1 કાળવૃતાંત 17
1દાઉદ પોતાના મહેલમાં રહેવા ગયો, ત્યાર પછી તેણે નાથાન પ્રબોધકને કહ્યું, “જો, હું દેવદારના મહેલમાં રહું છું, પરંતુ ઈશ્વરનો કરારકોશ મંડપમાં રહે છે.”
2પછી નાથાને દાઉદને કહ્યું, “જા, તારા મનમાં જે હોય તે કર, કેમ કે ઈશ્વર તારી સાથે છે.”
3પણ તે જ રાત્રે ઈશ્વરની વાણી નાથાનની પાસે આવી,
4“જા અને મારા સેવક દાઉદને કહે કે, ‘યહોવાહ એવું કહે છે: તારે મારે માટે રહેવાનું ભક્તિસ્થાન બાંધવું નહિ.
5કેમ કે હું ઇઝરાયલને કાઢી લાવ્યો તે દિવસથી તે આજ સુધી હું ભક્તિસ્થાનમાં રહ્યો નથી. પણ એક તંબુથી તે બીજા તંબુમાં તથા એક મંડપથી તે બીજા મંડપમાં ફરતો રહ્યો છું.
6જે બધી જગ્યાઓમાં હું સર્વ ઇઝરાયલીઓ સાથે ચાલ્યો છું, ત્યાં ઇઝરાયલના જે આગેવાનોને મેં મારા લોકોનું પોષણ કરવાની આજ્ઞા આપી હતી, તેઓમાંના કોઈને મેં કદી પૂછ્યું છે કે, “મારા માટે તમે દેવદારનું ભક્તિસ્થાન કેમ બાંધ્યું નથી?”
7માટે હવે, મારા સેવક દાઉદને કહે, ‘સર્વસમર્થ યહોવાહનાં આ વચન છે: “તું ઘેટાંને ચરાવતો હતો ત્યાંથી મેં તને મારા ઇઝરાયલીઓનો ઉપરી થવા માટે બોલાવી લીધો.
8અને તું જ્યાં કહીં ગયો, ત્યાં હું તારી સાથે રહ્યો છું, તારી આગળથી તારા શત્રુઓનો મેં નાશ કર્યો છે. હવે પછી હું તને પૃથ્વીના મહાન પુરુષો જેવો વિખ્યાત બનાવીશ.
9હું મારા ઇઝરાયલી લોકોને માટે એક સ્થાન ઠરાવીને તેઓને ત્યાં ઠરીઠામ કરીશ કે જેથી તેઓ પોતાના સ્થળમાં રહે અને તેઓ મુશ્કેલીમાં ન આવે. ફરીથી તેમને કદી કોઈ ખસેડનાર નહિ હોય.
10અગાઉની માફક તથા જે સમયે મેં ન્યાયાધીશોને મારા ઇઝરાયલીઓ પર આધિપત્ય કરવાનો હુકમ કર્યો ત્યારથી થતું આવ્યું છે તેમ, હવે પછી દુષ્ટ માણસો તેમનો ક્ષય કરશે નહિ. હું તારા સર્વ શત્રુઓને વશ કરીશ. વળી હું તને કહું છું કે યહોવાહ તારું કુટુંબ કાયમ રાખશે.
11એમ થશે કે તારા દિવસો પૂરા થતાં તારે તારા પિતૃઓની સાથે જવું પડશે, ત્યારે હું તારા પછી તારા વંશજોને તારી જગ્યાએ સ્થાપિત કરીશ અને તારા વંશજોમાંથી જે રાજા થશે તેનું રાજ્ય હું કાયમ રાખીશ.
12તે મારે માટે ભક્તિસ્થાન બાંધશે અને હું તેનું રાજ્યાસન સદાકાળ રાખીશ.
13હું તેનો પિતા થઈશ અને તે મારો પુત્ર થશે. તેની પાસેથી મારા કરારનું વિશ્વાસુપણું હું લઈ લઈશ નહિ જેમ મેં તારી અગાઉના શાસક, શાઉલ પ્રત્યેથી લઈ લીધું હતું તેમ.
14હું તેને મારા ઘર તથા મારા રાજ્યમાં સદાકાળ રાખીશ અને તેનું રાજ્યાસન સદાના માટે સ્થાપીશ.”
15નાથાને દાઉદને આ સર્વ વચનોનો અહેવાલ તથા સર્વ દર્શન સંબંધી કહ્યું.
16પછી દાઉદ રાજા અંદર જઈને યહોવાહની સમક્ષ બેઠો અને બોલ્યો, “હે ઈશ્વર યહોવાહ, હું કોણ અને મારું કુટુંબ કોણ કે, તમે મને આવા ઉચ્ચસ્થાને લાવ્યા છો?
17હે ઈશ્વર એ પણ તમારી દ્રષ્ટિમાં ઓછું જણાયું, એટલે તમારા સેવકના કુટુંબ સંબંધીના ઉજળા ભાવિ વિષે તમે મને વચન આપ્યું છે. હે ઈશ્વર યહોવાહ, તમે મને ઉચ્ચ પદવીના માણસની પંક્તિમાં મૂક્યો છે.
18તમે આ તમારા સેવક દાઉદને જે માન આપ્યું છે તે વિષે તો હું વધુ શું કહું? તમે તમારા સેવકને ખાસ ઓળખો છો.
19હે યહોવાહ, તમારા સેવકની ખાતર તમારા ઉદ્દેશ પૂરા કરો, તમારા અંતઃકરણ પ્રમાણે તમે આ સર્વ મહાન કાર્યો પ્રગટ કર્યાં છે.
20હે યહોવાહ, અમારા સાંભળવા પ્રમાણે તમારા જેવા બીજા કોઈ નથી અને તમારા સિવાય અન્ય કોઈ ઈશ્વર નથી.
21પૃથ્વી પર તમારા લોક ઇઝરાયલ કે જેને તમે, ઈશ્વર, મહાન અને અદ્દભુત કૃત્યો કરીને, પોતાના નામના મહિમા સારુ મિસરમાંથી છોડાવ્યા હોય, તેના જેવી બીજી કઈ પ્રજા છે? તમારા લોક જેઓને તમે મિસરમાંથી છોડાવી લાવ્યા તેઓની આગળથી બીજી પ્રજાઓને હાંકી કાઢી.
22તમે તમારા ઇઝરાયલ લોકોને સદાને માટે તમારા પોતાના લોક ગણ્યા છે અને હે યહોવાહ, તમે તેઓના ઈશ્વર બન્યા છો.
23તેથી હવે, હે યહોવાહ, તમે તમારા સેવક તથા તેના કુટુંબ સંબંધી જે બોલ્યા છો તે પૂરું કરો.
24જેથી સદાકાળ તમારા નામનો મહિમા થાય અને લોકો કહે કે, ‘સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર છે’ હા, ઇઝરાયલના હકમાં તેઓ ઈશ્વર છે. અને તમારા સેવક દાઉદનું કુટુંબ તમારી આગળ સ્થાપિત થાઓ.
25હે મારા ઈશ્વર, તમારા આ સેવકને તમે સ્પષ્ટ કહ્યું છે કે તમે તેના કુટુંબને ટકાવી રાખશો. માટે આ તમારા સેવકે તમારી આગળ પ્રાર્થના કરવાની હિંમત કરી છે.
26હવે હે યહોવાહ, તમે જ ઈશ્વર છો અને તમે તમારા સેવકને ખાતરી દાયક વચન આપ્યું છે:
27હવે તમારા સેવકનું કુટુંબ તમારી આગળ સર્વકાળ ટકી રહે, માટે તેને આશીર્વાદ આપવાનું તમને સારું લાગ્યું. હે યહોવાહ, તમે તેને આશીર્વાદ આપ્યો છે અને તે સદાને માટે આશીર્વાદિત થયું છે.”
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath