2 કાળવૃતાંત 29
1પચીસ વર્ષની ઉંમરે હિઝકિયા રાજા બન્યો અને તેણે યરુશાલેમમાં ઓગણત્રીસ વર્ષ સુધી રાજ કર્યુ. તેની માતાનું નામ અબિયા હતું. તે ઝખાર્યાની પુત્રી હતી.
2હિઝકિયાએ પોતાના પિતૃ દાઉદની જેમ ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યુ.
3તેના શાસનના પહેલા વર્ષના પહેલા મહિનામાં તેણે ઈશ્વરના સભાસ્થાનના દરવાજા ખોલી નાખ્યાં અને તેમની મરામત કરાવી.
4તેણે યાજકોને અને લેવીઓને બોલાવીને પૂર્વ તરફના ચોકમાં એકત્ર કર્યા.
5તેણે તેઓને કહ્યું, “લેવીઓ, મારી વાત સાંભળો! તમે પોતાને શુદ્ધ કરો, તમારા પિતૃઓના ઈશ્વરના સભાસ્થાનને પણ શુદ્ધ કરો અને એ પવિત્રસ્થાનમાં જે કંઈ મલિનતા હોય તેને દૂર કરો.
6આપણા પિતૃઓએ પાપ કરીને આપણા ઈશ્વરની દ્રષ્ટિમાં ખરાબ કામો કર્યાં છે. તેઓ તેમનો ત્યાગ કરીને જ્યાં ઈશ્વર રહે છે ત્યાંથી વિમુખ થઈ ગયા.
7તેઓએ મંદિરના દરવાજા બંધ કરી દીધા હતા, દીપ હોલવી નાખ્યા હતા અને ઇઝરાયલના ઈશ્વરના પવિત્રસ્થાનમાં ધૂપ કે દહનીયાર્પણ કરવાનું બંધ કરી દીધું હતું.
8તેથી ઈશ્વરનો કોપ યહૂદિયા અને યરુશાલેમ ઉપર ઊતર્યો છે અને તેમણે તમે જુઓ છો તેમ, તેઓને આમતેમ હડસેલા ખાવાને અચંબારૂપ તથા ફિટકારરૂપ કર્યા છે.
9આ કારણે આપણા પિતૃઓ તલવારથી મરણ પામ્યા છે અને એને લીધે આપણા દીકરા, દીકરીઓ તથા આપણી સ્ત્રીઓને બંદીવાન કરી લઈ જવામાં આવ્યા છે.
10હવે મેં ઇઝરાયલના પ્રભુ ઈશ્વર સાથે કરાર કરવા મારા મનને વાળ્યું છે, કે જેથી તેમનો ભયંકર ક્રોધ આપણા ઉપરથી ઊતરી જાય.
11માટે હવે, મારા દીકરાઓ, આળસુ ન બનો, કેમ કે ઈશ્વરે તેની આગળ ઊભા રહીને તેમની સેવા કરવા માટે તથા તેમના સેવક થઈને ધૂપ બાળવા માટે તમને પસંદ કર્યાં છે.”
12પછી લેવીઓ ઊઠ્યા: કહાથીઓના પુત્રોમાંના અમાસાયનો પુત્ર માહાથ તથા અઝાર્યાનો પુત્ર યોએલ; મરારીના પુત્રોમાંના આબ્દીનો પુત્ર કીશ તથા યહાલ્લેલેલનો પુત્ર અઝાર્યા; ગેર્શોનીઓમાંના ઝિમ્માનો પુત્ર યોઆહ તથા યોઆનો પુત્ર એદેન;
13અલિસાફાનના પુત્રોમાંના શિમ્રી તથા યેઈએલ; આસાફના પુત્રોમાંના ઝખાર્યા તથા માત્તાન્યા;
14હેમાનના પુત્રોમાંના યહીએલ તથા શિમઈ; યદૂથૂનના પુત્રોમાંના શમાયા તથા ઉઝિયેલ.
15તેઓએ પોતાના ભાઈઓને ભેગા કર્યા અને પોતાને પવિત્ર કરીને તેઓ ઈશ્વરના વચનથી રાજાની આજ્ઞા પ્રમાણે ઈશ્વરના ઘરને શુદ્ધ કરવા સારુ અંદર ગયા.
16યાજકો ઈશ્વરના ઘરના અંદરના ભાગમાં સફાઈ કરવા ગયા; જે સર્વ અશુધ્ધિ ઈશ્વરના સભાસ્થાનમાંથી તેઓને મળી તે તેઓ ઈશ્વરના ઘરના આંગણામાં બહાર લાવ્યા. લેવીઓ તે અશુધ્ધિ કિદ્રોન નાળાં આગળ બહાર લઈ ગયા.
17હવે તેઓએ પહેલા મહિનાના પહેલા દિવસે ઘરમાં સ્વચ્છતાનું કામ શરૂ કર્યું. અને તે જ મહિનાને આઠમે દિવસે તેઓ ઈશ્વરના ઘરની પરસાળમાં આવ્યા. તેઓએ આઠ દિવસમાં ઈશ્વરના ઘરને શુદ્ધ કરીને પહેલા મહિનાના સોળમા દિવસે તે કામ પૂરું કર્યું.
18પછી તેઓએ રાજમહેલમાં હિઝકિયા રાજાની હજૂરમાં જઈને તેને કહ્યું, “અમે ઈશ્વરનું આખું ઘર, દહનીયાર્પણની વેદી અને તેનાં ઓજારો તથા અર્પેલી રોટલીની મેજ અને તેનાં સર્વ ઓજારો સ્વચ્છ કર્યાં.
19વળી જે સર્વ પાત્રો આહાઝ રાજાની કારકિર્દીમાં તેણે ઉલ્લંઘન કર્યું ત્યારે દૂર કર્યાં, તેઓને પણ અમે સાફ કરીને શુદ્ધ કર્યાં છે. જુઓ, તે ઈશ્વરની વેદી આગળ મૂકેલાં છે.”
20પછી હિઝકિયાએ વહેલી સવારે ઊઠીને નગરના આગેવાનોને એકત્ર કરીને ઈશ્વરના ઘરમાં ગયો.
21તેઓ રાજ્યને માટે, પવિત્રસ્થાનને માટે તથા યહૂદિયાના લોકો માટે પાપાર્થાર્પણને માટે સાત બળદ, સાત ઘેટાં, સાત હલવાન તથા સાત બકરા લાવ્યા. હિઝકિયાએ હારુનના વંશજોને, એટલે યાજકોને, ઈશ્વરની વેદી પર તેમનું અર્પણ કરવાની આજ્ઞા આપી.
22તેથી તેઓએ બળદોને મારી નાખ્યા અને યાજકોએ તેમનું લોહી વેદી પર છાંટ્યું. તેઓએ ઘેટાંઓને મારી નાખીને તેમનું લોહી પણ વેદી પર છાંટ્યું; તેઓએ હલવાનને મારીને તેમનું લોહી પણ વેદી ઉપર છાંટ્યું.
23પછી રાજા તથા પ્રજાની આગળ પાપાર્થાર્પણના બકરાઓને નજીક લાવીને તેઓએ તેમના ઉપર હાથ મૂક્યા.
24યાજકોએ તેમને કાપી નાખીને તેમનું લોહી સમગ્ર ઇઝરાયલના પાપના પ્રાયશ્ચિત માટે વેદી ઉપર તેમનું પાપાર્થાર્પણ કર્યું; કેમ કે રાજાએ એવી આજ્ઞા આપી હતી કે, સર્વ ઇઝરાયલીઓને માટે દહનીયાર્પણ તથા પાપાર્થાર્પણ કરવું જોઈએ.
25દાઉદના પ્રબોધક ગાદની તથા નાથાન પ્રબોધકની આજ્ઞા પ્રમાણે તેણે લેવીઓને ઝાંઝો, સિતારો તથા વીણાઓ સહિત ઈશ્વરના ઘરમાં સેવા કરવા માટે નિયુક્ત કર્યા. કેમ કે ઈશ્વરે પોતાના પ્રબોધકો દ્વારા એવી આજ્ઞા આપી હતી.
26લેવીઓ દાઉદનાં વાજિંત્રો તથા યાજકો રણશિંગડાં લઈને ઊભા રહ્યા.
27હિઝકિયાએ વેદી ઉપર દહનીયાર્પણ ચઢાવવાની આજ્ઞા આપી. જયારે દહનીયાર્પણ ચઢાવવાનું શરૂ થયું તે જ સમયે તેઓ ઈશ્વરનાં ગીત ગાવા લાગ્યા અને તેની સાથે રણશિંગડાં તથા ઇઝરાયલના રાજા દાઉદનાં વાજિંત્રો પણ વગાડવામાં આવ્યાં.
28આખી સભાએ સ્તુતિ કરી, સંગીતકારોએ ગીતો ગાયા તથા રણશિંગડાં વગાડનારાઓએ રણશિંગડાં વગાડ્યાં; એ પ્રમાણે દહનીયાર્પણ પૂરું થતાં સુધી ચાલુ રહ્યું.
29જયારે તેઓ અર્પણ કરી રહ્યા ત્યારે રાજાએ તથા તેની સાથે જેઓ હાજર હતા તે સર્વએ નમન કરીને સ્તુતિ કરી.
30વળી હિઝકિયા રાજાએ તથા આગેવાનોએ, દાઉદે તથા પ્રેરક આસાફે રચેલાં ગીતો ગાઈને લેવીઓને ઈશ્વરની સ્તુતિ કરવાની આજ્ઞા કરી. તેઓએ આનંદથી સ્તુતિનાં ગીતો ગાયા અને તેઓએ સાષ્ટાંગ પ્રણામ કરીને તેમની સ્તુતિ કરી.
31પછી હિઝકિયાએ કહ્યું, “હવે તમે પોતાને ઈશ્વરને માટે પવિત્ર કરો. પાસે આવીને ઈશ્વરના ઘરમાં યજ્ઞો તથા આભારાર્થાર્પણો લાવો.” આથી સમગ્ર પ્રજા યજ્ઞો તથા આભારાર્થાર્પણો લાવી; જેઓના મનમાં આવ્યું તેઓ રાજીખુશીથી દહનીયાર્પણો લાવી.
32જે દહનીયાર્પણો પ્રજા લાવી હતી તેઓની સંખ્યા સિત્તેર બળદો, સો ઘેટાં તથા બસો હલવાન હતાં. આ સર્વ ઈશ્વરને દહનીયાર્પણ તરીકે ચઢાવવામાં આવ્યા.
33વળી આભારાર્થાર્પણ તરીકે છસો બળદ તથા ત્રણસો ઘેટાં ચઢાવવામાં આવ્યાં.
34પણ યાજકો ઓછા હોવાથી તેઓએ સર્વ દહનીયાર્પણોનાં ચર્મ ઉતારી શક્યા નહિ, માટે તેઓના ભાઈઓ લેવીઓએ એ કામ પૂરું થતાં સુધી તથા યાજકોએ પોતાને પવિત્ર કર્યા ત્યાં સુધી તેઓને મદદ કરી; કેમ કે પોતાને પવિત્ર કરવા વિષે યાજકો કરતાં લેવીઓ વધારે ઉત્સુક હતા.
35વળી દહનીયાર્પણો, તથા દરેક દહનીયાર્પણને માટે શાંત્યર્પણોની ચરબી તથા પેયાર્પણો પણ પુષ્કળ હતાં. તેથી ઈશ્વરના ઘરની સેવા કરવાની વ્યવસ્થા કરવામાં આવી.
36ઈશ્વરની ભક્તિ લોકો કરે તેને માટે તેમણે જે સિદ્ધ કર્યું હતું તે જોઈને હિઝકિયા તથા સર્વ લોકોએ આનંદ કર્યો; કેમ કે એ કામ એકાએક કરાયું હતું.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath