2 કાળવૃતાંત 24
1જયારે યોઆશ રાજ કરવા લાગ્યો ત્યારે તેની ઉંમર સાત વર્ષની હતી; તેણે યરુશાલેમમાં ચાળીસ વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ સિબ્યાહ હતું, તે બેરશેબાની હતી.
2યોઆશે યહોયાદા યાજકના દિવસોમાં ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું.
3યહોયાદાએ બે સ્ત્રીઓ સાથે તેના લગ્ન કરાવ્યાં અને તેને દીકરા તથા દીકરીઓ થયાં.
4એ પછી એમ થયું કે યોઆશે ઈશ્વરના ઘરને પુનઃસ્થાપિત કરવાનું નક્કી કર્યું.
5તેણે યાજકોને તથા લેવીઓને ભેગા કરીને તેઓને કહ્યું, “યહૂદિયાના નગરોમાં જાઓ. અને સર્વ ઇઝરાયલીઓ પાસેથી તમારા પ્રભુ, ઈશ્વરના ઘરને પુનઃસ્થાપિત કરવા માટે નાણાં ઉઘરાવી લાવો. આ કામ કાળજી રાખીને ઉતાવળથી કરજો.” તોપણ લેવીઓએ તે ઉતાવળથી કર્યું નહિ.
6તેથી રાજાએ પ્રમુખ યાજક યહોયાદાને બોલાવીને કહ્યું, “સાક્ષ્યમંડપને માટે ઈશ્વરના સેવક મૂસાએ તથા ઇઝરાયલી લોકોએ ઠરાવેલો ફાળો યહૂદિયામાંથી તથા યરુશાલેમમાંથી ઉઘરાવવાને તેં લેવીઓને શા માટે ફરમાવ્યું નહિ?”
7કેમ કે પેલી દુષ્ટ સ્ત્રી અથાલ્યાના પુત્રોએ ઈશ્વરનું ઘર ભાંગી નાખ્યું હતું અને તેઓએ ઈશ્વરના ઘરની સર્વ અર્પિત વસ્તુઓ પણ બઆલ દેવોની પૂજાના કામમાં લઈ લીધી હતી.
8તેથી રાજાએ આજ્ઞા કરી તે પ્રમાણે તેઓએ એક પેટી બનાવીને તેને ઈશ્વરના ઘરના પ્રવેશદ્વારે મુકાવી.
9પછી ઈશ્વરના સેવક મૂસાએ અરણ્યમાં ઇઝરાયલ પર જે ફાળો નાખ્યો હતો તે ઈશ્વરને માટે ભરી જવાને તેઓએ આખા યહૂદિયામાં તથા યરુશાલેમમાં જાહેરાત કરી.
10સર્વ આગેવાનો તથા સર્વ લોકો ઉત્સાહપૂર્વક તે કરના પૈસા ત્યાં લાવવા લાગ્યા અને પેટીમાં નાખવા લાગ્યા.
11જયારે પણ પેટી ભરાઈ જતી ત્યારે લેવીઓની મારફતે તે પેટી રાજાની કચેરીમાં લાવવામાં આવતી અને જયારે પણ તેઓ જોતા કે તેમાં ઘણાં પૈસા જમા થયા છે, ત્યારે રાજાનો પ્રધાન તથા મુખ્ય યાજકનો અધિકારી આવીને તે પેટીને ખાલી કરતા અને તેને ઉપાડીને પાછી તેની જગ્યાએ લઈ જઈને મૂકતા. દરરોજ આ પ્રમાણે કરવામાં આવતું અને તેઓએ પુષ્કળ પૈસા એકત્ર કર્યા.
12રાજાએ તથા યહોયાદાએ ઈશ્વરના ઘરની સેવાનું કામ કરનારાઓને તે આપ્યાં. ઈશ્વરના ઘરને પુનઃસ્થાપિત કરવા માટે કડિયા તથા સુથારોને તેઓએ કામે રાખ્યા અને લોખંડનું તથા પિત્તળનું કામ કરનાર કારીગરોને પણ પુનઃસ્થાપિત કરવા માટે રાખ્યા.
13તેથી કારીગરો કામે લાગી ગયા અને તેઓના હાથથી કામ સંપૂર્ણ થયું; તેઓએ ઈશ્વરના ઘરને પહેલાંના જેવું જ મજબૂત બનાવી દીધું.
14તેઓ તે કામ સમાપ્ત કરી રહ્યા, ત્યારે તેઓ બાકીના પૈસા રાજા તથા યહોયાદાની પાસે લાવ્યા. તેમાંથી ઈશ્વરના ઘરને માટે સેવાના તથા અર્પણનાં પાત્રો, ચમચાઓ તથા સોના ચાંદીની બીજી વસ્તુઓ બનાવવામાં આવી. યહોયાદાના દિવસો સુધી તેઓ ઈશ્વરના ઘરમાં નિત્ય દહનીયાર્પણ ચઢાવતા હતા.
15યહોયાદા વૃદ્ધ થયો અને પાકી ઉંમરે તે મરણ પામ્યો; જયારે તે મરણ પામ્યો, ત્યારે તે એકસો ત્રીસ વર્ષનો હતો.
16તેઓએ તેને રાજાઓની સાથે દાઉદનગરમાં દફનાવ્યો, કેમ કે તેણે ઇઝરાયલમાં તથા ઈશ્વરના અને ઈશ્વરના ઘરના સંબંધમાં સારી સેવા બજાવી હતી.
17હવે યહોયાદાના મૃત્યુ પછી યહૂદિયાના સરદારોએ આવીને રાજાને વિનંતી કરી. પછી રાજાએ તેઓનું સાંભળ્યું.
18તેઓએ તેમના પિતૃઓના પ્રભુ, ઈશ્વરના ઘરને તજી દીધું અને અશેરીમની તથા મૂર્તિઓની પૂજા કરવા લાગ્યા. તેઓના આ અપરાધને કારણે યહૂદિયા તથા યરુશાલેમ ઉપર ઈશ્વર કોપાયમાન થયા.
19તોપણ તેઓને પોતાની તરફ પાછા લાવવાને ઈશ્વરે તેઓની પાસે પ્રબોધકોને મોકલ્યા; પ્રબોધકોએ લોકોને ચેતવણી આપી, પણ તેઓએ તેઓનું કંઈ સાંભળ્યું નહિ.
20યહોયાદા યાજકના પુત્ર ઝખાર્યા પર ઈશ્વરનો આત્મા આવ્યો; ઝખાર્યાએ લોકોની સમક્ષ ઊભા થઈને કહ્યું, “ઈશ્વર એમ કહે છે: ‘શા માટે તમે ઈશ્વરની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરીને પોતાને માથે આફત લાવો છો? તમે ઈશ્વરને તજ્યા છે, માટે તેમણે તમને તજ્યા છે.’”
21પણ તેઓએ તેની વિરુદ્ધમાં કાવતરું કરીને રાજાની આજ્ઞાથી ઈશ્વરના ઘરના ચોકમાં તેને પથ્થરા મારીને મારી નાખ્યો.
22એ પ્રમાણે, યોઆશ રાજાએ ઝર્ખાયાના પિતા યહોયાદાએ તેના પર જે કૃપા કરી હતી, તે ન સંભારતા તેના પુત્રને મારી નાખ્યો. મરતા સમયે ઝખાર્યાએ કહ્યું, “ઈશ્વર આ કૃત્ય ધ્યાનમાં લઈને તેનો જવાબ આપશે.”
23વર્ષના અંતે એમ બન્યું કે અરામીઓનું સૈન્ય યોઆશ ઉપર ચઢી આવ્યું. તેઓએ યહૂદિયા તથા યરુશાલેમ આવીને લોકોના બધા આગેવાનોને મારી નાખ્યા અને તેઓની માલમિલકત લૂંટી લઈને તેઓએ દમસ્કસના રાજાની પાસે તે મોકલી આપી.
24અરામીઓનું સૈન્ય ઘણું નાનું હતું, પણ ઈશ્વરે તેઓને ઘણાં મોટા સૈન્ય પર વિજય આપ્યો, કેમ કે યહૂદિયાએ પોતાના પિતૃઓના પ્રભુ ઈશ્વરનો ત્યાગ કર્યો હતો. આ રીતે અરામીઓએ યોઆશને શિક્ષા કરી.
25જે સમયે અરામીઓ પાછા ગયા, તેઓ તો યોઆશને ગંભીર બીમારીની હાલતમાં મૂકી ગયા. તેના પોતાના સેવકોએ યહોયાદા યાજકના પુત્રના ખૂનને લીધે તેની વિરુદ્ધ કાવતરું રચીને તેને તેના બિછાનામાં મારી નાખ્યો, એ પ્રમાણે તે મરણ પામ્યો. તેઓએ તેને દાઉદનગરમાં દફનાવ્યો, તેને રાજાઓના કબ્રસ્તાનમાં દફનાવ્યો નહિ.
26ત્યાં એવા કેટલાક લોકો હતા કે જેઓ તેની વિરુદ્ધ કાવતરું રચનારા હતા: આમ્મોની મહિલા શિમાથનો દીકરો ઝાબાદ, મોઆબણ શિમ્રીથનો દીકરો યહોઝાબાદ એ બે કાવતરાખોર હતા.
27હવે તેના દીકરાઓ ના વૃતાંત, તેના માટે બોલાયેલી ભવિષ્યવાણી તથા ઈશ્વરના ઘરનું પુનઃસ્થાપન એ સર્વ રાજાઓના પુસ્તકના ટીકાગ્રંથમાં લખેલાં છે. અને તેને સ્થાને તેનો દીકરો અમાસ્યા રાજા બન્યો.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath