ખ્રિસ્તી ધર્મ
પાછા

કરિંથીઓને પહેલો પત્ર 10

1મારા ભાઈઓ, હું ઇચ્છતો નથી કે તમે આ બાબત વિષે અજાણ્યા રહો કે, આપણા સર્વ પૂર્વજો વાદળાં ની છાયા નીચે સમુદ્રમાં થઈને પાર ગયા;

2તેઓ સર્વ મૂસાના અનુયાયી થવાને વાદળમાં તથા સમુદ્રમાં બાપ્તિસ્મા પામ્યા;

3સર્વએ એક જ આત્મિક અન્ન ખાધું,

4તેઓ સર્વએ એક જ આત્મિક પાણી પીધું; કેમ કે તેમની પાછળ ચાલનાર આત્મિક ખડકનું પાણી તેઓએ પીધું; તે ખડક તો ખ્રિસ્ત હતા.

5પણ તેઓમાંના કેટલાક પર ઈશ્વર પ્રસન્ન નહોતા, માટે તેઓ અરણ્યમાં માર્યા ગયા.

6જેમ તેઓ દુષ્ટ વસ્તુઓની વાસના રાખનાર હતા તેવા આપણે ન થઈએ, તે માટે આ વાતો આપણે સારુ ચેતવણીરૂપ હતી.

7જેમ તેઓમાંના કેટલાક મૂર્તિપૂજક થયા, તેવા તમે ન થાઓ; લખેલું છે કે, લોક ખાવાપીવા બેઠા, અને ઊઠીને નાચવા લાગ્યા.

8જેમ તેઓમાંના કેટલાકે વ્યભિચાર કર્યો, અને એક દિવસમાં ત્રેવીસ હજાર માર્યા ગયા, એવું આપણે ન કરીએ.

9જેમ તેઓમાંના કેટલાકે ખ્રિસ્તની કસોટી કરી. અને સર્પોથી નાશ પામ્યા, તેમ આપણે ઈશ્વરની કસોટી કરીએ નહિ.

10વળી જેમ તેઓમાંના કેટલાકે કચકચ કરી, અને સંહારકે તેમનો સંહાર કર્યો એવી કચકચ તમે ન કરો.

11હવે તે સર્વ તેઓના પર આવી પડ્યું તે તો આપણને સમજે તે માટે થયું; જેઓનાં પર યુગોનો અંત આવી લાગ્યો છે એવો બોધ આપણને મળે તેને સારુ તે લખવામાં આવ્યું છે.

12માટે જે કોઈ પોતાને સ્થિર ઊભેલો સમજે છે, તે પોતે પડે નહિ માટે સાવચેત રહે.

13માણસ સહન ન કરી શકે એવું કોઈ પરીક્ષણ તમને થયું નથી. વળી ઈશ્વર વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ; પણ તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે.

14એ માટે, મારા પ્રિયજનો, મૂર્તિપૂજાથી નાસી જાઓ.

15તમને સમજુ માણસો સમજીને, હું એ તમને કહું છું, તમે મારી વાતનો વિચાર કરો.

16આશીર્વાદનાં જે પ્યાલા પર આપણે આશીર્વાદ માગીએ છીએ, તે શું ખ્રિસ્તનાં રક્તમાં સાથે મળીને ભાગ નથી લેતાં? આપણે જે રોટલી ભાંગીએ છીએ, તે શું ખ્રિસ્તનાં શરીરમાં સાથે મળીને ભાગ નથી લેતાં?

17રોટલી એક જ છે, માટે આપણે ઘણાં છતાં એક શરીરરૂપ છીએ, કેમ કે આપણે સર્વ એક જ રોટલીના ભાગીદાર છીએ.

18જેઓ જાતિએ ઇઝરાયલી છે તેમને જુઓ; શું યજ્ઞ બલિદાનો ખાનારા યજ્ઞવેદીના સહભાગી નથી?

19તો હું શું કહું છું? કે મૂર્તિની પ્રસાદી કંઈ છે? અથવા મૂર્તિ કંઈ છે?

20ના, પણ હું કહું છું કે, વિદેશીઓ જે બલિદાન આપે છે તે તેઓ ઈશ્વરને નહિ, પણ દુષ્ટાત્માઓને આપે છે; તમે તેઓનો સંગ ના કરો, એવી મારી ઇચ્છા છે.

21તમે પ્રભુના પ્યાલા સાથે દુષ્ટાત્માઓનો પ્યાલો પી શકતા નથી; તેમ જ તમે પ્રભુના ભોજનની સાથે દુષ્ટાત્માઓનાં ભોજનના ભાગીદાર થઈ શકતા નથી.

22તો શું આપણે પ્રભુને ચીડવીએ છીએ? શું આપણે તેમના કરતાં વધારે બળવાન છીએ?

23સઘળી વસ્તુઓ ઉચિત છે; પણ સઘળી ઉપયોગી નથી. સઘળી વસ્તુઓ ઉચિત છે; પણ સઘળી ઉન્નતિકારક નથી.

24માત્ર પોતાનું જ નહિ, પણ દરેકે બીજાનું હિત જોવું.

25જે કંઈ બજારમાં વેચાય છે, તે પ્રેરકબુદ્ધિની ખાતર કંઈ પણ પૂછપરછ વગર ખાઓ;

26કેમ કે પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ પ્રભુનું છે.

27જો કોઈ અવિશ્વાસી તમને નિમંત્રણ આપે અને તમે જવા ઇચ્છતા હો, તો તમારી આગળ જે કંઈ પીરસવામાં આવે તે પ્રેરકબુદ્ધિની ખાતર કશી પૂછપરછ કર્યાં વિના ખાઓ.

28પણ જો કોઈ તમને કહે કે, તે મૂર્તિની પ્રસાદી છે, તો જેણે તે બતાવ્યું તેની ખાતર, તથા પ્રેરકબુદ્ધિની ખાતર તે ન ખાઓ.

29હું જે પ્રેરકબુદ્ધિ કહું છું, તે તારી પોતાની નહિ, પણ બીજી વ્યક્તિની કેમ કે બીજાની પ્રેરકબુદ્ધિથી મારી સ્વતંત્રતાનો ન્યાય કેમ થાય છે?

30જો હું આભારપૂર્વક તે ખાવામાં ભાગીદાર થાઉં, તો જેને સારુ હું આભાર માનું છું, તે વિષે મારી નિંદા કેમ કરવામાં આવે છે?

31માટે તમે ખાઓ કે, પીઓ કે, જે કંઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો.

32તમે યહૂદીઓને, ગ્રીકોને કે ઈશ્વરના વિશ્વાસી સમુદાયને અવરોધરૂપ ન થાઓ;

33તેઓ ઉદ્ધાર પામે માટે જેમ હું પણ સર્વ બાબતે સર્વને ખુશ રાખીને મારું પોતાનું નહિ, પણ ઘણાંનું હિત જોઉં છું, તેમ જ તમે કરો.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath