ખ્રિસ્તી ધર્મ
પાછા

1 રાજાઓ 13

1યહોવાહના વચનથી એક ઈશ્વરભક્ત યહૂદિયામાંથી બેથેલ આવ્યો. જયારે યરોબામ ધૂપ બળવા માટે વેદી પાસે ઊભો હતો.

2ત્યારે યહોવાહના વચનથી ઈશ્વરભક્તે વેદી સામે પોકારીને કહ્યું, “વેદી, વેદી યહોવાહ કહે છે; ‘જુઓ, દાઉદના કુટુંબમાં યોશિયા નામે એક દીકરો જનમશે, તે તારા પર ધૂપ બાળનાર ઉચ્ચસ્થાનોના યાજકોનો યજ્ઞ તારી જ ઉપર કરશે અને લોકો તારા પર માણસનાં હાડકાં બાળશે.’

3પછી તે જ દિવસે ઈશ્વરના ભક્તે ચિહ્ન આપીને કહ્યું, “ઈશ્વરે જે ચિહ્ન આપીને કહ્યું છે: ‘જુઓ, આ વેદી તૂટી જશે અને તેના પરની રાખ ફેલાઈ જશે.”

4જયારે રાજાએ બેથેલની સામેની વેદીથી ઈશ્વરભક્તે પોકારેલી વાણી સાંભળી ત્યારે યરોબામે વેદી પાસેથી પોતાનો હાથ ઈશ્વરભક્ત તરફ લાંબો કરીને કહ્યું, “તેને પકડો.” પણ તેનો જે હાથ તેણે ઈશ્વરભક્ત તરફ લંબાવ્યો હતો તે સુકાઈ ગયો અને તેથી તે પોતાના હાથને પાછો ખેંચી શકયો નહિ.

5તે સમયે જે ચિહ્ન ઈશ્વરભક્તે ઈશ્વરના વચન પ્રમાણે આપ્યું હતું તે પ્રમાણે વેદીમાં મોટી તિરાડ પડી અને તેના પરની રાખ વેરાઈ ગઈ.

6યરોબામ રાજાએ ઈશ્વરભક્તને જવાબ આપ્યો, “તારા ઈશ્વર, યહોવાહની કૃપા માટે આજીજી કર અને મારા માટે પ્રાર્થના કર, જેથી મારો હાથ ફરીથી સાજો થાય.” તેથી ઈશ્વરભક્તે યહોવાહને પ્રાર્થના કરી, એટલે રાજા સાજો થયો અને તેનો હાથ અગાઉના જેવો થઈ ગયો.

7રાજાએ ઈશ્વરભક્તને કહ્યું, “મારી સાથે મારા મહેલમાં આવ, ત્યાં આરામ કર અને ભોજન લે. તેં મારો હાથ સાજો કર્યો છે તે માટે હું તને ભેટ આપીશ.”

8પણ ઈશ્વરભક્તે રાજાને કહ્યું, “જો તું મને તારી અડધી સંપત્તિ આપે, તો પણ હું તારી સાથે નહિ જાઉં, આ જગ્યાએ હું કશું ખાઈશ કે પીશ નહિ.

9કારણ, મને યહોવાહની આજ્ઞા આપી છે કે, ‘તારે રોટલી ખાવી નહિ તેમ જ પાણી પણ પીવું નહિ અને જે રસ્તેથી તું આવ્યો છે તે રસ્તે પાછા જવું નહિ.’

10તેથી ઈશ્વરભક્ત બીજે રસ્તે પાછો ગયો; જે રસ્તે બેથેલ આવ્યો હતો તે રસ્તે પાછો ન ગયો.

11હવે ત્યાં બેથેલમાં એક વૃદ્વ પ્રબોધક રહેતો હતો અને તેના પુત્રોમાંના એકે આવીને તેને ઈશ્વરભક્તે બેથેલમાં જે સઘળું કર્યુ હતું તે અને તેણે રાજાને જે કહ્યું હતું તે સર્વ જણાવ્યું.

12તેઓના પિતાએ તેઓને પૂછ્યું, “તે કયા માર્ગે ગયો?” હવે યહૂદિયામાંથી આવેલો ઈશ્વરભક્ત કયા માર્ગે ગયો હતો તે તેના પુત્રોએ તેમને બતાવ્યાં .

13તેથી તેણે તેના પુત્રોને કહ્યું, “જલ્દીથી મારા માટે ગધેડા પર જીન બાંધો.” તેઓએ તેને માટે ગધેડા પર જીન બાંધ્યું. પછી તેણે તેના પર સવારી કરી.

14પછી તે વૃદ્વ પ્રબોધક પેલા ઈશ્વરભક્તના પાછળ ગયો અને તેને એક એલોન વૃક્ષની નીચે બેઠેલો જોયો. તેણે તેને પૂછ્યું, “શું તું યહૂદિયાથી આવેલો ઈશ્વરભક્ત છે?” તેણે જવાબ આપ્યો, “હા, હું તે જ છું.”

15પછી વૃદ્વ પ્રબોધકે તેને કહ્યું, “મારી સાથે મારે ઘરે આવ અને ભોજન લે.”

16ઈશ્વરભક્તે જવાબ આપ્યો, “હું તારી સાથે પાછો નહિ આવું અને તારા ઘરમાં નહિ જાઉં, તેમ જ હું આ જગ્યાએ તારી સાથે રોટલી પણ નહિ ખાઉં અને પાણી પણ નહિ પીઉં,

17કેમ કે યહોવાહે મને આજ્ઞા આપી છે કે, ‘તારે ત્યાં રોટલી ખાવી નહિ અને પાણી પણ પીવું નહિ તેમ જ જે માર્ગેથી તું આવ્યો છે તે માર્ગે થઈને પાછા આવવું નહિ.’”

18તેથી વૃદ્વ પ્રબોધકે તેને કહ્યું, “હું પણ તારા જેવો પ્રબોધક છું અને આજે યહોવાહનો વચન આપતા એક દૂતે મને કહ્યું છે કે, ‘તેને તારી સાથે તારા ઘરમાં લઈ આવ, કે જેથી તે ખાય અને પાણી પીવે.’ પણ ખરેખર તો તે વૃદ્વ પ્રબોધક તેને જૂઠું કહેતો હતો.

19તેથી તેઓ બન્ને પાછા ફર્યા અને ઈશ્વરભક્તે પેલા વૃદ્વ પ્રબોધકના ઘરે જઈને ત્યાં ખાધું પીધું.

20તેઓ હજુ મેજ પર બેઠા જ હતા ત્યારે ઈશ્વરભક્તને પાછો લાવનાર વૃદ્ધ પ્રબોધકને યહોવાહની વાણી સંભળાઈ.

21અને તેણે યહૂદિયાથી આવેલા ઈશ્વરભક્તને કહ્યું “યહોવાહ એવું કહે છે કે, તેં યહોવાહની આજ્ઞા પાળી નથી અને તને આપેલી આજ્ઞાનો અનાદર કર્યો છે.

22તને યહોવાહે ના પાડી હતી કે તારે ખાવું નહિ તેમ જ પાણી પણ પીવું નહિ, પણ તું પાછો ફર્યો અને તેં ખાધું તથા પાણી પીધું. તેથી તારો મૃતદેહ તારા પિતૃઓ સાથે દફનાવાશે નહિ.’”

23તેણે રોટલી ખાધી અને પાણી પી રહ્યા પછી વૃદ્વ પ્રબોધકે ઈશ્વરભક્ત માટે ગધેડા પર જીન બાંધ્યું.

24જયારે તે ઈશ્વરભક્ત જતો હતો ત્યારે માર્ગમાં એક સિંહે તેને મારી નાખ્યો. તેનો મૃતદેહ ત્યાં રસ્તામાં પડ્યો હતો. ગધેડો તથા સિંહ તે મૃતદેહની પાસે ઊભા હતા.

25જે માણસો તે રસ્તેથી પસાર થયા તેઓએ જોયું કે માર્ગમાં મૃતદેહ પડેલો છે અને તેની પાસે સિંહ ઊભો છે. અને તેઓએ નગરમાં એટલે જ્યાં વૃદ્વ પ્રબોધક રહેતો હતો ત્યાં આના વિષે વાત કરી.

26તેને માર્ગમાંથી પાછો લઈ આવનાર વૃદ્ધ પ્રબોધકે જયારે આ વિષે સાંભળ્યું ત્યારે તેણે કહ્યું, “તે તો ઈશ્વરભક્ત છે, તેણે યહોવાહની આજ્ઞાની અવગણના કરી હતી. તે માટે યહોવાહે તેને સિંહને સોંપ્યો. તેણે તેની પર હુમલો કરીને તેને મારી નાખ્યો. તે દ્વારા યહોવાહે તેને કહેલા વચન પ્રમાણે થયું.”

27પછી તેણે પોતાના પુત્રોને ગધેડા પર જીન બાંધવા માટે કહ્યું અને તેઓએ તે પ્રમાણે કર્યુ.

28તે ગયો અને તેણે જોયું કે ઈશ્વરભક્તનો મૃતદેહ માર્ગમાં પડ્યો હતો તેમ જ ગધેડો તથા સિંહ હજી પણ તેની પાસે ઊભા હતા. વળી સિંહે મૃતદેહ ખાધો ન હતો અને ગધેડા પર હુમલો પણ કર્યો ન હતો.

29પછી વૃદ્ધ પ્રબોધક ઈશ્વરભક્તના મૃતદેહને ઉપાડીને શોક કરવા અને દફનાવવા માટે ગધેડા પર મૂકીને નગરમાં લઈ આવ્યો.

30તેણે તે મૃતદેહને પોતાની કબરમાં મૂક્યો અને તેઓએ તેને માટે શોક કરતા કહ્યું કે, “હાય! ઓ મારા ભાઈ!”

31તેને દફનાવ્યા પછી, તે વૃદ્ધ પ્રબોધકે પોતાના પુત્રોને કહ્યું, “હું મરી જાઉં ત્યારે મને આ ઈશ્વરભક્તની સાથે એક જ કબરમાં દફનાવજો. મારાં હાડકાં તેના હાડકાંની બાજુમાં મૂકજો.

32કારણ કે, બેથેલની આ વેદી સામે અને સમરુન નગરમાંના ઉચ્ચસ્થાનોની સામે યહોવાહનું જે વચન તેણે પોકાર્યું હતું તે નક્કી પૂરું થશે.”

33આ ઘટના પછી પણ યરોબામે પોતાના દુષ્ટ માર્ગો છોડ્યા નહિ. પણ તેણે ઉચ્ચસ્થાનો માટે સર્વ લોકોમાંથી યાજકો ઠરાવવાનું ચાલુ રાખ્યું. જે કોઈ યાજક થવા તૈયાર થતો તેને તે ઉચ્ચસ્થાનનો યાજક ઠરાવતો.

34અને તે વાત યરોબામના કુટુંબને નાબૂદ કરવા તથા પૃથ્વીના પૃષ્ઠ પરથી તેનો નાશ કરવા સારુ તેને પાપરૂપ થઈ પડી.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath