ખ્રિસ્તી ધર્મ
પાછા

1 શમુએલ 18

1જયારે શાઉલ સાથે તેણે વાત પૂરી કરી ત્યાર પછી, યોનાથાનનો જીવ દાઉદના જીવ સાથે એક ગાંઠ થઈ ગયો, યોનાથાન પોતાના જીવના જેવો પ્રેમ તેના પર કરવા લાગ્યો.

2શાઉલે તે દિવસથી દાઉદને પોતાની સેવા માટે રાખ્યો; તેને તેના પિતાને ઘરે જવા દીધો નહિ.

3પછી યોનાથાને તથા દાઉદે મિત્રતાના કોલકરાર કર્યા. યોનાથાન તેના પર પોતાના જીવના જેવો પ્રેમ કરતો હતો.

4જે ઝભ્ભો યોનાથાને પહેરેલો હતો તે તેણે પોતાના અંગ પરથી ઉતારીને દાઉદને આપ્યો. પોતાનું કવચ તથા, તલવાર, ધનુષ્ય, અને કમરબંધ પણ આપ્યાં.

5જ્યાં કંઈ શાઉલ દાઉદને મોકલતો હતો ત્યાં તે જતો અને તે સફળ થતો. શાઉલે તેને સૈનિકો પર સરદાર તરીકે નીમ્યો. એ સર્વ લોકની નજરમાં તથા શાઉલના ચાકરોની નજરમાં પણ સારુ લાગ્યું.

6જયારે દાઉદ પલિસ્તીઓને હરાવ્યા પછી તેઓ પાછા આવતા હતા ત્યારે ઇઝરાયલનાં સર્વ નગરોમાંથી સ્ત્રીઓ ગાતી તથા નાચતી, ખંજરી સાથે, આનંદથી, સંગીતનાં વાજિંત્રો વગાડતા શાઉલને મળવા માટે બહાર આવી.

7તે સ્ત્રીઓ ગમ્મતમાં ગાતાં ગાતાં એકબીજીને કહેતી હતી કે: “શાઉલે સહસ્ત્રને અને દાઉદે દસ સહસ્ત્રને સંહાર્યા છે.”

8તેથી શાઉલને ઘણો ક્રોધ ચઢયો અને આ ગીતથી તેને ખોટું લાગ્યું. તેણે કહ્યું કે, “તેઓએ દાઉદને દસ સહસ્ત્રનું માન આપ્યું છે, પણ તેઓએ મને તો માત્ર સહસ્ત્રનું જ માન આપ્યું છે. રાજ્ય વિના તેને હવે બીજા શાની કમી રહી છે?”

9તે દિવસથી શાઉલ દાઉદને ઈર્ષ્યાની નજરે જોવા લાગ્યો.

10બીજે દિવસે ઈશ્વર તરફથી એક દુષ્ટ આત્મા શાઉલ પર જોશભેર આવ્યો, તે ઘરમાં બકવાટ કરવા લાગ્યો. તેથી દાઉદ પોતાના નિત્યના ક્રમ મુજબ વાજિંત્ર વગાડતો હતો. તે વખતે શાઉલના હાથમાં પોતાનો ભાલો હતો.

11શાઉલે તે ભાલો ફેંક્યો, તેનો ઇરાદો હતો કે, “તે દાઉદને ભાલો મારીને તેને ભીંત સાથે જડી દેશે.” પણ દાઉદ શાઉલની આગળથી બે વખત ખસી ગયો.

12શાઉલ દાઉદથી બીતો હતો, કારણ કે ઈશ્વર તેની સાથે હતા, પણ શાઉલની પાસેથી તો તે દૂર થઈ ગયા હતા.

13માટે શાઉલે તેને પોતાની અંગત સેવામાંથી દૂર કરીને તેને પોતાના લશ્કરમાં હજાર સૈનિકોનો સેનાપતિ બનાવ્યો. આ પ્રમાણે તે લોકોને બહાર લઈ જતો અને પાછા લાવતો.

14દાઉદ પોતાના સર્વ કાર્યો ડહાપણપૂર્વક કરતો હતો. ઈશ્વર તેની સાથે હતા.

15જયારે શાઉલે જોયું કે તે ઘણો સફળ થાય છે, એ જોઈને શાઉલને તેની બીક લાગતી હતી.

16સર્વ ઇઝરાયલ અને યહૂદિયાના લોકો દાઉદ પર પ્રેમ રાખતા હતા, કેમ કે તે તેઓને બહાર લઈ જતો અને તેમને પાછા લાવતો હતો.

17શાઉલે દાઉદને કહ્યું, “જો અહીં મારી મોટી દીકરી મેરાબ છે. તેના લગ્ન હું તારી સાથે કરાવીશ. એટલું જ કે તું મારે સારુ બળવાન થા, ઈશ્વરની લડાઈઓ લડ.” કેમ કે શાઉલે મનમાં વિચાર્યું, “મારો હાથ એના પર ન પડે, પણ પલિસ્તીઓનો હાથ એના પર ભલે પડે.”

18દાઉદે શાઉલને કહ્યું, “હું કોણ છું, મારું જીવન શું છે, ઇઝરાયલમાં મારા પિતાનું કુટુંબ કોણ કે હું રાજાનો જમાઈ થાઉં?”

19હવે શાઉલે પોતાની દીકરી મેરાબ, દાઉદને આપવાની હતી, તેને બદલે તેણે તેને આદ્રિયેલ મહોલાથીની પત્ની તરીકે આપી.

20પણ શાઉલની દીકરી મિખાલ, દાઉદને પ્રેમ કરવા લાગી હતી. તેઓએ શાઉલને કહ્યું, ત્યારે તે વાત તેને સારી લાગી.

21ત્યારે શાઉલે વિચાર્યું, “હું મિખાલ તેને આપીશ, કે તે તેને ફાંદારૂપ થાય, પલિસ્તીઓનો હાથ તેની વિરુદ્ધ થાય. “તે માટે શાઉલે દાઉદને બીજીવાર કહ્યું, “તું મારો જમાઈ થશે.”

22શાઉલે પોતાના ચાકરોને આજ્ઞા કરી કે, ‘દાઉદ સાથે ગુપ્ત રીતે વાતચીત કરીને, કહેવું, ‘જો, રાજા તારા ઉપર બહુ પ્રસન્ન છે, તેના સર્વ ચાકરો તને પ્રેમ કરે છે. માટે હવે, રાજાનો જમાઈ થા.’”

23શાઉલના ચાકરોએ એ શબ્દો દાઉદના કાનમાં કહ્યા. દાઉદે કહ્યું, હું કંગાળ અને વિસાત વગરનો માણસ છું.” છતાં હું રાજાનો જમાઈ થાઉં એ વાત તમને નજીવી લાગે છે?’”

24શાઉલના ચાકરોએ દાઉદ જે બોલ્યો હતો તે વિષે શાઉલને જાણ કરી.

25અને શાઉલે કહ્યું કે, તમારે દાઉદને એમ કહેવું, ‘રાજાને કશા પલ્લાની જરૂર નથી. રાજાના શત્રુઓ પર વેર વાળવા માટે કેવળ પલિસ્તીઓનાં સો અગ્રચર્મ જોઈએ છે.’ આવું કહેવામાં શાઉલનો બદઈરાદો હતો કે દાઉદ પલિસ્તીઓના હાથથી માર્યો જાય.

26હવે તેના ચાકરોએ એ વાતો દાઉદને કહી, ત્યારે દાઉદને રાજાનો જમાઈ થવાનું પસંદ પડ્યું.

27તે દિવસો પૂરા થયા પહેલા દાઉદ પોતાના માણસોને લઈને ગયો. તેણે બસો પલિસ્તીઓને મારી નાખ્યા. અને તેઓનાં અગ્રચર્મ લાવ્યો, અને તેઓએ તે રાજાને પૂરેપૂરાં ગણી આપ્યાં, કે જેથી તે રાજાનો જમાઈ થાય. તેથી શાઉલે પોતાની દીકરી મિખાલને તેની પત્ની થવા માટે આપી.

28અને શાઉલે જોયું અને જાણ્યું કે, ઈશ્વર દાઉદની સાથે છે. શાઉલની દીકરી મિખાલે તેને પ્રેમ કર્યો .

29શાઉલને દાઉદનો વધારે ભય લાગ્યો. શાઉલ હંમેશ દાઉદનો વેરી રહ્યો.

30ત્યાર પછી પલિસ્તીઓના રાજકુમારો લડાઈને માટે બહાર નીકળ્યા, તેઓ જેટલી વખત બહાર નીકળતા તેટલી વખત, દાઉદ શાઉલના સર્વ ચાકરો કરતાં વધારે સફળ થતો, તેથી તેનું નામ ઘણું જ લોકપ્રિય થઈ પડ્યું.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath