તિમોથીને પહેલો પત્ર 6
1જેટલાં દાસ તરીકે ઝૂંસરી તળે છે તેઓએ પોતાના માલિકોને પૂરા માનયોગ્ય ગણવા, કે જેથી ઈશ્વરના નામ અને શિક્ષણ વિરુદ્ધ દુર્ભાષણ થાય નહિ.
2તદુપરાંત જેઓનાં માલિકો વિશ્વાસી છે, તેઓ ભાઈઓ છે તેથી તેઓને તુચ્છ ગણવા નહિ, પણ તેમની સેવા કરવી, કેમ કે જેઓ સેવા પામે છે તેઓ વિશ્વાસી તથા પ્રિય છે. એ વાતો શીખવ અને સમજાવ.
3જો કોઈ અલગ શિક્ષણ આપે છે, અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં વચન તથા ભક્તિભાવ પ્રમાણે જે શુદ્ધ શિક્ષણ છે, તેને સંમત નથી,
4તો તે અભિમાની છે, અને કંઈ જાણતો નથી, પણ તે વાદવિવાદ અને શાબ્દિક તકરારોથી પીડાય છે કે જેમાંથી અદેખાઈ, ઝઘડા, નિંદા, દુષ્ટ શંકાઓ ઊપજે છે,
5અને બુદ્ધિભ્રષ્ટ અને સત્યથી ફરી જનારાં કે જેઓ માટે ભક્તિભાવ કમાઈનું એક સાધન છે તેઓમાં સતત કજિયા થાય છે.
6પણ સંતોષસહિતની ઈશ્વરપરાયણતા એ મહત્તમ લાભ છે;
7કેમ કે આપણે આ દુનિયામાં કશું લાવ્યા નથી ને તેમાંથી કશું પણ લઈ જઈ શકવાના નથી.
8પણ આપણને જે અન્ન અને વસ્ત્ર મળે છે તેઓથી આપણે સંતોષી રહીએ.
9જેઓ દ્રવ્યવાન થવા ચાહે છે, તેઓ પરીક્ષણ, ફાંદા તથા ઘણી મૂર્ખ અને હાનિકારક ઇચ્છાઓમાં પડે છે, જે માણસોને પાયમાલી તથા વિનાશમાં ડુબાવે છે.
10કેમ કે દ્રવ્યપ્રેમ એ સર્વ પ્રકારની દુષ્ટતાનું મૂળ છે તેની પાછળ ખેંચાવાથી કેટલાક વિશ્વાસથી દુર લઈ જવાયા અને તેઓએ ઘણાં દુઃખોથી પોતાને વીંધ્યા છે.
11પણ હે ઈશ્વરભક્ત, તું આ બાબતોથી દૂર ભાગજે; તદુપરાંત ન્યાયીપણું, ઈશ્વરપરાયણતા, વિશ્વાસ, પ્રેમ, સહનશીલતા તથા વિનમ્રતાની પાછળ લાગ.
12વિશ્વાસની સારી લડાઈ લડ, અનંતજીવન ધારણ કર, કે જેને માટે તું તેડાયેલો છે અને જેનાં વિષે તેં ઘણાં સાક્ષીઓની આગળ સારી કબૂલાત કરેલી છે.
13ઈશ્વર જે સઘળાંને જીવન આપે છે તેમની સમક્ષ તથા ખ્રિસ્ત ઈસુ જેમણે પોંતિયસ પિલાતની આગળ સારી કબૂલાત કરી, તેમની આગળ હું તને આગ્રહથી ફરમાવું છું કે,
14આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પ્રગટ થવા સુધી તું ઠપકારહિત તથા નિષ્કલંક રીતે આ આજ્ઞા પાળ.
15જેઓ સ્તુત્ય છે, એકલા જ સર્વોપરી, રાજકર્તાઓના રાજા તથા પ્રભુઓના પ્રભુ છે તેઓ યોગ્ય સમયે ઈસુનું પ્રગટ થવું બતાવશે,
16તેમને એકલાને જ અવિનાશીપણું છે, પાસે ન જવાય એવા અજવાળામાં રહે છે, જેમને કદી કોઈ મનુષ્યોએ જોયા નથી અને જોઈ શકતા પણ નથી તેમને અનંતકાળ સન્માન તથા આધિપત્ય હો. આમીન.
17આ જમાનાનાં દ્રવ્યવાનોને તું આગ્રહથી સૂચવ કે, તેઓ અભિમાન ન કરે, અને દ્રવ્યની અનિશ્ચિતતા પર નહિ, પણ ઈશ્વર, જે આપણા આનંદ-પ્રમોદને માટે ભરપૂરીપણાથી સઘળું આપે છે, તેમના પર આશા રાખે;
18કે તેઓ ભલું કરે, સારાં કામોમાં સમૃદ્ધ બને, આપવામાં ઉદાર તેમ જ બીજાઓ સાથે વહેંચવામાં તૈયાર થાય;
19ભવિષ્યને સારું પોતાને માટે પૂંજીરૂપી સારો પાયો નાખે, એ માટે કે જે ખરેખરું જીવન છે તેને તેઓ ધારણ કરે.
20હે તિમોથી, તને જે સોંપેલું છે તે સાચવી રાખ, અને અધર્મી ખાલી બકવાસથી તથા વિરોધાભાસી વિચારધારાઓ જેને ખોટી રીતે જ્ઞાન કહેવાય છે તેના વિવાદથી દૂર રહે,
21જેને માનીને કેટલાક વિશ્વાસથી દૂર ગયા છે. તારા પર કૃપા થાઓ. આમીન.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath