ખ્રિસ્તી ધર્મ
પાછા

યોહાનનો પહેલો પત્ર 4

1વહાલાંઓ, દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો, પણ આત્માઓ ઈશ્વરથી છે કે નહિ એ વિષે તેઓને પારખી જુઓ; કેમ કે દુનિયામાં જૂઠાં પ્રબોધકો ઘણાં ઊભા થયા છે.

2ઈસુ ખ્રિસ્ત દેહમાં આવ્યા છે, એવું જે દરેક આત્મા કબૂલ કરે છે તે ઈશ્વરનો છે, તેથી તમે ઈશ્વરનો આત્મા ઓળખી શકો છો.

3જે આત્મા ઈસુ ખ્રિસ્ત દેહમાં આવ્યા તેવું કબૂલ કરતો નથી તે ઈશ્વરનો નથી; અને ખ્રિસ્ત-વિરોધીનો આત્મા જે વિષે તમે સાંભળ્યું કે તે આવે છે, તે એ જ છે અને તે હમણાં પણ દુનિયામાં છે.

4તમે બાળકો, ઈશ્વરનાં છો અને તમે તેવા આત્માઓ પર વિજય પામ્યા છો, કેમ કે જે જગતમાં છે તે કરતાં જે તમારામાં છે તે મહાન છે.

5તેઓ જગતના છે, એ માટે તેઓ જગત વિષે બોલે છે અને જગત તેઓનું સાંભળે છે.

6આપણે ઈશ્વરના છીએ; જે ઈશ્વરને ઓળખે છે તે આપણું સાંભળે છે; જે ઈશ્વરનો નથી તે આપણું સાંભળતો નથી; એથી આપણે સત્યનો આત્મા તથા ભમાવનાર આત્મા વચ્ચેના તફાવતને પારખી શકીએ છીએ.

7ભાઈ-બહેનો, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ, કેમ કે પ્રેમ ઈશ્વરથી છે, અને દરેક જે પ્રેમ કરે છે તે ઈશ્વરથી જન્મેલો છે અને ઈશ્વરને તે ઓળખે છે.

8જે પ્રેમ કરતો નથી, તે ઈશ્વરને ઓળખતો નથી, કેમ કે ઈશ્વર પ્રેમ છે.

9ઈશ્વરે પોતાના એકાકીજનિત પુત્રને દુનિયામાં એ માટે મોકલ્યા, કે તેમનાંથી આપણે જીવીએ. એ દ્વારા આપણા પર ઈશ્વરનો પ્રેમ પ્રગટ થયો,

10આપણે ઈશ્વર પર પ્રેમ રાખ્યો, એમાં પ્રેમ નથી, પણ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના પુત્રને આપણાં પાપનું પ્રાયશ્ચિત બનવા મોકલી આપ્યા એમાં પ્રેમ છે.

11વહાલાઓ, જો ઈશ્વરે આપણા પર એવો પ્રેમ કર્યો, તો આપણે પણ એકબીજા પર પ્રેમ રાખવો જોઈએ.

12કોઈએ ઈશ્વરને કદી જોયા નથી; જો આપણે એકબીજા પર પ્રેમ કરીએ તો ઈશ્વર આપણામાં રહે છે અને તેમનો પ્રેમ આપણામાં સંપૂર્ણ થયેલો છે.

13તેમણે પોતાના પવિત્ર આત્માનું દાન આપણને આપ્યું છે, તે પરથી આપણે જાણીએ છીએ કે આપણે તેમનાંમાં રહીએ છીએ અને તે આપણામાં રહે છે.

14અમે જોયું છે અને સાક્ષી આપીએ છીએ, કે પિતાએ પુત્રને માનવજગતના ઉદ્ધારકર્તા થવા મોકલ્યા છે.

15જે કોઈ કબૂલ કરે છે કે ઈસુ ઈશ્વરના પુત્ર છે, તેનામાં ઈશ્વર રહે છે અને તે ઈશ્વરમાં રહે છે.

16ઈશ્વરનો જે પ્રેમ આપણા પર છે તે આપણે જાણીએ છીએ, અને તે પર વિશ્વાસ કર્યો છે. ઈશ્વર પ્રેમ છે. જે પ્રેમમાં રહે છે તે ઈશ્વરમાં રહે છે અને ઈશ્વર તેનામાં રહે છે.

17એથી આપણામાં પ્રેમ સંપૂર્ણ થયો છે, કે ન્યાયકાળે આપણને હિંમત પ્રાપ્ત થાય, કેમ કે જેવા તે છે, તેવા આપણે પણ આ જગતમાં છીએ.

18પ્રેમમાં ભય નથી, પણ પૂર્ણ પ્રેમ ભયને દૂર કરે છે, કેમ કે ભયમાં શિક્ષા છે. અને જે ભયભીત છે તે પ્રેમમાં સંપૂર્ણ થયેલો નથી.

19આપણે પ્રેમ રાખીએ છીએ, કેમ કે પહેલાં ઈશ્વરે આપણા પર પ્રેમ રાખ્યો.

20જો કોઈ કહે કે, હું ઈશ્વર પર પ્રેમ રાખું છું, પણ પોતાના ભાઈ પર દ્વેષ કરે છે, તો તે જૂઠો છે, કેમ કે પોતાના ભાઈને તેણે જોયો છે, છતાંય તેના પર જો તે પ્રેમ કરતો નથી, તો ઈશ્વરને જેને તેણે કદી જોયા નથી તેમના પર તે પ્રેમ રાખી શકતો નથી.

21જે ઈશ્વર પર પ્રેમ રાખે છે, તેણે પોતાના ભાઈ પર પણ પ્રેમ રાખવો જોઈએ, એવી આજ્ઞા તેમના તરફથી આપણને મળી છે.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath