ખ્રિસ્તી ધર્મ
પાછા

1 રાજાઓ 7

1સુલેમાનને પોતાનો મહેલ બાંધતાં તેર વર્ષ લાગ્યાં હતાં.

2તેણે જે રાજમહેલ બાંધ્યો તેનું નામ ‘લબાનોન વનગૃહ’ રાખ્યું. તેની લંબાઈ સો હાથ, પહોળાઈ પચાસ હાથ તથા તેની ઊંચાઈ ત્રીસ હાથ હતી. તે દેવદાર વૃક્ષના ચાર સ્તંભોની હારમાળાઓ પર બાંધેલું હતું.

3દર હારે પંદર પ્રમાણે સ્તંભો પરની પિસ્તાળીસ વળીઓ પર દેવદારનું આવરણ કરવામાં આવ્યું હતું.

4બારીઓની ત્રણ હાર હતી અને સામસામા પ્રકાશના ત્રણ માળ હતા.

5બધા દરવાજા તથા દરવાજાના ચોકઠાં સમચોરસ આકારના હતા અને તે એકબીજાની સામસામે પ્રકાશના ત્રણ માળ હતા.

6તેણે સ્તંભોથી પરસાળ બનાવી; તેની લંબાઈ પચાસ હાથ અને તેની પહોળાઈ ત્રીસ હાથ હતી. તેની આગળ પણ પરસાળ હતી, તેની આગળ સ્તંભો તથા જાડા મોભ હતા.

7સુલેમાને ન્યાય કરવા માટે ન્યાયાસન માટે એટલે ન્યાયની પરસાળ બનાવી. તળિયાથી તે મથાળા સુધી તેને દેવદારથી મઢવામાં આવી.

8સુલેમાનને રહેવાનો મહેલ, એટલે પરસાળની અંદરનું બીજું આંગણું, તે પણ તેવી જ કારીગરીનું હતું. ફારુનની દીકરી જેની સાથે તેણે લગ્ન કર્યું હતું. તેને માટે તેણે તે મહેલ બાંધ્યો.

9રાજમહેલના આ ઓરડાઓનાં બાંધકામ માટે અતિ મૂલ્યવાન પથ્થરો, એટલે માપ પ્રમાણે ઘડેલા તથા કરવતથી વહેરેલા પથ્થરનાં કરેલાં હતાં.

10તેનો પાયો કિંમતી પથ્થરોનો, એટલે મોટા દસ હાથનાં તથા આઠ હાથનાં પથ્થરોનો હતો.

11ઉપર કિંમતી પથ્થરો, એટલે માપ પ્રમાણે ઘડેલા પથ્થરો તથા દેવદારનાં લાકડાં હતા.

12યહોવાહના સભાસ્થાનની અંદરનાં આંગણાં તથા સભાસ્થાનની પરસાળની જેમ મોટા આંગણાની ચારેબાજુ ઘડેલા પથ્થરની ત્રણ હાર તથા દેવદારના મોભની એક હાર હતી.

13સુલેમાન રાજાના માણસો તૂરમાંથી હીરામને લઈ આવ્યા.

14હુરામ નફતાલી કુળની એક વિધવા સ્ત્રીનો દીકરો હતો. તેનો પિતા તૂરનો રહેવાસી હતો. તે પિત્તળનો કારીગર હતો. હુરામ પિત્તળનાં સર્વ કામ કરવામાં જ્ઞાન, અક્કલ તથા ચતુરાઈથી ભરપૂર હતો. તેણે સુલેમાન રાજાની પાસે આવીને તેનાં તમામ કામ કરી આપ્યાં.

15હુરામે પિત્તળના અઢાર હાથ ઊંચા બે સ્તંભો બનાવ્યા. દરેક સ્તંભોની આસપાસ ફરી વળવા બાર હાથ લાંબી દોરી જતી હતી.

16સ્તંભની ટોચ પર મૂકવા માટે તેણે પિત્તળના બે કળશ બનાવ્યા; દરેકની ઊંચાઈ પાંચ હાથ હતી.

17સ્તંભની ટોચો પરના કળશને શણગારવા માટે પિત્તળની સાંકળીઓ વડે ઝાલરો બનાવી. દરેક કળશની ચારેબાજુ પિત્તળની સાત સાંકળો બનાવેલી હતી.

18આ પ્રમાણે હુરામે બે સ્તંભો બનાવ્યા. હુરામે એક સ્તંભની ટોચ પરનો કળશ ઢાંકવાની જે જાળી તે પર ચારેબાજુ દાડમની બે હારમાળા બનાવી, બીજા કળશ માટે પણ તેણે એમ જ કર્યું.

19પરસાળમાંના સ્તંભની ટોચો પરના કળશ તે કમળના જેવા કોતરકામના હતા, તે ચાર હાથ લાંબા હતા.

20એ બે સ્તંભની ટોચો પર પણ એટલે જાળીની છેક પાસેના ભાગે કળશ હતા અને બીજા કળશ પર ચારેબાજુ બસો દાડમ હારબંધ બનાવેલાં હતા.

21તેણે સ્તંભો સભાસ્થાનની પરસાળ આગળ ઊભા કર્યા. જમણે હાથે આવેલા સ્તંભનું નામ યાખીન પાડ્યું અને ડાબે હાથે આવેલા સ્તંભનું નામ બોઆઝ પાડ્યું.

22સ્તંભની ટોચ પર કમળનું કોતરકામ હતું. એમ સ્તંભો બાંધવાનું કામ પૂર્ણ થયું.

23હુરામે ભરતરનો હોજ બનાવ્યો. તેનો વ્યાસ એક ધારથી તે સામી ધાર સુધી દસ હાથ હતો. તેનો આકાર ગોળાકાર હતો, તેની ઊંચાઈ પાંચ હાથ હતી. તેની આસપાસ ત્રીસ હાથની દોરી ફરી વળતી હતી.

24તેની ધારની નીચે ચારે તરફ ફરતી કળીઓ પાડેલી હતી, દર હાથે દસ કળીઓ પ્રમાણે હોજની આસપાસ પાડેલી હતી. એ કળીઓની બે હારો હોજની સાથે જ ઢાળવામાં આવી હતી.

25હોજ બાર બળદના શિલ્પ પર મૂકેલો હતો. એ બળદોનાં ત્રણનાં મુખ ઉત્તર તરફ, ત્રણનાં દક્ષિણ તરફ, ત્રણનાં પશ્ચિમ તરફ અને ત્રણનાં પૂર્વ તરફ હતાં. હોજ તેમના પર મૂકેલો હતો અને તે બધાની પૂઠો અંદરની બાજુએ હતી.

26હોજની જાડાઈ ચાર આંગળ જેટલી હતી, તેની ધારની બનાવટ વાટકાની ધારની બનાવટની જેમ કમળના ફૂલ જેવી હતી. હોજ બે હજાર બાથ પાણી સમાઈ શકે એટલી ક્ષમતા ધરાવતો હતો.

27તેણે પિત્તળના દસ ચોતરા બનાવ્યા. દરેક ચોતરાની લંબાઈ ચાર હાથ અને તેની ઊંચાઈ ત્રણ હાથ હતી.

28તે ચોતરાની બનાવટ આ પ્રમાણે હતી. તેઓને તકતીઓ હતી અને તકતીઓ ચોકઠાંની વચ્ચે હતી.

29ચોકઠાંની વચ્ચેની તકતીઓ પર, સિંહો, બળદો તથા કરુબો કોતરેલા હતા. ઉપલી કિનારીઓથી ઉપર બેસણી હતી. સિંહો તથા બળદોની નીચે ઝાલરો લટકતી હતી.

30તે દરેક ચોતરાને પિત્તળનાં ચાર પૈડાં અને પિત્તળની ધરીઓ હતી. તેના ચાર પાયાને ટેકો હતો. એ ટેકા કૂંડાની નીચે ભરતરના બનાવેલા હતા અને દરેકની બાજુએ ઝાલરો હતી.

31મથાળાનું ખામણું અંદરની તરફ ઉપર સુધી એક હાથનું હતું. અને તેનું ખામણું બેસણીની બનાવટ પ્રમાણે ગોળ તથા ઘેરાવામાં દોઢ હાથ હતું. તેના કાના પર કોતરકામ હતું અને તેમની તકતીઓ ગોળ નહિ પણ ચોરસ હતી.

32ચાર પૈડાં તકતીઓની નીચે હતાં. પૈડાંની ધરીઓ ચોતરામાં જડેલી હતી. દરેક પૈડાંની ઊંચાઈ દોઢ હાથ હતી.

33પૈડાંની બનાવટ રથના પૈડાંની બનાવટ જેવી હતી. તેમની ધરીઓ, તેમની વાટો, તેમના આરા તથા તેમનાં નાભિચક્કરો એ બધા ઢાળેલાં હતાં.

34દરેક ચોતરાને ચાર ખૂણે ચાર ટેકાઓ હતા, તેના ટેકા ચોતરાની સાથે જ સળંગ બનાવેલા હતા.

35ચોતરાને મથાળે અડધો હાથ ઊંચો ઘુંમટ હતો. ચોતરાને મથાળે તેના ટેકા અને તેની તકતીઓ તેની સાથે સળંગ હતાં.

36તે પાટિયાં પર જયાં ખાલી જગ્યા હતી ત્યાં કરુબ, સિંહો અને ખજૂરનાં વૃક્ષો કોતરેલાં હતાં અને તેની ફરતે ઝાલરો હતી.

37આ રીતે તેણે દસ ચોતરા બનાવ્યા. તે બધા જ ઘાટમાં, માપમાં અને આકારમાં એક સરખા હતા.

38તેણે પિત્તળનાં દસ કૂંડાં બનાવ્યાં. દરેક કૂંડામાં ચાળીસ બાથ પાણી સમાતું હતું. તે દરેક કૂંડું ચાર હાથનું હતું. પેલા દશ ચોતરામાંના પ્રત્યેક પર એક કૂંડું હતું.

39તેણે પાંચ કૂંડાં સભાસ્થાનની દક્ષિણ તરફ અને બીજા પાંચ કૂંડા ઉત્તર તરફ મૂક્યાં. તેણે હોજને સભાસ્થાનની જમણી દિશાએ અગ્નિખૂણા પર રાખ્યો.

40તે ઉપરાંત હીરામે કૂંડાં, પાવડા તથા છંટકાવ માટેના વાટકા બનાવ્યા. આ પ્રમાણે હુરામે સઘળું કામ પૂરું કર્યું કે જે તેણે સુલેમાન રાજાને માટે યહોવાહનું ભક્તિસ્થાનમાં કર્યું હતું.

41એટલે બે સ્તંભો, સ્તંભોની ટોચ પરના કળશના બે ઘુંમટ તથા સ્તંભોની ટોચ પરના કળશના બે ઘુંમટ ઢાંકવા બે જાળી બનાવી હતી.

42તેણે તે બે જાળીને માટે ચારસો દાડમ; એટલે થાંભલાની ટોચ પરના બે કળશના બન્ને ઘુંમટ ઢાંકવાની પ્રત્યેક જાળીને માટે દાડમની બબ્બે હારો;

43દસ ચોતરા અને તેને માટે દસ કૂંડાં બનાવ્યાં.

44તેણે એક મોટો હોજ અને તેની નીચેના બાર બળદો બનાવ્યા.

45હીરામે દેગડા, પાવડા, વાસણો અને બીજા બધાં સાધનો યહોવાહનો ભક્તિસ્થાનના વપરાશ તથા રાજા સુલેમાન માટે ચળકતા પિત્તળનાં બનાવ્યાં હતાં.

46રાજાએ યર્દન નદીના સપાટ પ્રદેશમાં સુક્કોથ અને સારેથાનની વચ્ચે ચીકણી માટીમાં તેનો ઘાટ ઘડ્યો.

47સુલેમાને એ સર્વ વજન કર્યા વિના રહેવા દીધાં, કારણ તેમની સંખ્યા ઘણી હતી. તેથી પિત્તળનું કુલ વજન જાણી શકાયું નહિ.

48સુલેમાને યહોવાહના ભક્તિસ્થાન માટે પાત્રો બનાવ્યાં એટલે સોનાની વેદી અને જેના પર અર્પિત રોટલી રહેતી હતી તે સોનાનો બાજઠ;

49તેણે શુદ્ધ સોનાનાં પાંચ દીપવૃક્ષ દક્ષિણ બાજુએ અને બીજાં પાંચ ઉત્તર બાજુએ પરમ પવિત્રસ્થાનની સામે મૂક્યાં. દરેક પર ફૂલો, દીવીઓ અને ચીપિયાઓ હતાં જે બધાં સોનાનાં બનેલાં હતાં.

50શુદ્વ સોનાના પ્યાલા, કાતરો, તપેલાં, વાટકા, અને ધૂપદાનીઓ; અને અંદરનાં ઘરનાં એટલે પરમપવિત્રસ્થાનના બારણાં માટે મિજાગરાં પણ સોનાનાં બનાવડાવ્યાં.

51આમ યહોવાહના સભાસ્થાનનું બાંધકામ પૂર્ણ થયું. અને સુલેમાન રાજાએ તેના પિતા દાઉદે અર્પણ કરેલાં સોનાનાં અને ચાંદીનાં પાત્રો લઈ જઈને યહોવાહના ભક્તિસ્થાનના ભંડારમાં મૂક્યાં.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath