1 રાજાઓ 19
1એલિયાએ જે કંઈ કર્યું હતું તે અને તેણે કેવી રીતે સઘળા પ્રબોધકોને તલવારથી મારી નાખ્યા હતા, તે પણ આહાબે ઇઝબેલને કહ્યું.
2પછી ઇઝબેલે સંદેશવાહક મોકલીને એલિયાને કહેવડાવ્યું કે, “જેમ તેં તે પ્રબોધકોના પ્રાણ લીધા છે તેમ હું પણ તારા પ્રાણ આવતી કાલે રાત્રે આવી જ રીતે આ સમયે લઈશ. જો હું તેમ ના કરું તો દેવ એવું જ અને તેનાથી પણ વધારે કરો.”
3જયારે એલિયાએ તે સાંભળ્યું ત્યારે તે પોતાનો જીવ બચાવવા યહૂદિયામાં આવેલા બેરશેબા નગરમાં નાસી ગયો અને તેણે પોતાના ચાકરને ત્યાં રાખ્યો.
4પણ પોતે એક દિવસની મુસાફરી જેટલે દૂર અરણ્યમાં ગયો, ત્યાં તે એક રોતેમ વૃક્ષની નીચે બેઠો અને તે પોતે મૃત્યુ પામે તેવી પ્રાર્થના કરી. તેણે કહ્યું, “હવે બસ થયું, હે યહોવાહ ઈશ્વર, મારો પ્રાણ લઈ લો, હું મારા પિતૃઓથી જરાય સારો નથી.”
5પછી તે રોતેમ વૃક્ષ નીચે આડો પડયો અને ઊંઘી ગયો, તે ઊંઘતો હતો, ત્યારે એક દૂતે તેને સ્પર્શ કરીને કહ્યું, “ઊઠ અને ખાઈ લે.”
6એલિયાએ જોયું, તો નજીક અંગારા પર શેકેલી રોટલી અને પાણીનો કૂંજો તેના માથા પાસે હતો. તે ખાઈ પીને પાછો સૂઈ ગયો.
7યહોવાહના દૂતે બીજી વાર આવીને તેને સ્પર્શ કરીને કહ્યું, “ઊઠ અને ખાઈ લે, તારે લાંબી મુસાફરી કરવાની છે.”
8તેથી તેણે ઊઠીને ખાધું. પાણી પીધું અને તે ખોરાકથી મળેલી શક્તિથી તે ચાળીસ દિવસ અને ચાળીસ રાત મુસાફરી કરીને યહોવાહના પર્વત હોરેબ સુધી પહોંચ્યો.
9તેણે એક ગુફામાં જઈને ત્યાં ઉતારો કર્યો. પછી યહોવાહનું એવું વચન તેની પાસે આવ્યું કે, “એલિયા, તું અહીં શું કરી રહ્યો છે?”
10એલિયાએ જવાબ આપ્યો, “સૈન્યોના ઈશ્વર યહોવાહને સારુ હું ઘણો ઝનૂની છું, કેમ કે ઇઝરાયલના લોકોએ તમારા કરારનો ત્યાગ કર્યો છે. તમારી વેદીઓને તોડી નાખી છે અને તમારા પ્રબોધકોને તલવારથી મારી નાખ્યા છે. અને હવે હું એકલો જ બચી ગયો છું. તેઓ મારો પણ જીવ લેવા મને શોધે છે.”
11યહોવાહે જવાબ આપ્યો, “બહાર જા અને પર્વત પર યહોવાહની ઉપસ્થિતિમાં ઊભો રહે.” પછી યહોવાહ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. પ્રચંડ પવન પર્વતોને ધ્રુજાવતો અને યહોવાહની સંમુખ ખડકોના ટુકડેટુકડાં કરતો હતો. પરંતુ યહોવાહ તે પવનમાં નહોતા. પવન પછી ભૂકંપ થયો, પરંતુ યહોવાહ એ ભૂકંપમાં પણ નહોતા.
12ભૂકંપ પછી અગ્નિ પ્રગટ્યો. પણ યહોવાહ એ અગ્નિમાં પણ નહોતા, અગ્નિ પછી ત્યાં એક ઝીણો અવાજ સંભળાવ્યો.
13જ્યારે એલિયાએ આ અવાજ સાંભળ્યો ત્યારે પોતાના ઝભ્ભાથી તેણે પોતાનું મુખ ઢાંકી દીધું અને બહાર નીકળીને તે ગુફાના બારણા આગળ ઊભો રહ્યો. પછી ત્યાં તેને ફરીથી અવાજ સંભળાયો, “એલિયા, તું અહીં શું કરે છે?”
14તેણે ફરીથી જવાબ આપ્યો, “સૈન્યોના ઈશ્વર યહોવાહને સારુ હું ઘણો ઝનૂની છું. કેમ કે ઇઝરાયલના લોકોએ તમારા કરારનો ત્યાગ કર્યો છે. તમારી વેદીઓને તોડી નાખી છે અને તમારા પ્રબોધકોને તલવારથી મારી નાખ્યા છે. અને હવે હું એકલો જ બચી ગયો છું. તેઓ મારો પણ જીવ લેવા મને શોધી રહ્યો છે.”
15પછી યહોવાહે તેને કહ્યું, “અરણ્યને માર્ગે થઈને દમસ્કસ પાછો જા અને જયારે તું ત્યાં પહોંચે ત્યારે હઝાએલનો અભિષેક કરીને તેને અરામનો રાજા ઠરાવજે.
16નિમ્શીના દીકરા યેહૂનો અભિષેક કરીને તેને ઇઝરાયલનો રાજા ઠરાવજે. અને આબેલ-મહોલાવાસી શાફાટના દીકરા એલિશાનો અભિષેક કરીને તેને તારી જગ્યાએ પ્રબોધક ઠરાવજે.
17અને એમ થશે કે હઝાએલની તલવારથી જે કોઈ બચી જશે તેને યેહૂ મારી નાખશે અને યેહૂની તલવારથી જે કોઈ બચી જશે તેને એલિશા મારી નાખશે.
18પણ હું મારે માટે ઇઝરાયલમાં એવા સાત હજારને બચાવીશ કે જે સર્વનાં ઘૂંટણ બઆલની આગળ નમ્યાં નથી અને જેઓમાંના કોઈનાં મુખે તેને ચુંબન કર્યું નથી.”
19તેથી એલિયા ત્યાંથી રવાના થયો અને તેને શાફાટનો દીકરો એલિશા મળ્યો. ત્યારે તે તેને ખેતર ખેડતો હતો. એની આગળ બાર જોડ બળદ હતા અને તે પોતે બારમી જોડની સાથે હતો. એલિયાએ તેની પાસે જઈને પોતાનો ઝભ્ભો તેના પર નાખ્યો.
20પછી એલિશા બળદોને મૂકીને એલિયાની પાછળ દોડ્યો અને કહેવા લાગ્યો, “કૃપા કરીને મને મારા માતા પિતાને વિદાયનું ચુંબન કરવા જવા દે, પછી હું તારી પાછળ આવીશ.” પછી એલિયાએ તેને કહ્યું, “સારું, પાછો જા, પણ મેં તારા માટે જે કર્યું છે તેનો વિચાર કરજે.”
21તેથી એલિશા એલિયાની પાછળ ન જતાં પાછો વળ્યો. તેણે બળદની એક જોડ લઈને તે બે બળદને કાપીને ઝૂંસરીના લાકડાંથી તેઓનું માંસ બાફ્યું. તેનું ભોજન બનાવીને લોકોને પીરસ્યું. અને તેઓએ તે ખાધું. પછી તે ઊઠીને એલિયાની પાછળ ગયો અને તેની સેવા કરી.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath