ખ્રિસ્તી ધર્મ
પાછા

કરિંથીઓને પહેલો પત્ર 4

1દરેક માણસે અમને ખ્રિસ્તનાં સેવકો તથા ઈશ્વરના મર્મોને પ્રગટ કરનારા કારભારીઓ માનવા.

2વળી દરેક કારભારીએ વિશ્વાસુ થવું એ ખૂબ જ જરૂરનું છે.

3પણ તમે કે બીજા માણસો મારો ન્યાય કરો, એ વિષે મને કંઈ ચિંતા નથી; વળી હું પોતે પણ પોતાનો ન્યાય કરતો નથી.

4કેમ કે મને પોતાનામાં કશો દોષ દેખાતો નથી, પણ એથી હું ન્યાયી ઠરતો નથી; પણ મારો ન્યાય કરનાર તો પ્રભુ છે.

5માટે તમે સમય અગાઉ, એટલે પ્રભુ આવે ત્યાં સુધી, કંઈ ન્યાય ન કરો; તેઓ અંધકારની છૂપી બાબતોને જાહેર કરશે, અને હૃદયોના ગુપ્ત ઇરાદા પ્રગટ કરશે; તે સમયે દરેકની પ્રશંસા ઈશ્વર તરફથી થશે.

6ભાઈઓ, મેં એ વાતો તમારે સારુ ઉદાહરણ તરીકે મને પોતાને તથા આપોલસને લાગુ પાડી છે, જેથી તમે અમારાથી એવું શીખો કે જે લખવામાં આવ્યું છે તેની હદ ઓળંગવી નહિ અને એકના પક્ષમાં રહીને બીજાની વિરુદ્ધ કોઈ બડાઈ કરે નહિ.

7કેમ કે કોણ તમારામાં ભેદ પાડે છે? તારી પાસે એવું શું છે જે તેં મફત પ્રાપ્ત કર્યું નથી? જો તેં મફતમાં પ્રાપ્ત કર્યું છે તો જાતે મેળવ્યું હોય તેમ અભિમાન કેમ કરે છે?

8તમે ક્યારનાયે સંતુષ્ટ થઈ ગયા છો, અને દ્રવ્યવાન પણ થઈ ગયા છો. અમારા વિના તમે રાજ કરવા લાગ્યા છો. અમારી પણ ઇચ્છા એ છે કે તમે રાજ કરો કે, જેથી અમે પણ તમારી સાથે રાજ કરીએ.

9માટે હું વિચારું છું કે, ઈશ્વરે અમો પ્રેરિતોને જાણે કે છેલ્લાં મરણદંડ પામનારા હોય એવા બતાવ્યા છે; કેમ કે અમે વિશ્વની, સ્વર્ગદૂતોની તથા માણસોની આગળ તમાશા જેવા ખુલ્લાં થયા છીએ.

10ખ્રિસ્તને માટે અમે મૂર્ખ, પણ તમે ખ્રિસ્તમાં બુદ્ધિમાન; અમે નિર્બળ પણ તમે બળવાન; અને તમે માન પામનારા, પણ અમે અપમાન પામનારા થયા છીએ.

11અત્યાર સુધી અમે ભૂખ્યા, તરસ્યા તથા વસ્ત્રો વિનાના છીએ, સતાવણી સહન કરીએ છીએ અને ઘરબાર વિનાના છીએ.

12અમે હાથે કામ અને મહેનત કરીએ છીએ; નિંદા પામવા છતાં અમે આશીર્વાદ આપીએ છીએ; સતાવણી સહન કરીએ છીએ;

13તિરસ્કૃત હોવા છતાંય વિનંતી કરીએ છીએ; અમે હજી સુધી માનવજગતથી ધિક્કાર પામેલા તથા કચરા જેવા છીએ.

14હું તમને શરમાવવા માટે આ વાતો લખતો નથી; પણ તમને મારાં પ્રિય બાળકો સમજીને શિક્ષણ આપું છું.

15જોકે તમને ખ્રિસ્તમાં દસ હજાર શિક્ષકો હોય, તોપણ તમને ઘણાં પિતા નથી; કેમ કે ખ્રિસ્ત ઈસુમાં, સુવાર્તાદ્વારા હું તમારો પિતા થયો છું.

16તેથી હું તમને વિનંતી કરું છું કે, તમે મારા અનુયાયીઓ થાઓ.

17મેં તિમોથીને તમારી પાસે મોકલ્યો છે, તે ખ્રિસ્તમાં મારો પ્રિય તથા વિશ્વાસુ પુત્ર છે. જેમ હું દરેક જગ્યાએ સર્વ વિશ્વાસી સમુદાયોમાં શીખવું છું તેમ તે ખ્રિસ્તમાં મારા માર્ગો વિષે તમને સ્મરણ કરાવશે.

18જાણે હું તમારી પાસે પાછો આવવાનો ન હોઉં, એવું સમજીને તમારામાંનાં કેટલાક અભિમાની થઈ ગયા છે.

19પણ પ્રભુની ઇચ્છા હશે, તો હું તમારી પાસે વહેલો આવીશ, અને અભિમાનીઓનું બોલવું નહિ, પણ તેઓનું સામર્થ્ય જોઈ લઈશ.

20કેમ કે ઈશ્વરનું રાજ્ય બોલવામાં નહિ, પણ સામર્થ્યમાં છે.

21તમારી શી ઇચ્છા છે? હું તમારી પાસે સોટી લઈને આવું, કે પ્રેમભાવે તથા નમ્રભાવે આવું?

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath