ખ્રિસ્તી ધર્મ
પાછા

કરિંથીઓને પહેલો પત્ર 3

1ભાઈઓ, જેમ આત્મિક મનુષ્યોની સાથે વાત કરતો હોઉં તેવી રીતે તમારી સાથે હું વાત કરી શક્યો નહિ, પણ સાંસારિકોની સાથે, એટલે ખ્રિસ્તમાં બાળકોની સાથે વાત કરતો હોઉં તેવી રીતે મેં તમારી સાથે વાત કરી.

2મેં તમને દૂધથી પોષ્યા છે, ભારે ખોરાકથી નહિ; કેમ કે તમે ભારે ખોરાક ખાવાને સમર્થ ન હતા, અને હમણાં પણ સમર્થ નથી.

3કેમ કે તમે હજી સાંસારિક છો. કેમ કે તમારામાં અદેખાઈ તથા ઝઘડા છે, માટે શું તમે સાંસારિક નથી, અને સાંસારિક માણસોની માફક વર્તતા નથી?

4કેમ કે જયારે તમારામાંનો એક કહે કે, ‘હું પાઉલનો છું,’ અને બીજો કહે છે કે ‘હું આપોલસનો છું,’ ત્યારે તમે સાંસારિક માણસોની જેમ વર્તન કરતા નથી?

5તો આપોલસ કોણ છે? અને પાઉલ કોણ છે? જેમ પ્રભુએ તેઓ દરેકને સેવાકાર્ય આપ્યું છે તે પ્રમાણે તેઓ જીવંત ઈશ્વરના સેવકો જ છે, જેઓનાં દ્વારા તમે વિશ્વાસ કર્યો.

6મેં તો માત્ર રોપ્યું, અને આપોલસે પાણી પાયું, પણ ઈશ્વરે તેને ઉગાવ્યું અને વૃદ્ધિ આપી.

7માટે સિંચનાર પણ કોઈ નથી; અને રોપનાર કોઈ નથી; વૃદ્ધિ આપનાર ઈશ્વર તે જ સર્વસ્વ છે.

8રોપનાર તથા સિંચનાર એક છે; પણ દરેકને તેની મહેનત પ્રમાણે બદલો મળશે.

9કેમ કે અમે ઈશ્વર ના સેવકો તરીકે સાથે કામ કરનારા છીએ; તમે ઈશ્વરની ખેતી, ઈશ્વરની ઇમારત છો.

10ઈશ્વરની મારા પર થયેલી કૃપા પ્રમાણે કુશળ સ્થાપિત તરીકે મેં પાયો નાખ્યો છે; અને તેના પર કોઈ બીજો બાંધે છે. પણ પોતે તેના પર કેવી રીતે બાંધે છે તે વિષે દરેકે સાવધ રહેવું.

11કેમ કે જે નંખાયેલો પાયો છે તે તો ઈસુ ખ્રિસ્ત છે. તેમના સિવાય બીજો પાયો કોઈ નાખી શકતું નથી.

12પણ જો આ પાયા પર બાંધનાર કોઈ સોનું, ચાંદી, અમૂલ્ય પથ્થર, લાકડું કે, પરાળનો ઉપયોગ કરે,

13તો દરેકનું કામ કેવું છે તે ખુલ્લું કરવામાં આવશે; કેમ કે તે દિવસ તેને ઉઘાડું પાડશે, અગ્નિથી તે પ્રગટ કરવામાં આવશે; અને દરેકનું કામ કેવું છે તે અગ્નિ જ પારખશે.

14જે કોઈએ તે પાયા પર બાંધકામ કર્યું હશે, તે જો ટકી રહેશે તો તે બદલો પામશે.

15જો કોઈનું કામ બળી જશે, તો તેને નુકસાન થશે; તોપણ તે જાતે જાણે કે અગ્નિમાંથી બચેલા જેવો થશે.

16તમે ઈશ્વરનું ભક્તિસ્થાન છો, અને તમારામાં ઈશ્વરનો પવિત્ર આત્મા વાસ કરે છે, એ શું તમે નથી જાણતા?

17જો કોઈ ઈશ્વરના સભાસ્થાનનો નાશ કરે, તો ઈશ્વર તેનો નાશ કરશે; કેમ કે ઈશ્વરનું આ ભક્તિસ્થાન તે તો પવિત્ર છે, અને તે ભક્તિસ્થાન તમે છો.

18કોઈ પોતે પોતાને છેતરે નહિ. જો આ જમાનામાં તમારામાંનો કોઈ પોતાને જ્ઞાની માનતો હોય, તો જ્ઞાની થવા માટે તેણે મૂર્ખ થવું જરૂરી છે.

19કેમ કે આ જગતનું જ્ઞાન ઈશ્વરની આગળ મૂર્ખતારૂપ છે; કેમ કે લખેલું છે કે, પ્રભુ કહેવાતા જ્ઞાનીઓને તેઓની જ ચતુરાઈમાં પકડી પાડે છે.

20અને વળી, પ્રભુ જાણે છે કે જ્ઞાનીઓના વિચાર વ્યર્થ છે.

21તો કોઈ પણ માણસે માણસો વિષે અભિમાન ન કરવું, કેમ કે ઈશ્વરે તમને બધું આપેલું છે.

22પાઉલ, આપોલસ, કેફા, સૃષ્ટિ, જીવન, મરણ, વર્તમાનની કે ભવિષ્યની બાબતો; એ બધું તમારું જ છે;

23તમે ખ્રિસ્તનાં છો; અને ખ્રિસ્ત ઈશ્વરના છે.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath