ખ્રિસ્તી ધર્મ
પાછા

1 શમુએલ 17

1હવે પલિસ્તીઓએ પોતાનાં સૈન્યોને યુદ્ધ કરવા સારુ યહૂદિયાના તેઓ સોખોમાં એકત્ર કર્યા, જે યહૂદિયાનું છે. તેઓએ સોખો અને અઝેકાની વચ્ચે એફેસ-દામ્મીમમાં છાવણી નાખી.

2શાઉલ તથા ઇઝરાયલના માણસો એકત્ર થયા. તેઓએ એલાની ખીણમાં છાવણી નાખીને પલિસ્તીઓ સામે યુદ્ધ માટે વ્યૂહ રચ્યો.

3પલિસ્તીઓ પર્વતની ઉપર એક બાજુએ પલિસ્તીઓ ઊભા રહ્યા અને પર્વતની ઉપર બીજી બાજુએ જ્યાં તેઓની વચ્ચે ખીણ હતી ત્યાં ઇઝરાયલીઓ ઊભા રહ્યા.

4ત્યારે એક બળવાન માણસ પલિસ્તીઓની છાવણીમાંથી બહાર આવ્યો, તેનું નામ ગોલ્યાથ હતું. તે ગાથનો હતો, તેની ઊંચાઈ છ હાથ અને એક વેંત હતી.

5તેના માથા ઉપર પિત્તળનો ટોપ હતો અને તેણે બખતર પહેરેલું હતું. તે બખતરનું વજન પિત્તળના પાંચ હજાર શેકેલ જેટલું હતું.

6તેના પગે ઘૂંટણથી નીચે પિત્તળના બખતરો હતા અને તેના ખભા વચ્ચે પિત્તળની બરછી હતી.

7તેના ભાલાનો દાંડો સાળના રોલર જેવો હતો. તેના ભાલાનું વજન લોઢાના છસો શેકેલ જેટલું હતું. તેની ઢાલ ઊંચકનાર તેની આગળ ચાલતો હતો.

8તેણે ઊભા રહિને ઇઝરાયલના સૈન્યોને હાંક મારી, “શા માટે તમે યુદ્ધનો વ્યૂહ રચવાને બહાર આવ્યા છો? શું હું પલિસ્તી નથી અને તમે શાઉલના ચાકરો નથી? તમે પોતાને સારુ એક માણસ પસંદ કરો અને તે મારી સામે ઊતરી આવે.

9જો તે મારી સાથે લડી શકે અને મને મારી નાખી શકે, તો અમે અમારા લોકો તમારા ચાકરો થશે. પણ જો હું તેને હરાવું અને મારી નાખું, તો તમારે અમારા ચાકરો થઈને અમારી સેવા કરવી.”

10ફરીથી પલિસ્તીએ કહ્યું, “હું આજે ઇઝરાયલના સૈન્યોનો તિરસ્કાર કરું છું. મને એક માણસ આપો કે અમે સાથે મળીને લડાઈ કરીએ.”

11જયારે શાઉલે તથા સર્વ ઇઝરાયલે પલિસ્તીએ કહેલા શબ્દો સાંભળ્યાં ત્યારે તેઓ નિરાશ થયા અને ઘણાં ભયભીત થયા.

12હવે દાઉદ બેથલેહેમ યહૂદિયાના એફ્રાથી માણસ યિશાઈનો દીકરો હતો. યિશાઈને આઠ દીકરા હતા. શાઉલના દિવસોમાં યિશાઈ વૃદ્ધ અને પુખ્ત ઉંમરનો ગણાતો હતો.

13યિશાઈના ત્રણ મોટા દીકરાઓ યુદ્ધ માટે શાઉલની સાથે ગયા. તેના ત્રણ દીકરા જે યુદ્ધમાં ગયા હતા તેઓમાંના નામો આ હતાં જ્યેષ્ઠનું નામ અલિયાબ, બીજાનું અબીનાદાબ અને ત્રીજાનું શામ્મા હતું.

14દાઉદ સૌથી નાનો હતો. તે ત્રણ મોટા દીકરાઓ શાઉલની આગેવાની હેઠળ યુદ્ધમાં હતા.

15દાઉદ પોતાના પિતાનાં ઘેટાંને ચરાવવાને માટે શાઉલ પાસેથી બેથલેહેમમાં આવ જા કરતો હતો.

16ચાળીસ દિવસો સુધી પેલો પલિસ્તી સવારે તથા સાંજે પાસે આવીને સામે ખડો થતો હતો.

17યિશાઈએ પોતાના દીકરા દાઉદને કહ્યું, “તારા ભાઈઓને સારુ આ એક એફાહ પોંક અને આ દસ રોટલી લઈને છાવણીમાં તારા ભાઈઓ પાસે જલ્દી જા.

18આ ઉપરાંત દસ પનીર તેઓના સહસ્ત્રાધિપતિ માટે લઈ જઈને આપજે. તારા ભાઈઓ કેમ છે તે જોજે અને તેઓ મજામાં છે કે નહિ તેની ખબર લઈને આવજે.”

19તેના ભાઈઓ, શાઉલ તથા સર્વ ઇઝરાયલ માણસો એલાની ખીણમાં, પલિસ્તીઓ સાથે લડતા હતા.”

20દાઉદ સવારે વહેલો ઊઠયો અને એક રખેવાળને પોતાનાં ઘેટાં સ્વાધીન કરીને જેમ યિશાઈએ તેને આજ્ઞા આપી હતી તેમ તે સામાન લઈને ગયો. જયારે દાઉદ છાવણી આગળ પહોંચ્યો ત્યારે સૈન્ય યુદ્ધને સારું લલકાર આપી રહ્યું હતું.

21અને ઇઝરાયલ તથા પલિસ્તીઓએ પોતાનાં સૈન્યોનો વ્યૂહ સામ સામે રચ્યો હતો.

22દાઉદ પોતાના સામાનને સાચવનારના હાથમાં સોંપીને સૈન્ય તરફ દોડયો અને ત્યાં પહોંચીને તેણે પોતાના ભાઈઓની મુલાકાત કરી.

23તે તેઓની સાથે વાત કરતો હતો, એટલામાં પેલો બળવાન માણસ, ગાથનો પલિસ્તી ગોલ્યાથ, પલિસ્તીઓના સૈન્યમાંથી આગળ આવીને અગાઉના જેવા શબ્દો બોલવા લાગ્યો. અને દાઉદે તે સાંભળ્યાં.

24જયારે ઇઝરાયલના સર્વ માણસોએ તે માણસને જોયો, ત્યારે તેઓ તેની આગળથી જતા રહ્યા અને ઘણાં ભયભીત થયા.

25ઇઝરાયલના માણસોએ કહ્યું, “આ જે માણસ આગળ આવે છે તેને તમે જોયો છે? તે ઇઝરાયલનો તિરસ્કાર કરવા આવ્યો છે. અને જે માણસ તેને મારી નાખશે તેને રાજા ઘણાં દ્રવ્યથી દ્રવ્યવાન કરશે, તે પોતાની દીકરી સાથે તેનાં લગ્ન કરાવી આપશે, તેના પિતાના ઘરને ઇઝરાયલ મધ્યે સ્વતંત્ર કરશે.”

26દાઉદે પાસે ઊભેલા માણસોને કહ્યું કે, “જે માણસ આ પલિસ્તીને મારી નાખીને ઇઝરાયલમાંથી કલંક દૂર કરશે તેને શું મળશે? આ બેસુન્નત પલિસ્તી કોણ છે કે જીવતા ઈશ્વરના સૈન્યનો તે તિરસ્કાર કરે?”

27પછી લોકોએ તેને કહ્યું કે, “જે માણસ તેને મારી નાખશે તેને રાજા દ્રવ્ય આપશે. તેની સાથે પોતાની દીકરીના લગ્ન કરાવશે. તે તેના ઘરને ખાસ દરજ્જો આપશે.”

28તેના મોટા ભાઈ અલિયાબે તેને તે માણસો સાથે બોલતાં સાંભળ્યો. ત્યારે તેણે દાઉદ ઉપર સખત ગુસ્સે થઈને કહ્યું, “તું અહીં કેમ આવ્યો છે? તેં ઘેટાંને અરણ્યમાં કોની પાસે મૂક્યાં છે? હું તારા ગર્વને તથા તારા અંતઃકરણની દુષ્ટતાને જાણું છું; કેમ કે તું અહી લડાઈ જોવા માટે આવ્યો છે.”

29દાઉદે કહ્યું, “મેં ખોટું શું કર્યું છે? શું હું વિના કારણે બોલું છું?”

30તે તેની પાસેથી ફરીને બીજાની પાસે ગયો અને તેને તે જ પ્રમાણે કહ્યું. લોકોએ ફરીથી તેને અગાઉના જેવો જ જવાબ આપ્યો.

31જે શબ્દો દાઉદ બોલ્યો તે સાંભળીને સૈનિકોએ શાઉલની આગળ તેને કહીં સંભળાવ્યા. તેથી શાઉલે દાઉદને તેડાવ્યો.

32દાઉદે શાઉલને કહ્યું, “કોઈ માણસનું હૃદય પલિસ્તીને લીધે ઉદાસ ન થાઓ; તારો સેવક જઈને તે પલિસ્તી સાથે લડશે.”

33શાઉલે દાઉદને કહ્યું, “તું પલિસ્તીની સામે જઈને તેની સાથે લડવાને શક્તિમાન જણાતો નથી; કેમ કે તું તો કેવળ જુવાન છે પણ તે તો પોતાની જુવાનીથી લડવૈયો છે.”

34દાઉદે શાઉલને કહ્યું, “તારો સેવક પોતાના પિતાના ઘેટાં સાચવતો હતો. જયારે કોઈ સિંહ તથા રીંછ આવીને અને ટોળાંમાંના એક ઘેટાં પર ત્રાટકે,

35ત્યારે હું તેની પાછળ પડીને હુમલો કરતો અને તેના મુખમાંથી ઘેટાંને છોડાવતો. અને જયારે રીંછ કે સિંહ મારા પર હુમલો કરતો, ત્યારે હું તેઓની દાઢી પકડીને, તેઓના પર સામો ધસીને તેઓને મારી નાંખતો હતો.

36તારા સેવકે સિંહ તથા રીંછ બન્નેને મારી નાખ્યા છે. આ બેસુન્નત પલિસ્તીના હાલ પણ એમાંના એકના જેવા થશે, કેમ કે તેણે જીવતા ઈશ્વરના સૈન્યનો ધિક્કાર કર્યો છે.”

37દાઉદે કહ્યું, “જે ઈશ્વરે મને સિંહના પંજામાંથી અને રીંછના પંજામાંથી બચાવ્યો હતો. તે આ પલિસ્તીના હાથમાંથી મને બચાવશે.” પછી શાઉલે દાઉદને કહ્યું, “જા, ઈશ્વર તારી સાથે રહો.”

38શાઉલે પોતાનું કવચ દાઉદને પહેરાવ્યું. તેણે તેના માથા પર પિત્તળનો ટોપ મૂક્યો અને તેણે તેને કવચ પહેરાવ્યું.

39દાઉદે પોતાની તલવાર બખતર ઉપર બાંધી. પણ તેનાથી ચાલી શકાયું નહિ, કેમ કે તેને તે પહેરીને ચાલવાનો મહાવરો ન હતો. પછી દાઉદે શાઉલને કહ્યું, “હું આ પહેરીને લડાઈ માટે બહાર જઈ શકતો નથી, કેમ કે મેં બખતર પહેરીને લડાઈનો અનુભવ કર્યો નથી.” તેથી દાઉદે પોતાના શરીર ઉપરથી તે ઉતારી મૂક્યું.”

40તેણે પોતાની લાકડી પોતાના હાથમાં લીધી અને નાળાંમાંથી પાંચ સુંવાળા પથ્થરો પોતાને લીધા; તેણે પોતાની પાસે જે થેલી હતી તેમાં મૂક્યા. તેની ગોફણ તેના હાથમાં હતી તે પલિસ્તી તરફ તે ગયો.

41પલિસ્તી પોતાની ઢાલ ઊંચકનારને લઈને દાઉદની સામે આવ્યો.

42જયારે તે પલિસ્તીએ આજુ બાજુ જોઈને દાઉદને જોયો, ત્યારે તેણે તેને તુચ્છકાર્યો. કેમ કે તે ફક્ત જુવાન, રક્તવર્ણો તથા દેખાવમાં સુંદર હતો.

43પછી તે પલિસ્તીએ દાઉદને કહ્યું, “શું હું કૂતરો છું કે, તું લાકડીઓ લઈને મારી સામે આવ્યો છે?” અને તે પલિસ્તીએ પોતાના દેવોના નામે દાઉદને શાપ આપ્યો.

44તે પલિસ્તીએ દાઉદને કહ્યું, “મારી પાસે આવ અને હું તારું માંસ આકાશના પક્ષીઓને તથા વનચર પશુઓને આપું.”

45દાઉદે પલિસ્તીને જવાબ આપ્યો, “તું મારી પાસે તલવાર, ભાલો અને બરછી લઈને આવે છે. પણ હું પ્રભુ સર્વશક્તિમાન ઈશ્વર, ઇઝરાયલના સૈન્યોના ઈશ્વર જેમનો તુચ્છકાર તેં કર્યો છે તેમના નામે તારી પાસે આવું છું.

46આજે ઈશ્વર મને તારા પર વિજય અપાવશે, હું તને મારી નાખીશ અને તારું માથું તારા શરીર પરથી જુદું કરીશ. આજે હું પલિસ્તીઓના સૈન્યોના મૃતદેહોને આકાશના પક્ષીઓ તથા પૃથ્વીનાં જંગલી જાનવરોને આપીશ, કે જેથી આખી પૃથ્વી જાણે કે ઇઝરાયલમાં જ ઈશ્વર છે,

47અને આ સર્વ સમુદાય જાણે કે, ઈશ્વરે તલવાર અને બરછીથી વિજય અપાવ્યો નથી. કેમ કે યુદ્ધ તો ઈશ્વર લડે છે અને તે તમને અમારા હાથમાં પકડાવી દેશે.”

48જયારે તે પલિસ્તી ઊઠયો અને દાઉદ સામે લડવા સારુ પાસે આવવા લાગ્યો, ત્યારે દાઉદ ઉતાવળથી તે પલિસ્તીની સામે મળવાને સૈન્યની તરફ દોડીને ગયો.

49દાઉદે પોતાનો હાથ થેલીમાં નાખીને તેમાંથી એક પથ્થર લીધો, તેને ગોફણ દ્વારા વીંઝીને તે પલિસ્તીના કપાળમાં માર્યો. પથ્થર પલિસ્તીના કપાળમાં પેસી ગયો અને તે જમીન પર ઊંધા મોઢે પડયો.

50દાઉદ ગોફણ તથા પથ્થરથી તે પલિસ્તી પર જીત પામ્યો. તેણે પલિસ્તીને મારી નાખીને તેનો સંહાર કર્યો. પણ તેના હાથમાં તલવાર ન હતી.

51પછી દાઉદ દોડીને તે પલિસ્તી ઉપર ઊભો રહ્યો અને તેણે તેની તલવાર તેના મ્યાનમાંથી કાઢીને, તેના વડે તેને મારી નાખ્યો અને તેનું માથું તેના ધડથી કાપી નાખ્યું. જયારે પલિસ્તીઓએ જોયું કે તેઓનો બળવાન યોદ્ધો મરણ પામ્યો છે, ત્યારે તેઓ નાસી ગયા.

52પછી ઇઝરાયલના તથા યહૂદિયાના માણસો ઊઠીને હોકારો કરીને એક્રોનના દરવાજા સુધી અને ખીણ સુધી પલિસ્તીઓની પાછળ પડ્યા. અને શારાઈમના માર્ગ ઉપર ગાથ તથા એક્રોન સુધી પલિસ્તીઓના માણસો ઘાયલ થઈને પડયા.

53ઇઝરાયલના લોકોએ પલિસ્તીઓની પાછળ પડવાનું પડતું મૂકીને તેઓની છાવણી લૂંટી.

54દાઉદ પલિસ્તીનું માથું લઈને યરુશાલેમમાં આવ્યો, પણ તેણે તેનું કવચ તેણે પોતાના તંબુમાં મૂક્યું.

55જયારે શાઉલે દાઉદને પલિસ્તી સાથે લડવા જતા જોયો હતો, ત્યારે તેણે સેનાપતિ આબ્નેરને કહ્યું હતું કે, “આબ્નેર, આ જુવાન કોનો દીકરો છે?” આબ્નેરે કહેલું કે, “તારા જીવના સમ, રાજા, હું તેના વિષે કશું જાણતો નથી.”

56પછી રાજાએ કહ્યું, “જે કોઈ જાણતો હોય તેઓને પૂછ કે આ યુવાન કોનો દીકરો છે.?”

57જયારે દાઉદ તે પલિસ્તીનો સંહાર કરીને પાછો ફર્યો, ત્યારે આબ્નેર તેને શાઉલ પાસે લાવ્યો પલિસ્તીનું માથું દાઉદના હાથમાં હતું.

58શાઉલે તેને કહ્યું, “ઓ જુવાન, તું કોનો દીકરો છે?” અને દાઉદે જવાબ આપ્યો, “હું આપના સેવક યિશાઈ બેથલેહેમીનો દીકરો છું.”

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath