ખ્રિસ્તી ધર્મ
પાછા

1 શમુએલ 20

1પછી દાઉદે રામાના નાયોથમાંથી નાસીને યોનાથાન પાસે આવીને કહ્યું, “મેં શું કર્યું છે? મારો અન્યાય શો છે? તારા પિતા આગળ મારું કયું પાપ છે કે, તે મારો જીવ લેવા શોધે છે?”

2યોનાથાને દાઉદને કહ્યું, “એ તારાથી દૂર થાઓ; તું માર્યો નહિ જાય. મારા પિતા મોટું કે નાનું કશું પણ મને જણાવ્યાં વગર કરતા નથી. આ વાત મારા પિતા મારાથી શા માટે છુપાવે? એવું તો ના હોય.”

3દાઉદે ફરી સોગન ખાઈને કહ્યું કે,” તારો પિતા સારી પેઠે જાણે છે કે, હું તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છું; માટે તે કહે છે કે, ‘યોનાથાન આ વાત ન જાણે, રખેને તેને દુઃખ થાય.’ પણ ખરેખર હું જીવતા ઈશ્વરના તથા તારા જીવના સોગન ખાઉં છું કે, મારી તથા મરણની વચ્ચે ફક્ત એક પગલું જ દૂર રહ્યું છે.”

4ત્યારે યોનાથાને દાઉદને કહ્યું કે,” જે કંઈ તું કહે, તે હું તારે માટે કરીશ.”

5દાઉદે યોનાથાનને કહ્યું, “જો કાલે અમાસ છે, મારે રાજાની સાથે ભોજન પર બેસવા સિવાય ચાલે એમ નથી. પણ મને જવા દે, કે જેથી ત્રીજા દિવસની સાંજ સુધી હું ખેતરમાં સંતાઈ રહું.

6જો તારો પિતા મને યાદ કરે તો તું કહેજે કે, દાઉદે પોતાના નગર બેથલેહેમમાં ઉતાવળે જઈ આવવાને આગ્રહથી મારી પાસે રજા માગી; કેમ કે ત્યાં આખા કુટુંબને માટે વાર્ષિક યજ્ઞ છે.’

7જો તે કહે કે, ‘તે સારું છે,’ તો તારા દાસને શાંતિ થશે. પણ જો તે ઘણો ગુસ્સે થાય, તો જાણજે કે તેણે ખરાબ કામ કરવાનો નિશ્ચય કર્યો છે.

8માટે તારા સેવક સાથે નમ્રતાથી વ્યવહાર કર. કેમ કે તેં તારા સેવકને તારી સાથે ઈશ્વરના કરારમાં લીધો છે. પણ જો મારામાં કંઈ પાપ હોય, તો તું મને મારી નાખ; મને તારા પિતા પાસે શા માટે લઈ જાય છે?”

9યોનાથાને કહ્યું, “એ તારાથી દૂર થાઓ! જો એવું મારા જાણવામાં આવે કે, મારા પિતાએ તારા પર જોખમ લાવવાનો નિશ્ચય કર્યો છે તો શું તે હું તને ન કહું?”

10પછી દાઉદે યોનાથાનને કહ્યું, “જો કદાચ તારો પિતા તને કઠોર વચનોથી ઉત્તર આપશે તો તેની જાણ મને કોણ કરશે?”

11યોનાથાને દાઉદને કહ્યું, “આવ, આપણે બહાર ખેતરમાં જઈએ.” અને તેઓ બન્ને બહાર ખેતરમાં ગયા.

12યોનાથાને દાઉદને કહ્યું, “ઇઝરાયલના પ્રભુ, ઈશ્વરની સાક્ષી રાખીને. કાલે આટલા સમયે કે પરમ દિવસે મારા પિતાના મનને તપાસી જોઈને જો તારા હિતમાં સારું જણાશે, તો હું તારી પાસે માણસ મોકલીને તને તેની ખબર આપીશ.

13જો મારા પિતાની મરજી તને હાનિ પહોંચાડવાની હોય, તે જાણીને જો હું તને ખબર ના આપું અને તું શાંતિથી ચાલ્યો જાય માટે તને ખબર મોકલું નહિ, તો ઈશ્વર યોનાથાન ઉપર એવું તથા એથી પણ વધારે વિતાડે. જેમ ઈશ્વર મારા પિતાની સાથે હતા તેમ તે તારી સાથે હો.

14ફક્ત મારી જિંદગીભર મારા પર ઈશ્વરની કૃપા રાખીને તું મારું મોત ન લાવીશ, એટલું જ નહિ,

15પરંતુ મારા કુટુંબ પરથી તારા વિશ્વાસુપણાના કરારને સદાને માટે કાપી નાખીશ નહિ. જયારે ઈશ્વર દાઉદના પ્રત્યેક શત્રુને પૃથ્વીની પીઠ પરથી નષ્ટ કરી નાખે ત્યારે પણ નહિ.”

16તેથી યોનાથાને દાઉદના કુંટુબની સાથે કરાર કર્યો અને કહ્યું, “ઈશ્વર દાઉદના શત્રુઓની પાસેથી જવાબ માંગશે.”

17અને દાઉદ પર પોતાના પ્રેમની ખાતર યોનાથાને દાઉદને ફરીથી સમ ખવડાવ્યા, કેમ કે તે પોતાના જીવની જેમ તેના ઉપર પ્રીતિ કરતો હતો.

18પછી યોનાથાને તેને કહ્યું, “કાલે અમાસ છે. તારી ગેરહાજરી જણાશે, કેમ કે તારી બેઠક ખાલી હશે.

19ત્યાં તું ત્રણ દિવસ રહ્યા પછી જલદીથી નીચે ઊતરીને, જ્યાં પેલા કામને પ્રસંગે તું સંતાઈ રહ્યો હતો તે ઠેકાણે આવીને, એઝેલ પથ્થર પાસે રહેજે.

20નિશાન તાકતો હોઉં એવો ડોળ દેખાડીને હું તે તરફ ત્રણ બાણો મારીશ.

21અને હું મારા જુવાન માણસને મોકલીને તેને કહીશ કે, ‘જા બાણો શોધી કાઢ.’ જો હું જુવાન છોકરાંને કહું કે, ‘જો, બાણો તારી તરફ છે; તો લઈને આવજે;” કેમ કે જીવતા ઈશ્વરના સમ કે, ત્યાં તું સલામત છે અને તને કોઈ મુશ્કેલી નથી.

22“પણ જો હું તે જુવાન માણસને કહું કે, ‘જો, બાણો તારી પેલી તરફ છે,’ તો તારે રસ્તે ચાલ્યો જજે, કેમ કે ઈશ્વરે તને વિદાય કર્યો છે.

23જે કરાર વિષે તેં અને મેં વાત કરી છે, તેમાં જો, ઈશ્વર સદાકાળ સુધી તારી અને મારી વચ્ચે છે.’”

24તેથી દાઉદ ખેતરમાં સંતાઈ રહ્યો. જયારે અમાસ આવી, ત્યારે રાજા જમવા માટે નીચે બેઠો.

25હંમેશ મુજબ, રાજા પોતાના ભીંત પાસેના આસન પર બેઠો. યોનાથાન ઊભો રહ્યો અને આબ્નેર શાઉલની બાજુએ બેઠો. પણ દાઉદની જગ્યા ખાલી હતી.

26તેમ છતાં શાઉલે તે દિવસે કંઈ પણ કહ્યું નહિ, કેમ કે તેણે વિચાર્યું, “તેને કંઈક થયું હશે. તે શુદ્ધ નહિ હોય; ચોક્કસ તે શુદ્ધ નહિ હોય.”

27પણ અમાસના બીજા દિવસે, દાઉદની જગ્યા ખાલી હતી. શાઉલે પોતાના દીકરા યોનાથાનને કહ્યું, “યિશાઈનો દીકરો જમવા કેમ નથી આવતો કાલે નહોતો આવ્યો. આજે પણ નથી આવ્યો?”

28યોનાથાને શાઉલને ઉત્તર આપ્યો, “દાઉદે આગ્રહથી મારી પાસે બેથલેહેમ જવા સારુ રજા માગી છે.

29તેણે કહ્યું કે, ‘કૃપા કરીને મને જવા દે. કેમ કે અમારા કુટુંબે નગરમાં યજ્ઞ કરવાનો છે અને મારા ભાઈએ મને ત્યાં જવાનો હુકમ કર્યો છે. હવે, જો તારી દ્રષ્ટિમાં હું કૃપા પામ્યો હોઉં, તો કૃપા કરી મને અહીંથી જઈને મારા ભાઈઓને મળવા દે.’ એ માટે તે રાજાના ભોજનમાં આવ્યો નથી.”

30પછી શાઉલે યોનાથાન ઉપર ક્રોધાયમાન થઈને તેને કહ્યું, “અરે આડી તથા બળવાખોર સ્ત્રીના દીકરા! તને પોતાને શરમાવવા માટે તથા તારી માતાની ફજેતી કરવા માટે તેં યિશાઈના દીકરાને પસંદ કર્યો છે, એ શું હું નથી જાણતો?

31કેમ કે જ્યાં સુધી યિશાઈનો દીકરો પૃથ્વી પર જીવે છે ત્યાં સુધી તું તથા તારું રાજ્ય સ્થાપિત થનાર નથી. માટે હવે, માણસ મોકલીને તેને મારી પાસે લાવ, કેમ કે તેને ચોક્કસ મરવું પડશે.”

32યોનાથાને પોતાના પિતા શાઉલને જવાબ આપ્યો, “કયા કારણોસર તેને મારી નાખવો જોઈએ? તેણે શું કર્યું છે?”

33પછી શાઉલે તેને મારવા સારુ પોતાનો ભાલો તેની તરફ ફેંક્યો. તે પરથી યોનાથાનને ખાતરી થઈ મારા પિતાએ દાઉદને મારી નાખવાનો નિશ્ચય કર્યો છે.

34યોનાથાન ઘણો ક્રોધાયમાન થઈને ભોજન ઉપરથી ઊઠી ગયો અને માસને બીજા દિવસે તે કંઈ પણ જમ્યો નહિ, દાઉદ વિષે તેને દુઃખ લાગ્યું હતું, કેમ કે તેના પિતાએ તેનું અપમાન કર્યું હતું.

35સવારમાં, યોનાથાન એક નાના છોકરાંને લઈને દાઉદની સાથે ઠરાવેલે સમયે ખેતરમાં ગયો.

36તેણે પોતની સાથેના એ છોકરાંને કહ્યું, “દોડ અને જે બાણો હું મારું તે શોધી કાઢ.” અને જયારે તે છોકરો દોડતો હતો, ત્યારે તે દરમિયાન તેણે એક બાણ તેનાથી આગળ માર્યું.

37અને યોનાથાને બાણ માર્યું હતું તે ઠેકાણે તે છોકરો પહોંચ્યો, ત્યારે યોનાથાને છોકરાંને હાંક મારીને, કહ્યું, “બાણ હજી તારાથી આગળ નથી શું?”

38અને યોનાથાને છોકરાંને હાંક મારી, “ઝડપ કર, જલ્દી આવ, વિલંબ ન કર!” તેથી એ છોકરો બાણો એકઠાં કરીને પોતાના માલિક પાસે આવ્યો.

39પણ તે છોકરો એ વિષે કશું જાણતો નહોતો. કેવળ યોનાથાન તથા દાઉદ તે બાબત વિષે જાણતા હતા.

40યોનાથાને પોતાનાં શસ્ત્રો એ છોકરાંને આપીને તેને કહ્યું, “જા, તેમને ગિબિયા નગરમાં લઈ જા.”

41તે છોકરો ગયો કે તરત, દાઉદ દક્ષિણ બાજુએથી ઊઠીને આવ્યો, જમીન તરફ મુખ નમાવીને, તેણે ત્રણ વાર પ્રણામ કર્યા. તેઓ એકબીજાને ચુંબન કરીને તથા ભેટીને રડ્યા, દાઉદનું રુદન વધારે હતું.

42યોનાથાને દાઉદને કહ્યું, “શાંતિએ જા, કેમ કે આપણે બન્નેએ ઈશ્વરને નામે સોગન ખાધા છે કે, ‘ઈશ્વર સદાકાળ સુધી મારી તથા તારી વચ્ચે, મારા તથા તારા સંતાનની વચ્ચે રહો.’ પછી દાઉદ ઊઠીને વિદાય થયો અને યોનાથાન નગરમાં ગયો.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath