ખ્રિસ્તી ધર્મ
પાછા

1 રાજાઓ 6

1ઇઝરાયલીઓ મિસર દેશમાંથી ચારસો એંશી વર્ષ પૂરાં થયા પછી ત્યાંથી બહાર આવ્યા. રાજા સુલેમાનના ઇઝરાયલ પરના શાસનના ચોથા વર્ષના ઝીવ માસમાં એટલે બીજા માસમાં તેણે ઈશ્વરના સભાસ્થાનનું બાંધકામ શરૂ કર્યું.

2રાજા સુલેમાને જે ભક્તિસ્થાન યહોવાહ માટે બંધાવ્યુ તેની લંબાઈ સાઠ હાથ, પહોળાઈ વીસ હાથ અને ઊંચાઈ ત્રીસ હાથ હતી.

3ભક્તિસ્થાનના સભાખંડના સામેના પરસાળની પહોળાઈ વીસ હાથ અને લંબાઈ દસ હાથ હતી.

4તેણે સભાસ્થાનને માટે જાળીવાળી સાંકડી બારીઓ બનાવડાવી.

5તેણે સભાસ્થાનની તેમ જ પરમપવિત્ર સ્થાનની દીવાલોની ચારેબાજુ માળ બનાવ્યા. તેણે તેની ચારેબાજુએ ઓરડીઓ બનાવી.

6સૌથી નીચેના માળની પહોળાઈ સાડા સાત હાથ, વચ્ચેના માળની છ હાથ અને ત્રીજા માળની પહોળાઈ પાંચ હાથ હતી. કેમ કે મોભને માટે સભાસ્થાનની દીવાલોમાં ખાંચા પાડવા ના પડે માટે તેણે સભાસ્થાનની બહારની બાજુએ ફરતી કાંગરી મૂકી હતી.

7ભક્તિસ્થાન બાંધતી વખતે પથ્થરો ખાણમાંથી તૈયાર કરીને લાવવામાં આવતા; અને તેને બાંધતી વખતે તેમાં હથોડી, કુહાડી કે લોઢાના કોઈપણ હથિયારનો અવાજ સંભળાતો ન હતો.

8ભોંયતળિયાનું પ્રવેશદ્વાર સભાસ્થાનની દક્ષિણ બાજુએ આવેલું હતું. ત્યાં વચલા માળે જવા વળાંકવાળી એક ગોળાકાર સીડી હતી અને વચલા માળેથી સૌથી ઉપલે માળે જવાતું હતું.

9સુલેમાને સભાસ્થાનનું બાંધકામ પૂરું કર્યું અને તેણે દેવદારના પાટડા અને પાટિયામાંથી સભાસ્થાનની છત બનાવી.

10તેણે ભક્તિસ્થાનના અંદરના સભાખંડની સામે માળ બનાવ્યા. તે દરેકની ઊંચાઈ પાંચ હાથ હતી. તે માળનો આધાર દેવદારના લાકડા વડે ભક્તિસ્થાન પર રહેલો હતો.

11પછી યહોવાહનું વચન સુલેમાન પાસે આવ્યું;

12“તેં મારા માટે આ જે ભક્તિસ્થાન બાંધ્યું છે તે સંબંધી, જો તું મારા વિધિઓ પ્રમાણે ચાલીશ અને મારી બધી આજ્ઞાઓનું નિષ્ઠાપૂર્વક પાલન કરીશ તો મેં તારા પિતા દાઉદને તારા વિષે જે વચન આપ્યું હતું તે હું પાળીશ.

13હું ઇઝરાયલીઓ વચ્ચે રહીશ અને તેઓને તજી દઈશ નહિ.”

14આમ, સુલેમાને સભાસ્થાનનું બાંધકામ પૂરું કર્યું.

15પછી તેણે સભાસ્થાનની અંદરની દીવાલોને દેવદારના પાટિયાની બનાવી. ભોંયતળિયાથી છત સુધી તેણે તે દીવાલો ઉપર અંદરની બાજુએ લાકડાંનું અસ્તર કર્યું; તેણે સભાસ્થાનનું ભોંયતળિયુ દેવદારનાં પાટિયાનું બનાવ્યું.

16સભાસ્થાનની પાછળની બાજુ તેણે વીસ હાથ લાંબી એક ઓરડી બાંધી. તેણે તળિયેથી છેક છત સુધીની દીવાલો દેવદારની બનાવી. એ દીવાલો તેણે આ પરમપવિત્ર સ્થાન માટે અંદરની બાજુએ બનાવી.

17મુખ્ય સભાખંડ એટલે પરમપવિત્રસ્થાનની સામેના પવિત્ર સ્થાનની લંબાઈ ચાલીસ હાથ હતી.

18ભક્તિસ્થાનના અંદરની બાજુના હિસ્સામાં દેવદારના લાકડા પર કળીઓ તથા ખીલેલાં ફૂલો કોતરેલાં હતાં. ત્યાં અંદરના ભાગમાં ક્યાંય પણ પથ્થરનું કામ દેખાતું ન હતું. ક્યાંય એક પણ પથ્થર દેખાતો નહોતો.

19સુલેમાને યહોવાહનો કરારકોશ મૂકવા માટે સભાસ્થાનની અંદરની બાજુએ પરમપવિત્રસ્થાન બનાવ્યું.

20પરમપવિત્રસ્થાનની લંબાઈ વીસ હાથ, પહોળાઈ વીસ હાથ અને ઊંચાઈ વિસ હાથ હતી. તેણે તેની દીવાલોને શુદ્વ સોનાથી અને તેની વેદીને દેવદારના લાકડાથી મઢી હતી.

21પછી સુલેમાને સભાસ્થાનની અંદરની દીવાલોને શુદ્ધ સોનાથી મઢી. તેણે પરમપવિત્રસ્થાનની આગળ પ્રવેશદ્વારના એક છેડેથી બીજા છેડા સુધી સોનાની સાંકળો મૂકી અને આગળના ભાગને સોનાથી મઢ્યો.

22આમ, સુલેમાને સભાસ્થાનનો અંદરનો આખો ભાગ સોનાથી મઢી લીધો. તેણે પરમપવિત્રસ્થાનની આખી વેદીને પણ સોનાથી મઢી લીધી.

23સુલેમાને પરમપવિત્રસ્થાનમાં જૈતૂનનાં લાકડામાંથી બનાવેલા બે કરુબ બનાવ્યા. તે દરેકની ઊંચાઈ દસ હાથ હતી.

24દરેક કરુબને બે પાંખ હતી અને તે દરેક પાંખની લંબાઈ પાંચ હાથ હતી; દરેકની એક પાંખથી બીજી પાંખના છેડાઓ વચ્ચેનું અંતર દસ હાથ હતું.

25બીજા કરુબની બે પાંખો વચ્ચેનું અંતર પણ દસ હાથ હતું, બન્ને કરુબો કદ અને આકારમાં સરખા જ હતા.

26બન્ને કરુબની ઊંચાઈ દસ હાથ હતી.

27સુલેમાને એ બન્ને કરુબોને ભક્તિસ્થાનના પરમપવિત્રસ્થાનમાં ગોઠવ્યા હતા. કરુબની પાંખો ફેલાયેલી હતી, તેથી એક કરુબની પાંખ એક દીવાલને અને બીજા કરુબની પાંખ બીજી દીવાલને સ્પર્શતી હતી અને તેઓની બીજી પાંખો ખંડની વચ્ચોવચ્ચ એકબીજાને સ્પર્શતી હતી.

28સુલેમાને તે કરુબોને સોનાથી મઢાવ્યા હતા.

29તેણે સભાસ્થાનની સર્વ ઓરડીઓની દીવાલો પર અંદર તેમ જ બહાર કરુબો, ખજૂરી વૃક્ષો અને ખીલેલાં ફૂલોનું કોતરકામ કરાવેલું હતું.

30તેણે સભાસ્થાનની અંદરની તથા બહારની ઓરડીઓનાં ભોંયતળિયાં સોનાથી મઢ્યાં હતાં.

31પરમપવિત્રસ્થાનના પ્રવેશ માટે સુલેમાને જૈતૂનનાં લાકડાંના દરવાજા બનાવ્યા હતા. ઉંબરો અને બારસાખ દીવાલના પાંચમા ભાગ જેટલાં હતાં.

32આમ તેણે બે દરવાજા જૈતૂનનાં લાકડાંથી બનાવ્યા અને બન્ને દરવાજા પર કરુબો, ખજૂરીનાં વૃક્ષો અને ખીલેલા ફૂલોનું કોતરકામ કરીને તેને સોનાથી મઢી દીધાં હતાં.

33એ જ રીતે ભક્તિસ્થાનના દરવાજા માટે પણ જૈતૂનનાં લાકડાની બારસાખ દીવાલના ચોથા ભાગ જેટલી બનાવી.

34દરવાજાનાં બે કમાડ દેવદારનાં લાકડાંનાં પાટિયાંમાંથી બનાવ્યાં હતાં. દરેક દરવાજાના બે ભાગ હતા અને એક પર એક વાળી શકાતા હતા.

35એ દરવાજાઓ પર કરુબ, ખજૂરીનાં વૃક્ષો અને ખીલેલાં ફૂલોનું કોતરકામ કરીને તેને સોનાથી મઢ્યા હતા.

36તેણે ઘસીને ચકચકિત કરેલા પથ્થરોની ત્રણ હાર અને દેવદારના મોભની એક હાર વડે અંદરનો ચોક બનાવ્યો.

37ચોથા વર્ષના ઝીવ માસમાં યહોવાહના સભાસ્થાનનો પાયો નાખવામાં આવ્યો હતો.

38અગિયારમા વર્ષના આઠમા માસમાં, એટલે કે બુલ માસમાં સભાસ્થાનનું સર્વ બાંધકામ તેના બધા ભાગો સહિત, સંપૂર્ણ નમૂના પ્રમાણે અને તેની વિશેષતા સાથે પૂરું થયું. આમ સુલેમાનને સભાસ્થાનનું બાંધકામ પૂર્ણ કરતાં સાત વર્ષ લાગ્યાં હતાં.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath