ખ્રિસ્તી ધર્મ
પાછા

1 કાળવૃતાંત 16

1તેઓએ ઈશ્વરના કોશને અંદર લાવીને, તેને માટે દાઉદે બાંધેલા મંડપની વચ્ચે તેને મૂક્યો. તેઓએ ઈશ્વરની આગળ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવ્યાં.

2જયારે દાઉદ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવી રહ્યો, ત્યારે તેણે યહોવાહને નામે લોકોને આશીર્વાદ આપ્યો.

3તેણે ઇઝરાયલના દરેક પુરુષ તથા સ્ત્રીને, એક એક ભાખરી, માંસનો કટકો તથા સૂકી દ્રાક્ષનો એકેક ઝૂમખો વહેંચી આપ્યો.

4યહોવાહના કોશની આગળ સેવા કરવા તથા ઇઝરાયલના ઈશ્વર યહોવાહનાં ગીત ગાવા, આભાર માનવા, સ્તુતિ કરવા તથા તેમની સંમુખ ઉજવણી કરવા માટે દાઉદે કેટલાક લેવીઓને નીમ્યા.

5આસાફ આગેવાન હતો. તેનાથી ઊતરતે દરજ્જે ઝખાર્યા, યઝીએલ, શમિરામોથ, યહીએલ, માત્તિથ્યા, અલિયાબ, બનાયા, ઓબેદ-અદોમ તથા યેઈએલ હતા. તેઓ સિતાર અને વીણા વગાડતા હતા. આસાફ મોટેથી ઝાંઝ વગાડતો હતો.

6બનાયા તથા યાહઝીએલ યાજકો ઈશ્વરના કરારકોશની આગળ નિયમિત રણશિંગડાં વગાડતા હતા.

7પછી તે દિવસે દાઉદે આસાફ તથા તેના ભાઈઓની મારફતે યહોવાહની સ્તુતિ માટે નીમ્યા.

8ઈશ્વરનો આભાર માનો, તેમના નામે પ્રાર્થના કરો; લોકોમાં તેમના અદ્દભુત કાર્યો જાહેર કરો.

9તેમના ગુણગાન ગાઓ, તેમનાં સ્તુતિગાન કરો; તેમનાં સર્વ અદ્દભુત કાર્યોનું મનન કરો.

10તમે તેમના પવિત્ર નામનું ગૌરવ જાળવો; યહોવાહના ભક્તોનાં હૃદયો આનંદમાં રહો.

11યહોવાહને તથા તેમના સામર્થ્યને તમે શોધો; સદાસર્વદા તેમના મુખને શોધો.

12જે અદ્દભુત કામો તેમણે કર્યાં છે તે યાદ રાખો, તેમના ચમત્કારો તથા તેમના મુખનાં ન્યાયવચનો યાદ રાખો.

13તમે ઈશ્વરના સેવક ઇઝરાયલના વંશજો છો, તમે યાકૂબના લોકો, તેમના પસંદ કરેલા છો.

14તે આપણા ઈશ્વર, યહોવાહ છે. તેમની સત્તા સમગ્ર પૃથ્વી પર છે.

15તેમના કરાર તમે સદાકાળ યાદ રાખો, એટલે હજારો પેઢીઓ સુધી કાયમ રાખવાનું જે વચન તેમણે આપ્યું, તે યાદ રાખો.

16ઇબ્રાહિમની સાથે જે કરાર તેમણે કર્યો અને ઇસહાકની સાથે જે પ્રતિજ્ઞા તેમણે કરી.

17એ જ વચન યાકૂબને માટે નિયમ તરીકે અને ઇઝરાયલને માટે સદાકાળના કરાર તરીકે રહેશે.

18તેમણે કહ્યું, “હું તને આ કનાન દેશ આપીશ, તે તારા વારસાનો ભાગ થશે.”

19જયારે મેં આ કહ્યું ત્યારે તમે સંખ્યામાં થોડા જ હતા, તદ્દન થોડા જ અને તમે અજાણ્યા હતા.

20તેઓ એક દેશથી બીજે દેશ અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ભટક્યા કરતા હતા.

21ત્યારે ઈશ્વરે તેઓ પર કોઈને જુલમ કરવા દીધો નહિ; તેઓને લીધે તેમણે રાજાઓને શિક્ષા કરી.

22તેમણે કહ્યું, “મારા અભિષિક્તોને અડશો નહિ અને મારા પ્રબોધકોને નુકસાન પહોંચાડશો નહિ.”

23હે આખી પૃથ્વીના લોકો, યહોવાહના ગુણગાન કરો; દિનપ્રતિદિન તેમના તારણને જાહેર કરો.

24રાષ્ટ્રોમાં તેમનો મહિમા પ્રગટ કરો. સર્વ દેશજાતિઓમાં તેમનાં અદ્દ્ભુત કાર્યો જાહેર કરો.

25કેમ કે યહોવાહ મહાન છે તથા અતિ વિશેષ સ્તુતિપાત્ર છે, અને બીજા દેવો કરતાં તેઓનું ભય રાખવું યોગ્ય છે.

26કેમ કે લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે, પણ યહોવાહે તો આકાશો બનાવ્યાં છે.

27તેમની સંમુખ ગૌરવ તથા મહિમા છે. તેમના ભક્તિસ્થાનમાં સામર્થ્ય તથા આનંદ છે.

28હે લોકોનાં કુળો, તમે યહોવાહને, હા, યહોવાહને જ, ગૌરવ તથા સામર્થ્યનું માન આપો.

29યહોવાહના નામને ઘટિત ગૌરવ આપો. અર્પણ લઈને તેમની હજૂરમાં આવો. પવિત્ર વસ્ત્રો ધારણ કરીને યહોવાહની આગળ નમો.

30સમગ્ર પૃથ્વી તેમની સમક્ષ ધ્રૂજે. જગત પણ એવી રીતે સ્થપાયેલું છે કે, તેને હલાવી શકાય તેમ નથી.

31આકાશો આનંદ કરે તથા પૃથ્વી હરખાય; વિદેશીઓ મધ્યે એવું કહેવાય કે, “યહોવાહ રાજ કરે છે.”

32સમુદ્ર તથા તેમા જે છે તે ગર્જના કરે છે. ખેતરો તથા તેઓમાં જે છે, તે સર્વ ઉત્સાહ કરે છે.

33પછી જંગલનાં વૃક્ષો યહોવાહની આગળ હર્ષનાદ કરશે, કેમ કે તેઓ પૃથ્વીના લોકોનો ન્યાય કરવા આવે છે.

34યહોવાહનો આભાર માનો, કેમ કે તેઓ કૃપાળુ છે, કેમ કે તેમનું વિશ્વાસુપણું સદાકાળ રહે છે.

35બોલો, “હે અમારા ઉદ્ધારનાર ઈશ્વર અમારો ઉદ્ધાર કરો. બીજી પ્રજાઓથી અમારી રક્ષા કરો અને અમને એકત્રિત કરો, કે જેથી અમે તમારા પવિત્ર નામનો આભાર માનીએ અને તમારી સ્તુતિ ગાઈએ.”

36ઇઝરાયલના ઈશ્વર, યહોવાહ અનાદિકાળથી તે અનંતકાળ માટે સ્તુત્ય થાઓ. પછી સર્વ લોકોએ “આમીન” કહીને યહોવાહની સ્તુતિ કરી.

37ત્યાર પછી દાઉદે ત્યાં યહોવાહના કરારકોશની સેવા કરવા માટે આસાફની તથા તેના ભાઈઓની, કોશની આગળ રોજના કામની જરૂરિયાત પ્રમાણે નિત્ય સેવા માટે નિમણૂક કરી.

38તેમ જ યદૂથૂનનો પુત્ર ઓબેદ-અદોમ તથા હોસા અને તેઓના અડસઠ સંબંધીઓને દ્વારપાળો તરીકે નીમ્યા.

39સાદોક યાજકને તથા તેના સાથી યાજકોને ગિબ્યોનમાંના ઘર્મસ્થાનોમાં યહોવાહના મંડપની સેવા માટે પસંદ કર્યો.

40યહોવાહે, ઇઝરાયલને ફરમાવેલા નિયમશાસ્ત્રમાં જે સર્વ લખેલું છે, તે પ્રમાણે દરરોજ સવારે તથા સાંજે દહનીયાર્પણની વેદી પર યહોવાહને દહનીયાર્પણો ચઢાવવા માટે તેઓને નીમ્યા.

41તેઓની સાથે તેણે હેમાન તથા યદૂથૂન તથા બાકીના પસંદ કરેલા અન્યો કે જેઓ નામવાર નોંધાયેલા હતા, તેઓને યહોવાહ કે જેમની કરુણા સર્વકાળ સુધી ટકે છે તેમની આભારસ્તુતિ કરવા માટે નીમ્યા.

42હેમાન તથા યદૂથૂનને ગીતોને માટે રણશિંગડાં, ઝાંઝ તથા અન્ય વાજિંત્રો આપવામાં આવ્યાં. યદૂથૂનના પુત્રોને દ્વારપાળોનું કામ સોંપવામાં આવ્યું હતું.

43પછી સર્વ લોકો પાછા પોતપોતાને ઘરે ગયા અને દાઉદ પોતાના કુટુંબનાં માણસોને આશીર્વાદ આપવા માટે પોતાના મહેલમાં પાછો ગયો.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath