટ તને પડશે નહિ.’
17હવે પછી, ઇઝરાયલના ઈશ્વર, હું તમને પ્રાર્થના કરું છું કે તમે તમારા સેવક દાઉદને જે વચન આપેલું તે પૂર્ણ કરો.
18તો પણ શું ઈશ્વર ખરેખર માણસોની સાથે પૃથ્વી પર રહે ખરા? જુઓ, આકાશ તથા આકાશોના આકાશમાં તમારો સમાવેશ થાય તેમ નથી, ત્યારે આ જે સભાસ્થાન મેં બાંધ્યું છે તેમાં તમારો સમાવેશ થવો એ કેટલું અશક્ય છે!
19તેમ છતાં હે મારા ઈશ્વર યહોવાહ આ તમારા સેવકની પ્રાર્થનાઓ તથા વિનંતીઓ ધ્યાનમાં લઈને તમારો સેવક તમારી આગળ જે પોકાર તથા પ્રાર્થના કરે તે તમે સાંભળજો.
20રાત અને દિવસ તમારી દ્રષ્ટિ આ સભાસ્થાન પર રાખજો. તેને વિષે તમે કહ્યું હતું કે મારું નામ હું ત્યાં કાયમ રાખીશ. જયારે તમારો સેવક એટલે હું આ સ્થળ બાજુ ફરીને પ્રાર્થના કરું, ત્યારે તમે તે કાન ધરજો.
21તેથી જયારે તમારો સેવક તથા તમારા ઇઝરાયલ લોકો આ સભાસ્થાન તરફ જોઈને પ્રાર્થના કરે ત્યારે તેઓની વિનંતીઓ તમે સાંભળજો. હા, તમે તમારા નિવાસસ્થાનમાં, એટલે આકાશમાં, તે સાંભળજો; અને જયારે તમે સાંભળો, ત્યારે માફ કરજો.
22જો કોઈ વ્યક્તિ પોતાના પડોશી વિરુદ્ધ પાપ કરે તથા તેને સમ આપીને પ્રતિજ્ઞા અપાવે અને જો તે વ્યક્તિ આ સભાસ્થાનમાંની વેદી આગળ શપથ લઈને પ્રતિજ્ઞા લે,
23ત્યારે આકાશમાં તમારા સેવકનું સાંભળી અને દુષ્ટનાં કામો તેના પોતાના માથા પર નાખીને તેનો બદલો આપીને તમારા સેવકોનો ન્યાય કરજો. અને ન્યાયી માણસને પ્રામાણિક ઠરાવીને, તેની પ્રામાણિકતાનો બદલો આપજો.
24જયારે તમારા ઇઝરાયલી લોકો તમારી વિરુદ્ધ પાપ કર્યાને કારણે દુશ્મનોથી હારી જાય, ત્યારબાદ જો તેઓ પાછા ફરીને તમારા નામે પસ્તાવો કરે અને આ ઘરમાં આવીને માફી માટે પ્રાર્થના તથા વિનંતીઓ કરે,
25ત્યારે તમે આકાશમાં સાંભળીને તમારા સેવકોના તથા તમારા ઇઝરાયલી લોકોનાં પાપની ક્ષમા કરજો; તમે જે દેશ તમારા લોકોને તથા તેઓના પૂર્વજોને આપ્યો છે તેમાં તેઓને પાછા લાવજો.
26તેઓએ તમારી વિરુદ્ધ પાપ કર્યાને કારણે જ્યારે આકાશ બંધ થઈ જાય અને વરસાદ ન વર્ષે, ત્યારે જો તેઓ આ સ્થળ તરફ ફરીને પ્રાર્થના કરે અને તમારા નામે પસ્તાવો કરે અને એ તમારી શિક્ષાને કારણે તેઓ પોતાના પાપોથી પાછા ફરે,
27તો પછી તમે આકાશમાં તે સાંભળીને તમારા સેવકોના તથા તમારા ઇઝરાયલી લોકોનાં પાપ માફ કરજો, કેમ કે સારા માર્ગે તેઓએ ચાલવું જોઈએ તે તમે તેઓને શીખવો છો. તમારા લોકોને જે દેશ વારસા તરીકે તમે આપ્યો છે તે પર વરસાદ મોકલજો.
28કદાચ તે દેશમાં દુકાળ પડે અથવા રોગ ફેલાય, વિનાશ કે ફૂગ ફેલાય, તીડ કે ઈયળો પડે; અથવા દુશ્મનો તે દેશના પ્રવેશદ્વારો પર હુમલો કરે અથવા ગમે ત્યાં તે મરકી અથવા બીમારી આવે,
29ત્યારે તમારા લોકો તથા ઇઝરાયલી લોકોમાંના જો કોઈ આ સભાસ્થાન તરફ પોતાના હાથ પ્રસારીને પોતાની પીડામાં અને પોતાનું દુઃખ જાણીને પ્રાર્થના તથા વિનંતીઓ કરે;
30તો પછી તમે તમારા નિવાસસ્થાનમાં, એટલે કે આકાશમાં તે સાંભળીને માફી આપજો અને દરેકને તેના માર્ગો પ્રમાણે યોગ્ય બદલો આપજો; તમે તેમનું હૃદય જાણો છો, કેમ કે તમે અને કેવળ તમે જ દરેક મનુષ્યનાં હૃદયો જાણો છો.
31આ પ્રમાણે તમે કરો કે જેથી તેઓ તમારો ભય રાખે, જેથી તેઓ તમારા માર્ગોમાં ચાલે અને જે દેશ તમે અમારા પૂર્વજોને આપ્યો છે તેમાં તેઓ રહે.
32આ ઉપરાંત, વિદેશીઓ કે જેઓ તમારા ઇઝરાયલી લોકોમાંના નથી તેઓ સંબંધી: જ્યારે તેઓ તમારા મહાન નામને કારણે, તમારા પરાક્રમી હાથ તથા તમારા લંબાવેલા ભુજની ખાતર દૂર દેશથી આવે; જયારે તેઓ આવીને આ સભાસ્થાન તરફ ફરીને પ્રાર્થના કરે,
33તો કૃપા કરી તમે તમારા નિવાસસ્થાનમાં, એટલે આકાશમાં તે સાંભળજો અને વિદેશીઓ જે કંઈ તમને કહે તે તમે કરજો, જેથી પૃથ્વી પરની સર્વ પ્રજાઓ તમારું નામ જાણે, જેથી તમારા ઇઝરાયલી લોકોની જેમ તેઓ તમારો ભય રાખે અને કે આ સભાસ્થાન જે મેં બાંધ્યું છે તે તમારા નામથી ઓળખાય.
34કદાચ તમારા જે લોકો કોઈપણ માર્ગે તમે તેઓને મોકલો તે માર્ગે પોતાના દુશ્મનોની વિરુદ્ધ યુદ્ધ કરવા જાય અને ત્યાંથી જો તમે પસંદ કરેલ નગર તથા જે સભાસ્થાન મેં તમારા નામે બાંધ્યું છે, તેની તરફ ફરીને પ્રાર્થના કરે;
35ત્યારે તેઓની પ્રાર્થના તથા વિનંતિ સ્વર્ગથી સાંભળજો અને તેઓની મદદ કરજો.
36તેઓ તમારી વિરુદ્ધ પાપ કરે, એવું કોણ છે કે જે પાપ નથી કરતું? અને કદાચ રોષે ભરાઈને તમે તેઓને શત્રુઓના હાથમાં સોંપી દો, જેથી તેઓ તેમને કેદ કરીને તેમના દેશમાં લઈ જાય પછી તે દૂર હોય કે નજીક હોય.
37પછી કદાચ જે દેશમાં તેઓને બંદીવાન કરાયા હોય તે દેશમાં તેમને ભાન થાય અને તેઓ પશ્ચાતાપ કરીને જ્યાં તેઓ બંદીવાન હોય તે દેશમાં તમારી કૃપા શોધે. તેઓ કહે, ‘અમે પાપ કર્યુ છે અને સ્વછંદીપણે વર્ત્યા છીએ. અમે દુષ્ટ કાર્યો કર્યા છે.’
38કદાચ જો તેઓ તેમના બંદીવાસમાંથી કે જ્યાંથી તેઓને બંદી બનાવવામાં આવ્યા હતા ત્યાંથી તેમના પૂરા મનથી તથા આત્માથી તમારી તરફ પાછા ફરે અને કદાચ તેઓ તેમના પિતૃઓને આપેલી ભૂમિ અને તમે પસંદ કરેલા શહેર તથા તમારા નામ માટે મેં બાંધેલા આ સભાસ્થાન તરફ મોં કરીને પ્રાર્થના કરે.
39તો પછી તમે જ્યાં રહો છો ત્યાં એટલે સ્વર્ગમાં તેમની પ્રાર્થના અને અરજ સાંભળજો અને તેમને મદદ કરજો. તમારા જે લોકોએ તમારી વિરુદ્ધ પાપ કર્યું છે તેઓને માફ કરજો.
40હવે, મારા ઈશ્વર, હું તમને વિનંતી કરું છું કે આ જગ્યાએથી કરાતી પ્રાર્થના માટે તમારી આંખો ખુલ્લી રાખો અને તમારા કાન સચેત રાખો.
41હવે, ઈશ્વર યહોવાહ, તમે ઊઠો અને જ્યાં તમારું સામર્થ્ય દર્શાવતો કરારકોશ મૂકવામાં આવ્યો છે તેમાં તમારા વિસામાના સ્થળમાં પ્રવેશ કરો. ઈશ્વર યહોવાહ, તમારા યાજકો ઉદ્ધારના વસ્ત્રો પહેરે અને તમારા ભક્તો તમારી ભલાઈમાં આનંદ કરે.
42ઈશ્વર યહોવાહ, તમારું મુખ તમારા અભિષિક્તને તરછોડો નહિ. તમારા સેવક દાઉદ પરની કૃપાનું અને કરારના કાર્યોનું સ્મરણ કરો.”
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath