પિતરનો પહેલો પત્ર 1
1ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પિતર લખે છે કે, વેરવિખેર થઈને પોન્તસ, ગલાતિયા, કપાદોકિયા, આસિયા, અને બિથુનિયામાં પરદેશી તરીકે ઈશ્વરથી પસંદ કરેલાઓ;
2જેઓને ઈશ્વરપિતાના પૂર્વજ્ઞાન પ્રમાણે આત્માનાં પવિત્રીકરણથી આજ્ઞાકારી થવા અને ઈસુ ખ્રિસ્તનાં રક્તથી છંટકાવ પામવા સારુ પસંદ કરેલા છે, તેવા તમ સર્વ પર પુષ્કળ કૃપા તથા શાંતિ હો.
3આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર તથા પિતાની સ્તુતિ થાઓ; તેમણે પોતાની પુષ્કળ દયા પ્રમાણે મૂએલામાંથી ઈસુ ખ્રિસ્તનાં પુનરુત્થાન દ્વારા આપણને જીવંત આશાને સારુ,
4અવિનાશી, નિર્મળ તથા જર્જરિત ન થનારા વારસાને માટે આપણને નવો જન્મ આપ્યો છે, તે વારસો તમારે માટે સ્વર્ગમાં રાખી મૂકેલો છે.
5છેલ્લાં સમયમાં જે ઉદ્ધાર પ્રગટ થવાની તૈયારીમાં છે, તેને માટે ઈશ્વરના સામર્થ્ય વડે વિશ્વાસથી તમને સંભાળવામાં આવે છે.
6એમાં તમે બહુ આનંદ કરો છો, જોકે હમણાં થોડા સમય માટે વિવિધ પ્રકારનાં પરીક્ષણ થયાથી તમે દુઃખી છો.
7એ માટે કે તમારા વિશ્વાસની પરીક્ષા જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતાં વધુ મૂલ્યવાન છે, તે ઈસુ ખ્રિસ્તનાં પ્રગટ થવાની ઘડીએ સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય.
8તેમને ન જોયા છતાં પણ તમે તેમના પર પ્રેમ રાખો છો, જોકે અત્યારે તમે તેમને જોતાં નથી, તોપણ તેમના પર વિશ્વાસ રાખો છો અને તમે તેમનાંમાં અવર્ણનીય તથા મહિમા ભરેલા આનંદથી હરખાઓ છો.
9તમે પોતાના વિશ્વાસનું ફળ, એટલે આત્માઓનો ઉદ્ધાર પામો છો.
10જે પ્રબોધકોએ તમારા પરની કૃપા વિષે ભવિષ્યકથન કર્યું તેઓએ તે ઉદ્ધાર વિષે તપાસીને ખંતથી શોધ કરી.
11ખ્રિસ્તનો આત્મા જે તેઓમાં હતો તેણે ખ્રિસ્તનાં દુઃખ તથા તે પછીના મહિમા વિષે સાક્ષી આપી, ત્યારે તેણે કયો અથવા કેવો સમય બતાવ્યો તેનું સંશોધન તેઓ કરતા હતા.
12જે પ્રગટ કરાયું હતું તેનાથી તેઓએ પોતાની નહિ, પણ તમારી સેવા કરી. સ્વર્ગમાંથી મોકલાયેલા પવિત્ર આત્માની સહાયથી જેઓએ તમને સુવાર્તા પ્રગટ કરી તેઓ દ્વારા તે વાતો તમને હમણાં જણાવવાંમાં આવી; જે વાતોને જોવાની ઉત્કંઠા સ્વર્ગદૂતો પણ ધરાવે છે.
13એ માટે તમે પોતાના મનને નિયંત્રણમાં રાખો અને જે કૃપા ઈસુ ખ્રિસ્તનાં પ્રગટ થવાની ઘડીએ તમારા પર થશે તેની સંપૂર્ણ આશા રાખો.
14તમે આજ્ઞાકારી સંતાનો જેવા થાઓ, અને પોતાની અગાઉની અજ્ઞાન અવસ્થાની દુષ્ટ ઇચ્છાઓ પ્રમાણે ન ચાલો.
15પણ જેમણે તમને તેડ્યાં છે, તે જેવા પવિત્ર છે તેમના જેવા તમે પણ સર્વ વ્યવહારમાં પવિત્ર થાઓ.
16કેમ કે એમ લખ્યું છે કે, “હું પવિત્ર છું, માટે તમે પવિત્ર થાઓ.”
17અને જે પક્ષપાત વગર દરેકનાં કામ પ્રમાણે ન્યાય કરે છે, તેમને જો તમે પિતા કહીને વિનંતી કરો છો, તો તમારા અહીંના પ્રવાસનો સમય બીકમાં વિતાવો.
18કેમ કે તમે એ જાણો છો કે તમારા પિતૃઓથી ચાલ્યા આવતાં વ્યર્થ આચરણથી તમે નાશવંત વસ્તુઓ, એટલે રૂપા અથવા સોના વડે નહિ,
19પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન છે તેમના મૂલ્યવાન રક્તથી તમે ખરીદી લેવાયેલા છો.
20તેઓ તો સૃષ્ટિના પ્રારંભ પૂર્વે નિયુક્ત કરાયેલા હતા ખરા, પણ તમારે માટે આ છેલ્લાં સમયમાં પ્રગટ થયા.
21તેમને મારફતે તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, જેમણે તેમને મરણમાંથી ઉઠાડયા અને મહિમા આપ્યો, એ માટે કે તમારો વિશ્વાસ તથા આશા ઈશ્વર પર રહે.
22તમે સત્યને આધીન રહીને ભાઈ પરના નિષ્કપટ પ્રેમને માટે તમારાં મનને પવિત્ર કર્યા છે, માટે શુદ્ધ હૃદયથી એકબીજા પર આગ્રહથી પ્રેમ કરો.
23કેમ કે તમને વિનાશી બીજથી નહિ, પણ અવિનાશી બીજથી, ઈશ્વરના જીવંત તથા સદા ટકનાર વચન વડે નવો જન્મ આપવામાં આવ્યો છે.
24કેમ કે, ‘સર્વ લોકો ઘાસનાં જેવા છે અને મનુષ્યનો બધો વૈભવ ઘાસનાં ફૂલ જેવો છે. ઘાસ સુકાઈ જાય છે અને તેનું ફૂલ ખરી પડે છે,
25પણ પ્રભુનું વચન સદા રહે છે.’ જે સુવાર્તાનું વચન તમને પ્રગટ કરાયું તે એ જ છે.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath